કોમ્પ્યુટર, કાર, લેપટોપ,ટ્રેન જેવી વસ્તુઓ આજે આપણાં માટે સામાન્ય છે અને તેનો રોજિંદા જીવનમાં ઉપયોગ થાય છે પણ જ્યારે આ સંશોધનનો વિચાર કરાયો અને તે વસ્તુઓ બનાવવામાં આવી ત્યારે ઘણાં એવા લોકો જેને પ્રભાવશાળી માનવામાં આવે છે તેમણે આ વસ્તુઓ અંગે નકારાત્મક વિચાર રજુ કર્યા હતા.તેનું કારણ એ પણ હતું કે લોકો કોઇપણ નવી વાતને બહુ ઝલ્દી સ્વીકારતા નથી.આજે કોમ્પ્યુટર વિનાની દુનિયાની કલ્પના કોઇ કરી શકે તેમ નથી પણ ૧૯૪૩માં કોમ્પ્યુટર જાયન્ટ આઇબીએમનાં ચેરમેન થોમસ વોટસને કોમ્પ્યુટર અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે વિશ્વમાં માત્ર પાંચ જ કોમ્પ્યુટર પુરતા છે.આજે તેઓ કેટલી હદે ખોટા પુરવાર થયા છે તે જોઇ શકાય છે કારણકે કોમ્પ્યુટર વિના કોઇપણ વસ્તુનો વિચાર કરી શકાતો નથી.ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટફોન, સ્માર્ટવોચ, સ્માર્ટ ટીવી, ગેમ્સ સિસ્ટમ, કાર, કેલ્ક્યુલેટર, માઇક્રોવેવ, ઘડિયાલ, એમપીથ્રી પ્લેયર વગેરે વગેરે જેવી વસ્તુઓ કોમ્પ્યુટર વિના કલ્પી શકાતી નથી.
ટ્રેન એવી શોધ છે જેણે ઔદ્યોગિક ક્રાંતિનો પાયો નાંખ્યો હતો જેણે સમગ્ર વિશ્વને બદલી નાંખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.જો કે સૌપ્રથમ જ્યારે આ રાક્ષસી મશીનની કલ્પના કરાઇ ત્યારે તેને નકારી કાઢનારા લોકોની સંખ્યા નાની સુની ન હતી તેમનું માનવું હતું કે કલાકની પચાસ માઇલની ઝડપે દોડનાર આ મશીન મહિલાઓ માટે બિન સલામત છે કારણકે તેનાથી તેમનો ગર્ભ બહાર નિકળી જવાની શક્યતા છે.જો કે આજે આપણે બુલેટટ્રેનનાં જમાનામાં જીવીએ છીએ જેની ઝડપ એ જમાનામાં કોઇએ કલ્પી પણ ન હતી.આ ટ્રેનોમાં મહિલાઓ અને બાળકો સલામત રીતે મુસાફરી કરે છે.
ઇસપુ.ચોથી પાંચમી સદીમાં પ્રાચીન ગ્રીક સંસ્કૃતિનાં સમયગાળામાં જે મહાન વિચારકો થઇ ગયા તેમાં પ્લેટોનો સમાવેશ થાય છે.પ્લેટો એ છે જેમણે પશ્ચિમમાં પહેલી એકેડેમીની સ્થાપના કરી હતી જેમાં ઉચ્ચ અભ્યાસ કરવામાં આવતો હતો.જો કે પ્લેટોનાં લખાણ અને પુસ્તકો અંગેનાં વિચાર હેરતઅંગેજ હતાં.તેઓ માનતા હતા કે લખાણ માણસને ભૂલકણો બનાવી દેશે કારણકે તે કશી વસ્તુને યાદ રાખવા માટે સમર્થ નહી રહે.તે માનતા હતા કે જ્ઞાન એ શીખવાની અને શીખવવાની વસ્તુ છે.જો કે આજે તેઓ કેટલી હદે અવ્યવહારૂ સાબિત થયા છે કારણકે આજે તમામ વસ્તુઓ પુસ્તકોમાં સમાયેલી છે ઇતિહાસ, વિજ્ઞાન, ફિલોસોફી બધુ જ પુસ્તકો પર આધારિત છે.
૧૯૮૦ અને ૯૦નાં ગાળામાં મહિલાઓને એક પ્રશ્ન અવશ્ય ઉઠતો હતો કે તેઓ આખો દિવસ કોમ્પ્યુટર પર કામ કરે છે તો તેમનાં ગર્ભમાં રહેલા બાળક પર તેની ખરાબ અસર થશે કે નહી.આજે પણ ઘણાં લોકો માને છે કે સીઆરટીમાંથી ઉંચી માત્રામાં રેડિયેશન નિકળે છે.જો કે આ પ્રકારની વિચારસરણી આજે તો કોઇ ધરાવતું નથી પણ તેમ છતાં કોમ્પ્યુટર અને મોનિટરનાં ઉપયોગ સામે ખચકાટ તો જોવા મળે જ છે.
એટીએન્ડટીએ એક સમયે એવું નિવેદન કર્યુ હતું કે આપણે આન્સરીંગ મશીનની કોઇ જરૂરત નથી.આ મશીનનાં આરંભકાળમાં તે તેને રિપેર કરનારા લોકો માટે ખતરનાક સાબિત થયું હતું અને તે કારણે જ તેના પર ટેલિફોન કંપનીઓએ પ્રતિબંધ લગાવ્યો હતો.૧૯૫૦માં તો એટીએન્ડટીએ જાહેરમાં જણાવ્યું હતું કે આપણે આન્સરીંગ મશીનની કોઇ જરૂરત નથી.જો કે ૧૯૭૫માં એફસીસીએ તેનાં પ્રયોગની પરવાનગી આપી હતી અને ૧૯૮૩માં તેનું સારૂ મોડેલ બજારમાં હાજર હતું.આજે તો જોકે આપણે સ્માર્ટફોન સુધી પહોંચી ગયાં છે.
સ્વીડનમાં ટેલિફોન બહુ ઝડપે પ્રસરી ગયા હતાં ૧૮૮૫માં અન્ય કોઇ દેશમાં તેનું પ્રચલન ન હતું.જો કે ત્યારે પણ તેના ઉપયોગ અંગે ઘણી ગેરમાન્યતાઓ ફેલાયેલી હતી કેટલોક ડર પણ તેના વિશે પ્રસરેલો હતો કેટલાક તો તેના વિશે અંધવિશ્વાસ પણ ધરાવતા હતા.કેટલાક માનતા હતાં કે આ ટેલિફોનનાં વાયરો મારફતે આત્માઓ માનવીનાં શરીરમાં વસવાટ કરે છે.કેટલાક તો તેને શેતાની સાધન ગણાવતા હતા.મોટાભાગનાં ખેડુતો તેમનાં ખેતરોમાં તેની લાઇન નંખાય તે પસંદ કરતા ન હતા.જો કે આખરે લોકોએ આ ટેકનોલોજીનો સ્વીકાર કર્યો હતો અને તે ઝડપથી લોકપ્રિય બની હતી.
ધ ન્યુયોર્ક ટાઇમ્સનાં ૧૯૩૮નાં ઓકટોબર મહિનામાં ચીઝબર્ગરનો ઉલ્લેખ જોવા મળ્યો હતો.ત્યારબાદ નવ વર્ષ પછી ટાઇમ્સે ફરી એકવાર તેનો ઉલ્લેખ કર્યો હતો.આજે તો ચીઝબર્ગર એટલું લોકપ્રિય છે કે દર અઢારમી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય ચીઝબર્ગર ડેની ઉજવણી કરાય છે પહેલા તેનો લોકોએ સ્વીકાર કર્યો ન હતો.લોકોને બીફની સાથે ચીઝ અને ટોમેટોનું મિશ્રણ જ વિચિત્ર લાગ્યું હતું.
આજે જે ફિંગરનેઇલ પોલીશ ઉપયોગમાં છે તેની શોધ ક્યુટેક્સમાં ૧૯૧૭માં થઇ હતી.૧૯૨૬માં વીયોલા પેરિસે વોગ મેગેઝીનમાં તેના વિશે લખ્યું હતું કે તેની સલામતી અને ગુણવત્તા વિશે ઘણી શંકાઓ છે.તો એક વર્ષબાદ ધ ન્યુયોર્ક ટાઇમ્સે તેને લંડન ફેડ તરીકે ગણાવ્યું હતું..એટલાન્ટા ડેઇલીએ પણ ૧૯૩૨માં ૩૧મી માર્ચે તેના વિશે નકારાત્મક લખાણ પ્રસિદ્ધ કર્યુ હતું.જો કે વિચિત્રતા એ છે કે તેની લોકપ્રિયતામાં જોરદાર વધારો થયો હતો.૨૦૧૯માં તેની કમાણી દસ મિલિયન ડોલરે પહોંચી જવા પામી હતી.
૧૯૦૨માં ધ ન્યુયોર્ક ટાઇમ્સે ઓટોમોબાઇલને અવ્યવહારૂ ગણાવ્યું હતું.ત્યારે તેમણે કારને અવ્યવહારૂ ગણાવી હતી અને સાયકલની પ્રસંશા કરી હતી આજે કારઉદ્યોગ સૌથી માતબર ઉદ્યોગ છે જ્યારે સાયકલ માટે આજે જાહેરાતો કરવી પડે છે.૧૯૦૨માં ટાઇમ્સે જણાવ્યું હતું કે ઓટોમોબાઇલની કિંમતો ક્યારેય એટલી સસ્તી થવાની નથી કે તેને લોકો ખરીદી શકશે.લોકોમાં પણ કાર અંગે ઘણી નિરાશા હતી એટલે તે સફળ જશે કે કેમ તે અંગે લોકોમાં શંકાઓ હતી પણ આજે કાર સૌથી સફળ માધ્યમ ગણાય છે.હેન્રી ફોર્ડે તેને લોકપ્રિય બનાવી અને તેના સસ્તા ઉત્પાદનને કારણે તે સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ થઇ શકી હતી.
૧૯૦૭માં મિશિગનનાં એક પાદરીએ એક અખબારમાં લોકોને અપીલ કરી હતી કે તેઓ પોતાનાં સંતાનોને રમવા માટે ઢીંગલીઓ અપાવે અને તેમનાં ઘરમાંથી ટેડીબેરને સદા માટે વિદાય આપી દે.આ પાદરીનું નામ હતું ફાધર એસ્પર.આ પહેલા ટેડીબેરની શોધ માટે રાષ્ટ્રપતિ ટેડી રૂઝવેલ્ટે ઉત્તેજન આપ્યું હતું.આ રમકડાને નામ પણ તેમનાં કારણે જ અપાયું હતું.આ રમકડુ ત્યારબાદ દરેક ઘરમાં સ્થાન પામ્યું હતું.ત્યારે ફાધર એસ્પરને તે માનવજાત માટે જોખમી જણાયું હતું.તેમને લાગ્યું હતું કે તે માતૃત્વ માટે પણ ઘણું જોખમી છે અને તે કારણે જ તેમણે છોકરીઓને ટેડીબેર સાથે નહી રમવા દેવાની અપીલ કરી હતી.જો કે તેમની અપીલ પર કોઇએ ધ્યાન આપ્યું ન હતું અને તે રમકડુ બાળકોમાં ખાસ્સુ લોકપ્રિય બની રહ્યું હતું.