આમ તો વાસ્તવિકતા કલ્પના કરતા વધારે બહેતર હોય છે તેમ છતાં માનવજાતને કલ્પનામાં રાચવું વધારે ગમતું હોય છે પરિણામે તે હંમેશા જાદુ અને મિથ પર વિશ્વાસ ધરાવતી હોય છે.આમ તો માનવ તરીકે કેટલીક મર્યાદાઓ જોડાયેલી છે અને એટલે જ માનવ હંમેશા વધારે શક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતો રહે છે તે માને છે કે કેટલીક વસ્તુઓ તેને આ અલૌકિક શક્તિઓ પ્રદાન કરી શકે છે અને કેટલીક વસ્તુઓ આ પ્રકારની શક્તિઓ ધરાવતી હોવાની તેની માન્યતા છે જો કે વૈજ્ઞાનિક રીતે તેને ક્યારેય પુરવાર કરી શકાઇ નથી.
સર ફ્રાંસિસ ડ્રેકનું નામ એક સાહસિક યાત્રિક તરીકે જાણીતું છે તો તેમને ગુલામ તરીકે પણ ઓળખાવાય છે તો તેમને પાયરેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પનામાનાં કિનારે ૧૫૯૬માં મોતને ભેટ્યા હતા અને ત્યાં જ તેમને દફનાવાયા હતા.તેમની યાદગિરી રૂપે એક ડ્રમને તેમનાં બકલેન્ડ એબ્બેનાં ઘેર મોકલવામાં આવ્યું હતું.કહેવાય છે કે જ્યારે કોઇ હુમલો થવાનો હોય ત્યારે તે ડ્રમ આપોઆપ અવાજ કરતું હતું.જ્યારે ઇંગ્લેન્ડ પર ખતરો મંડરાયો હતો ત્યારે આ ડ્રમનો અવાજ લોકોએ સાંભળ્યો હતો.તેને વગાડવાથી પણ ડ્રેકને બોલાવી શકાય છે તેમ કેટલાકનું માનવું હતું.નેપોલિયને પોતે પણ આ ડ્રમ અંગે એ પ્રકારની જ વાત કરી હતી.તેણે જણાવ્યું હતું કે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ ભડક્યુ ત્યારે અને ડનકિર્કમાંથી પલાયન થયો ત્યારે તેણે આ ડ્રમનો અવાજ સાંભળ્યો હતો.જ્યારે ૧૯૧૮માં જર્મન નૌકાદળે શરણાગતિ સ્વીકારી ત્યારે તો જહાજ પર તે ડ્રમ ન હતું પણ તેણે અવાજ સાંભળ્યો હતો.હાલમાં બકલેન્ડ એબ્બેમાંથી આ ડ્રમને દુર કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેનો ભારે વિરોધ કરાયો હતો લોકોનું માનવું હતું કે જો તે ડ્રમને ત્યાંથી ખસેડવામાં આવશે તો ઇંગ્લેન્ડનો નાશ થઇ જશે.
થોમસ બસ્બી એક વિચિત્ર વ્યક્તિ હતો તે હંમેશા નશામાં ધુત રહેતો હતો અને ગુસ્સો ગમે ત્યારે ભડકી ઉઠતો હતો.૧૭૦૨માં તેને તેના સસરાની હત્યા માટે દોષી ઠેરવાયો હતો અને તેને ફાંસી આપી દેવાયા બાદ તેનો મૃતદેહ ત્યાંજ ટિંગાડી રખાયો હતો.જ્યાં તેને જાહેરમાં ટિંગાડાયો હતો તે વિસ્તારને ત્યારબાદ લોકોએ બસ્બી સ્ટુપઇન તરીકે ઓળખવાની શરૂઆત કરી હતી.કહેવાય છે કે ત્યાં હંમેશા તેનું ભૂત દેખાતું હોવાની લોકોમાં ચર્ચા હતી.લોકોને તે હંમેશા એક જ ખુરસી પર બેઠેલો દેખાયો હતો.ત્યારે બીજા વિશ્વયુદ્ધમાં કામ કરનારા પાયલોટ ત્યાં રોકાયા હતા જે આ ખુરસીને અનલકી માનતા હતા.૧૯૭૦ની આસપાસ તો એવી વાત ઉડી હતી કે આ ખુરસીમાં બેઠેલ વ્યક્તિને મોતનો સામનો કરવો પડે છે.જો કે ૧૯૭૮માં આ સ્ટુપઇનનાં માલિકે ખુરસી સ્થાનિક મ્યુઝિયમને ભેટમાં આપી હતી પણ શરત કરી હતી કે કોઇ તેના પર બેસશે નહી.મ્યુઝિયમે તે ખુરસી ત્યારબાદ કોઇને વેચી ન હતી.આ ખુરસીને દિવાલ પર ટાંગેલી હાલતમાં રાખવામાં આવે છે આમ થોમસ બસ્બીનો ખૌફ તેના મોત બાદ પણ પુરો થયો નથી.
વેલ્સનાં સ્ટ્રાટા ફલોરિડા એબ્બે ઇનમાં એક લાકડાનો કપ ઉપયોગમાં લેવાતો હતો જેને લોકો હોલી ગ્રેલ તરીકે ઓળખતા હતા જે હાલમાં વેલ્સનાં નેશનલ લાઇબ્રેરીમાં મુકાયેલો છે.આ કપમાં અલૌકિક શક્તિઓ હોવાની ચર્ચા હંમેશથી થાય છે.આ કપની ૨૦૧૪માં ચોરી થઇ હતી પણ એક વર્ષ બાદ તેને પરત કરાયો હતો.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે જેને આ કપ કોણ ચોરી ગયું હતું તેની જાણકારી હજી હાથ લાગી નથી.
ઇંગ્લેન્ડનાં યોર્કશાયર ખાતે આવેલા વ્હીટબી મ્યુઝીયમમાં એક મમી કરાયેલો હાથ સાચવી રાખવામાં આવ્યો છે જેને લોકો હેન્ડ ઓફ ગ્લોરી તરીકે ઓળખે છે.આ હાથ વીસમી સદીનાં પ્રારંભે એક કોટેજની દિવાલની અંદર તે હાથ સાચવી રાખવામાં આવેલી હાલતમાં મળ્યો હતો.આ હાથ કોઇ ગુનેગારને ફાંસીનાં માંચડે લટકાવાયેલો હતો ત્યારે જ કાપી લેવાયો હોવાનું મનાય છે.આ હાથનો ઉપયોગ ચોરીનાં સમયે કેન્ડલ તરીકે પણ કરાતો હોવાનું મનાય છે.કહેવાય છે કે તેના પર ખાસ પ્રકારની મીણ લગાવીને તેને પેટાવવામાં આવતો જો તે પેટે નહી તો માનવું કે ઘરમાં કોઇ જાગી રહ્યું છે.આ હાથની આગ પાણીથી બુઝતી ન હતી પણ તેના માટે લોહી કે બ્લ્યુ મિલ્કનો ઉપયોગ કરવો પડતો હતો.જો કે આ બ્લ્યુ મિલ્ક ક્યાંથી લાવવું તેની કોઇ ખાસ વાત કરાઇ નથી.જો કે આ પ્રકારનો હાથ બનાવવાની વિધિ ઘણી લાંબી છે બહેતર છે કે આવો હાથ બનાવવા કરતા ટોર્ચનો જ ઉપયોગ કરી લેવો.
મહારાણી એલિઝાબેથ પ્રથમનાં સલાહકાર તરીકે જહોન ડીનું નામ જાણીતું હતું જે તેમને ખગોળીય અને વૈજ્ઞાનિક મામલાઓમાં સલાહ આપતા હતા.તે ગણિતનાં પણ ઉસ્તાદ હતા અને પોતાની જાતને ડોકટર પણ ગણાવતા હતા.તેમનો દાવો હતો કે તે ફરિશ્તાઓ સાથે વાત કરી શકે છે અને તે માટે તે ખાસ પ્રકારનાં આયનાનો ઉપયોગ કરતા હતા.આ આઇનાને તે સ્ક્રાઇંગ મિરર તરીકે ઓળખાવતા હતા.૧૫૮૨માં તેમણે દાવો કર્યો હતો કે યુરિલ નામનાં ફરિશ્તાએ તેમને એક ક્રિસ્ટલ ભેટમાં આપ્યો હતો જેનો રંગ જાંબુડી હતો.આ ક્રિસ્ટલનો ઉપયોગ ડી ભવિષ્ય ભાખવા કરતો હતો.આ ક્રિસ્ટલ ત્યારબાદ તેના પુત્રને મળ્યો હતો જેણે તેને પોતાના તબીબ નિકોલસ કલ્પેપરને આપ્યો હતો.નિકોલસ તેના દર્દીઓની સારવારમાં તેનો ઉપયોગ કરતો હતો.જો કે તેનામાં શેતાની શક્તિઓનો વાસ થયા બાદ તેણે તેનો ઉપયોગ કરવો બંધ કર્યો હતો.આ ક્રિસ્ટલની ખરીદી ૧૯૩૭માં વેલકમ ટ્રસ્ટે કરી હતી જે ત્યારબાદ તેમનાં કલેકશનનો ભાગ રહ્યો હતો.જો કે તેની જાદુઇ શક્તિઓનો તેમને ફાયદો થયો કે નહી તેનો તેમણે ક્યારેય ઉલ્લેખ કર્યો ન હતો.
યુકેના પીટ્ટ રીવર્સ મ્યુઝિયમમાં એક અનોખી વસ્તુને પ્રદર્શનમાં મુકવામાં આવેલી છે જેને એપોટ્રોપિક બુલ્સ હાર્ટ કહેવાય છે જે ૧૮૯૨માં એક ચિમનીને સાફ કરતી વખતે મળ્યો હતો.આ હાર્ટ પર મોટામોટા નખ અને કાંટા હતા.આ હાર્ટમાં એક દેડકો હતો જેના પર પણ કાંટા હતા.એક સમયે ઇંગ્લેન્ડમાં લોકો માનતા હતા કે ચિમની વડે જ શેતાની અને દુષ્ટ આત્માઓ ઘરમાં પ્રવેશ કરે છે અને એ આત્માઓને દુર રાખવા માટે આ પ્રકારની વસ્તુઓને ચિમનીમાં લટકાવવામાં આવતી જેથી દુષ્ટ આત્માઓને ઘરથી દુર રાખી શકાય.બળદનું હૃદય ચુડેલોને દુર રાખે છે તેવું પણ માનવામાં આવતું હતું.
સેન્ટ મુરા ચર્ચનો બેલ કહેવાય છે કે પૃથ્વી પર ફરિશ્તાઓ લાવ્યા હતા.કહેવાય છે કે તેના અવાજને સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને ત્યારબાદ ફરિશ્તાઓ તેને અહી જ મુકીને સ્વર્ગમાં ચાલ્યા ગયા હતા.જો કે આ ઘંટનો ઉપયોગ લોકોને ભેગા કરવા માટે નહી પણ અન્ય કાર્ય માટે કરાતો હતો.હાલમાં આ બેલ લંડનનાં વોલેસ કલેકશનમાં જોવા મળે છે જો કે તેમાં અલૌકિક શક્તિઓ છે કે નહી તે કોઇને ખબર નથી.
૧૯૧૧માં એક જાણીતા એન્થ્રોપોજિસ્ટની વિધવાએ પીટ્ટ રીવર્સ મ્યુઝિયમને એક અનોખી વસ્તુ દાનમાં આપી હતી જે પીંછા જેવું હતું આ વસ્તુને લોકો વીચ્સ લેડર તરીકે ઓળખે છે.કહેવાય છે કે આ લેડર એક મહિલાની પાસે હતું જેનો ઉપયોગ તે પોતાના પાડોશીનાં પશુઓનું દુધ ચોરવા માટે કરતી હતી.જો કે તેનો ઉપયોગ કઇ રીતે થાય છે તેની કોઇની પાસે માહિતી નથી.
ધ દિલ્હી પર્પલ સેફાયર તરીકે જાણીતી રહસ્યમય વસ્તુ આમ તો દિલ્હી નહી પણ કાનપુર સાથે સંકળાયેલી છે.આ સ્ટોન લંડનનાં નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમને ૧૯૪૪માં એડવર્ડ હેરોન એલનની પુત્રીએ દાનમાં આપ્યો હતો.આ સ્ટોનને સાત બોકસમાં મુકાયેલો હતો.જો કે છેલ્લુ બોકસ જ્યારે ખોલવામાં આવ્યું ત્યારે હેરોનનો એક પત્ર તેમાં મુકાયેલો હતો જેમાં કહેવાયું હતું કે આ રત્ન શાપિત છે.તેમનું કહેવું હતું કે આ રત્નની લુંટ ઇન્દ્રનાં મંદિરમાંથી કરાઇ હતી અને તેને રાખનાર ત્રણ વ્યક્તિઓ તે શાપનો ભોગ બની ચુક્યા છે.એક જાણીતા ગાયક પાસે આ રત્ન હતું જે પોતાનો અવાજ જ ગુમાવી બેઠા હતા.આ રત્નને ફેંકવાનો હેરોને ઘણો પ્રયાસ કર્યો હતો પણ તે તેમની પાસે પાછું જ આવી જતું હતું.તેમણે તો પોતાની પુત્રીને પણ આદેશ આપ્યો હતો કે તેને ક્યારેય સ્પર્શ પણ ન કરે.આ બોકસને પણ તેમણે બેંકનાં વોલ્ટમાં રાખી મુક્યું હતું અને ક્યારેય તેને લેવા ગયા ન હતા જો કે તેમની પુત્રીએ તે બોકસ મ્યુઝીયમને દાનમાં આપ્યું હતું અને આજે પણ તે નેચરલ હીસ્ટ્રી મ્યુઝીયમની શોભા વધારી રહ્યું છે.જો કે તેનામાં કોઇ દુષ્ટ શક્તિ છે કે નહી તે ચર્ચાનો વિષય છે.
ઉત્તર સ્કોલેન્ડમાં મુનલોચી નામનો વિસ્તાર છે જે તેના ક્લુટી વેલ માટે જાણીતો છે.આમ તો સ્કોટલેન્ડમાં અનેક કલુટી વેલ છે.જે કુદરતી રીતે જ વિકસીત થાય છે ખાસ કરીને બે વૃક્ષો પાસપાસે હોય ત્યારે.આમ તો કલુટી એક કપડાનો લાંબો ટુકડો હોય છે જેને વૃક્ષોની ડાળીઓ પર બાંધવામાં આવે છે. ક્યારેક વૃક્ષોનાં થડ પર પણ આ પ્રકારનાં કપડાનાં લાંબા ચીંદરડા વીંટવામાં આવે છે.આ પ્રથા આમ તો ઇ.સ.પુર્વેની છે ત્યારે માનવામાં આવતું હતું કે આત્માઓ વેલમાં વાસ કરે છે અને મુનલોચી ક્લુટીમાં સેન્ટ બોનીફેસનો આત્મા વસતો હોવાનું મનાય છે.આ વસ્ત્રોને વૃક્ષોની ડાળીઓ પર બાંધવાની રસમને આત્માઓનો આદર કરવાની રીત મનાય છે.આ કપડાઓ કુવાની અંદર સુધી જાય છે અને તેમાં લાગેલા પાણીનો લોકો અનેક પ્રકારે ઉપયોગ કરતા હોય છે.તે માને છે કે આ પાણીમાં ચમત્કારિક શક્તિઓ હોય છે જે અનેક રોગોને દુર કરી શકે છે.કેટલાક માને છે કે તેનાથી દુર્ભાગ્ય દુર થાય છે.જો કે આ વૃક્ષો પરનાં કપડાનાં ચિંદરડા ક્યારેય કોઇ હટાવવાની હિંમત કરતું નથી કારણકે માનવામાં આવે છે કે તેમ કરનારની સાથે દુર્ભાગ્ય જોડાઇ જાય છે.