Bridge of Truth - 2 in Gujarati Thriller by Sanjay Sheth books and stories PDF | સત્ય ના સેતુ - 2

Featured Books
Categories
Share

સત્ય ના સેતુ - 2

સત્ય ના સેતુ 

મુંબઈ પોર્ટ પર ઉઠતી હોર્ન ના અવાજ સાથે સાંજ ધીમે ધીમે ઓગળી રહી હતી, પરંતુ આરવ દેસાઈના મનમાં તો જાણે સવારનો તાજો તણાવ હતો. ડ્રગ્સ ભરેલા કન્ટેનર પકડાયા હતા પરંતુ એ લડાઈની માત્ર શરૂઆત હતી. એ જાણતો હતો કે આટલી મોટી ક્વોન્ટિટી કોઈ સામાન્ય સ્મગલરનો ધંધો નથી. આ પાછળ કોઈ બહુ મોટું નેટવર્ક હશે જેનું વજન માત્ર કાગળો અને કાર્ગોમાં નહીં, પરંતુ મંત્રાલય, અધિકારીઓ અને રાજકીય સત્તાઓના ઓફિસોમાં છુપાયેલું હોય છે. કંઇક એવા લોકો, જેઓના દરવાજા પર સુરક્ષા હોય છે, પરંતુ અંતરાત્મા પર કોઈ સુરક્ષા નથી.

ડ્રગ્સના કેસની ફાઇલ લઈને આરવ પોર્ટ કંટ્રોલ બિલ્ડિંગમાંથી બહાર નીકળ્યો ત્યારે, એને એમ લાગ્યું કે કોઈ એની દરેક હરકતને નિહાળી રહ્યું છે. કદાચ એનો માત્ર ભ્રમ હતો, પરંતુ ઈન્વેસ્ટિગેશનની શરૂઆતથી જ એ ધીમે ધીમે એક એવા ખાડામાં ઉતરી રહ્યો હતો જ્યાં સત્ય શોધનારાઓ માટે કોઈ પ્રકાશ ન હતો. એ જાણતો હતો આ સાંઠગાંઠ તોડવું હોય તો આખી સિસ્ટમની અંદર સુધી જવું પડશે.

એ રાત્રે આરવ પોતાના કેબિનમાં ફાઇલો વાંચી રહ્યો હતો ત્યારે અમોલ અંદર આવ્યો.
“સર, આજે હોમ ડિપાર્ટમેન્ટમાંથી કોઈએ કૉલ કર્યો હતો. કહ્યું કે કેસ ઉપરથી ‘સેન્સિટિવ’ બન્યો છે. તમને કેન્દ્રીય ટીમને હેન્ડઓવર કરવાની તૈયારી રાખવી જોઈએ.”
આરવે થોડા તીખા સ્વર કરી પૂછ્યું,
“હોમ ડિપાર્ટમેન્ટ? તેમને કેવી રીતે ખબર પડી કે આપણે શું પકડ્યું? મેં તો હજી રિપોર્ટ મોકલ્યો જ નથી.”
અમોલ મૌન રહ્યો. તે મૌન પોતે જ જવાબ હતો.

આરવને સમજાયું કોઈએ આ માહિતી ઉપર સુધી પહોંચાડેલી છે… અને એ પણ વીજળીની ઝડપે.
પરંતુ ચિંતાનો મુદ્દો બીજો હતો કે આ કૉલ કોઈ સામાન્ય ઓફિસરની નહીં, બહુ મોટા માણસની સૂચના હતી. કોઈ એવા માણસની, જેણે પોતાના હાથમાં આ ડ્રગ્સ રેકેટના બધા તારો પકડી રાખ્યા હોય.

તે રાત્રે આરવે ડેસ્ક લેમ્પ બંધ કર્યો, પરંતુ મનમાં ઉઠેલું તણાવ બંધ ન થયું. પોર્ટની બારીમાંથી બહાર જોયું. સમુદ્ર શાંત હતો, પરંતુ શાંતિ ઘણી વાર પહેલા આવતી વાવાઝોડાની નિશાની હોય છે. એને સમજાયું કે આ કેસ માત્ર ફ્રન્ટલાઈન સ્મગલરોનો મામલો નથી પરંતુ તેમના પાછળ બેઠેલા એવા લોકોનો, જેઓ ચર્ચામાં નથી દેખાતા… પરંતુ ચેસના રાજા જેમ દરેક પ્યાદા ચલાવે છે.

બીજા દિવસે સવારને ઓફિસ પહોંચતા જ અમોલ ઉતાવળમાં આવ્યો,
“સર! રમેશ વર્મા… ગાયબ છે.”
“શું!”
“ગઈ કાલથી તેનો મોબાઇલ સ્વીચ ઑફ છે. ઘરની સામે બે લોકો જોવા મળ્યા હતા હૂડ પહેરેલા. પડોશી કહે છે, રાત્રે કોઈએ તેને જબરદસ્તી કારમાં બેસાડ્યો હતો.”

આરવના રક્તમાં ગરમી દોડી ગઈ. એ જાણતો હતો રમેશ માત્ર પેપરવર્કનો માણસ હતો, પરંતુ એના હાથમાં એવા દસ્તાવેજ હશે જે ઘણા મોટાં નામો બહાર લાવે. અને એ નામો ડરતાં હતા.

ડેસ્ક પરની ફાઇલ ખોલતાં એની નજર એક પેપરમાં અટકી મેડિકલ કન્ટેનર મોકલનાર કંપનીનું નામ: “मेहता ग्लोबल लॉजिस्टिक्स”, માલિક: નિખિલ મહેતા.
પરંતુ વધુ તપાસ કરતાં એક વિસ્ફોટક માહિતી સામે આવી કંપનીનું ઓડિટ વર્ષોથી એક જ ફર્મ કરે છે, અને તે ફર્મના મુખ્ય અધિકારી એક જાણીતા રાજકારણીના ભાઈ હતા. ઉપરથી આ કંપનીને દર ત્રિમાસિક ખાસ પરમીટ આપતી એક આઇઆરએસ અધિકારી હતી, જેઓની પોસ્ટિંગ દરેક બે વર્ષે બદલી જતી, પરંતુ હંમેશા એવા પોર્ટ પર જ જ્યાં મેહતા લોજિસ્ટિક્સનું નેટવર્ક વધુ મજબૂત હોય.

અને અટકવું હજી બાકી હતું.
આઇઆરએસ અધિકારીની ફાઇલમાં એક બીજું નામ દેખાયું—DIG સૂર્યપ્રકાશ સિંહ, આઇપીએસ.
ફાઇલની સાઇડ નોટમાં લખેલું—
“Regular liaison for high-value cargo clearance.”
Liaison?
શ્રીમંત શબ્દ… પણ અર્થ ખૂબ કાળો.

આરવનું ધબકારું વધ્યું.
આ હવે ચોક્કસ રાજકારણીઓ આઇઆરએસ આઇપીએસ અને સ્મગલિંગ સિન્ડિકેટ વચ્ચેની સાંઠગાંઠ હતી.
સામાન મોકલતો નિખિલ મહેતા માત્ર પ્યાદું હતો. પાછળ બેઠેલા રાજકારણીઓ જ એ ‘રાજા’ હતા.

તે સમયે અનન્યા અંદર આવી.
“સર, મીડિયા પર કેસ લીક થવાની તૈયારી લાગી રહી છે. કોઈ ખાસ ચેનલના રિપોર્ટરે તમારા નામ સાથે પ્રશ્નો પૂછ્યા છે.”
આરવે હળવું હસ્યું,
“મારા નામ સાથે નહીં પૂછે, તો એ લોકોના જેણે તેમને એ નામ આપ્યું છે.”
અનન્યા બોલી,
“સર, તમે કેટલા પણ ઈમાનદાર હો, પણ સામે જે શક્તિ છે તે બહુ વિશાળ છે. રાજકારણીઓનું સીધું નામ બહાર લાવવું જોખમી છે.”
આરવે આંખોમાં નિર્ધાર ભર્યો,
“મને ખબર છે, પરંતુ જો હું સત્યથી ભાગું… તો આ સત્યને દફનાવી દેવામાં સેકંડ નહીં લાગે.”

મુંબઈની રાત ફરી એક વખત ભારે થઈ ગઈ.
આરવના ફોન પર અજાણ્યો નંબર…
સામેનાં અવાજે કહ્યું,
“સાહેબ, બોલું છું… મારા પાસે કંઈક મોટી માહિતી છે. પણ અહીં વાત કરી શકું એવું નથી. મને જીવનો ડર છે.”

આ અવાજ એ જ સ્ત્રી.
નીના.
તે ધ્રૂજતા સ્વરે આગળ બોલી,
“સર… આ ફક્ત નિખિલ મહેતાનો કિસ્સો નથી. તેના પાછળ બે મોટા રાજકારણીઓ છે એક સત્તામંડળમાં, એક વિરોધ પક્ષમાં. બંનેને ફાયદો હતો. કંપનીના રેકોર્ડમાં મેં જોયું કે તેમના નામે ‘ડોનેશન ફંડ’ હતો… જે ખરેખર બ્લેકમની વ્હાઇટ કરવા માટેનો રસ્તો હતો.”

આરવની નસોમાં લોહી ઉકળ્યું.
આ રેકેટ દેશને અંદરથી ખાઈ દેશે.

નીના ફરી બોલી,
“સર… મને લાગે છે મારા પર નજર રાખવામાં આવે છે. તમે જે ઝડપ્યું છે, એ તેમના માટે બહુ મોટો ઝટકો છે. તમે સાવચેત રહેજો.”

કોલ કાપી ગયો.
રૂમમાં સન્નાટો.
સમુદ્રનો અવાજ પણ જાણે કોઈ ભવિષ્યવાણી કરતો હતો.

તે રાતે આરવ દેસાઈએ નક્કી કર્યું
આ કેસ હવે કોઈ ફાઇલ નહિ…
આ લડાઈ તેની ફરજ પણ નહિ…
આ અત્યાર સુધીની સૌથી મોટી કવાયત બની રહી હતી સત્ય ને સત્તા સામે ઊભું કરવાનું.

(વધુ આવતીકાલે)