Mara Anubhavo - 58 in Gujarati Spiritual Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | મારા અનુભવો - ભાગ 58

Featured Books
Categories
Share

મારા અનુભવો - ભાગ 58

ધારાવાહિક:- મારા અનુભવો

ભાગ:- 58

શિર્ષક:- 1962નું યુદ્ધ

લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ

રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની




🤷 મારા અનુભવો…

🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી

📚 પ્રકરણઃ 58. "૧૯૬૨ નું યુદ્ધ"




હું ખાદી પહેરતો તથા મારા ઓરડામાં મહાત્મા ગાંધીજીનું મોટું ચિત્ર ટાંગી રાખતો. હરિજનો સંબંધી મારા સુધારક વિચારોના કારણે મોટા ભાગના સાધુઓ મને ગાંધીવાદી કહેતા. એક વૃદ્ધ મહાત્મા મારાં પ્રવચનોથી બહુ ખુશ થતા, પણ જો વચ્ચે ગાંધીજીનું નામ આવી જાય તો વિચલિત થઈ ઊઠતા તેઓ પાછળથી મને સમજાવતા કે તુમ ઔર સબ તો ઠીક હી બોલતે હો, કિન્તુ ગાંધીકા નામ કભી મત લેના, ઉસને તો ધર્મકા સત્યાનાશ કર દીયા હૈ.” તેઓ સ્વામી કરપાત્રી ગુટના રામરાજ્યની સ્થાપનાવાળા હતા. સાધુસમાજમાં ગાંધીજી તથા ગાંધીવાદ પ્રત્યે આદરભાવ રાખનારા થોડા માણસો હતા. જે કોઈ મારા ઓરડામાં આવે તે ગાંધીજીનું વિશાળ ચિત્ર જુએ એટલે થોડું મોઢું બગાડે. પણ હું કોઈની પરવા કરતો નહિ. એવામાં એક ઘટનાએ મારા ઉપર એવો પ્રભાવ નાખ્યો કે હું મહાત્મા ગાંધીજીના અહિંસાવાદથી થોડો દૂર ખસી ગયો.





ઈ. સ. ૧૯૬૨માં ચીન સાથે ભારતના સંબંધ બગડ્યા, લદાખ તથા નેફામાં કેટલીક ભારતીય ભૂમિ ઉપર તેણે દાવો તો ઘણા સમય પહેલાં કર્યો હતો, કેટલાક ભારતીય ચોકીદારોને પણ મારી નાખ્યા હતા. પં.નેહરુજી હિન્દી-ચીની ભાઈ ભાઈની સંતોષી નીતિમાં તન્મય હતા. છેલ્લાં બે-ત્રણ વર્ષથી નિવૃત્ત જનરલ કરીઅપ્પા પહાડી સેના બનાવવા તથા હિમાલયને સાચવવા ઉપર ભાર મૂકતા હતા. સંરક્ષણ મંત્રી શ્રી કૃષ્ણમેનનની નીતિથી અમેરિકા સાથેના સંબંધો જે પ્રથમથી જ ડહોળાયેલા હતા તે વધુ ડહોળાયા હતા. પશ્ચિમી રાષ્ટ્રોમાં ભારતની છાપ સમર્થક જેવી થઈ હતી. એક તરફ જન૨લ કરીઅપ્પા જેવા વાસ્તવવાદી માણસો સેનાના નવીકરણ ઉપર ભાર મૂકતા હતા તો બીજી તરફ ગાંધીવાદી મહાનુભાવો સેનાનો ખર્ચ ઘટાડી નાખવા, અરે કોઈ કોઈ તો સેના વિખેરી નાખવા ઉપર પણ ભાર મૂકતા હતા. શ્રી વિનોબા ભાવે, ગાંધીજી કરતાં પણ સવાઈ અહિંસાની વાતો કરીને આખા દેશ ઉપર પોતાના વિચારો સ્થાપી રહ્યા હતા. કવિઓ, લેખકો, ચિંતકો મોટા ભાગની પ્રજાને સમજાવતા હતા કે આ બુદ્ધ તથા ગાંધીજીનો દેશ છે. અહીં અહિંસાનો વિજય થાય છે. શસ્ત્રોની જરૂર નથી.





અમારા મઠમાં એક સર્વોદયી કાર્યકર્તા આવતા અને મારી સાથે ખૂબ ચર્ચા કરતા. તેઓનું કહેવું હતું કે ચાઈના પાસે માણસો ઘણા છે, જમીન થોડી છે. આપણી જમીનમાં કોઈ રહેતું નથી. એટલે તેઓને રહેવા માટે જમીનની જરૂર હોય તો આપણે આપવી જોઈએ. સબ ભૂમિ ગોપાલકી હૈ ,’જ્ય જગત'. તેમની ભોળી ઉદારતા અને તરંગી વિચારોથી અમે વિચલિત થઈ ઊઠતા. ઘણી વાર ચર્ચા ઉગ્ર થઈ ઊઠતી. એ જ સમયમાં ગઢવાલથી એક બીજા સર્વોદયી બ્રહ્મચારી આવેલા. તે તો અહિંસાવાદના અત્યંત હિમાયતી. હું એમને કહું કે માનો કે ચીનાઓને તમારી આપેલી જમીનથી સંતોષ ન થાય અને પહાડથી નીચે તેલક્ષેત્રમાં ઊતરી આવે તો ?.... એ જવાબ આપતા, ‘એમાં શું થઈ ગયું ? અંગ્રેજોને જેવી રીતે અહિંસક આંદોલનો કરીને હઠાવ્યા તેવી રીતે તેમને પણ હઠાવી દઈશું.' કાશીમાં કે દેશમાં માત્ર આ બે જ માણસો આવા વિચાર ધરાવનારા ન હતા. અહિંસાવાદનો એટલો પ્રબળ પ્રભાવ આખા દેશ ઉપર ફેલાયેલો હતો કે લગભગ બધા જ આવી રીતે વિચારતા. જે વાસ્તવદર્શી હતા તેમની નિંદા થતી, તે ફેંકાઈ જતા.





ઘણી મૈત્રીની બૂમો પાડવા છતાં પણ અંતે લદાખ તથા નેફામાં ચીને આક્રમણ કરી જ દીધું. આ સામાન્ય બંદૂકોની લડાઈ હતી. ટેંકો કે વિમાનોનો ઉપયોગ થયો ન હતો. કારણ, એક તો હિમાલય પર્વતમાં યુદ્ધક્ષેત્ર આપોઆપ સીમિત થઈ જાય. ચીનાઓને આગળ વધવામાં ખાસ અડચણ પડતી ન હતી અને આ પક્ષે એટલો ગભરાટ વ્યાપી ગયો હતો કે પોતાની પાસે જે કાંઈ હતું તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકાતો ન હતો.




થોડા જ દિવસોમાં ઓચિંતાના ચીના બોમદિલામાં પ્રગટ્યા. આખા વિશ્વની બાબતોમાં સર્વ પ્રથમ માથું મારવાની ટેવવાળા આપણા નેતાઓ હચમચી ઊઠ્યા. પશ્ચિમી જગત પ્રત્યે અણગમો હોવા છતાં તે વહારે ધાયા. ધાબળા, મોજા જેવી ચીજો પણ બહારથી આવવા માંડી. ચીંથરાના વાઘમાંથી જેમ ચીંથરાં બહાર નીકળી જાય અને તેની ભયાવહ મુદ્રા હાસ્યાસ્પદ બની જાય તેવી દશા ભારતની થઈ રહી હતી. ભારતની કમજોરી સિદ્ધ થઈ જતાં પાડોશી રાષ્ટ્રો નેપાળ, ભૂતાન, સિક્કીમ, બર્મા વગેરે ઉપર તેનો પ્રભાવ પડ્યો હતો.




આદર્શ ઉપદેશોની રાજનીતિ શક્તિની રાજનીતિ આગળ બિચારી થઈ જતી હોય છે. એ વખતે એક જ પ્રશ્ન હતોઃ ચીનને આગળ વધતું કેમ અટકાવવું ? પણ સૌના આશ્ચર્ય વચ્ચે ચીને એકપક્ષી યુદ્ધવિરામ જાહેર કર્યો. તથા પોતાની ભૂમિમાં સ્વયં પાછા જતા રહેવાની ઘોષણા કરી.




જેમનો વિનાશ થવાનો હોય છે તે વાસ્તવિક ઉપાયોને છોડીને તરંગોમાં રાચતા થઈ જતા હોય છે.




સોમનાથ મહાદેવના દરવાજા સામે જ્યારે ગઝનીનું લશ્કરી આવીને પડ્યું ત્યારે તે લશ્કરની સામે લાંબા હાથ કરી કરીને લોકો કિલ્લા ઉપર નાચતા હતા, ખુશીઓ મનાવતા હતા. એ બધા નક્કી માનતા હતા કે આવતી કાલે મહાદેવ તૃતીય નેત્ર ખોલશે. અને આ મ્લેચ્છો બળીને ખાખ થઈ જશે. બીજા દિવસે શું થયું તે તો આખી દુનિયા જાણે છે. સ્વતંત્રતા આપતાં પહેલાં અંગ્રેજોએ વારંવાર કહેલું કે તમે સ્વાધીનતાને સાચવી નહિ શકો. આપણા એક બહુ મોટા નેતાને પૂછેલું કે, માનો કે ભારત ઉપર કોઈ આક્રમણ કરશે તો તમે શું કરશો ? પેલા નેતાએ જવાબ આપેલો,” અમે કોઈના ઉપર આક્રમણ કરવાના જ નથી. પછી અમારા ઉપર કોઈ શા માટે આક્રમણ કરે ?" આ નેતાને કોણ સમજાવે કે સસલું વરુ ઉપર આક્રમણ નથી કરતું છતાં વરુ સસલાને છોડતું નથી. આક્રમણથી જ આક્રમણ થાય છે તેવું નથી, પણ દુર્બળતાથી આક્રમણને આમંત્રણ મળે છે. દુર્બળતા એ અભિશાપ છે.





અહિંસાની વાતો યોગીઓ, યતિઓ માટે સારી છે, પણ દેશના સીમાડાની રક્ષા કરવા આવી વાતો ઉપયોગી ના નીવડે. અને અહિંસા તો શૌર્યની સાથે શોભે, કાયરતાની સાથે નહિ. જેનામાં દશ કિલો શૌર્ય હોય તે એક કિલો અહિંસાની વાત કરે. પણ જેનામાં સો ગ્રામે શૌર્ય ન હોય તે વીસ કિલો અહિંસાની વાત કરે તે કાયરતાને ઢાંકવાની રામનામી ચાદર માત્ર ઓઢી રહ્યો છે. મહાત્મા ગાંધીજીમાં અમાપ શૌર્ય હતું. એટલે તેઓ અહિંસાની વાતો કરીને જ નહિ, પ્રાણની બાજી લગાવીને પણ અંગ્રેજો સામે ઝઝુમ્યા હતા. તેમણે શૌર્યની દિશામાં પાછી પાની કરી હોય તેવું સાંભળ્યું નથી. પણ આપણામાં એવું ઝઝૂમવાની શક્તિ ન હોય તો પછી શસ્ત્રોની નિંદા કરવાનો શો અર્થ છે ? આપણે શૌર્ય વિનાની અહિંસાની વાતોનાં વડાં કરી રહ્યા હતા. ન તો શત્રુને મારી શકતા હતા. ન તો સામી છાતીએ અહિંસાને માર્ગે મરી શકતા હતા.





આવા તરંગી વિચારોમાં આપણે લશ્કરની ઉપેક્ષા કરી, શસ્ત્રોની ઉપેક્ષા કરી. શસ્ત્રોનાં કારખાનાંઓમાં શસ્ત્રોની જગ્યાએ બીજું જ કાંઈ બનાવવા માંડ્યા. થિમૈયા જેવા સેનાપતિઓની સલાહની પરવા કર્યા વિના લશ્કરમાં કાપકૂપી કરવા માંડયા. સૌના મોઢે એક જ વાત હતી, આ દેશ બુદ્ધ અને ગાંધીજીનો છે.' જોકે આ દેશ શ્રીરામ-કૃષ્ણ, શિવાજી તથા પ્રાતાપનો પણ છે, પણ એક ખાસ સંદર્ભમાં બુદ્ધ તથા ગાંધીજીનાં નામ લેવાતાં હતાં. તે સંદર્ભ હતો અહિંસાવાદનો. મારી દૃષ્ટિએ જ નહિ, જયપ્રકાશ નારાયણ જેવા અનેક મોટા નેતાઓની દૃષ્ટિએ આ પરાજય એ સેનાનો કે ભારતનો પરાજ્ય ન હતો પણ અહિંસાવાદનો પરાજય હતો. આ પરાજ્યથી અહિંસાવાદીઓ ચૂપ થઈ ગયા હતા.





દેશની આઝાદી પછી લશ્કર પ્રત્યે ધ્યાન અપાયું જ ન હતું. અંગ્રેજો જે કંઈ મૂકીને ગયા હતા તેમાં નવીનતા લાવવી કે વધારો કરવો આપણને સૂઝ્યો જ ન હતો. કારણ કે આપણે વધુ પડતા અહિંસાવાદી થઈ ગયા હતા. સતરંગોની લાંબી દોરીથી આપણા પતંગને દૂર ગગન ઉપર ઉડાડતા હતા. આ પ્રતિષ્ઠારૂપી પતંગને એક જ ઝટકે ચીને કાપી નાખ્યો હતો. આપણા નેતાઓ તથા આખા દેશની અત્યંત લજ્જાજનક સ્થિતિ થઈ ગઈ હતી. હું સમાચારપત્રો તથા આધુનિક્તાના સંપર્કમાં રહેતો, એટલે આ આખી પરિસ્થિતિ માટે અહિંસાવાદને કારણ માનતો હતો. મહાત્મા ગાંધીજીએ આપણને આક્રમણ કરતાં ના શિખવાડ્યું. તેમના સંપૂર્ણ વાઙમયમાં સેના તથા સેનાના ભરપૂર ઉપયોગ માટે સજ્જ રહેવાની વાતો નથી મળતી. કદાચ કોઈ એક સ્થળે દબાયેલી જીભે વાત કરી હોય તો તેથી પ્રજા કે દેશ બળવાન નથી થઈ શકતો. હું નવસો ને નવ્વાણું વાર વ્યાયામ ન કરવાનો ઉપદેશ આપું અને પછી એકાદ વાર દબાયેલી જીભે તો.... તો... કહીને વ્યાયામની છૂટ આપું તો તેથી કાંઈ વિશ્વવિજેતા પહેલવાન ન પાકી શકે. વિશ્વવિજેતા પહેલવાન પેદા કરવા હોય તો નવસો ને નવ્વાણું વાર વ્યાયામની હિમાયત કરવી પડે, એકાદ વાર તો તેના વિપક્ષની સાવધાની માટે બોલવું જોઈએ.





આ પરાજયની મારા મન ઉપર અત્યંત ઊંડી અસર પડી. એ સમયે મને રાતદિવસ યુદ્ધના જ વિચાર આવ્યા કરતા. યુનિવર્સિટીમાં હું ભણવા જતો તો પચીસ-પચાસ વિદ્યાર્થીઓ મારી રાહ જોઈને બેઠા હોય. સૌ કોઈ મારી પાસેથી યુદ્ધ સંબંધી નવીનતા જાણવા તથા ચર્ચવા માગતા હોય. હું નકશા દોરી-દોરીને પરિસ્થિતિ સમજાવતો. સેનાના વ્યૂહ, શસ્ત્રો, યુદ્ધ વગેરે બાબતની ચર્ચા સાંભળીને ઘણા લોકો એમ જ માનતા કે હું લશ્કરમાંથી નિવૃત્ત થયેલી વ્યક્તિ છું.





આ લજ્જાજનક પરાજ્યમાં મને મુખ્ય કારણ વધુ પડતી અહિંસક વિચારસરણી લાગી. અહિંસા પ્રત્યે અત્યંત માન હોવા છતાં મને સ્પષ્ટ થયું કે આ વિચારસરણીથી દેશ કદી પણ મજબૂત નહિ થઈ શકે. આજે મને લાગે છે કે ૧૯૬૨ના યુદ્ધે આપણું ભલું જ કર્યું. તેણે આપણી આંખ ઉઘાડી. તરંગીપણાને ઓછું કર્યું. આપણે ઝટ લશ્કર તથા શસ્ત્રોની મહત્તા સમજતા થયા. અહિંસાવાદનું મોજું આપોઆપ બેસવા લાગ્યું. ૧૯૬૨ની જાગૃતિનો પ્રથમ લાભ આપણને ૧૯૬૫ના યુદ્ધમાં મળ્યો. ઠોકરોથી કોઈ મોટો ગુરુ નથી. તરંગી માણસોને ઠોકરો જ ઠોકરો ખાવી પડતી હોય છે. જ્યારે વાસ્તવદર્શી વ્યક્તિને ઓછામાં ઓછી ઠોકરો ખાવી પડતી હોય છે.




આભાર

સ્નેહલ જાની