જીવનનું કોઇ અટલ સત્ય હોય તો તે છે મોત.આ અટલ સત્ય હોવા છતાં માનવજાતને હંમેશા અમરત્વની શોધ રહી છે અને લોકો એ રીત શોધતા રહે છે જેનાથી મોતને માત આપી શકાય પણ કોઇ તેનાથી બચી શક્યું નથી.જન્મ લેનારને મોત આવવાની જ છે તે સત્યને જાણવા છતાં કેટલાક લોકોએ ક્યારેક વિજ્ઞાનનો આશરો લઇને તો ક્યારેક કોઇ પદાર્થનો આશરો લઇને અમરત્વ પ્રાપ્ત કરવાનાં પ્રયાસો કર્યા હતા જો કે તેમનાં પ્રયાસો સફળ થયાં નથી.
ચીનનાં પ્રાચીન રાજવીઓને અમરત્વ પ્રાપ્ત કરવાની ઘેલછા હતી અને તે પોતાનું યૌવન જાળવી રાખવાનાં સતત પ્રયાસો કરતા હતા.ચીનનાં પ્રથમ સમ્રાટ શીન ચી હુઆંગ માનતા હતા કે પારા મિશ્રિત દ્રાવણ વડે તે અમરત્વ પ્રાપ્ત કરી શકે છે અને તેમણે એ દ્રાવણ પી લીધુ હતું જો કે આ પહેલો દાખલો નથી જ્યારે આ પ્રકારનાં ગાંડપણને આચરવામાં આવ્યું હોય.ત્યારબાદ પણ કેટલાકે તેવો પ્રયાસ કર્યો હતો.ઇ.સ. ૩૬૧માં જિન વંશના સમ્રાટ જ્યારે કોઇ વારસને છોડ્યા વિના મોતને ભેટ્યા ત્યારે તેમનાં પિતરાઇ સીમા પીના હાથમાં સત્તાની દોર આવી હતી.તે દાઓવાદની ફિલોસોફીમાં વિશ્વાસ ધરાવતા હતા.તેમના જાદુગરોએ ત્યારે તેમના માટે એક દ્રાવણ તૈયાર કર્યુ હતું અને આ દ્રાવણ વડે અમરત્વ પ્રાપ્ત કરી શકાય છે તેવું તે માનતા હતા.ઇ.સ. ૩૬૪માં તેમણે જાદુગરોએ તૈયાર કરેલી દવા લીધી અને તે ગંભીર રીતે બિમાર પડી ગયા હતા અને તેમને ગાદી છોડવી પડી હતી.આખરે ૩૬૫માં તે મોતને ભેટ્યા હતા ત્યારે તેમની વય માત્ર ચોવીસ વર્ષની હતી તે પણ કોઇ વારસ વિના મર્યા હતા આથી તેમના ભાઇ સીમા યી જિન વંશનાં નવા સમ્રાટ બન્યા હતા.
બૌદ્ધવાદનો એક પંથ શિંગોનનાં નામે ઓળખાય છે.જે જાપાનમાં નવમી સદી દરમિયાન અસ્તિત્વમાં આવ્યો હતો.આ પંથની સ્થાપના કોબો દાઇશીએ કરી હતી.તે ધાર્મિક નેતા હતા અને તે ૮૩૫માં મોતને ભેટ્યા હતા.જો કે તેમના અનુયાયીઓ માનતા હતા કે તે મર્યા નથી પણ ધ્યાનની ચરમ સીમાએ પહોંચી ગયા છે અને આગામી બુદ્ધ અવતારની પ્રતિક્ષા કરી રહ્યાં છે.દાઇશીએ સોકુશિંબુત્સુ નામની પ્રાચીન પદ્ધતિનો પ્રચાર કર્યો હતો જેમાં વ્યક્તિ જાતે જ મમી બની જાય છે.આ પદ્ધતિ જો કે ખુબ લાંબી અને પીડાદાયક હતી જેમાં સાધુને એક હજાર દિવસ વૃક્ષ પર રહીને જ ધ્યાનમાં વિતાવવા પડે છે.જેમાં તે વૃક્ષની ડાળીઓ અને મુળનો આહાર કરે છે તે ફળ અને ફુલ લઇ શકતો નથી.તેની પાછળનું કારણ એ હતું કે તેનાથી શરીરની તમામ ચરબીને ઓગાળી શકાય છે.ત્યારબાદ તેને બીજા એક હજાર દિવસ ખાસ પ્રકારની ચાનું સેવન કરવાનું હોય છે.આ ચામાં ઝેરી તત્વ હોય છે.૧૦૮૧માં આ સમગ્ર પ્રક્રિયા પુરી થઇ ત્યારે શોઝીનની વય ૭૧ વર્ષની હતી.તેમને ત્યારે લાગ્યું કે તેમનાં જીવનનો અંત નજીક છે ત્યારે તેમણે તેમનાં શરીરને દફનાવવા જણાવ્યું હતું.ત્યારબાદ કેટલોક સમય વીત્યા પછી તેમના અનુયાયીઓ તેમના મકબરામાં પ્રવેશ્યા ત્યારે તેમને શોઝીનનો ક્ષત વિક્ષત મૃતદેહ જ હાથ લાગ્યો હતો.તેમનો પ્રયોગ નિષ્ફળ ગયો હતો.
વીસમી સદીનાં પ્રથમ પુર્વાર્ધમાં જ્યારે રેડિયેશનની અસર અંગે લોકોને વધારે જાણકારી ન હતી ત્યારે લોકો માનતા હતા કે રેડિયોએક્ટિવિટી આરોગ્ય માટે ઉત્તમ બાબત છે.ત્યારે કેટલાક કોમિકસમાં તો એવા સુપરહીરો દર્શાવવામાં આવતા હતા જેમને રેડિયેશન દ્વારા મહાશક્તિઓ પ્રાપ્ત થઇ હતી.આજે પણ કેટલાક લોકો માને છે તેનાથી અમરત્વ પ્રાપ્ત કરી શકાય છે.આ પ્રકારની વાતો માર્વેલની કોમિક્સમાં મોટાભાગે જોવા મળે છે.૨૦૧૩નાં માર્ચ મહિનામાં રશિયાની પોલીસે મોસ્કોમાં એક યુનિવર્સિટીનાં પ્રોફેસરની ધરપકડ કરી હતી જેણે પોતાનાં ઘરમાં ભારે માત્રામાં રેડિયોએકટિવ મટિરિયલનો સંગ્રહ કર્યો હતો.તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના મિત્રએ તેને જણાવ્યું હતું કે રેડિયેશન તેને અમરત્વ આપી શકે છે.તે એક વખત ચેર્નોબિલની સાઇટ પર પણ ગયો હતો.તેના મિત્રએ ત્યાંથી રેડિયોએક્ટિવ વેસ્ટને એકત્ર કરવા માટે તેની મદદ માંગી હતી.પ્રોફેસરે ચૌદ કિલો જેટલી સામગ્રી એકત્ર કરી હતી.જો કે આ વાત પોલીસને ખબર પડ્યા પછી પ્રોફેસરની ધરપકડ કરાઇ હતી અને તેને ગેરકાયદે કૃત્ય માટે સાતવર્ષની સજા કરાઇ હતી જો કે ઓથોરિટીએ તેમની ઓળખ ગુપ્ત જ રાખી હતી.
ચીનનાં સમ્રાટ વેન્જુઆનને પણ અમરત્વ પ્રાપ્ત કરવાની ઘેલછા હતી.વેન્જુઆને ઉત્તર કી પ્રાંતને જીતીને સમ્રાટની પદવી પ્રાપ્ત કરી હતી.જો કે વેન્જુઆન સનકી હતો.એક તરફ તે ચુસ્ત શાકાહારી હતો અને પ્રાણીઓને મારવાનો વિરોધી હતો અને બીજી તરફ તેની માનસિકતા હિંસાને પ્રોત્સાહન આપનારી હતી અને ખાસકરીને જ્યારે તે દારૂનો નશો કરતો ત્યારે તો તેની હિંસકતા પરાકાષ્ટાએ પહોંચી જતી હતી.તે લોકોને મારીને તેમના અંગોને ક્ષત વિક્ષત કરાવવાનો પાશવી શોખ ધરાવતો હતો તે બાળકોને પણ મરાવી નાંખતો હતો.વિચિત્ર વાત એ હતી કે તે પોતાની જાતને બૌદ્ધ ગણાવતો હતો.તેને અમરત્વ પ્રાપ્ત કરવાની સનક ઉપડી હતી તે લોકોને પહાડીઓ પર ચડવા, શિખર પરથી નીચે ભુસ્કો મારવા અને આકાશમાં ઉડવા જેવા ઓર્ડર આપતો હતો અને તેમાં મોટાભાગે લોકો મોતને ઘાટ ઉતરતા હતા.એક વખત તેણે કેટલાક શિક્ષકોને સોનાનું દ્રાવણ તૈયાર કરવાનો ઓર્ડર આપ્યો જેનાથી તે અમરત્વ પ્રાપ્ત કરી શકે.તેના આદેશ અનુસાર તે તૈયાર કરીને તેને અપાયું પણ તે તેણે એક ખાસ બોકસમાં સાચવી રાખ્યું હતું તે કહેતો હતો કે તે જ્યારે મોતની નજીક પહોંચશે ત્યારે તેનું સેવન કરશે.
૧૯૨૦માં જેમ્સ સેફર નામની વ્યક્તિએ એક પંથની સ્થાપના કરી હતી જે અનેક ધર્મોની માન્યતાઓનાં મિશ્રણ સમાન હતી અને ત્યારે તે પંથે અનેક ધનાઢ્ય લોકોને તેની તરફ આકર્ષિત કર્યા હતા.આ લોકોની મદદ વડે જ તે લોંગ આઇલેન્ડ પર ૧૧૦ ઓરડા ધરાવતું વિશાળ મેન્શન ખરીદી શકયો હતો જેને તેણે પીસ હેવન નામ આપ્યું હતું.આ સદનમાં તેના ખાસ અનુયાયીઓ જ રહેતા હતા.૧૯૩૯માં જેમ્સ સેફર એક બાળકીને લાવ્યો હતો જેનું નામ જીન ગૌન્ટ હતું અને તેને તે કાયદેસર રીતે દત્તક લઇને લાવ્યો ન હતો પણ તેના માતા પિતા અત્યંત ગરીબ હતા જે તેમની સંભાળ રાખી શકે તેમ ન હતા આથી તેમણે સેફરને એ બાળકી આપી દીધી હતી.સેફરે એ બાળકીનો ઉછેર કરવાનો નિર્ણય લીધો કારણકે તે તેની મદદ વડે અમર બનવા માંગતો હતો.તે બાળકીને તેણે મેટાફિઝીકસનું શિક્ષણ આપ્યું હતું અને તેને શુદ્ધ શાકાહારી બનાવી હતી અને તેને નકારાત્મક ખ્યાલોથી દુર રાખી હતી.જો કે સેફરને ૧૯૪૦માં આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો અને તેણે એ બાળકી તેના માતાપિતાને સોંપવાનો નિર્ણય કર્યો હતો જો કે તે લોકોએ તેના પર કેસ કર્યો હતો અને ૧૯૪૨માં તેને પાંચ વર્ષની સજા કરાઇ હતી અને તેણે ૧૯૫૫માં આત્મહત્યા કરી લીધી હતી.
સદા યુવાન રહેવાની ઘેલછામાં લોકો કેટલાય પ્રકારનાં પ્રયોગો કરતા રહે છે.કેટલાક લોકો માને છે કે નાના બાળકોનું લોહી ચડાવવાથી તેમને યુવાની પ્રાપ્ત થઇ શકે છે.જિયોવાન્ની બાટ્ટીસ્તા સિબો ૧૪૮૪માં પોપ બન્યા હતા.જો કે તે જ્યારે પાદરી હતા ત્યારથી જ તે વિવાદાસ્પદ હતા અને તેમને બે અનૌરસ સંતાનો પણ હતા.તે જ્યારે પોપ બન્યા ત્યારે તેમણે પોપ ઇનોસન્ટ ૮ નામ ધારણ કર્યુ હતું.તેમના પર ત્યારે પણ ભ્રષ્ટાચારનાં કેસ ચાલતા હતા.આઠ વર્ષની પોપની કારકિર્દી બાદ તે બિમાર પડ્યા હતા અને તેમને લાગ્યું કે તેમનું મોત નજીક છે ત્યારે કેટલાક ફિઝીશ્યનોની મદદ માંગી હતી જેમણે એવી સલાહ આપી હતી કે જો તે નાના બાળકોનું લોહી તેમના શરીરમાં ચડાવે તો તે યુવાન રહી શકે છે.તેમની સલાહ અનુસાર જ્યારે લોહી ચડાવવાની પ્રક્રિયા શરૂ કરાઇ ત્યારે જ તે બાળકો અને પોપની તબિયત બગડી હતી મોત પહેલા પોપે તેમના કાર્ડિનલને તેમનાં બદલે અન્ય પોપની પસંદગી કરવાનો આદેશ આપ્યો હતો.તેમની ઘેલછાએ તેમનાં અને તે બાળકોનાં જીવનને નષ્ટ કરી નાંખ્યું હતું.
ક્રાયોનિકસ એ વૈજ્ઞાનિક પદ્ધતિ છે જેના વડે માણસનાં શરીરને અત્યંત નીચા તાપમાનમાં દાયકા જ નહી સદીઓ સુધી જાળવી શકાય છે.૧૯૩૦માં બેલ્જિયમમાં ફેરીડોન એમ. એસ્ફાંડાયરીએ જન્મ લીધો હતો.તેણે પોતાના જીવનનાં આરંભિક વર્ષો યુરોપનાં જુદા જુદા દેશોમાં વિતાવ્યા હતા જ્યાં તેણે અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો.તેણે ૧૯૪૮ની ઓલિમ્પિકમાં પણ ભાગ લીધો હતો.તે ૧૯૫૦નાં ગાળામાં અમેરિકા આવ્યો હતો અને અહી તેણે ટ્રાન્સહ્યુમેનિઝમનો પ્રચાર પ્રસાર કર્યો હતો તે માનતો હતો કે વિજ્ઞાનની મદદથી માનવજાત મોત સહિતની તમામ સમસ્યાઓનું નિવારણ કરી શકે છે તેની આ વિચારસરણી ત્યારે લોકપ્રિય બની હતી અને તેને અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં સલાહકાર બનાવવામાં આવ્યો હતો.તેણે પોતાનું નામ બદલીને એફએમ - ૨૦૩૦ રાખ્યું હતું.તે માનતો હતો કે ૨૦૩૦ સુધીમાં માનવજાત અમરત્વ પ્રાપ્ત કરી લેશે.જો કે તેની સફરનો અંત વર્ષ ૨૦૦૦માં આવ્યો હતો તે કેન્સરને કારણે મોતને ભેટ્યો હતો.જો કે તેનું શરીર આલ્કોર લાઇફ એકસટેન્સને તેના મસ્તિષ્કને જાળવી રાખ્યું છે.આ સંસ્થા વિશ્વની જાણીતી ક્રાયોનિકસ કંપની છે જેણે ૧૬૦ કરતા વધારે લોકોનાં શરીરને જાળવી રાખ્યા છે.તેની આ યાદીમાં ૧૫૦૦ કલાયન્ટ સામેલ છે જે મરવા માંગતા નથી.જો કે હાલ તો એફએમ ૨૦૩૦ એ દિવસની રાહ જોઇ રહ્યો છે જ્યારે માણસજાત અમર બનવાની રીત શોધી લેશે.
જેમ પોપ ઇનોસન્ટ આઠમાને લાગ્યું હતું કે લોહીની અદલાબદલીથી માણસ યુવાન રહી શકે છે તેવી જ વિચારસરણી સદીઓ બાદ અન્યનાં મગજને પણ અસર કરી ગઇ હતી આ વખતે આ વિચાર રશિયામાં ૧૮૭૩માં જન્મેલા કોમ્યુનિસ્ટ લીડર એલેકઝાંડર બોગદાનોવને સ્ફુર્યો હતો.જો કે તેની વિચારસરણીને કારણે તેેને દેશનિકાલાની સજા મળી હતી.પ્રથમ વિશ્વયુદ્ધમાં તેણે એક તબીબ તરીકે સેવા બજાવી હતી.ત્યારબાદ તેણે લોહીની અદલાબદલી મામલે વિચાર કરવો આરંભ કર્યો હતો.ત્યારે તબીબો માનતા હતા કે બ્લડ ટ્રાન્સફયુઝનથી રોગોની સારવાર કરી શકાય છે અને જીવનને પણ લાંબુ કરી શકાય છે.બોગદાનોવે આ માટે તેની પોતાની જ સંસ્થા સ્થાપી હતી.આ માટે તેણે મોસ્કોમાં એક વિશાળ ઇમારતનું નિર્માણ કર્યુ હતું.જો કે ૧૯૨૮માં તેની માન્યતા કરતા વિપરીત થયું હતું કારણકે ત્યારે તેને એક ટીબી મરીઝનું લોહી મળ્યું હતું અને તે લોહી ચડાવ્યાનાં બે સપ્તાહ બાદ તે મોતને ભેટ્યો હતો.જો કે ત્યારે પણ કેટલાક લોકો તો માનતા હતા કે બોગદાનોવ અને તેની પત્ની લોહી ચડાવ્યા બાદ યુવાન લાગતા હતા.
અમરત્વ પ્રાપ્ત કરવાની દિશામાં આલ્કેમી અને ક્રાયોનિકસને જાણીતી પદ્ધતિ માનવામાં આવે છે.કેટલાક લોકો માને છે કે જો લોહીમાં કેટલાક બેકટેરિયા દાખલ કરવામાં આવે તો તેનાથી અમરત્વ પ્રાપ્ત કરી શકાય છે.૨૦૦૯માં રશિયન વૈજ્ઞાનિકોને સાયબેરિયાનાં બરફમાં કેટલાક બેકટેરિયા મળી આવ્યા હતા જે પ્રાચીન સમયનાં હતા.જે ૩.૫ મિલિયન વર્ષ બાદ પણ જીવંત હતા.આ બેકટેરિયા કેટલાક ઉંદર, જીવાત અને છોડમાં દાખલ કરાયા હતા.જેમાં તમામ વધારે મજબૂત અને આરોગ્યની રીતે મજબૂત બન્યા હતા.આ પરિણામ પ્રાપ્ત થયા બાદ તેના અંગે વધારે વિચાર કર્યા વિના ટીમ લીડર એનેતોલી બ્રુશ્ચકોવે ૨૦૧૩માં આ બેકટેરિયાનો પોતાની જાત પર જ પ્રયોગ કરવાનો નિર્ણય લીધો હતો.તેણે એ બેકટેરિયાને પોતાના લોહીમાં દાખલ કર્યા હતા.તેણે દાવો કર્યો હતો કે તે તદ્દન હેલ્થી અને સુરક્ષિત છે તે બેકટેરિયાને દાખલ કર્યા બાદ તેને ક્યારેય તાવ આવ્યો નથી.તેણે ૨૦૧૭માં એક જર્મન અભિનેત્રીને પણ તે બેકટેરિયાનો ડોઝ આપ્યો હતો.
એલિઝાબેથ પેરિસ અમેરિકન બાયોટેક કંપનીની સ્થાપક છે જે બાયોવિવા તરીકે પ્રખ્યાત છે.તે જિન થેરપી વડે મનુષ્યની ઉંમર વધારવાનો પ્રયોગ કરે છે.જેમાં વ્યક્તિનાં ડીએનએમાં સુધારા કરવામાં આવે છે જેનાથી માનવીની વયમાં વધારો કરી શકાય છે.૨૦૧૫માં પેરિસે પોતાની જાત પર જ પ્રયોગ કરવાનો નિર્ણય કર્યો હતો.જ્યારે આ પ્રયોગ કરવાનો નિર્ણય કરાયો ત્યારે તેની વય ૪૪ વર્ષની હતી અને આ પ્રયોગ બાદ તેની વય ત્રીસની થઇ ગયાનું જણાયું હતુંં જો કે વૈજ્ઞાનિકોએ તેના પરિક્ષણ સામે સવાલો ઉભા કર્યા છે પણ આ યાદીમાં પેરિસ એકમાત્ર જીવિત વ્યક્તિ છે જે પોતાના પ્રયોગનાં સકારાત્મક પરિણામો પ્રાપ્ત કરી શકી છે.