Hu Taari Yaad ma 2 -33 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૩૩)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૩૩)

આજે વંશિકા પહેલીવાર મારી અંદર રહેલા બાળકને મળી હતી. હું જે રીતે મહર્ષ સાથે રમતો હતો એમાં મારી અંદર રહેલું બાળક ફરીવાર પોતાના બાળપણનું જીવન જીવી રહ્યું હતું. થોડીવાર મહર્ષ સાથે રમીને હું થાકી ગયો હતો અને હવે મારે આરામની જરૂર હતી. અવી અને વિકી બીજા છોકરાઓ સાથે રમતા હતા અને વાતો કરતા હતા. હું વંશિકાની બાજુમાં આવીને બેઠો.
વંશિકા :- કેમ મિ. રુદ્ર થાકી ગયા ?
હું :- હા યાર, થોડો થાક લાગ્યો પણ મારે દર વખતે મહર્ષ સાથે આમ રમવાનું હોય છે એટલે મને આદત પડી ગઈ છે.
વંશિકા :- ખરેખર આજે તમારી અંદર રહેલું બાળક આજે બહાર આવી ગયું. આજે મને પહેલીવાર લાગ્યું કે એક મેચ્યોર લેખકની અંદર એક બાળક પણ વસે છે. મે તમને આજ સુધી આવીરીતે ક્યારેય નથી જોયા.
હું :- મેડમ, માણસની પર્સનાલિટી અલગ અલગ હોય છે. અહીંયા આવીને અમે બાળક બની જઈએ છીએ અને પોતાની મેચ્યોરિટી સાઈડમાં મૂકી દઈએ છીએ.
વંશિકા :- સાચી વાત છે તમારી રુદ્ર. ખરેખર અહીંયા આવીને હું આજે ખૂબ ખુશ છું. મને અહીંયા બહુ ગમી ગયું છે. મને એવી ઈચ્છા થાય છે કે હું અહીંયા આ બાળકો સાથે વસી જાઉં અને એમની સાથે બાળક બનીને રહું.
હું :- અચ્છા, સરસ તો ચાલો હવે તમારો વારો અમે પણ જોઈએ તમારી અંદર કેટલું નાનું બાળક રહેલું છે.
વંશિકા :- બસ મારી મજાક ના ઉડાવશે મને શરમ આવે છે.
હું :- બધી જગ્યાએ શરમાવવાનું ના હોય મેડમ. ચાલો આપણે ગેમ રમીએ બાળકો સાથે.
વંશિકા :- અચ્છા શું ગેમ રમીશું ?
હું :- ચાલો હું સમજાવું છું.
મે અવિ અને વિકીને બોલાવ્યા અને બીજા બાળકોને પણ બોલાવ્યા અને જણાવ્યું કે આપણે બધા હવે એક ગેમ રમીશું. હું જે રમત વિશે સમજાવી રહ્યો હતો તે બધા લોકો જાણતા હતા. મેં બધા છોકરાઓને રાઉન્ડમાં બેસાડ્યા અને સાથે અવિ, વિકી અને વંશિકાને પણ સાથે બેસાડ્યા. બધા લોકો રાઉન્ડમાં બેસી ગયા હતા. મે બધાને જણાવ્યું કે હું મારા મોબાઈલમાં મ્યુઝિક વગાડીશ અને તમારે બધે બોલ એકબીજાના હાથમાં આપીને પાસ કરવાનો છે. હું મ્યુઝિક બંધ કરીશ એટલે જેના હાથમાં બોલ હશે તે આઉટ ગણાશે અને તે ગેમમાંથી બહાર નીકળીને મારી પાસે બેસી જશે. બધા લોકો આ ગેમ વિશે જાણતા હતા અને રમવા માટે તૈયાર થઈ ગયા હતા. હું પાછળ ફરીને બેસી ગયો અને મ્યુઝિક સ્ટાર્ટ કર્યું. બધા લોકો બોલ એકબીજાના હાથમાં પાસ કરવા લાગ્યા. મે પહેલીવાર મ્યુઝિક સ્ટોપ કર્યું અને એક છોકરો આઉટ થયો અને મારી બાજુમાં આવીને બેસી ગયો. અમારી રમત આગળ ચાલવા લાગી અને ધીરે ધીરે આઉટ થયેલા ખેલાડીઓ મારી પાસે આવીને બેસવા લાગતા. થોડીવારમાં અવિ મારી પાસે આવીને બેઠો. થોડીવાર પછી વિકિનો નંબર પર લાગી ગયો પણ વંશિકા હજુ સુધી રમતમાં આગળ હતી. રમત હજુ ચાલુ હતી અને ધીરે ધીરે બધા ખેલાડીઓ આઉટ થઈને મારી પાસે બેસતા હતા. હવે લાસ્ટમાં ફક્ત બે ખેલાડીઓ બચ્યા હતા જે બંને મારા મનપસંદ ખેલાડીઓ હતા. એક હતી વંશિકા અને બીજો હતો મહર્ષ. મેં ફરીવાર મ્યુઝિક સ્ટાર્ટ કર્યું અને આ વખતે મે મ્યુઝિક થોડા વધુ સમય સુધી વગાડ્યું હતું. મેં અચાનક મ્યુઝિક બંધ કર્યું અને તે સમયે બોલ હવે મહર્ષના હાથમાં હતો અને તરત મહર્ષે પોતાના હાથમાંથી બોલ છોડી દીધો અને વંશિકાને આપી દીધો હતો એટલે હવે જ્યારે મ્યુઝિક બંધ થયું ત્યારે બોલ વંશિકાના હાથમાં રહી ગયો હતો. હવે આ રમતનો વિજેતા મહર્ષ બની ચૂક્યો હતો. મેં પાછળ ફરીને જોયું બોલ વંશિકાના હાથમાં હતો અને મહર્ષ ખુશીથી ઊછળી રહ્યો હતો કારણકે તે વિજેતા બન્યો હતો. મહર્ષિની ખુશી જોઈને વંશિકા પણ ખુશ થઈ રહી હતી. વંશિકાએ મહર્ષને પોતાની છાતી પર બાથ ભીડીને પોતાના હૃદય પાસે સમાવી લીધો અને પ્રેમથી ગાલ પર એક મીઠું ચુંબન આપ્યું. હવે વંશિકાએ મહર્ષને તેડી લીધો અને ગોળ ગોળ ફેરવવા લાગી અને બંને લોકો મસ્તી કરવા લાગ્યા. હવે હું વંશિકાની અંદર રહેલું બાળપણ જોઈ રહ્યો હતો. અમારી રમત અહીંયા પૂરી થઈ અને ઘણો સમય થઈ ગયો હતો. મે ઘડિયાળમાં નજર કરી સાંજના ૪:૧૫ મિનિટ થઈ ગઈ હતી એટલે બાળકોનો સ્નેક્સનો ટાઈમ થઈ ગયો હતો. અવી અને વિકીને મે જણાવ્યું કે સ્નેક્સનો ટાઈમ થઈ ગયો છે અને તે લોકો મારી વાત સમજી ગયા. અવી અને વિકી બહાર ગયા અને થોડીવારમાં અમે લાવેલા સ્નેક્સના પેકેટ્સ અંદર લઈને આવ્યા. રમત રમી રમીને બાળકો થકી ગયા હતા એટલે ચોક્કસ ભૂખ લાગી હતી. અમે લોકોએ બાળકોને અમારી આજુબાજુમાં રાઉન્ડ કરીને બેસાડી દીધા અને અમે લાવેલા સ્નેક્સ એમણે વહેંચવા લાગ્યા. બધા સ્નેક્સ અમે વહેંચી દીધા અને બાળકો પોતાના સ્નેક્સ એન્જોય કરવા લાગ્યા. વંશિકા અમુકવાર બધા બાળકોને પોતાના હાથેથી સ્નેક્સ ખવડાવી હતી જે જોઈને મને ખૂબ સારું લાગતું હતું. 
બાળકોનો સ્નેક્સ ટાઈમ હવે પૂરો થઈ ગયો હતો અને સાંજના ૫:૦૦ વાગી ગયા હતા એટલે અમારે લોકોએ પણ ઘરે જવાનું હતું. અમે લોકો બાળકોને મળીને બાય બાય કહેવા લાગ્યા. હું જ્યારે રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે મહર્ષ પાછળથી આવીને મને છોટી ગયો હતો અને રડતા રડતા મને કહેવા લાગ્યો. "અંકલ, રોકાઈ જાવ ને મને તમારા વગર નહીં ગમે. તમે અહીંયા જ રોકાઈ જાવ."
મહર્ષને આવીરીતે રડતા જોઈને બીજા બાળકો પણ આવીને ચીપકી ગયા. મહર્ષને આવીરીતે રડતા જોઈને મારી આંખો ભીની થઈ જતી હતી કારણકે ઘણીવાર મહર્ષ આવીરીતે મને રોકીને રડતો હતો અને હું એને પ્રેમથી માથે હાથ ફેરવતો અને હું આવતા રવિવારે ફરીવાર આવીશ એવું વચન આપીને તેને છાનો રાખતો હતો. આ વખતે પણ મારી આંખો ભીની થઈ રહી હતી અને વંશિકાએ મારી આંખોની ભીનાશ પારખી લીધી હતી. મારી આંખમાં આંસુ આવવાની તૈયારી હતી અને વંશિકા આ વાત સારીરીતે સમજી ગઈ હતી. હવે વંશિકા આગળ આવી અને તેને પ્રેમથી મહર્ષને પોતાની બાહોમાં લીધો. વંશિકા મહર્ષને પીઠ પાછળ હાથ ફેરવવા લાગી અને તેના કપાળ અને માથા પર ચુંબન કરવા લાગી અને કહ્યું. " બેટા અમે ફરીવાર આવીશું અને તમારા માટે બહુ બધું ચોકોલેટ પણ લેતા આવશું પણ એના માટે અત્યારે અંકલને જવું પડશે ને. અંકલ અત્યારે જશે ત્યારે તો ફરીવાર તમને મળવા આવી શકશે અને બહુ બધું ચોકોલેટ લેતા આવશે. મહર્ષ તું ખૂબ ડાહ્યો છોકરો છે અને તારા ફ્રેન્ડ્સ પણ કેટલા ડાહ્યા છે. તમે લોકો કેટલા ડાહ્યા છોકરાઓ છો અને ડાહ્યા છોકરાઓ ક્યારેય રડતા નથી એટલે તમે રડવાનું બંધ કરો ચાલો અને બધા અહીંયા મારી પાસે આવો. અમે લોકો ફરીવાર આવીશું અને આવીરીતે તમારી સાથે રમીશું અને ચોકલેટ્સ પણ લાવીશું."
બધા બાળકો વંશિકાને આવીને વીંટી ગયા હતા અને હવે છાના રહી ગયા હતા કારણકે વંશિકાએ બધાને ફરીવાર આવીને ચોકલેટ્સ ખવડાવવાનું પ્રોમિસ કર્યું હતું. બાળકોને ગુડબાય કહીને અમે લોકો ગાર્ડિયન પાસે ગયા અને અમને અહીંયા આવીને બાળકો સાથે સમય વિતાવવાની તક આપવા માટે અમે લોકોએ એમનો આભાર માન્યો અને અમે લોકો અનાથાશ્રમના ગેટની બહાર નીકળ્યા. બહાર નીકળીને હું ફરીવાર ગેટ પાસે ઉભો રહી ગયો અને ગેટને જોવા લાગ્યો. ગેટને જોઈને મને મારું બાળપણ યાદ આવી રહ્યું હતું અને મારી પરિસ્થિતિ યાદ આવી રહી હતી. એક સમયે હું પણ આ બાળકોમાંનો એક હતો અને એવીરીતે પોતાનું જીવન વિતાવ્યું હતું. આજે જેવીરીતે અમે લોકો બાળકોને મળવા જતા હતા તે સમયે અમને મળવા માટે બીજા લોકો આવતા હતા અને જ્યારે તે લોકો જતા હતા ત્યારે અમને પોતાના પ્રેમની હુંફ આપીને જતા હતા. અમે લોકો પણ આવીરીતે રડતા રડતા એમને રોકવાનો પ્રયત્ન કરતા હતા અને એમની સાથે જવાની જીદ કરતા હતા. એક સમયે મહર્ષિની જગ્યાએ હું હતો એવું વિચારીને હું ગેટની સામે જોઈ રહ્યો હતો અને મારી આંખો ભીની થઈ ગઈ હતી. અચાનક મારા ખભા પર કોઈએ હાથ મૂક્યો અને હું મારા ભૂતકાળમાંથી બહાર આવ્યો. મે મારી ભીની થયેલી આંખોપર પોતાની આંગળી ફેરવીને થોડી ચોખ્ખી કરી અને પાછળ ફરીને જોયું. તે હાથ વંશિકાનો હતો અને હું વંશિકાની સામે ફર્યો. વંશિકા મારી આંખોમાં આંખો નાખીને જોઈ રહી હતી. વંશિકા મારી આંખો વાચી રહી હતી અને મારા મનમાં શું ચાલી રહ્યું છે તે પણ સમજી રહી હતી. તેને પોતાનો હાથ મારી આંખો પર મૂક્યો અને મારી ભીની થયેલી આંખો પર ફેરવીને મારા આંસુ લૂછ્યા અને બોલી. " રુદ્ર, મને ખબર છે તમારા મન પર શું વીતી રહી છે પણ તે તમારો ભૂતકાળ હતો. આઈ એમ ઓલ્વેસ વિથ યુ." વંશિકા આટલું બોલીને ચુપ થઈ ગઈ. વંશિકાના આટલા શબ્દોથી મારામાં ઘણી હિંમત આવી ગઈ હતી. આપણી આજુબાજુ ઘણા બધા લોકો હોય છે છતાં પણ આપણે ક્યારેક દુઃખી હોય ત્યારે કોઈ ખાસ વ્યક્તિને શોધતા હોઈએ છીએ જે આપણા આંસુઓ લૂછી શકે અને કહી શકે કે હું તારી સાથે છું. હું અને વંશિકા એકબીજાની આંખોમાં જોઈ રહ્યા હતા. સાચું કહું તો મારી આંખમાં ઘણા સમય પછી આજે ભીનાશ આવી હતી. હું અને વંશિકા આજે એકબીજાની આંખોમાં એકબીજાના પૂરક જોઈ રહ્યા હતા. 
ગાડીનો હોર્ન વાગ્યો અને હું અને વંશિકા પોતાના વર્તમાનકાળમાં આવ્યા. વિકીએ કારનો હોર્ન વગાડ્યો હતો અને એમને સિગ્નલ આપ્યો હતો જલ્દી આવવા માટે જે અમને ભાનમાં આવતા સમજાયું. હું અને વંશિકા કાર તરફ ચાલ્યા અને કારમાં બેસી ગયા. અવી અને વિકી પણ પાછળની સીટ પર ગોઠવાઈ ગયા. મેં કાર ઘર તરફ જવા દીધી. હું એકદમ શાંત થઈને કાર ચલાવી રહ્યો હતો અને અમારી કારનું વાતાવરણ પણ શાંત થઈ ગયું હતું. વંશિકા પણ કાઈ પણ બોલ્યા વગર ચુપચાપ બેઠી હતી. અત્યારે અમારા બધા પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા. લગભગ અડધી કલાકના સમય પછી અમે લોકો અમારા ઘર પાસે પહોંચી ગયા હતા. મે કાર પાર્કિંગ સાઇડ જવા દીધી અને ત્યાં ઊભી રાખી. અમે ચારેય જણા કારમાંથી ઊતર્યા. મે વંશિકાને ઉપર આવવા માટે જણાવ્યું પણ તેને મને ના પાડી અને એવું જણાવ્યું કે તેણે ઘણું મોડું થઈ જશે એટલે તે અહીંયાથી ઘરે જતી રહેશે અને ફરીવાર ક્યારેક ઘરે આવશે. મે અવિ અને વિકીને જણાવ્યું કે હું વંશિકાને મળીને આવું છું તમે લોકો ઉપર જાવ હું થોડીવારમાં ઘરે આવું છું. અવી અને વિકી વંશિકાને ગુડબાય કહીને ઘર તરફ જવા નીકળ્યા અને હું ત્યાં પાર્કિગમાં કાર પાસેજ વંશિકા સાથે ઊભો હતો. અમે બંને હજુ ચૂપ હતા એટલે મેં વાતની શરૂઆત કરી.
હું :- વંશિકા, કેવો રહ્યો આજનો તારો અનુભવ ?
વંશિકા :- ખૂબ સરસ રહ્યો. રુદ્ર સાચી વાત કહું ?
હું :- હા મેડમ બોલો.
વંશિકા :- આજે પહેલીવાર હું તમારી સાથે અનાથાશ્રમ આવી હતી. અત્યાર સુધી મેં આ બધું ફક્ત ફિલ્મોમાં જોયું હતું પણ આજે જ્યારે રિયાલિટીમાં જોયું ત્યારે મને સમજાયું કે તે લોકોની લાઇફ કેવી હાર્ડ હોય છે.
હું :- હા, ઘણી હાર્ડ હોય છે.
વંશિકા :- રુદ્ર, મને એ નથી સમજાતું કે લોકો પોતાના દૂધ પીતા બાળકને કઈ રીતે ત્યજી દે છે. આ બાળકોનો શું વાંક હોય છે કે ભગવાન તેમને આવી સજા આપે છે.
હું :- આ વાત હજુ સુધી મને પણ નથી સમજાઈ પણ હા હું કદાચ ઉપર જઈશ તો ભગવાનને જરૂર આ સવાલ પૂછીશ.
વંશિકા :- બસ, ચૂપ કાઈ પણ બોલો છો વિચાર્યા વગર. બોલતા પહેલા થોડું વિચારો કે તમે શું બોલી રહ્યા છો.
હું :- એમાં ખોટું શું છે હું સાચું તો બોલ્યો એકદિવસ ઉપર જવાનું છે.
વંશિકા :- હા ભલે, પણ અત્યારે આવું ના બોલશો. મને આવું બધું નથી ગમતું જે તમે બોલો છો.
હું :- સારું બસ મેડમ, હવે નહીં બોલું.
વંશિકા :- હા, અને સાંભળો આજનો દિવસ મારા માટે ખૂબ સરસ રહ્યો. તમે મને મારી લાઇફની સૌથી મોટી ગિફ્ટ આપી છે આજે. સાચું કહું હું આજે ખૂબ ખુશ છું કે તમે મને તમારી સાથે લઈ ગયા અને નાના બાળકોના ફેસ પર સ્માઈલ લાવવાનો ચાન્સ આપ્યો. તેમની સાથે ટાઈમ સ્પેન્ટ કરીને તેમના દુઃખ વિશે સમજવા માટેનો પણ ચાન્સ આપ્યો.
હું :- અરે એમાં થૅન્ક યુ કહેવાની જરૂર નથી. થેંકયુ તારે પોતાને કહેવું જોઈએ કારણકે તું તારા મનથી મારી સાથે આવી. તે આજે જે કઈ કર્યું તે તારા મનથી કર્યું છે.
વંશિકા :- અચ્છા બોસ, ખૂબ સરસ પણ આજે પહેલીવાર મેં તમારામાં એક નાના છોકરાને જોયો જે સાવ નાનો બની જાય છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તમે અંદરથી સાવ આવા પણ છો. તમે હંમેશા મહર્ષ સાથે આવીરીતે રમો છો ?
હું :- હા, હંમેશા મહર્ષ મારી સાથે આવીરીતે જીદ કરે છે અને હું હંમેશા આ નાના બાળકો સામે પીગળી પણ જાઉં છું.
વંશિકા :- મને હંમેશા એવું લાગતું હતું કે તમે બહુ હાર્ડ પર્સન છો અને હું તમારા કરતા વધુ સોફ્ટ છું. તમે તમારી લાઇફમાં ઘણું બધું જોયું છે અને તેના કારણે તમે ખૂબ હાર્ડ પર્સન બની ગયા હશો આજસુધી હું એવું સમજતી હતી પણ આજે પહેલીવાર તમારી આંખોમાં આવેલી ભીનાશ જોઈને મને સમજાયું કે તમે બહુ સોફ્ટ પર્સન છો.
હું :- એવું નથી મેડમ, હું હાર્ડ પર્સન છું પણ ક્યારેક કોઈ વસ્તુ આપણી સામે એવીરીતે આવીને ઊભી રહે છે કે ક્યારેક આપણે એની સામે જુકી જઈએ છીએ. બસ એના કારણે આજે મને યાદ આવી ગયું કે હું પણ એક અનાથ છું અને આજે જે પરિસ્થિતિમાં આ બાળકો છે ક્યારેક હું પણ આજ પરિસ્થિતિમાં હતો.
વંશિકા :- બસ ચૂપ, હવે ક્યારેય તમે પોતાને અનાથ ના સમજતા. તમારી પાસે તમારા બે ભાઈ જેવા મિત્રો છે જે હંમેશા તમારી સાથે હોય છે. શિખા જેવી એક નાની બહેન પણ છે જે હંમેશા તમારુ ધ્યાન રાખે છે. હું પણ હમેશા તમારી સાથે છું. સમજ્યા મિસ્ટર ?
હું :- હા મેડમ સમજી ગયો, ચાલો હવે તમારે ઘરે નથી જવું તમારે મોડું થતું હશેને. (ઈચ્છા મને પણ નહોતી કે હું વંશિકાને મારાથી દૂર થવા દઉ કારણકે મારા વાગેલા ઘા પરનો મલમ હતી વંશિકા છતાં પણ હું એને એવીરીતે રોકી શકું એમ નહોતું.)
વંશિકા :- હા બોસ, ચાલો હું હવે નીકળું છું મારે સાચેજ મોડું થઈ જશે ઘરે જવાનું.
હું અને વંશિકા ચાલતા ચાલતા જ્યાં વંશિકાએ પોતાનું એક્ટિવા પાર્ક કર્યું હતું તે તરફ ગયા. વંશિકાએ પોતાના ફેસ પર દુપટ્ટો બાંધી દીધો અને મને ગુડબાય કહીને પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. હું ત્યાં ઊભો ઊભો જ્યાં સુધી વંશિકા ગેટની બહાર ના નીકળી જાય ત્યાં સુધી બસ એને જોઈ રહ્યો હતો.