The most mysterious ancient architecture in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | સૌથી રહસ્યમય પ્રાચીન સ્થાપત્ય

Featured Books
Categories
Share

સૌથી રહસ્યમય પ્રાચીન સ્થાપત્ય

આપણે હંમેશા આપણા ઇતિહાસને જાણવાનો પ્રયાસ કરીએ છીએ આપણાં પુર્વજો કેવા હશે તેમનો સમાજ કેવો હશે તેમની રીત રસમ કેવી હશે તે અંગે સંશોધનો ચાલતા જ રહે છે અને આ સંશોધનોમાં તેના ઉત્તરો મળે પણ છે જો કે સંશોધનો ક્યારેક ઉત્તરો મેળવવાને બદલે નવા સવાલોનો પણ સામનો કરતા હોય છે.આપણાં પુર્વજોએ તેમનાં અનુગામીઓ માટે ઘણી બાબતો પોતાની પાછળ છોડી છે પણ તે સમજની બહાર છે અને ઘણાં પ્રયાસો છતાં તેનો કોઇ ઉકેલ મળી શક્યો નથી.

નાઝકા લાઇન્સને સૌથી રહસ્યમય ગણાવવામાં આવે છે ધરતી પર અંકાયેલ લાઇન્સમાં સૌથી વિશાળ છે જે લગભગ ૨૦૦ કિ.મી.નાં પરિઘમાં ફેલાયેલી છે.તો પેરાકસ કેન્ડેલબ્રા ૧૮૦ મીટરમાં ફેલાયેલી છે અને નાઝકા લાઇન્સ સાથે સામ્ય ધરાવે છે પણ આ લાઇન નાઝકા લોકો દ્વારા અંકાઇ નથી.આ સ્થળે જે વાસણનાં અવશેષો મળ્યા છે તે ઇ.સ.પુ. ૨૦૦નાં હોવાનું કહેવાય છે.આ સમગ્ર બાંધકામ જો કે પુરાતત્વશાસ્ત્રીઓ માટે એક કોયડા સમાન જ છે કેટલાક માને છે તેનો ઉપયોગ ધાર્મિક વિધિઓ માટે કરાતો હશે તો કેટલાક માને છે કે તે પ્રાચીન વિરાકોચા ગોડની પ્રતિક છે.કેટલાક માને છે કે તે ખલાસીઓને દિશા બતાવવા માટે રચાઇ હશે.આ લાઇન્સ પહાડીઓમાં કોતરાયેલી છે અને તેના એંગલ અને કદ એવા છે કે તે આકાશમાંથી પણ વીસ કિ.મી.નાં અંતરથી જોઇ શકાય છે.

ઇંગ્લેન્ડમાં પ્રાચીન લેન્ડમાર્કની કમી નથી સ્ટોનહેન્જ તેનું ઉદાહરણ છે અન્ય પણ કેટલાકની શોધ કરાઇ છે જેમાં વ્હાઇટ હોર્સનો સમાવેશ થાય છે જે યુફિંગ્ટનમાં મળી આવ્યું છે.આ કૃતિ પણ પહાડમાં અંકાયેલી છે.આ કૃતિને અંકિત કરવા માટે પહેલા તો પહાડોને કોતરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમાં સફેદ ચોકને ભરવામાં આવ્યો હતો.આ આકૃત્તિ પ્રાચીન સમયનાં તાંબાનાં સિક્કાઓ પર પણ મળી આવી છે.કહેવાય છે કે આ જગાનો ઉપયોગ નિયોલિથિક યુગમાં કબ્રસ્તાન માટે કરાતો હતો અને સેકસન યુગ સુધી તેનો એ જ ઉપયોગ થયો હતો.આ કૃત્તિ અઢારમી સદીમાં અંકિત કરાઇ હોવાનું મનાય છે.જો કે તે કયા કારણોસર કોતરાઇ હશે તેનો કોઇ અંદાજો આવતો નથી.

ઇટ્રુસ્કેન ભાષામાં લખાયેલી ધ લિનન બુક ઓફ ઝાગરેબ તે ભાષામાં લખાયેલું સૌથી લાંબુ પુસ્તક છે.આ ભાષાનો લેટિન પર ખાસ્સો પ્રભાવ પડ્યો હતો જો કે આજે તે ભાષા અંગે કોઇ જ જાણતું નથી.કેટલાક પ્રાચીન દસ્તાવેજો મળ્યા છે તે આ ભાષામાં લખાયા હતા.આ જ કારણે ધ લિબર લિન્ટીયસ આજે કોઇને પણ સમજાતી નથી.જો કે આ પ્રકારનાં પુસ્તકો લાંબો સમય સુધી ટકતા નથી પણ આ પુસ્તકનો ઉપયોગ ઇજિપ્તવાસીઓએ મમીને વિંટવા માટે કર્યો હતો અને તે માટે તેમણે તેને ટુકડા કરી નાંખ્યું હતું.તેનાથી તે લાંબો સમય ટકયું હતું પણ તેનો કોઇ અભ્યાસ થયો ન હતો જ્યારે તે મળી આવ્યું ત્યારે પણ લોકો માનતા હતા કે તે ઇજિપ્સીયન ભાષા છે.અમેરિકાની પ્રાચિન સંસ્કૃતિ અનેક રહસ્ય ધરાવે છે જેનો ઉકેલ પ્રાચીન સમયનાં ખડકો પર અંકાયેલ ચિત્રો દ્વારા મેળવી શકાય છે.ટેકસાસની પિકોસ નદી નજીક પીકોસ ખીણમાં આ પ્રકારનાં પ્રાચિન ચિત્રો મળી આવ્યા છે.આ ચિત્રોને ધ વ્હાઇટ સેમેન કહેવાય છે.આ ચિત્રોનો સમયગાળો ચારહજાર વર્ષ પહેલાનો મનાય છે.નાઝકા લાઇન્સ અને કેન્ડેલબ્રા લાઇન્સની જેમ જ બોલિવિયામાં સાઝમા લાઇન્સ મળી આવી છે.જો કે આ લાઇન્સની સંખ્યા હજ્જારોમાં છે જે લગભગ ૭૫૦૦ મીટરમાં પથરાયેલી છે.આ લાઇન્સનો હાલમાં જ ઉપગ્રહ દ્વારા અભ્યાસ કરાયો હતો.આ લાઇન્સનો સમયગાળો કયો હશે તે ખબર પડી નથી પણ તે પ્રાગૈતિહાસિક કાળની હોવાનું મનાય છે જે પેઢી દર પેઢી અંકાઇ હશે.જો કે તેનો ઉદ્દેશ્ય પણ અજ્ઞાત જ રહેવા પામ્યો છે.


તાર્તારિયા ટેબ્લેટ રોમાનિયાનાં એક ગામડામાં મળી આવ્યા હતા જે પત્થરનાં ત્રણ નાના ટુકડા છે.પુરાતત્વશાસ્ત્રીઓ માને છે કે ઇ.સ.પુ. ૩૧૦૦નાં ગાળામાં ઘણાં વિસ્તારોમાં લખાણનો આરંભ થયો હતો.મેસોપોટેમિયાની સુમેરિયન પ્રજાતિ તેનું ઉદાહરણ છે.જો કે તાર્તારિયા ટેબ્લેટ ઓરિજિનિલ હોય તો આ સમય ૨૦૦૦ વર્ષ આગળનો થઇ જાય તેમ છે.કેલિફોર્નિયાના કોલારાડો રણપ્રદેશની નજીક પણ ધરતી પર અંકાયેલા ચિત્રોનો ખજાનો મળ્યો છે.આ ચિત્રોમાં પ્રાણીઓ, ભૌમિતિક આકારો અને વિશાળ કદનાં માનવો અંકાયેલા છે.વિશાળ ચિત્રણ પચાસ મીટરનું છે.આ ચિત્રો ૧૯૩૨માં મળી આવ્યા હતા જ્યારે આ વિસ્તારનો આકાશથી અભ્યાસ કરાયો હતો.આ વિસ્તારને આધારે મનાય છે કે તે ક્વેચેન કે મોજાવે ઇન્ડિયન પ્રજાતિએ તેને અંકિત કર્યા હશે.

એલેકઝાંડર ધ ગ્રેટ સૌથી લોકપ્રિય પ્રાચીન ઐતિહાસિક પાત્ર છે જેના મોત અંગે અનેક પ્રકારની વાતો જાણીતી છે.મોટાભાગનાં નિષ્ણાંતો તેમનાં મોતનાં સમય અંગે એકમત થયા છે અને તે સમય છે દસ જુન ઇ.સ.પુ. ૩૨૩.સ્થળ બેબિલોનનો તેમનો નેબ્યુચેડેન્ઝાર મહેલ.જો કે તેમનાં મોતનું કારણ કોઇને ખબર નથી.એક માન્યતા છે કે તેમનાં જનરલોએ તેમનું અપહરણ કરીને તેમને ઝેર આપી દીધુ હતું.મોત પહેલા એલેકઝાંડર એકદમ બિમાર પડી ગયા હતા અને તેમને સખત તાવ આવી ગયો હોવાને કારણે તે બે અઠવાડિયા પથારમાં રહ્યાં હતા અને ત્યારબાદ મોતને ભેટ્યા હતા.આ લક્ષણો આમ તો અનેક બિમારીઓ સાથે સંકળાયેલ છે જો કે હાલમાં જે થિયરી બહાર આવી છે તે અનુસાર તે ટાઇફોઇડ કે મેલેરિયાનો પણ શિકાર થયા હશે.ચેલ્ડેન્સે તેમને ચેતવણી આપી હતી કે જો તે બેબિલોનમાં પ્રવેશ કરશે તો તેમનું મોત નિશ્ચિત છે.એલેકઝાંડરનાં સૈન્ય સાથે રહેલા ઇન્ડિયન ફિલોસોફર કેલેનસે પણ કહ્યું હતું કે એલેકઝાંડરે તેમને પણ બેબિલોનમાં ફરી મળવાની વાત કરી હતી ત્યારે તો તેઓ આ શહેરની નજીક પણ ન હતા.

અફઘાનિસ્તાનમાં જે કેટલાક પ્રાચિન સ્થાપત્યો છે તેમાં જામનાં મિનારા સૌથી વધારે જાણીતા છે જે તેની સુંદરતાને કારણે વિખ્યાત છે.આ મિનારાની ઉંચાઇ ૬૪ મીટર છે અને આજે પણ તેની હાલત બહુ સારી છે.આ મિનારાનું બાંધકામ બારમી કે તેરમી સદીમાં કરાયાનું અનુમાન છે અને તેનાં બાંધકામમાં ઇંટોનો ઉપયોગ થયો હતો.તેનાં પર જે આલેખન છે તે આજે પણ એટલું જ ચોખ્ખુ દેખાય છે આ કારણોસર જ યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેઝ જાહેર કર્યુ છે.જો કે આ મિનારા કયા કારણોસર તૈયાર કરાયા હશે તે અંગે કોઇ માહિતી નથી.તેના પર કેટલાક લખાણ છે પણ તે આજે વાંચી શકાય તેમ નથી.આ મિનારા ઘોરી સલ્તનત દરમિયાન બંધાયા હતા.કેટલાક માને છે કે આ મિનારા ખોવાયેલા શહેર ફિરોઝકોહનો એક હિસ્સો હશે.આ શહેર ત્યારે ઘોરી સલ્તનતની રાજધાની હતું અને તે વિશ્વનાં સૌથી સુંદર શહેરોમાં સામેલ હતું.જો કે ચંગેઝખાનનાં પુત્ર ઓગદેઇ ખાને તેનો સંપુર્ણ વિનાશ કર્યો હતો અને તેથી તે ક્યાં હશે તે કોઇને ખબર નથી.


ઇમરાલ્ડ ટેબલેટ એ યાદીમાં સામેલ તમામમાં સૌથી વધારે રહસ્યમય છે કારણકે તે ગુમ થઇ ગઇ છે.આપણે તેના લેખક, મુળ કે સ્થળથી પરિચિત નથી.તે કેવી દેખાતી હશે તેની પણ કોઇને કલ્પના નથી.આ ટેબ્લેટનો સૌપ્રથમ ઉલ્લેખ સાતમીથી આઠમી સદીનાં અરેબિક ગ્રંથોમાં જોવા મળ્યો હતો.જે અનુસાર તે પ્રાચિન સિરિયાક ભાષામાં લખાઇ હતી.જેનું પ્રથમ લેટિન ભાષાંતર બારમી સદીમાં થયું હતું.સર આઇજેક ન્યુટને પણ તેનું ભાષાંતર કર્યુ હતું.આલ્કેમીનાં ક્ષેત્રમાં આ બહુમુલ્ય દસ્તાવેજ છે.તે એ આલ્કેમિસ્ટને ઇનામમાં અપાયું હતું જેણે ફિલોસોફર સ્ટોન અંગે માહિતી આપી હતી.આપણે તેને પારસમણિ પણ કહીએ છીએ જેનાં સ્પર્શથી કોઇપણ વસ્તુ સોનામાં રૂપાંતરિત થાય છે.જો કે આ ટેબલેટનો ઉપયોગ કરીને કોઇપણ સોનું બનાવી શક્યું નથી.