Mara Anubhavo - 59 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 59

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 59

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 59

શિર્ષક:- અહિંસાવાદની વિકૃતિ

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની



🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 59." અહિંસાવાદની વિકૃતિ."



એક બીજા બનાવે પણ મને ઝકઝોળી દીધો. આ પ્રસંગ મેં ઘણી વાર લોકોને કહ્યો તથા લખ્યો પણ છે. બન્યું એવું કે ૧૯૬૨ની લડાઈ પૂરી થયા પછી એક-બે મહિનામાં મારે દિલ્હી જવાનું થયું. થ્રી-ટિયરમાં હું સૂતેલો તે કાનપુર કે લખનૌ આવ્યું ત્યારે સવાર થવાથી જાગીને સીટ ઉપર બેસી ગયો હતો. મેં જોયું કે મારી સાથેના પાંચે માણસો સૈનિકો છે. મને નવું નવું જાણવાની હંમેશાં જિજ્ઞાસા રહે છે. સૈનિકો પાસેથી કાંઈ નવી વાત –સાચી વાત જાણવાની મારી જિજ્ઞાસા હતી. પણ અત્યારે સવાર-સવારમાં અજાણ્યા માણસો સાથે કેવી રીતે વાત કરવી ? અને આ તો સૈનિકો ! મૂડ ના હોય તો ચોપડાવી દે. હું બારી પાસે ચુપચાપ બેઠો હતો તેટલામાં ચા.‌‌..ય...ચા...ય સા'બ...' કરતો એક છોકરો નીકળ્યો. સિપાહીઓએ ચા લીધી અને ધીરે ધીરે પીધી. એકબે વાર પેલો છોકરો ખાલી કપરકાબી લેવા આવ્યો, પણ ચા પીવાનું ચાલુ હોવાથી પાછો ગયો. પછી જ્યારે ગાડી ઊપડી ત્યારે પેલો છોકરો દોડતો દોડતો આવ્યો. અને જેમ તેમ કપરકાબીઓ બારીમાંથી લીધાં.



તે ગાડીની સાથે સાથે પ્લૅટફૉર્મ પર દોડી રહ્યો હતો તથા કરુણ સ્વરે બૂમો પાડી રહ્યો હતો. “સાબ’. પૈસા દીજિયે, પૈસા દીજિએ.” એક ભાઈએ દસ રૂપિયાની નોટ કાઢી બાકીના પૈસા પહેલાં આપવા કહ્યું – પછી નોટ મળશે એમ કહ્યું. હું પરિસ્થિતિ સમજી ગયો. પેલો છોકરો વધુ કરુણ સ્વરે વિનંતી કરતો રહ્યો. ગાડીની ગતિ વધી રહી હતી. મેં જોયું કે હમણાં આ છોકરો પાછળ પડી જશે, અથવા તેના હાથમાંથી કપરકાબીઓ પડી જશે અથવા સ્વયં તે પડી જશે. ઝટ દઈને મેં ગજવામાં હાથ નાખ્યો. બે રૂપિયાની નોટ કાઢીને તેના હાથમાં મૂકી દીધી. (ત્યારે બે રૂપિયાથી પણ ઓછી કિંમતમાં પાંચ કપ ચા મળતી.) તે રાજી રાજી થઈ ગયો. મારા આ વ્યવહારે અમને વાતો કરવાની તક ઊભી કરી આપી.




એક ભાઈ બોલી ઊઠ્યા, “અરે... સ્વામી... આપને ક્યોં પૈસે દિયે ? મેં શાન્તિથી કહ્યું, “કોઈ બાત નહીં, આપકે પાસ છુટ્ટે નહીં થે. અબ આપસે લે લેંગે.” ખરેખર તેમણે મને બે રૂપિયા આપી દીધા.



પ્રતિદિનના વ્યવહારમાં આપણે આ રીતો અજમાવીને કેટલા પાણીવાળાને, કેટલા ચાવાળાને અને કોણ જાણે બીજા કેટકેટલાને થાપ આપવાની કળા અજમાવતા હોઈએ છીએ.



પછી તો અમારી ચર્ચા શરૂ થઈ. ખૂબ વાતો થઈ. તેમનો જે નાયક હતો તે ઉડીસા પ્રાન્તનો હતો. મને જોઈને તે વધુ ખુશ હતો કારણ કે તેનો સગો ભાઈ પણ સાધુ હતો. અમારી વચ્ચે જે ચર્ચા ચાલી તેનો સાર આવો હતોઃ



યુદ્ધના સમયે તે ઠેઠ અગ્રિમ ચોકી ઢોલા ઉપર હતો. દારૂગોળાનો પુરવઠો હોવા છતાં તેમને ચોકી ખાલી કરવી પડી હતી. આ ભાઈ સિપાહી બન્યો તે પછી તેનો સાધુભાઈ મળ્યો હતો અને તેણે જેમાં હિંસા કરવી પડે તેવી નોકરી કરવા બદલ ખૂબ ઠપકો આપ્યો હતો. અરે પેટ ફોડી નાખીએ પણ આવી હિંસાવાળી નોકરી થતી હશે ?” તેવું સમજાવ્યું, તેની વાત આ ભાઈને હાડોહાડ લાગી ગઈ, પણ હવે શું થાય ? કરારનામા પ્રમાણે નોકરી તો કરવી જ પડે ને ! છેવટે પેલા સાધુભાઈએ જ રસ્તો કાઢ્યો. જ્યારે પણ ગોળીઓ ચલાવવી પડે ત્યારે સામેના માણસો ઉપર ગોળીઓ ન ચલાવતાં આકાશમાં ચલાવવી. આ વાત આ સિપાહીને પણ ગમી. તેણે પોતાના આ આદર્શને પોતાના સાથીઓમાં પણ ફેલાવ્યો. ગૌરવપૂર્વક તે પોતાની વાત કહે જતો હતો. અંતે તેણે કહ્યું કે ઇસ લડાઈ મેં હમને સારી ગોલીયાં આકાશર્મે ચલાઈ હૈ, કિસીકી હિંસા નહીં કી.'



આ ભાઈની વાતથી મને નવાઈ લાગી. હું સમસમી રહ્યો. ધર્મના વિકૃત અર્થો કરીને કેવા કેવા અનર્થો થઈ શકે છે ! ભ્રાન્તિઓ ફેલાવીને, ધર્મને કેવી રીતે ડુબાડનારી શિલા બનાવી શકાય છે તેનું આ ઉદાહરણ હતું.



હિંસા કરવી એ પાપ છે. પણ હિંસાનો ભેદ તો સમજવો જોઈએ ને ! એકાંગી રીતે હિંસામાત્રને પાપ માનવામાં આવે તે જ ભ્રાન્તિ છે. કોઈ ખાસ સંદર્ભમાં અહિંસા પણ પાપ થઈ જાય. આતતાયીના પ્રત્યે અહિંસા રાખવાથી તો અત્યાચારભરી થોડી હિંસા કરવી જરૂરી થઈ જતી હોય છે. એક પાગલ ટોળું કોઈ કુટુંબને ઘરમાં પૂરીને આગ લગાડતું હોય તો તેને વિખેરવા ગોળીબાર કરવો જરૂરી થઈ જતો હોય છે. સંતુલિત ધર્મવ્યાખ્યાની જગ્યાએ જ્યારે એકાંગી ધર્મવ્યાખ્યાઓ થવા લાગે ત્યારે આવી સ્થિતિ થતી હોય છે. પેલા ભાઈની વાતથી હું થોડો ઉગ્ર થઈ ગયો. એક રક્ષક સિપાહી આવું કરે તેની હું કલ્પના કરી શકતો નહોતો. મેં ઉગ્રતામાં ને ઉગ્રતામાં કહી દીધું:.



આપ ઔર આપકા ભાઈ દોનોં નરકમેં જાઓગે..... આપને કર્તવ્યભષ્ટતા કી ઔર આપકે ભાઈને કર્તવ્યભ્રષ્ટતા ધર્મ કે નામ સિખાઈ. મારી વાતથી એ ચમક્યો. તેને મારી પાસેથી પોતાના ભાઈ જેવી જ અપેક્ષા હતી. પણ તેથી ઊલટી વાત જાણીને તેને નવાઈ લાગી. મેં વિસ્તારથી તેને સમજાવ્યું કે, ભાઈ, તમને આકાશમાં ગોળીઓ ચલાવવાનો પગાર નથી મળતો, શત્રુઓને રોકવા તથા નષ્ટ કરવાનો પગાર મળે છે. આતતાયીને બચાવવાથી તો તે તમારી માતૃભૂમિ પડાવી લેશે, અરે, તમારી માલમિલકત લૂંટી લેશે અને ઇજ્જત-આબરૂ પણ ધૂળધાણી થશે. એટલે તમારો ભાઈ ધર્મને સમજી શક્યો નથી. તેણે તમને ગેરમાર્ગે દોર્યા અને તમે પણ ગેરમાર્ગે દોરાયા છો. મારી વાત તેના ગળે ઊતરી. તેણે કહ્યું, “ઠીક  કહેતે હૈં સ્વામીજી, મુઝે ભી મનમેં ઐસા લગ રહા થા કિ મૈં કહીં ગલત તો નહીં હૂં ? કિન્તુ અબ ક્યા કરેં ? જો હોના થા સો હો ગયા, અબ મુઝે કોઈ પ્રાયશ્ચિત્ત બતાઈએ જિસસે મેં ઇસ પાપસે છૂટૂ” તેની સ્થિતિ પ્રાયશ્ચિત્ત વ્યક્તિ જેવી હતી. મેં તેને કહ્યું,



"દેખિયે, મૈં પ્રાયશ્ચિત્ત બતાતા હૂં. અબ જબ કભી ભી કહીં યુદ્ધ હોવે તો આપ ઔર સૈનિકોંકી તુલનામેં ચાર ગુના શત્રુઓંકો મારના. બસ, યહી આપકા પ્રાયશ્ચિત્ત"




ફરી તેણે શંકાપૂર્વક પૂછ્યું, "પાપ તો નહીં હોગાને ? મેં કહ્યું કે ‘નહીં નહીં, પાપ નહીં હોગા, ઔર યદિ હુઆ ભી તો સારા પાપ મેરે સિર રહેગા. આપ અપના કર્તવ્ય કરે, મૈં નરક ભોગ લુંગા અગર મેરા દેશ ઔર મેરી પ્રજા સ્વાધીન રહે તો મૈં એક બાર નહીં હજાર બાર નરક ભોગને કે લિયે તૈયાર હું. ગુલામોં કો સ્વર્ગ નહીં મિલતા. ઉન્હેં તો યહીં પર નરક ભોગના પડતા હૈ. ગુલામી કે નરક કો ભોગને કી અપેક્ષા મેં સ્વાધીનતા કે શ્વાસોંમેં ઉધર દૂર દૂરકે નરક કો ભી સ્વીકારને કે લિયે તૈયાર હૂં.



મારી વાતની તેના ઉપર સારી અસર થઈ. તેણે પ્રતિજ્ઞા કરી કે હવે જ્યારે પણ યુદ્ધના મોરચે હું જઈશ ત્યારે આપના કથન પ્રમાણે ચારગણા શત્રુઓનો કચ્ચરઘાણ કાઢીશ.



પ્રજાના મસ્તિષ્કનું ઘડતર કરવામાં સૌથી મોટો ઘટક ધર્મ છે. ધર્મની વ્યાખ્યા કે માન્યતા ભ્રાન્તિભરેલી હોય તો પ્રજા કુધર્મને જ ધર્મ માની બેસે આવો કુધર્મ પ્રજાને ડુબાડતો હોય છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ”ની કહેવત પ્રમાણે ધર્મ ત્યારે રક્ષણ કરે જ્યારે ધર્મ, એ સાચો ધર્મ હોય, ધર્મના નામે કુધર્મને જ પ્રસરાવ્યો હોય તો પ્રજા દુઃખી દુઃખી થઈ જાય. તેનું માનસિક તથા બૌદ્ધિક ઘડતર જ એવું થાય કે તે હાનિ જ હાનિ ઉઠાવતી રહે.



આભાર

સ્નેહલ જાની