હું અને વંશિકા અનાથાશ્રમના ગેટ પાસે આવીને ઊભા રહ્યા. વંશિકા બોર્ડ પર લખેલું નામ વાંચી રહી હતી. મે વંશિકાને કહ્યું. " અહીંયાથી શરૂ થાય છે સફર અનાથ બાળકોના જીવનની." આટલું કહીને મેં ગેટનો દરવાજો ખખડાવ્યો. થોડી સેકંડોમાં વોચમેને દરવાજો ખોલ્યો. વોચમેન પણ અમને સારી રીતે ઓળખતા હતા. આમ જોવા જઈએતો આપણે અનાથાશ્રમમાં વિઝિટ કરવા માટે એમની પાસે પહેલેથી એપાઈન્ટમેન્ટ લેવી પડતી હોય છે પણ અમારી પહેલાથી ઓળખાણ હોવાથી અમને એપાઈન્ટમેન્ટની જરૂર નહોતી પડતી. એટલામાં અવિ અને વિકી પણ થેલા લઈને અમારી પાસે આવી પહોંચ્યા. અમે ચારેય અંદર દાખલ થયા. અંદર જતા મધરાતેરેસાનું પૂતળું બનાવેલું હતું અને આગળની જગ્યા થોડી ખુલ્લી હતી. રસ્તાની સામેની બાજુ એક મોટું ઘર હતું. રસ્તાની આજુબાજુ નાના નાના ફૂલ અને છોડ વાવેલા હતા. અમે રસ્તા પર આગળ તરફ ચાલવા લાગ્યા જ્યાં ઘરની અંદર જવા માટે દરવાજો હતો. અમે દરવાજામાં એન્ટર થયા અને બાજુમાં ત્યાંના ગાર્ડિયનની ઓફિસ હતી જે એક લેડીઝ હતા. અમે સૌથી પહેલા તેમની પાસે ગયા અને તેમને મળ્યા. તેઓ અમને જોતાજ ઓળખી ગયા અને અમને મીઠો આવકાર આપ્યો.
ગાર્ડિયન :- હેલો રુદ્ર, અવિ એન્ડ વિકી. હાઉ આર યુ ?
હું :- વિ આર ફાઇન સિસ્ટર. તમે કેમ છો ?
ગાર્ડિયન :- હું પણ મજામાં. ઘણા દિવસ પછી તમે લોકો આવ્યા.
હું :- હા સિસ્ટર, બસ થોડો સમય નહોતો ઓફિસના કામને કારણે. બાય ધ વે આ વંશિકા છે અમારી મિત્ર છે. તેની ઘણી ઇચ્છા હતી અહીંયા મુલાકાત લેવાની એટલે આજે અમારી સાથે આવી છે.
ગાર્ડિયન :- હેલો વંશિકા, વેલ્કમ ટુ અવર ઓર્ફેનેજ હોમ.
વંશિકા :- થૅન્ક યુ સિસ્ટર.
ગાર્ડિયન :- રુદ્ર તમે લોકો અંદર જઈ શકો છો. છોકરાઓનો લંચ ટાઈમ પૂરો થઈ ગયો છે.
હું :- સિસ્ટર અમે લોકો એમના માટે થોડો નાસ્તો લઈને આવ્યા છીએ. અમે થોડા મોડા પહોચ્યા.
ગાર્ડિયન :- નો પ્રોબ્લેમ રુદ્ર, તમે નાસ્તો અહીંયા મૂકી દો. આપણે ઇવનિંગમાં સ્નેક્સ ટાઈમ પર વહેંચી દઈશું. બાય ધ વે તમે લોકો ત્યાં સુધી રોકાશોને ?
હું :- હા મેડમ, અમે લોકો ૪-૫ વાગ્યા સુધી રોકાવાના છીએ.
ગાર્ડિયન :- ઠીક છે તમે લોકો અંદર જઈ શકો છો.
અમે બંન્ને ઓફિસમાંથી બહાર નીકળ્યા અને આગળ તરફ ચાલતા થયા. અવી અને વિકી હજી સુધી ઓફિસમાં હતા. તેઓ સિસ્ટર સાથે કોઈ અગત્યની વાત કરી રહ્યા હતા. હું અને વંશિકા આગળ ચાલતા હતા સૌથી પહેલા એક મોટો રૂમ આવ્યો જેની અંદર હું અને વંશિકા દાખલ થયા જ્યાં બધા બેડ હતા. મેં વંશિકાને જણાવ્યું."આ બાળકોના સુવા માટેનો રૂમ છે અહીંયા ઉપર નીચે બધાના બેડ છે અને સામેની બાજુ કપબોર્ડ આપેલા છે જેમાં તેમનો નાનો મોટો સામાન રહી શકે." વંશિકા ધ્યાનથી જોઈ રહી હતી અને પછી તેણે મને સવાલ પૂછ્યો. "છોકરા અને છોકરીઓ માટે આ કોમન હોલ છે ?"
હું :- હા અહીંયા બધા છોકરાઓ લગભગ ૧૦ વર્ષ નીચેના છે એટલે એમના માટે કોમન રાખવામાં આવ્યો છો.
વંશિકા :- અચ્છા તો એમની ઉમર મોટી થઈ જાય પછી ?
હું :- પછી એમણે હોસ્ટેલમાં શિફ્ટ કરવામાં આવે છે આગળના ભણતર માટે.
વંશિકા :- અચ્છા ચાલો હવે આગળ જઈએ.
હું અને વંશિકા રૂમમાંથી બહાર નીકળ્યા અને આગળ ચાલતા થયા. આગળ જતા બીજો પ્લે રૂમ હતો જેમાં અમે દાખલ થયા. બાળકોનો લંચ ટાઈમ પૂરો થઈ ગયો હતો એટલે બધા બાળકો ત્યાં પ્લે રૂમમાં હતા. અમે લોકો અંદર દાખલ થયા. અવી અને વિકી પણ અમારી પાછળ આવી ગયા હતા. મેં વંશિકાને બાળકો સામે દેખાડતા કહ્યું કે આ પ્લે રૂમ છે બાળકો અહીંયા રમતા હોય છે. અમે લોકોએ જોયું અહીંયા આજે કોઈ બીજું ગ્રુપ પણ આવ્યું હતું અમારી જેમ વિઝીટ કરવા માટે. વંશિકા પોતાની પ્રેમભરી નજરથી બાળકો સામે જોઈ રહી હતી. મારે હજુ વંશિકાને એક જગ્યા દેખાડવાની હતી એટલે મેં વંશિકાને કહ્યું ચાલ હજી તને બીજી ખાસ જગ્યા દેખાડું. અવી અને વિકી પ્લે રૂમમાં ઊભા રહ્યા અને હું અને વંશિકા બહાર નીકળ્યા. હું વંશિકાને બાજુમાં આવેલ બીજા રૂમ તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યાં જતા જતા મેં વંશિકાને જણાવ્યું." વંશિકા, હવે આપણે જે જગ્યાએ જઈએ છીએ બહુજ ખાસ છે. આઈ હોપ કે તે પણ તેના વિશે ઘણીવાર સાંભળ્યું હશે પણ કદાચ જોયું નહીં હોય." આટલું કહીને હું વંશિકાને આગળ તરફ લઈ ગયો અને અમે લોકો બીજા રૂમ પાસે પહોંચ્યા. અમે તે રૂમમાં દાખલ થયા અને ત્યાં જઈને મેં વંશિકાને સામેની તરફ ઈશારો કર્યો. સામેની બાજુમાં નાના નાના ૪ પારણા બાંધેલા હતા. હું વંશિકાને લઈને એક પારણા પાસે લઈ ગયો. ત્યાં સંભાળ રાખવા માટે પહેલાથી એક સિસ્ટર હતા જે હંમેશા ત્યાં હાજર રહેતા હતા. વંશિકાની નજર પારણામાં સૂતેલા સાવ નાના એવા બાળક પર પડી જે હજુ બસ ૨ અથવા ૩ મહિનાનું હતું. વંશિકા એકધારી બાળકને જોઈ રહી હતી. વંશિકાની ભાષા હવે હું સારીરીતે સમજી શકતો હતો.
હું :- વંશિકા, આ બાળક સાવ નાનું છે અને અહીંયા આવા બીજા ૩ બાળકો પણ છે. દુનિયામાં એવા પણ લોકો હોય છે જે પોતાના બાળકોને જન્મ આપતા સાથેજ ત્યજી દેતા હોય છે અને આવા બાળકોનો ઉછેર અહીંયા થાય છે.
" શું હું આ બાળકને પોતાના હાથમાં લઈ શકું ?" વંશિકાએ સિસ્ટરને પૂછ્યું અને તેમણે પરવાનગી આપી એટલે વંશિકાએ બાળકને પોતાના ખોળામાં લઈને ઉચક્યું અને પોતાની છાતી સાથે ભેટી લીધું. વંશિકાની વેદના હું સારીરીતે સમજી શકતો હતો.
વંશિકા :- કેટલું સરસ છે આ બાળક. એના મા-બાપનો જીવ પણ કઈ રીતે ચાલતો હશે આવા બાળકને તરછોડવા માટે ?
હું :- ક્યારેક અમુક લોકો પોતાની મજબૂરીના લીધે છોડી દેતા હોય છે અને અમુક લોકો બાળકની જરૂર ના હોય એટલે મૂકી દેતા હોય છે.
વંશિકા :- રુદ્ર, હું આવું ક્યારેય પણ ના વિચારી શકું. ભલે જિંદગીમાં કાઈ પણ થાય પણ હું આવું પગલું ક્યારેય ના ભરી શકું.
વંશિકા હવે થોડી ઇમોશનલ થઈ ગઈ હતી અને એની આંખો થોડી પાણીદાર થઈ ગઈ હતી. હજુ થોડીવાર આ ટોપિક પર વધુ વાત ચાલે તો વંશિકા રડી પડે જે તેનો ઇમોશનલ થયેલો ચહેરો જણાવતો હતો.
હું :- સાચી વાત છે, આવું પગલું તો હું પણ ક્યારેય ના ભરી શકું પણ ભગવાન જે નસીબમાં લખે છે અહીંયા આવીને આપણને તે મળે છે. હજી સામે બીજા પણ ત્રણ પારણા છે. બાળકને સુવડાવી દે પાછું પારણામાં આમ પણ વધુ હાથમાં ના લેવાય આપણાથી કારણકે આપડા શરીરના બેક્ટેરિયાથી તેઓ બીમાર પડી શકે છે. અહીંયા બાળકોને અડકવું બહારના લોકો માટે એલાઉડ નથી પણ અમે અહીંયા આવીએ છીએ એટલે એમણે પરમિશન આપી છે.
વંશિકા :- ઠીક છે. હું પાછું સુવડાવી દઉં છું.
વંશિકાએ બાળકને પાછું સુવડાવી દીધું. અને અમે લોકો બીજા પારણા પાસે ગયા ત્યાં જઈને વારાફરતી વંશિકા બાળકોને જોઈ રહી હતી અને એમને દૂરથી જોઈને પોતાનો વ્હાલ વરસાવી રહી હતી. અમે છેલ્લા પારણામાં ગયા ત્યાં એક નાની છોકરી હતી અને તેની સ્માઈલ ખૂબ સુંદર હતી. વંશિકાએ મને કહ્યું કે આ સરસ મજાની પરી જેવી લાગે છે. શું ખબર છોકરી કદાચ વંશિકાની ભાષા સમજી ગઈ હશે અને વંશિકાના શબ્દો સાંભળીને નાની બેબી ગર્લે સરસ ક્યૂટ સ્માઈલ આપી. બેબી ગર્લની ક્યૂટ સ્માઈલ જોઈને મારું દિલ પણ ખુશ થઈ ગયું. વંશિકાને તેના પર વધુ વહાલ આવવા લાગ્યો અને વંશિકા તેને હિંચકો નાખવા લાગી અને તેની સાથે વાતો કરવા લાગી. બેબી ગર્લ પણ વંશિકાની વાતોમાં સ્માઈલ આપતી હતી અને તે બંન્નેને જોઈને મારું મન ભરાઈ આવતું હતું. મે વંશિકાને જણાવ્યું કે અત્યારે આપણે પ્લે રૂમમાં જઈએ હવે કારણકે બપોરનો સમય હતો અને અત્યારે સાવ નાના બાળકોને ડિસ્ટર્બ કરવું મને યોગ્ય નહોતું લાગતું. વંશિકા પણ મારી વાત સાથે સહમત થઈ. હું અને વંશિકા ત્યાંથી ઊભા થયા અને જતી વખતે વંશિકા ફરીવાર બેબી ગર્લ પાસે જઈને બોલી."બેબી, હવે તો આપણે ફ્રેન્ડ થઈ ગયા છીએ. હવે મને સમય મળશે ત્યારે તારી પાસે આવીશ અને તને વ્હાલ કરીશ."
હું અને વંશિકા ફરીવાર પ્લે રૂમમાં ગયા જ્યાં બીજા બધા બાળકો હતા. અમે પહેલીવાર ગયા ત્યારે બધા બાળકો બીજા ગ્રુપ જોડે પોતાની રમતમાં વ્યસ્ત હતા જેના કારણે અમે લોકો અંદર ગયા પણ તેમનું ધ્યાન અમારી તરફ નહોતું. મને અંદર આવતો જોઈને એક ૭ વર્ષનો છોકરો મારી પાસે દોડીને આવ્યો અને મને ભેટી પડ્યો. તે જોરથી બૂમો પાડવા લાગ્યો." રુદ્ર અંકલ આવી ગયા, રુદ્ર અંકલ આવી ગયા." તે છોકરાને જોઈને બીજા પણ અમુક છોકરા આવીને મને ભેટી પડ્યા અને હું પણ એને ભેટી પડ્યો. હું એમની પાસે બેઠો અને વંશિકાનો પરિચય આપ્યો.
હું :- બચ્ચા પાર્ટી કેમ છો તમે લોકો ?
મહર્ષ :- મજામાં છીએ અંકલ તમે કેમ છો ?
હું :- હું પણ મજામાં. ચાલો આજે તમને નવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવું. આ વંશિકા છે મારી એક મિત્ર છે અને તેઓ તમને મળવા આવ્યા છે.
મહર્ષ :- હેલો વંશિકા આંટી.
હું :- વંશિકા આ મહર્ષ છે. મારો ખાસ મિત્ર છે અહીંયા. અમે લોકો પાક્કા ભાઈબંધ છીએ સાચુંને મહર્ષ.
મહર્ષ :- હા આંટી, અંકલ મારા પાક્કા ભાઈબંધ છે.
આંટી...હા...હા...હા...મને પાક્કુ ખબર હતી મહર્ષ વંશિકાને આંટી જરૂર કહેશે. મહર્ષ જે રીતે વંશિકાને આંટી કહેતો હતો એ સાંભળીને મને ખૂબ હસવું પણ આવતું હતું પણ હું પોતાની જાતને કેમ કરીને સાંભળી રહ્યો હતો જ્યારે બીજી તરફ અવિ અને વિકી મજા લઈને મંદ મંદ હસતા હતા. વંશિકાને અમે લોકો નોટિસ કરી રહ્યા હતા મહર્ષ જ્યારે એણે આંટી કહીને બોલાવ્યો હતો ત્યારે તેને એવું લાગતું હતું કે હું તો હજુ છોકરી છું. મને દીદી પણ બોલાવી શકાય પણ આંટી કહેવાની શું જરૂર છે. હું કોઈ આંટી ટાઈપની નથી લાગી રહી. હજુ તો હું જવાન છું યાર. આ મહર્ષને ઘરડી બનાવી રહ્યો છે. આવા બધા સવાલો વંશિકાના મનમાં ગુંજવતા હશે પણ તે આ વસ્તુને ઈગ્નોર કરી રહી હશે. મેં વાતને કાપતા કહ્યું.
હું :- વંશિકા, મહર્ષ નાનો હતો ત્યારથી હું એને વધુ ઓળખું છું. જ્યારે નાનો હતો ત્યારથી તે મારી પાસે રમવા માટે આવી જતો હતો અને જ્યારે હું જાવ ત્યારે મને પકડીને રડતો હતો એટલે મને મહર્ષ માટે વધુ લગાવ છે.
વંશિકા :- અચ્છા, હવે એને મારી સાથે પણ લગાવ થઈ જશે.
હું :- અચ્છા, કઈ રીતે ?
વંશિકા :- તમે રાહ જુઓ દેખાડું છું.
વંશિકાએ પોતાનું પર્સ ખોલ્યું અને એમાંથી ચોકલેટનું પેકેટ કાઢ્યું જેમાં ઘણું નાની નાની ચોકોલેટ હતી.
વંશિકા :- મહર્ષ, બધાને અહીંયા બોલાવને જો વંશિકા દીદી તમારા માટે ચોકોલેટ લાવ્યા છે.
ચોકોલેટ નામ સાંભળીને મહર્ષ હવે વધુ ખુશ થઈ ગયો હતો. નાના છોકરાઓને આમ પણ ચોકોલેટ બહુ વ્હાલી હોય છે. નાના બાળકોનું દિલ પણ ચોકોલેટ જેવું સોફ્ટ હોય છે. મહર્ષિ બધા બાળકોને અવાજ કરીને કહ્યું કે વંશિકા દીદી ચોકોલેટ લાવ્યા છે. હજી થોડીવાર પહેલા જે મહર્ષ વંશિકાને આંટી કહી રહ્યો હતો તે મહર્ષ હવે ચોકલેટનું નામ પડતાજ વંશિકાને દીદી કહેવા લાગ્યો. ખરેખર નાના બાળકોનું કેટલું સાફ હોય છે. તેઓ નાની વાતમાં કોઈના ઉપર પણ ભરોસો કરી લેતા હોય છે. તેમણે ખબર નથી હોતી કે તેમના માટે શું સારું છે અને શું ખરાબ છે. બસ તમે એમને વ્હાલ અને પ્રેમ આપો એટલે તેઓ પોતાને પૂરેપૂરા તમને સમર્પિત કરી દે છે અને બદલામાં તેઓ તમારા તરફથી ફક્ત પ્રેમ માગે છે. વંશિકાએ પણ કંઈક આવું જ કર્યું હતું પોતાના પ્રેમ અને વ્હાલથી બાળકોને પોતાની તરફ આકર્ષી રહી હતી. એની આંખોમાં બાળકોને દીદી બોલાવવા માટેનું કપટ નહીં પણ પ્રેમ દેખાતો હતો. બધા છોકરાઓ વંશિકા પાસે દોડી ગયા અને તેને ભેટી પડ્યા. વંશિકા બધાને ચોકલેટ આપવા લાગી. અને મને આંખોના ઇશારાથી કહ્યું. "જોયું, આને પ્રેમની ભાષામાં કહેવાય."
હું :- મેડમ, તમે આ ચોકોલેટ ક્યારે લાવ્યા.
વંશિકા :- અરે તમે લોકોએ નાસ્તો લીધો હતો. હું પહેલીવાર આવી હતી એટલે ખાલી હાથે થોડી આવું. મને ખબર છે નાના બાળકોને ચોકલેટ બહુ ભાવતી હોય છે એટલે મે તેમની માટે પોતાની હાથે ચોકલેટ બનાવી હતી અને આ મારું સરપ્રાઈઝ હતું.
હું :- વાહ, શું વાત છે તે જાતે ચોકલેટ બનાવી અને મને જણાવ્યું પણ નહીં. કોઈ વાંધો નહીં ચાલ હવે એમને લોકોને પણ ચોકલેટ ખવડાવ અમે પણ ટેસ્ટ કરીએ.
વંશિકા :- ફરી ક્યારેક ખવડાવીશ. ચોકલેટ પૂરી થઈ ગઈ છે.
હું :- સારું વાંધો નહીં હવે ફરી ક્યારેક ખવડાવજે. અમે પણ નાના છોકરાઓ છીએ.
વંશિકા :- તમે નાના છોકરા નથી રહ્યા. હવે તમે મોટા થઈ ગયા છો.
હું :- અરે એવું કાંઈ નથી. અહીંયા આવીને અમે પણ નાના છોકરાઓ બની જઈએ છીએ. અહીંયા આવીને અમને અમારું બાળપણ યાદ આવી જાય છે અને અમે લોકો પણ બાળકો બનીને અહીંયા એમની સાથે રમીએ છીએ. દરેક માણસની અંદર એક બાળક છુપાયેલું હોય છે તને ખબર છે ને.
વંશિકા :- હા રુદ્ર, મને ખબર છે અને મારી અંદર પણ એક બાળક રહેલું હોય છે જે અમુક સમયે બહાર આવી જાય છે.
હું અને વંશિકા વાત કરી રહ્યા હતા એટલામાં મહર્ષ મારી ફરીવાર મારી પાસે આવ્યો અને બોલ્યો. "અંકલ, તમે દર વખતે જેમ મને તમારી પીઠ પર બેસાડીને ફેરવો છો એમ મને બેસાડીને ફેરવો. મહર્ષિની ઈચ્છાને હું અનાદર ના કરી શક્યો કારણકે હું દર વખતે એની સાથે આવીરીતે રમતો હતો અને મને પણ એક બાળક સાથે બાળક બનીને રમવું ખૂબ ગમતું હતું. હું ઘૂંટણિયે થઈને બેઠો અને મહર્ષ મારી પીઠ પર ચડી ગયો. તેણે પોતાના બંને હાથ મારા ગળા પર વિંટાળી દીધા અને પોતાના પગ મારા પેટ પર વિંટાળી દીધા. હું ઊભો થયો અને મહર્ષને લઈને એકબાજુથી બીજી બાજુ ફરવા લાગ્યો અને મહર્ષ હસવા લાગ્યો. થોડીવાર પછી હું ઘોડો બનીને બેસી ગયો અને મહર્ષ મારી પીઠ ઉપર બેસી ગયો. હું ઘોડો બનીને ઘૂંટણિયે ચાલવા લાગ્યો અને મહર્ષ ચલ મેરે ઘોડે... ચલ મેરે ઘોડે...બોલવા લાગ્યો. હું કેવીરીતે મહર્ષ સાથે રમતો હતો તે વંશિકા શાંતિથી બેસીને જોઈ રહી હતી. અત્યાર સુધીમાં વંશિકા એક મેચ્યોર અને વેલ સેટલ સૉફ્ટવેર એન્જિનિયર રુદ્રને ઓળખતી હતી પણ આજે પહેલીવાર તે એક નાના બાળક રુદ્રને મળી હતી અને તેનામાં રહેલું બાળપણ જોઈ રહી હતી.
(તમે ક્યારેય અનાથાશ્રમની મુલાકાત લીધી છે ? મારા ઘણા વાચકમિત્રોએ લીધી હશે અને ઘણા લોકોએ નહીં લીધી હોય. હું તમને લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે પોતાના વ્યસ્ત જીવનમાંથી ક્યારેક થોડો સમય કાઢજો અને અનાથાશ્રમની મુલાકાત જરૂર લેજો. આપણે તે લોકોની જીવનની ખોટ પૂરી નથી કરી શકતા પણ આપણો થોડો સમય આપીને એમના જીવનનો એક મહત્વના સમયનો ભાગ જરૂર બની શકીએ છીએ. આવા છોકરાઓને માતા પિતાના પ્રેમનો અનુભવ નથી હોતો. તેઓ તેમને બીજા લોકો તરફથી જે પ્રેમ અને સ્નેહ મળે છે તેજ માતા પિતાનો પ્રેમ સમજીને અનુભવ કરતા હોય છે. આપણું જીવન અને એમના જીવનમાં ઘણો બધો ફરક હોય છે. આપણી પાસે આપણા માતાપિતાએ આપેલું બધું હોય છે પણ એમની પાસે તો કાઈ આપવા માટે માતાપિતાજ નથી હોતા. આપણે એમના જીવનમાં રહેલું દુઃખ નથી સમજી શકતા પણ તેઓ હસતા હસતા પોતાનું જીવન વિતાવતા હોય છે. ભગવાને આપણને માતાપિતાના રૂપમાં બહુ મોટી સંપતિ આપી છે જે તેમની પાસે નથી હોતી. આપણે તેમને અમૂલ્ય ગિફ્ટ આપીએ કે પૈસા આપીએ તે એમના માટે મહત્વપૂર્ણ નથી હોતું. એમના માટે બસ થોડો સમય અને પ્રેમ વરસાવીએ તે એટમાં મને ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આપણા પ્રેમ અને સ્નેહની હૂંફથી તે લોકોને જીવવા માટેની પ્રેરણા મળતી હોય છે. આપણે જીવનમાં આવા લોકોની પ્રેરણા બની શકીએ તો કદાચ આપણું જીવન એક મનુષ્ય તરીકે વધુ સાર્થક બને છે.)