આજે જ્યારે ટેકનોલોજીનો યુગ ચરમ સીમાએ છે ત્યારે ગુનાઓનાં ઉકેલ માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાતો હોય છે.ફોરેન્સિક વિભાગ અને સાયબર સેલની મદદથી ઘણાં ગુનાઓને આસાનીથી ઉકેલી શકાતા હોય છે અને ગુનેગારને અદાલતમાં રજુ કરવામાં સફળતા પ્રાપ્ત થાય છે તેવામાં આ એજન્સીઓ કેવા પ્રકારની રીત રસમોનો ઉપયોગ કરતી હશે તેના વિશે લોકોને ઓછો ખ્યાલ હોય છે પણ ગુનો ઉકેલવાની કામગિરી કરતા લોકો બહુ બારીક વસ્તુઓનો ખ્યાલ રાખતા હોય છે અને તેના આધારે ગુનેગારનું પગેરુ દાબતા હોય છે.તેમને ક્યારેક ક્રાઇમ સીન પરથી જ કેટલીક વસ્તુઓ મળી આવતી હોય છે જેના આધારે તેઓ સંશોધન આગળ વધારે છે અને તેમાં ક્યારેક ફોટોગ્રાફ જેવી વસ્તુઓ તેમને ખાસ્સી મદદ કરતી હોય છે.૧૯૬૬માં આવેલી ફિલ્મ બ્લોઅપ જેમાં ડેવિડ હેમિંગ્સે અભિનય આપ્યો હતો અને અન્ય એક ફિલ્મ કોલ નોર્થસાઇડ ૭૭૭ જેમાં જિમ્મી સ્ટુઅર્ટે અભિનય આપ્યો હતો આ ફિલ્મોમાં કેવી રીતે ફોટોગ્રાફની મદદથી ગુનો ઉકેલવામાં આવ્યો હતો તેનું ચિત્રણ કરાયું હતું.અહી કેટલાક એવા કિસ્સાઓનો ઉલ્લેખ કરાયો છે જેમાં ફોટોગ્રાફે ગુનો ઉકેલવામાં મદદ કરી હતી.
૧૯૮૧માં કેન્ટરબરી સિટીમાં કેન્ટરબરી ક્રાઇસ્ટ ચર્ચ યુનિવર્સિટીએ એક કોન્સર્ટ હોલને બાંધવા માટે સંપત્તિ ખરીદી હતી.જો કે તેમણે જે જમીન ખરીદી હતી તે એક કબ્રસ્તાન હતી અને તેમાં દફન કરાયેલા શબોને ત્યાંથી બીજા સ્થાને ખસેડવાની કામગિરી કરવામાં આવી હતી.આ કબ્રસ્તાનમાં જાણીતા ક્રિકેટર ફુલર પિન્ચની પણ કબર હતી જો કે તેમનું મેમોરિયલ આમ તો ૧૯૭૮માં કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડમાં બનાવાયું હતું પણ તેમની કબર ક્યાં છે તેની તે સમયે કોઇને જાણ ન હતી.તેમનાં નજીકના એક સગા પિટ પિચ જે ઇસ્ટ સસેકસનાં વાડહર્સ્ટમાં રહેતા હતા તેમને એ વાત યાદ આવી હતી કે તેમની માતાએ એક ફોટોગ્રાફ લીધો હતો જેમાં તે આ કબરની પાસે ઉભા હતા.આ ફોટોગ્રાફ ૧૯૫૦માં લેવાયો હતો.તેમને પોતાના આલ્બમમાં એ ફોટો મળી આવ્યો હતો આ ફોટો મેમોરિયલ ખસેડવામાં આવ્યું તે પહેલા લેવાયો હતો.કેન્ટરબરી ક્રાઇસ્ટ ચર્ચ યુનિવર્સિટીનાં પ્રવકતાએ જણાવ્યું હતું કે તેમને આ ફોટોગ્રાફે ઘણી મદદ કરી હતી.તેમણે એ પણ જણાવ્યું હતું કે તેમની કબરને ત્યારબાદ કોઇ જ ખલેલ પહોંચાડવામાં આવી ન હતી કારણકે તે પ્રવેશદ્વારની નજીક હતી આથી તેને કોઇ ખલેલ પહોચાડ્યા વિના જ બાકીનું બાંધકામ કરાયું હતું.પિચને ઇંગ્લેન્ડનાં મહાન બેટસમેનોની યાદીમાં સામેલ કરાયા છે.તેઓ કેન્ટ વતી ૧૮૩૫થી ૧૮૫૪ દરમિયાન રમ્યા હતા અને તેમની બેટિંગ સ્ટાઇલે ત્યારે લોકોને ઘેલા કર્યા હતા જે પિચ પોકનાં નામે જાણીતી થઇ હતી.
જહોન માયર્સ અને તેમનો પરિવાર જે ન્યુજર્સીમાં રહેતો હતો તે તેમનાં મિત્રનાં લગ્નમાં ભાગ લેવા માટે વિસ્કોન્સીનનાં મેડિસન ખાતે ઓગસ્ટ ૨૦૧૦માં ગયા હતા.તેમણે પોતાની બેગ ત્યારે સ્ટેટહાઉસનાં પગથિયા પાસે મુકી હતી અને તેમણે પોતાના પરિવાર સાથે ફોટોગ્રાફ પડાવવા માટે થોડે દુર ગયા હતા જ્યારે ફોટોગ્રાફ પાડીને તેઓ પાછા ફર્યા ત્યારે તેમની બેગ ગુમ થઇ ગઇ હતી.તેમણે ત્યારે પોતાનો કેમેરા ચેક કર્યો ત્યારે જણાયું કે કોઇ વ્યક્તિ તેમની બેગ પાસે ઝુકેલો હતો.તેઓ કેમેરા લઇને પોલીસ પાસે પહોંચ્યા હતા અને પોલીસે પણ તેમની ફરિયાદને ગંભીરતાથી લઇને તરત કામગિરી કરી હતી અને પેલા ચોરને તરત પકડી પાડ્યો હતો.જહોન માયર્સે આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે પોલીસે કાબિલે તારીફ કામગિરી કરી હતી.તેમને પોતાની તમામ વસ્તુઓ પરત મળી હતી.
૨૦૦૮માં જ્યારે બરાક ઓબામા રાષ્ટ્રપતિ પદની ચુંટણીનું કેમ્પેઇન ચલાવી રહ્યાં હતા ત્યારે વિવાદાસ્પદ સ્ટ્રીટ આર્ટિસ્ટ શેફર્ડ ફેરીએ તેમનું એક પોસ્ટર તૈયાર કર્યુ હતું જેને હોપ પોસ્ટર તરીકે ખ્યાતિ મળી હતી.જો કે તેમણે કયા આધારે આ પોસ્ટર તૈયાર કર્યુ તેની કોઇ વિગતો ત્યારે તેમણે જાહેર કરી ન હતી જો કે સંશોધકોએ જ્યારે આ અંગે કામગિરી શરૂ કરી ત્યારે ખબર પડી કે તે ફોટોગ્રાફ ૨૦૦૬માં એક ફ્રીલાન્સ ફોટોગ્રાફર મેની ગ્રાસિયાએ ખેંચ્યો હતો.આ ફોટોગ્રાફે ત્યારબાદ ખાસ્સા વિવાદોને જન્મ આપ્યો હતો અને કેસ અદાલતમાં પહોંચ્યો હતો જ્યાં ન્યાયાધીશે બંને પક્ષોને સમાધાન કરી લેવાનું સુચન આપ્યું હતું.રિક નોર્સિઝીયનને દસ વર્ષ પહેલા લોટરી લાગી હતી જ્યારે તેમને તેમનાં ગેરેજની તપાસ દરમિયાન કેટલાક બોકસ મળ્યા હતા જેમાં તેમને કેટલિક નેગેટિવ્સ મળી હતી જે મશહુર ફોટોગ્રાફર અન્સેલ આદમ્સની તસ્વીરો હોવાનુંં કહેવાતું હતું તેમને આ નેગેટિવ્સનાં ૨૦૦ મિલિયન ડોલર મળ્યા હતા.જુલાઇ ૨૦૧૦માં કેલિફોર્નિયા ઓકલેન્ડનાં રહેવાસી મરિયમ વોલ્ટને જ્યારે ફેમસ ફોટોગ્રાફની શ્રેણી દરમિયાન ટેલિવિઝન પર જેફરી પાઇન ટ્રીનો ફોટોગ્રાફ જોયો ત્યારે તેમને તરત એ ખ્યાલ આવી ગયો કે આ ફોટોગ્રાફ તેમનાં અંકલ અર્લે લીધી હતી.આ પ્રસિદ્ધ ફોટોગ્રાફનો અભ્યાસ ત્યારબાદ સ્કોટ નિકોલસે કર્યો હતો જે ત્રીસ વર્ષથી આદમ્સનાં કાર્ય પર સંશોધન કરતા હતા.તેમણે બહુ બારીકાઇથી આ ફોટોગ્રાફનો અભ્યાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે એ ફોટોગ્રાફ આદમ્સનાં હતા જે યોસ્માઇટમાં પણ કામ કરતા હતા અને આ તમામ નેગેટિવ્સ તેમનાં જ ફોટોગ્રાફની છે જે ગેરેજમાંથી મળી આવી હતી.
ટીએમઝેડ દ્વારા હાલમાં દાવો કરાયો હતો કે તેઓ કેટલાક એવા ફોટોગ્રાફ પબ્લિશ કરી રહ્યાં છે જે આ પહેલા ક્યારેય પ્રસિદ્ધ થયા ન હતા.આ ફોટોગ્રાફમાં એક ફોટો જહોન એફ. કેનેડીનો હતો જેમાં તે એક યાટ પર તડકાની મજા માણી રહ્યાં છે અને તેમની આસપાસ ઘણી યુવતીઓ પણ નગ્નાવસ્થામાં નજરે પડે છે.ટીએમઝેડનાં જણાવ્યા અનુસાર આ ફોટો ૧૯૫૦માં લેવાયો હતો.ફોરેન્સિક ફોટો એકસપર્ટે પણ આ ફોટોગ્રાફ ઓથેન્ટિક હોવા પર મહોર મારી હતી.આ ફોટો પ્રસિદ્ધ થયા બાદ સ્મોકિંગ ગન વેબસાઇટે આ ફોટોગ્રાફની રંગીન કોપી પણ પ્રાપ્ત કરી હતી જેને તેમણે ચાર્ટર્ડ યાટ પાર્ટી નામ આપ્યું હતું.કેટલાક લખાણો અનુસાર ૧૯૫૬નાં ઉનાળા દરમિયાન કેનેડી બે અઠવાડિયાનાં વેકેશન પર મેડેટેરિયન ટાપુઓ પર ગયા હતા જ્યા તેમની સાથે તેમનો ભાઇ ટેડ અને સેનેટર જર્યોજ સ્માથર્સ હતા.તેમણે ત્યારે તેમની યાટ પર કેટલીક મહિલાઓને આમંત્રણ આપ્યું હતું.ટીએમઝેડ દ્વારા દાવો કરાયો તે પહેલા એક વ્યક્તિએ આ ફોટોગ્રાફ ખરીદી લીધો હતો અને લાંબા સમય સુધી પોતાની પાસે રાખ્યો હતો જે પોતાના મિત્રોને કહેતો હતો કે તેમની પાસે કેનેડીનો એક ફોટોગ્રાફ છે જેમાં તે નગ્ન યુવતીઓ સાથે દેખાય છે.આ વ્યક્તિનાં મૃત્યુ બાદ તેના પુત્રોએ કદાચ એ ફોટોગ્રાફ ટીએમઝેડને વેચી દીધો હતો.વીસમી સદી દરમિયાન અમેરિકામાં એ વાત ચર્ચામાં હતી કે બિલી ધ કીડ એ ડાબેરી હતો.આ નામે એક ફિલ્મ પણ બની હતી જેમાં પોલ ન્યુમેને અભિનય આપ્યો હતો.ફિલ્મનું નામ ધ લેફટ હેન્ડેડ ગન હતું.આ ચર્ચાઓને વેગ મળવાનું કારણ એ પણ હતું કે બિલી ધ કીડનો એક ફોટો મળી આવ્યો હતો જેમાં તેના જમણાં હાથમાં વિન્ચેસ્ટર રાઇફલ અને ડાબી સાઇડે તેની ગન જોવા મળે છે.જો કે નિષ્ણાંતોએ જ્યારે આ ફોટોગ્રાફનો અભ્યાસ કર્યો ત્યારે તેમણે જાહેર કર્યુ કે આ તસ્વીર રિવર્સ છે અને કીડ ડાબેરી નહી જમણેરી હતો.ફોટોનો અભ્યાસ કરતા જણાય છે કે કીડે જે કોટ પહેર્યો હતો તેના બટન ડાબી સાઇડે દેખાય છે ખરેખર તો પુરુષોનાં બટન જમણી સાઇડે રહેતા હોય છે.નિષ્ણાંતોએ એ પણ જણાવ્યું હતું કે વિન્ચેસ્ટરની સ્પ્રીંગ પ્લેટ જમણી સાઇડે હોય છે જે આ ફોટોગ્રાફમાં ડાબી સાઇડમાં દેખાય છે.બિલીનું સાચુ નામ હેન્રી મેકાર્ટી હતુ જેણે પોતાના જીવન દરમિયાન લગભગ ૨૧ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.તેને ખ્યાતિ જો કે તેના મોત બાદ મળી હતી જ્યારે તેને મોતને ઘાટ ઉતારનાર શેરીફ પેટ્રીક ગેરેટે ધ ઓથેન્ટીક લાઇફ ઓફ બિલી ધ કીડ નામનું પુસ્તક લખ્યું હતું.તેને ફોર્ટ સમરનાં કબ્રસ્તાનમાં તેના સાથીદારો ટોમ ઓ ફોલિનાર્ડ અને ચાર્લી બોડ્રે સાથે દફન કરાયો હતો.તેની કબર પરનાં પત્થરોને ચોરોએ ત્રણ વાર ચોરી લીધા હતા અને પોલીસે તેમને પાછા મેળવ્યા હતા અને ત્યારબાદ તેની કબર ફરતે સ્ટીલની જાળી લગાવાઇ હતી.
ફેબ્રુઆરી ૧૯૭૧માં એપોલો ૧૪નાં અવકાશયાત્રીઓ એલન શેફર્ડ અને એડ મિચેલે ચંદ્ર પર ઉતરાણ કર્યુ હતું અને તેઓ કોન ક્રેટર પર ચઢાણ માટે તૈયાર હતા ત્યાંથી તેઓ કેટલાક નમુના એકત્ર કરવા માંગતા હતા.તેઓએ લગભગ ૧૪૦૦ મીટરનું ચઢાણ પણ કરી લીધુ હતું અને ત્યારે જ તેમનુ ટુલકાર્ટ નીચે પડી ગયું હતું.તેમનાં માટે ત્યારબાદ આગળનુ ચઢાણ મુશ્કેલ બની ગયું હતુ.ત્યારે તેમને કન્ટ્રોલ મિશન દ્વારા તેમણે જે પણ નમુના લીધા હોય તે લઇને પાછા આવવાનો આદેશ આપ્યો હતો.તેઓ પોતાનાં લક્ષ્યાંકથી કેટેલે દુર હતા તે ત્યારે એક રહસ્ય જ હતું પણ હાલમાં લ્યુનાર રિકોન્નેઇસ્સાન્સ ઓર્બિટરે એક તસ્વીર જાહેર કરી હતી જેને ૨૦૦૯માં લોન્ચ કરાયું હતું.આ તસ્વીરમાં જણાય છે કે અવકાશયાત્રિઓ તેમનાં લક્ષ્યાંકથી માત્ર ત્રીસ મીટર દુર હતા.ધ લ્યુનાર ઓર્બિટર હાલમાં ચંદ્રની આસપાસ ચક્કર મારી રહ્યું છે.નાસા દ્વારા ચંદ્ર પર ફરીથી માનવોને મોકલવાની તૈયારી ચાલી રહી છે જેમાં લ્યુનાર ઓર્બિટર તેને મદદ કરી રહ્યુ છે.તેમણે એપોલો મિશન દ્વારા ચંદ્ર પર છોડી આવેલા સામાનનો પણ પુરાવો આપ્યો છે.આ પહેલા એવું કહેવાતું હતું કે ચંદ્ર પર કયારેય અમેરિકાએ માનવીઓને મોકલ્યા જ નથી તેમના દ્વારા જે વીડિયો અને તસ્વીરો પ્રસિદ્ધ કરાઇ હતી તે જુઠ્ઠાણુ હતું તે આ તસ્વીરોએ જુઠ્ઠાણુ પુરવાર કરી છે.
૧૯૯૫માં ટોની ઓ રાહેલી દ્વારા એક ફોટોગ્રાફ પાડવામાં આવ્યો હતો જેને ત્યારબાદ વેમ ઘોસ્ટનાં નામે ખ્યાતિ મળી હતી.આ ફોટોગ્રાફ શ્રોફોપ્સાયરનાં એક નેવું વર્ષ જુના મકાનનો હતો. ઓ રાહિલીએ દાવો કર્યો હતો કે જ્યારે આ ફિલ્મને ડેવલપ કરાઇ ત્યારે તેમાં એક છોકરી જણાઇ હતી.સ્થાનિકોનાં જણાવ્યા અનુસાર આ ચૌદ વર્ષની છોકરી જેન ચર્મ છે જે ૧૬૭૭માં વેમમાં લાગેલી આગમાં ભડથુ થઇ ગઇ હતી.જો કે ત્યારબાદ આ ફોટોગ્રાફ ટ્રીક ફોટોગ્રાફીનો નમુનો હોવાનું પુરવાર થયું હતું.
૧૩ જુન ૧૯૯૩માં ન્યુયોર્ક પોલીસને ટિટીકસ રિઝર્વિયરમાં એક લાશ મળી આવી હતી જેનાં બેકપેકમાં પત્થરો ભરેલા હતા.આ વ્યક્તિ કોણ હતું તેની જાણ ત્યારે પોલીસને થઇ ન હતી.તેમને જોકે મૃતદેહનાં વસ્ત્રોમાં એક તસ્વીર મળી આવી હતી.જેમાં એક વ્યક્તિ એક બાળક સાથે જણાય છે.આ મામલે પોલીસે લાંબો સમય સુધી તપાસ કરી હતી પણ તેમને ખાસ સફળતા હાથ લાગી ન હતી પણ પંદર વર્ષ બાદ ૨૦૦૮માં એક નિવૃત્ત શિક્ષકે ફોટોગ્રાફમાં રહેલી ઇમારત અને તે છોકરાને જાણતા હોવાનો દાવો કર્યો હતો.તપાસકર્તાઓએ ત્યારબાદ બુકલેસ ફેમિલિને શોધી કાઢી હતી જેનું ઘર આગમાં બળી ગયું હતું.ફોટોગ્રાફમાં જે વ્યક્તિ જણાય છે તેનું નામ એન્ડ્રુ બુકલેસ હોવાનું ખબર પડી હતી.
રોબર્ટ કાપા તેમની ફોટોગ્રાફી માટે જાણીતા છે તેમનાં દ્વારા લેવાયેલ એક તસ્વીર જે ધ ફોલિંગ સોલ્ઝર તરીકે પ્રસિદ્ધ છે જે તેમણે સ્પેનિશ સિવિલ વોર દરમિયાન ખેંચી હતી.જો કે કેટલાક નિષ્ણાંતોનો દાવો છે કે કાપાનો આ ફોટોગ્રાફ ટ્રીક ફોટોગ્રાફીની કમાલ છે.આ સમય દરમિયાન અન્ય ફોટોગ્રાફરોએ પણ કેટલીક તસ્વીરો લીધી હતી અને આ ફોટોગ્રાફની સરખામણીમાં તસ્વીરોનો તફાવત જણાઇ આવે છે.કાપાનો દાવો હતો કે આ ફોટોગ્રાફ સેરો મ્યુરિનો ખાતે લેવાઇ હતી પણ અભ્યાસમાં જણાઇ આવે છે કે એ સ્થળ એસ્પેજો હતું.જો કે કાપાની યુદ્ધ ફોટોગ્રાફીએ તેમને ખાસ્સી પ્રસિદ્ધિ અપાવી હતી આ ફોટોગ્રાફ તેમણે લીધો ત્યારે તેમની વય માત્ર બાવીસ વર્ષની હતી.તેમણે સ્પેનિસ સિવિલ વોર ઉપરાંત બીજા સીનો જાપાનીઝ યુદ્ધ દરમિયાન પણ ફોટોગ્રાફી કરી હતી.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ તેમણે કામ કર્યુ હતું.આ ઉપરાંત બેટલ ઓફ નોર્માંડી, આરબ ઇઝરાયેલ વોરમાં પણ તેઓ હાજર હતા.૨૫ મે ૧૯૫૪માં કાપાને દક્ષિણ પુર્વ એશિયામાં કામ માટે મોકલાયા હતા જ્યાં ફ્રેન્ચો યુદ્ધ કરતા હતા.અહી કામગિરી દરમિયાન કાપાનો પગ લેન્ડમાઇન પર પડ્યો હતો જો કે તેમને જ્યારે હોસ્પિટલ લઇ જવાયા ત્યારે તેઓ જીવિત હતા તેમનો ડાબો પગ ધડાકામા ઉડી ગયો હતો અને તેમને છાતી પર પણ ઇજા થઇ હતી.જો કે હોસ્પિટલ લઇ જતી વખતે જ તેઓ મોતને ભેટ્યા હતા અને ત્યારે તેમનો પ્રિય કેમેરા તેમનાં હાથમાં હતો.