14. સાથીદારોનો ભેટો
આજે પ્રવાસનો ચોથો દિવસ હતો. સવારે સાત વાગ્યે અમે સૌ જાગી ગયા હતા અને પાછા વળવાની તૈયારી આટોપી લીધી હતી.
‘યાર એલેક્સ, મને લાગે છે કે પિન્ટોએ પેલી સ્ટીક પરનું ગુપ્ત લખાણ વાંચી લીધું હોવું જોઈએ.’ થોમસે કહ્યું, ‘અને એને સમજ પડી ગઈ હશે કે આ પેટી લગૂનની અંદર છે. એ ત્યાં સુધી પહોંચે એ પહેલાં જ દીપડાએ એનું કામ તમામ કરી નાખ્યું હશે.’
‘હા, તારી વાતમાં વજૂદ છે, થોમસ.’ જેમ્સે ટાપશી પૂરાવી.
‘જો એવું જ હોય તો પછી પિન્ટો સૌથી મોટો મૂરખ સાબિત થયો છે.’ મેં મારી વાત રજૂ કરી, ‘એક ભૂલ એણે અહીં સ્ટીક ભૂલી જવાની કરી. બીજી ભૂલ એણે કરી દોરડું અને પિટન રાખી જવાની. સામેથી જ આપણને આવવાનું આમંત્રણ આપી દીધું હોય એવું કર્યું.’
‘હા, બેવકૂફ સાલો !’ કહેતો થોમસ તિરસ્કારપૂર્વક હસ્યો.
‘પણ અને એ નથી સમજાતું કે એણે આપણને એવું કેમ કહ્યું કે કેટલાક માણસો ઈચ્છે છે કે આપણે ફ્રેડી જોસેફની દોલતથી દૂર રહીએ.’ મેં પિન્ટોએ કહેલા શબ્દો દોહરાવ્યા.
મારા પ્રશ્નનો જવાબ હાલ પૂરતો તો કોઈની પાસે નહોતો. અમે થોડું ખાઈને અમારું ઊતરાણ શરૂ કરી દીધું.
સાવ જ ખડકાળ જમીનને બદલે હવે ફરી આસપાસ થોડા ઝાડ-ઝાંખરાં દેખાવા લાગ્યાં હતાં. અમે આવતી વખતે કેટલીક નિશાનીઓ મનોમન યાદ રાખેલી એના આધારે અમારે ફરી નીચે ઊતરવાનું હતું.
હંમેશા પહાડના ઊતરાણમાં ચઢાણ કરતાં ઓછી તકલીફ પડે. સદ્દભાગ્યે અમને રસ્તો મળી ગયો અને બપોર સુધી તો અમે એ જગ્યા પર પહોંચી ગયા જ્યાંથી જેમ્સને ક્રિકના ટીશર્ટનો ટુકડો મળી આવ્યો હતો. અહીંના નાના-મોટા પથ્થરોમાંથી એક સપાટ પથ્થર પર અમે આરામ કરવા બેઠા. અમે નીચે ઉતરવામાં બહુ ઝડપ કરી હતી.
જેમ્સ આજુબાજુના વિસ્તારનું અવલોકન કરી રહ્યો હતો. એણે એક વિચાર અમારી સમક્ષ રજૂ કર્યો, ‘એલેક્સ, થોમસ, અહીં આપણને ક્રિકના ટીશર્ટનો આ કટકો મળેલો. એટલે આપણે પહાડના શિખર તરફનો માર્ગ પકડ્યો. પણ આ બાજુ, ડાબા હાથ તરફ, પૂર્વ દિશામાં પણ જઈ શકાય એમ છે જુઓ. આ વૃક્ષોની વચ્ચેથી આછી કેડી જેવું દેખાય છે. જરા સંભાળીને ચાલવું પડે એમ છે. આ રસ્તો પર્વતના પડખામાં ઉતારતો હોવો જોઈએ. હું એવું વિચારું છું કે આપણે એ રસ્તે થોડે સુધી જઈને જોઈએ તો ? આ એક જ બાજુ જઈ શકાય એવું છે. આ જમણી તરફ તો ક્યાંયથી ઝાડીઓમાં ઘૂસી શકાય એવું છે જ નહીં. કદાચ સીધી જ ખીણ આવી જાય છે.’
મેં એ બાજુ નજર કરી. ત્યાં જંગલ તો હતું, પણ વૃક્ષો વચ્ચેથી આગળ માર્ગ કરી શકાય એવી જગ્યા હતી. અને એની બરાબર સામેના, પહાડના બીજા પડખા તરફ તો જઈ શકાય એમ હતું જ નહીં. સેંકડો-હજારો ફૂટ ઊંડી ખાઈ જ હતી. જેમ્સની વાતમાં મને દમ લાગ્યો.
‘આપણે ડાબી તરફ જઈએ છીએ. જેમ્સની વાત સાથે હું સહમત છું.’ મેં જાહેર કર્યું, ‘આપણે ઘણું ચાલી નાખ્યું છે એટલે થોડો આરામ કરી લઈએ. મને થોડા પગ પણ દુઃખે છે.’
‘હા, પગ તો મારાય દર્દ કરી રહ્યા છે.’ થોમસ પોતાના બંને પગ દબાવતાં બોલ્યો. જેમ્સે કંઈ કહ્યું નહીં, પણ એનીયે એ જ હાલત હોવી જોઈએ એવું મેં અનુમાન કર્યું.
એક-દોઢ કલાક ઊંઘી જઈને અમે ફરી સજ્જ થઈ ગયા. થેલા ખભા પર નાખ્યા. દોરડાં કમરે વીંટ્યાં. લાકડીઓ લઈને ડાબી તરફનો ઢોળાવ ઉતરવાનું શરૂ કર્યું. એકદમ ઘોર જંગલ હતું. જાતજાતનાં વૃક્ષો પર ચિત્રવિચિત્ર પક્ષીઓ બોલતાં હતાં. અમુકના અવાજો બહુ બીક લાગે એવા હતા. કોઈ ખૂંખાર જાનવર આવી ચડે તો આવા અવાજો કામ લાગી શકે. પણ કબનસીબે અમને પક્ષીઓની ભાષાની કોઈ જાણકારી નહોતી. પણ અમારી પાસે હથિયારો હોવાથી અમે જાતને સુરક્ષિત અનુભવતા હતા.
***
વિલિયમ્સ અને ક્રિક ભેખડનો, ઝાડીખાંખરાવાળો ઢાળ ચડીને પેલી ખાઈમાંથી બહાર આવી ગયા હતા અને એક ઝાડ નીચે થાક ખાવા બેઠા હતા. એમની પાસે પાણી નહોતું. ખોરાક નહોતો. હતી તો માત્ર એક છરી અને બે પિસ્તોલ. તેઓ આ વિશાળ પર્વત પર ગુમ થઈ ગયા હતા. પાછળ તો પેલા બદમાશોનું જોખમ હતું, આગળ પણ ખોરાક-પાણીના અભાવે એ બંને વધારે ટકી શકવાના નહોતા. અત્યારે એમને એ જ ચિંતા સતાવી રહી હતી. મિત્રો સુધી પહોંચવું કેમ એની મૂંઝવણમાં હતા. ક્રિકે પોતાના ટીશર્ટનો ટુકડો ફેંક્યો હતો તેના આધારે અમે લોકો એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોઈશું એવો એને વિશ્વાસ હતો.
‘ધાંય...!’ એકાએક ક્યાંકથી ગોળી છૂટીને વિલિયમ્સ-ક્રિક બેઠા હતા ત્યાં થોડે દૂર એક થડમાં ખૂંપી ગઈ. વાતાવરણમાં ધડાકાનો અવાજ ગુંજી ઊઠ્યો. બંને ચોંકીને ઊભા થઈ ગયા અને તરત જ નજીકના ઝાડના થડની ઓથે છુપાઈ ગયા.
‘ગોળી કોણે છોડી ? પિસ્તોલો તો આપણી પાસે છે.’ ક્રિક ફાટેલા અવાજે બોલી પડ્યો.
‘આપણી પાસે માત્ર એના રક્ષકોની પિસ્તોલો છે. જરૂર સ્ટીવ પાસે એક બંદૂક હોવી જોઈએ.’ વિલિયમ્સે કહ્યું. બંને ઝાડના પાંદડાંની પાછળથી જોવા લાગ્યા.
‘આપણે પણ આપણી પિસ્તોલ તૈયાર રાખો.’ વિલિયમ્સે એક પિસ્તોલ ક્રિકને આપતાં કહ્યું.
‘પણ આપણને એટલું સચોટ નિશાન લેતા નથી આવડતું હોં.’ ક્રિકે લાંબા સમયે પોતાની નકારાત્મકતા પ્રદર્શિત કરી.
‘આપણે એમને મારી થોડા નાખવાના છે, ક્રિક ! આપણે આપણો બચાવ જ કરવાનો છે. તું એ લોકોની દિશામાં ગમે તેમ ગોળીબાર કરજે.’
થોડીવાર શાંતિ છવાયેલી રહી. પછી જ્યાંથી ગોળી આવી હતી ત્યાં કંઈક હલચલ થઈ. ઝાડનાં બે-ચાર પાંદડાં હલ્યાં અને ઝાડીમાંથી પહેલો સ્ટીવ જ બહાર નીકળ્યો. વિલિયમ્સ-ક્રિકથી એ માંડ પચાસ-સાઠ પગલાં જ દૂર હતો. એની પાછળ-પાછળ પેલા બે પહેરેદારો પણ આવી પહોંચ્યા.
‘ધડામ... ધાંય... ધાંય... ધડામ...’ ક્રિક-વિલિયમ્સે પણ ઝાડ પાછળથી ફાયરિંગ ચાલુ કરી દીધું. એકસામટા પાંચ-સાત બાર એ લોકોની દિશામાં કર્યા. પેલા લોકો ગોળી વાગવાના ડરથી ફરી ઝાડીમાં ગરકાવ થઈ ગયા.
‘ચાલ, ચાલ, જલદી!’ વિલિયમ્સે ક્રિકનો હાથ પકડ્યો અને બંને એ વિરુદ્ધ દિશામાં ભાગવાનું શરૂ કર્યું.
***
થોમસ, જેમ્સ અને હું ધીરે ધીરે સંભાળીને કદમ મૂકી રહ્યા હતા. અમને અવરોહણ કરતાં લગભગ એક કલાક વીતી ગયો હતો. રસ્તો ઊબડખાબડ હોવાને લીધે અમે ઝાઝું અંતર કાપી શક્યા નહોતા.
એ જ વખતે ગોળી છૂટવાનો અવાજ દસેય દિશાઓમાં ગુંજી ઊઠ્યો. અમે ચોંકી ગયા. હજી તો કંઈ સમજીએ તે પહેલાં બીજા પાંચ-સાત રાઉન્ડ ફાયર થઈ ગયા. ચારે બાજુના પર્વતોએ એ અવાજોના પડઘા પાડ્યા. આ વેરાન ડુંગરાળ પ્રદેશમાં અમારા સિવાય બીજું કોણ હથિયારધારી આવી ચડ્યું ? જે રીતની પરિસ્થિતિ હતી તે પ્રમાણે એક જ શક્યતા હતી. પિન્ટોની ગેંગના જ કોઈ માણસે ગોળીબાર કર્યો હોવો જોઈએ. પણ કોની સામે ? - અને પળવારમાં જ હું ઘ્રૂજી ઊઠ્યો. ક્યાંક એ લોકોએ અમારા ખોવાયેલા મિત્રો પર તો ફાયરિંગ નહીં કર્યું હોય ને ? મારો વિચાર માત્ર એક તુક્કો જ હતો. પણ એ તુક્કાને આધારે અમારે ચાલ્યા વગર છૂટકો નહોતો.
‘થોમસ, જેમ્સ ! ક્યાંક આ ગોળીબાર આપણા મિત્રો પર તો નહીં થયો હોય ને ? એમના અને પેલા બદમાશો સિવાય અહીં બંદૂકો સાથે બીજું કોણ હોય ?’ મેં મારો વિચાર બંનેને જણાવ્યો.
આ સાંભળીને થોમસ-જેમ્સ પણ ગભરાઈ ગયા. ‘પણ આપણે વારાઝથી ખરીદેલી બંને પિસ્તોલો તો આપણી પાસે જ છે. જો ત્યાં ક્રિક અને વિલિયમ્સ હોય પણ ખરા તોય બંને શસ્ત્રો વિનાના હશે. આપણે ત્યાં જલદી પહોંચવું પડશે, યાર.’ થોમસે આશંકા વ્યક્ત કરી.
અમારી ચારે તરફ દૂર-દૂર પહાડો જ ઊભા હતા. ગોળીઓના અવાજો એ પહાડોમાં પડઘાઈને આવ્યા હતા. એટલે ગોળીબાર ચોક્કસ કયા સ્થળેથી થયો એનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. અમારે આંતરસૂઝથી જ આગળ વધવાનું હતું. અમે એ જંગલની કેડીએ-કેડીએ આગળ વધતા રહ્યા. મને સતત વિલિયમ્સ-ક્રિકની ચિંતા થતી હતી. અમારા ત્રણેયના હ્રદય જોરશોરથી ધબકતાં હતાં.
બીજા અડધા કલાકે અમે ઊતરીને એક મેદાન જેવી જગ્યાએ આવ્યા. અહીંથી આગળ ક્યાં જવું એની અવઢવમાં હતા. ત્યાં સામેની તરફની ઝાડીઓ હલી. અમે સતર્ક થઈ ગયા. એક પિસ્તોલ મેં પકડી અને બીજી થોમસે પકડી. ઝાડીની તરફ બંનેએ પિસ્તોલ તાકેલી રાખી. એમાંથી કોણ નીકળશે એની અમને ખબર નહોતી. એ ક્ષણો કટોકટીની હતી. અમારા હાથ પિસ્તોલના ટ્રિગર પર જ હતા.
ઝાડપાન ખસેડતી બે વ્યક્તિઓ એકદમ દોડતી અમારી તરફ આવી અને અમને જોઈને એકદમ એ લોકોના પગ થંભી ગયા.
‘વિલિયમ્સ ! ક્રિક !’ થોમસ, જેમ્સ અને હું એકીસાથે બોલી પડ્યા. અમારા આનંદનો પાર નહોતો. પિસ્તોલો નીચી કરીને અમે સૌ એકબીજાને ભેટી જ પડ્યા. આવડા મોટા નિર્જન પ્રદેશમાં અમારા બંને મિત્રોનું સહીસલામત મળી જવું કોઈ ચમત્કારથી કમ નહોતું. વિલિયમ્સ અને ક્રિક દોડતા આવ્યા હોવાથી એકદમ હાંફતા હતા.
(ક્રમશઃ)