Avatar 3: Fire and Ash in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | અવતાર 3: ફાયર એન્ડ એશ

Featured Books
Categories
Share

અવતાર 3: ફાયર એન્ડ એશ

અવતાર 3: ફાયર એન્ડ એશ
-રાકેશ ઠક્કર

         જેમ્સ કેમરૂન જ્યારે પણ 'અવતાર' લઈને આવે છે ત્યારે દુનિયાને લાગે છે કે હવે સિનેમાનો ઈતિહાસ બદલાઈ જશે. પરંતુ ‘અવતાર 3: ફાયર એન્ડ એશ’ પછી બોક્સ ઓફિસ પર જે 'આગ' લાગવાની અપેક્ષા હતી તે લાગી નથી. બોક્સ ઓફિસના આંકડા જોતા સ્પષ્ટ સમજાય છે કે કલેક્શનનો ગ્રાફ નીચે તરફ જઈ રહ્યો છે. પહેલા ભાગે જે ક્રેઝ ઊભો કર્યો હતો તે નવીનતા હવે મરી ગઈ છે. ‘ધ વે ઓફ વોટર’ સમયે ૧૩ વર્ષ પછી આવ્યા હતા એટલે ભારે ભીડ હતી. પણ 'અવતાર 3' માત્ર ૩ વર્ષમાં આવી ગઈ એટલે લોકોમાં એ આતુરતા જોવા મળી નથી.
 
         પ્રેક્ષકો ‘અવતાર 3’ માં હવે માત્ર બ્લુ કલરના માણસોને હવામાં ઉડતા જોઈને અભિભૂત થતા નથી. તેમને નક્કર વાર્તા જોઈએ છે. એવું લાગે છે કે પ્રેક્ષકો હવે ‘અવતાર’ ની વાદળી દુનિયામાં થોડા 'પાણી-પાણી' થઈ ગયા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર રાખ તો નથી થઈ પણ તેની જ્વાળા અગાઉના બે ભાગ જેટલી પ્રચંડ પણ રહી નથી. વાર્તામાં આ વખતે જેક સુલી અને નેતિરીનો સામનો 'રાખના લોકો' સાથે થાય છે. જેઓ નાવી હોવા છતાં થોડા આક્રમક અને વિલન જેવા છે. વિઝ્યુઅલની દ્રષ્ટિએ ફિલ્મ હજી પણ પૃથ્વી પરના કોઈ પણ નિર્દેશકની કલ્પના બહારની છે. પણ હવે પાન્ડોરાની એ સુંદરતા પ્રેક્ષકો માટે 'ઘર જેવી' થઈ ગઈ છે. જેમાં પહેલા ભાગ જેવી નવીનતા રહી નથી. વારંવાર પેન્ડોરા અને સ્કાય પીપલ વચ્ચેની એ જ લડાઈ, ટુલ્કુનનો શિકાર અને બચાવમાં કંઈ નવું નથી.
 
         અગાઉના ભાગો સાથે સરખામણી કરીએ તો 2009નો પહેલો ભાગ એક ચમત્કાર હતો. જેણે પહેલીવાર 3D દુનિયાનો અસલી જાદુ બતાવ્યો હતો. 2022નો બીજો ભાગ ‘અવતાર: ધ વે ઓફ વોટર’ પાણીની અંદરની અદભૂત દુનિયા બતાવીને ભાવનાત્મક રીતે વધુ મજબૂત હતો. આ ત્રીજો ભાગ ટેકનિકલી સર્વોપરી હોવા છતાં વાર્તાની દ્રષ્ટિએ થોડો ખેંચાયેલો લાગે છે. જેક સુલી હવે પપ્પા બનીને આખા પરિવારને બચાવવામાં એટલા વ્યસ્ત છે કે પ્રેક્ષકોને ક્યારેક લાગે કે આ 'અવતાર' છે કે પછી પેન્ડોરામાં ચાલતી કોઈ કૌટુંબિક સિરિયલ!
 
         પહેલા ભાગમાં યુદ્ધનો જે રોમાંચ હતો તે અહીં જ્વાળામુખી અને રાખની વચ્ચે ક્યાંક ધૂંધળો પડી ગયો છે. એવું લાગે છે કે જેમ્સ કેમરૂન હવે વાર્તા કહેવાને બદલે માત્ર 'નેચર ડિસ્કવરી' ની ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યા છે. જેમાં પાત્રોને માત્ર ગ્રાફિક્સ બતાવવા માટે આમ-તેમ દોડાવવામાં આવે છે. ફિલ્મમાં એટલા બધા નવા જીવો અને નવી જગ્યાઓ બતાવવામાં આવે છે કે પ્રેક્ષકો કન્ફ્યુઝ થઈ જાય છે કે આ ફિલ્મ છે કે કોઈ હાઈ-ટેક વીડિયો ગેમનું ડેમો વર્ઝન! સૌથી મોટી મર્યાદા એ છે કે 'રાખના લોકો' ને વિલન તરીકે રજૂ કર્યા છે પણ તેમની લડાઈના કારણો એટલા પાતળા છે કે વિલન પ્રત્યે નફરત થવાને બદલે દયા આવે છે.
 
         અભિનયની વાત કરીએ તો ટીકાકારો અને પ્રેક્ષકો બંને એક વાત પર સહમત છે કે આ વખતે વિઝ્યુઅલ્સ કરતા કલાકારોના ઈમોશન્સ વધુ શક્તિશાળી છે. મોશન-કેપ્ચર ટેકનોલોજી હોવા છતાં કલાકારોનો જીવંત અભિનય પડદા પર સ્પષ્ટ વર્તાય છે. ફિલ્મની અસલી નેતિરી -જાન ઝો સલ્ડાના છે. પુત્રના મૃત્યુ પછીનો તેનો આક્રોશ, વેદના અને બદલો લેવાની જે જીદ તેના ચહેરા પર દેખાય છે તે અદ્ભુત છે. સેમ વર્ધિંગ્ટન જેક સુલીના પાત્રમાં આ વખતે એક પિતાની લાચારી અને જવાબદારી વધુ જોવા મળે છે. તેનો અભિનય ઠરેલ અને વિશ્વાસપાત્ર છે. જોકે નેતિરી જેટલો આક્રમક નથી.
 
         જેમ્સ કેમરૂન કાકાને કોઈકે કહેવું જોઈએ કે પેન્ડોરામાં ગ્રાફિક્સ સુધારવા કરતાં થોડું સ્ક્રિપ્ટ પર પણ ધ્યાન આપવું જોઈએ! ટેકનિકલી ‘અવતાર 3’ અસાધારણ રીતે મજબૂત છે. સિનેમેટોગ્રાફી શાનદાર છે. દરેક દ્રશ્ય ખૂબ જ ધ્યાન ખેંચે છે. પૃષ્ઠભૂમિ સંગીત ફિલ્મના રોમાંચ અને અનુભવને વધારે છે. તેને ફક્ત એડિટિંગ વિભાગમાં સુધારવાની જરૂર હતી. ૧૯૭ મિનિટનો રનટાઇમ છે! ફિલ્મ જોતી વખતે દરેક એવો સવાલ પૂછે છે કે, ‘યાર, આ ફિલ્મ ક્યારે સમાપ્ત થશે?! ફિલ્મ એટલી લાંબી છે કે થિયેટરમાં પોપકોર્નનું ટબ ખાલી થઈ જાય અને સોફ્ટ ડ્રિંક ગરમ થઈ જાય તોય પૃથ્વીવાસીઓ અને નાવી વચ્ચેની લડાઈ પૂરી થતી નથી.  
 

         'અવતાર' ફ્રેન્ચાઈઝી હવે એવા સંબંધી જેવી થઈ ગઈ છે જે દર વખતે આવે ત્યારે નવા કપડાં પહેરીને આવે છે પણ વાતો એની એ જ પુરાણી કરે છે! જો જેમ્સ કેમરૂન 'અવતાર 4' અને '5' માં પણ આ જ રાખ-પાણીનો ખેલ ચાલુ રાખશે તો પ્રેક્ષકો પેન્ડોરા જવાને બદલે પૃથ્વી પર રહીને ગુજજુ કૉમેડી જોવાનું વધુ પસંદ કરશે. આટલા બધા પૈસા ગ્રાફિક્સમાં નાખવા કરતા જો થોડા પૈસા સારા ડાયલોગ રાઈટરને આપ્યા હોત તો કદાચ લોકો 'વાહ-વાહ' કરતા ઘરે ગયા હોત 'થાકી ગયા' કહીને નહીં! કેમકે બીજા ભાગમાં 'પાણીની દુનિયા' માં જે નવું હતું તે ત્રીજા ભાગની 'રાખની દુનિયા' માં લોકોને થોડું રિપીટ અને કંટાળાજનક લાગી રહ્યું છે.