સ્વાતિ, આતિથ્ય અને દેવલનાં ગયાં બાદ રમીલાએ સમુ અને મનુની મદદથી રસોઈ તૈયાર કરી લીધી. હવે છ માસ સુધી તેનાં સાંજની કૉલેજનાં ક્લાસ ન હતાં. તેનાં બદલે તેણે ઇન્ટર્નશીપ ઉપર જ ધ્યાન આપવાનું હતું. તેથી આઠ વાગતાં સુધીમાં તેઓ રસોઈ બનાવી માતા-પિતાની રાહ જોતાં વાતોએ વળગ્યાં.
સવા આઠ સુધીમાં બેય આવી ગયાં. આજે ભોજન તૈયાર મળતાં સવલીને પણ ખૂબ આનંદ થયો. રમીલાનાં હાથમાં જાદુ તો હતો જ. વળી, યુવાન થયેલ પોતાની દીકરીનાં હાથે બનેલ રસોઈ જમતાં સવલીને સંતોષ પણ ખૂબ જ થયો. જમતાં જમતાં તેણે દીકરીનાં ખુબ વખાણ કર્યાં અને પોતાની અને આખાંય પરિવારની જીંદગી બદલવા બદલ ખૂબ બધાં આશિષ પણ આપ્યાં. રમીલા ગળગળી થઈ ગઈ.
પિતા જમીને ઊભાં થયાં અને હાથ ધોઈને દીકરીનાં માથે હાથ મૂકી બોલ્યાં, "બેટા, તારાં ભણતરમાં તારી મહેનત છે, નોકરીમાંય બરકત છે અને રસોડું તો મજાનું સંભાળી શકે છે. મારું તો જીવન ધન્ય થઈ ગયું તારાં જેવી દીકરી મેળવીને. અને ધન્ય છે પેલાં બેન અને તેમનાં વર જેમણે તને મોટી સ્કૂલ અને કૉલેજમાં મોકલી."
રમીલાની ભીની આંખોમાં ખુશીની લહેર દેખાઈ. રમીલાની ખુશી અને પિતાની વાતો સાંભળતાં મનુ બોલ્યો, "રમુ'દી, નિખિલભાઈ આવતાં અઠવાડિયે બનારસ જશે. એ પહેલાં આપણે તેમનાં ઘરે જવાનું છે. તારાં મોટી માને અને પાપાને પણ મળી લેવાશે."
રમીલા હસી રહી. સમુ બોલી, "મારે બે દિવસ પછી એક એસાઇન્મેન્ટ આપવાનું છે, ગણિતનું. એ પછી ગોઠવજોને જવાનું. મારે પણ આવવું છે નિખિલભાઈને મળવા."
આખરે નક્કી થયું ત્રણ દિવસ પછી મેઘનાબહેનના ઘરે સાંજે જવાનું. રમીલા ઘરે આવીને પિતા અને બેય ભાઈ-બહેનને લઈને પહોંચી જશે અને સવલી કેન્દ્ર ઉપર સવારે થોડી વહેલી જઈને તેનું કામ પૂરું કરી ત્રણેક વાગ્યે જ મેઘનાબહેનનાં ઘરે જતી રહેશે. જમીને સવલીએ દીકરીઓને બહાર મોકલી દીધી. તેને આજે ભોજન તો તૈયાર જ મળી ગયું હતું એટલે તે ખાસી ફ્રેશ હતી. ખૂબ જ ઝડપથી રસોડું આટોપી બહાર આવવા જ જતી હતી ત્યાં જ મનુ અંદર ગયો અને ફ્રીજમાંથી આઈસ્ક્રીમ કાઢી બાઉલ લેતો આવ્યો. રમીલા ખાઈને જ આવી હતી છતાંય બધાંનો ભાગ પાડી તેણે આઈસ્ક્રીમ પીરસ્યો. એક જૂનું ગુજરાતી ચલચિત્ર જોતાંજોતાં બધાંએ રાજભોગ આઈસ્ક્રીમને ન્યાય આપ્યો.
આઈસ્ક્રીમ ખાતાં ખાતાં પિતાએ વાત ઉપાડી.
પિતા, "મારે આવતાં અઠવાડિયે શેઠ સાથે દુકાન માટે કેટલોક નવો માલસામાન જોવા દિલ્હી જવાનું છે. ત્યાં લગભગ પાંચ-છ દિવસ રહેવાનું થશે. ખબર છે તમને, મારે એમની સાથે વિમાનમાં બેસીને જવાનું છે!"
સમુ, મનુ, રમીલા અને સવલી ચારેય આશ્ચર્ય અને આનંદથી છલકાઈ ઉઠ્યાં.
રમીલા બોલી, "પિતાજી, ત્યાં જવા તો થોડાં સારાં કપડાં પણ ખરીદવા પડશે. તો કાલે જ સાંજે હું તમને દુકાનથી લેતી જઈશ. અને દિલ્હી જવાનું છે તો એક - બે ગરમ કપડાં પણ લઈ લઈશું. હા, એક નવી શાલ પણ."
પિતા બોલ્યો, "દીકરા, ખર્ચો બહુ થઈ જશે."
સમુ બોલી ઊઠી, "પિતાજી, વિમાનમાં બેસીને જશો એટલે હોટેલ પણ મોટી જ હશે જ્યાં તમે લોકો ઉતરશો. કપડાં તો નવાં લેવાં જ પડશે. પાછું સારી બેગ, બૂટ એવું બધું પણ લેવું જ પડશે ને, કેમ રમુ દી?"
રમીલા બોલી, "હા વળી. તમે લોકો કાલે બપોરે ફ્રી થઈ એક યાદી બનાવી લેજો. એટલે જ્યારે અમે જ ઈએ ત્યારે બધું જ એકસાથે ખરીદી લેવાય."
બેય સાગમટે બોલી ઊઠ્યાં, "હા, હા. ચોકકસ. હમણાં અમે સૂવા જઈએ? પછી સવારે ઊઠાશે નહીં."
ત્રણેયે આ સમજદાર થઈ ગયેલાં બાળકોને માથું હલાવી હા કહી.
દિલ્હીનાં થોડાં સ્થળો વિશે રમીલાએ માતાપિતાને જણાવ્યું. તેણે ઊમેર્યું કે જો કામકાજમાંથી સમય મળે તો દિલ્હીમાં થોડાં સ્થળો ફરીને પણ આવે.
પિતા બોલ્યાં," રમુ, શેઠ જોડે તો કદાચ એવું ન ફરાય પણ તારે દીવાળીની રજાઓ આવે એટલે આપણે બધાં જઈશું. તને અનુકૂળ હોય તો મેવો, રાજી, એમનાં બાળકોને પણ લઈ જઈશું."
રમીલા બોલી, "હા, હા. કેમ નહીં પિતાજી. પણ આ વર્ષે આપણે મનુને સાથે નહીં લઈ જઈ શકીએ. તેની દિવાળી વેકેશન પછી તરત જ પરીક્ષાઓ છે. ટ્યુશનવાળા શ્રીકાંત સર પણ એને દિવાળીની માત્ર બે જ રજાઓ આપવાનાં છે. શું કરીએ?"
મનુ ઓરડામાં પ્રવેશતાં આ સાંભળી ગયો અને બોલ્યો, "દી તમે લોકો જાવ. હું સરને ત્યાં ટ્યુશન જાતે જ જતો રહીશ અને થોડો નાસ્તો બનાવીને જજો. ખાઈ પણ લઈશ. ચા બનાવતાં તો મને આવડે જ છે. પાછી રાત્રે ભૂખ લાગે તો આઇસ્ક્રીમ પાર્લર પણ નજીક જ છે."
પિતા બોલ્યો," પણ એને મૂકીને જવામાં મજા તો આપણને કોઈનેય નહીં આવે."
સમુ તેની પાછળથી જ બોલી," હા, હા. આ મનિયા વગર તો કોઈનેય નહીં ગમે."
મનુએ તેનો કાન ખેંચ્યો. અને ખેંચાયો એના કરતાં અનેકગણા જોરથી તેણે રાડ પાડી. તેમનું હળવું તોફાન દસેક મિનિટ ચાલ્યું. માતા-પિતા અને રમીલા પણ જોડાયાં. આખરે નક્કી થયું કે રમીલા શ્રીકાંત સર પાસેથી મનુને આઠ દિવસની રજા અપાવવાની કોશિશ કરશે અને સાથેસાથે મનુએ ફરવા જાય ત્યારે સરે સૂચવેલ વિષયનાં પુસ્તકો લઈ જવાનાં રહેશે. ફરીને સાંજે હોટેલરૂમ ઉપર પરત આવે ત્યારે તેણે વાંચી લેવાનું રહેશે. રમીલાની ઇન્ટર્નશીપ લગભગ સપ્ટેમ્બર સુધી જ ચાલશે તેથી તે પણ ઓફિસમાં રજા મૂકી શકશે.
રમીલાને એક વિચાર આવ્યો, 'નિખિલ થોડાં દિવસમાં બનારસ જતો રહેશે પછી મોટી મા અને પાપા પણ એકલાં પડી જશે. તેમને પણ સાથે જ લઈ જવાય તો કેવું સારું? પોતાને પણ તેમની સાથે થોડાં દિવસ રહેવા મળશે.'
તેણે મેઘનાબહેન સાથે વાત કરવા માટે ફોનકોલ કર્યો. મેઘનાબહેન જમીપરવારીને બેઠકખંડમાં તેમનાં મનપસંદ લેખકનું પુસ્તક વાંચી રહ્યાં હતાં. મોબાઈલફોન બાજુમાં જ હતો. રીંગ વાગતાં જ સ્ક્રીન ઉપર દીકરીનું ઝળકતું નામ જોઈ પહેલી રીંગ પૂરી થતામાં જ ફોન ઉઠાવી લીધો.
તેઓ બોલ્યાં, "કેવું છે દીકરા. આજે સાંજે ફોન ન આવ્યો એટલે લાગ્યું કે ઇન્ટર્નશીપવાળાં નવાં સેમેસ્ટરમાં વધારે કામ હશે. હું રાહ જ જોતી હતી, તું ક્યારે નવરી પડે અને ક્યારે તારો ફોન આવે."
રમીલા બોલી, "મોટી મા, તમને ફોન કર્યા વિના તો ઊંઘ પણ નહીં આવે. આજે તો ઇન્ટર્નશીપનો પહેલો દિવસ હતો એટલે સવારે કૉલેજ જવાનું હતું - એ વાત તો તમારી સાથે થઈ જ હતી. પાછાં વળતાં વરસાદ તૂટી પડ્યો. એમાં જ ત્રણ સહાધ્યાયીઓ સાથે ઓળખાણ થઈ. તેમની ઇન્ટર્નશીપ પણ અહીં જ છે. પછી આખો દિવસ મિટિંગમાં ગયો. સાંજે તેમને ઘરે લાવી. ઘણાં સમયે પોતાની ઉંમરનાં મિત્રો મળ્યાં. બાકી નિખિલનો સાથ છૂટ્યા પછી તો ઓફિસનાં મારાંથી મોટાંમોટાં મિત્રો જ હતાં છેલ્લાં એક વર્ષથી.", અને તે હસી પડી.
મેઘનાબહેન તેની વાતમાં સતત હોંકારો ભણતાં રહ્યાં.
રમીલાએ આગળ ઉમેર્યું," નિખિલ આવતાં ગુરુવારે નીકળશે ને, મોટી મા?"
મેઘનાબહેને જવાબ વાળ્યો, "હા, બેટા. તારા પાપા એને મૂકવા જશે. તે પણ ત્રણ ચાર દિવસ હોટેલમાં રોકાઈ, નિખિલની હોસ્ટેલ અને બીજી વ્યવસ્થા કરીને પાછાં ફરશે, લગભગ એ પછીનાં મંગળવારે. એય પહેલી વખત જાય છે અને પાછો બીજા જ રાજ્યમાં. એની ચિંતા તો મને થોડી થાય છે."
રમીલાનો અવાજ થોડો ભીંજાયો, "તે મોટી મા, નિખિલ આટલો દૂર જશે એની તો ખબર હતી પણ, હવે સાચે જ જશે એ વિચારી હવે મારુંય મન થોડું ઢીલું પડે છે. એને મળવા તો ત્રણેક રજાઓ લઈને જ જવાશે. પાછું એની સાથે તો થોડાં જ કલાકો મળશે."
રમીલાને ભાવુક થતી જાણી મેઘનાબહેન વાત વાળતાં બોલ્યાં, "બેટા, બાળકો મોટાં થાય ને, એટલે ચકલીનાં બચ્ચાની માફક એને પાંખો આવે. અને ઊડવા ન દઈએ તો એનામાં આત્મવિશ્વાસ હોય એ મરી પરવારે.
તારી જ વાત કરીએ તો પાંચ-પાંચ વર્ષથી તારી સવાર મારી બૂમથી જ પડતી. તારાં લાંબા, કાળા વાળનો ચોટલો હું જ વાળતી. તેમાં તેલ નાંખતી, માલીશ કરતી, અરે અમુક વખત તો ધોઈ પણ દેતી. મને લાગતું કે આ મારી રમુ, જાતે વાળ કેવી રીતે ઓળશે? પણ જો, તું કેવી મજાની ઘડાઈ ગઈ. નિખિલને લાગતું, તારા વિના કેમ રહેવાશે? એણેય એક વર્ષ કાઢ્યું. હવે આપણે એના ફોનકોલ, વિડીયોકોલના આધારે જ એનો મેળાપ કરવાનો. તમને બધાંને અમારી સાથે બાંધી રાખીએ, તો તમારાં સ્વપ્નોનું શું? જરાય ચિંતા ન કરીશ એની. બધું જ ગોઠવાઈ જશે." તેઓ વિરમ્યાં.
રમીલાએ પોતે ગુરુવારે સમુ, મનુ, લીલાબેન, રામજી અને માતાપિતા સાથે આવશે એમ જતવણાવ્યું અને સવલી વહેલી પહોંચી જશે એ પણ જણાવ્યું.
તેણે ઊમેર્યું, "મોટી મા, નિખિલનાં મિત્રો, મામા-મામી, ફોઈ-ફૂઆ બધાંને બોલાવી નિખિલને એક સરપ્રાઈઝ પાર્ટી આપવી છે? જો હા હોય તો હું બધાંને કાલે ફોન કરી કન્ફર્મેશન લઈ લઉં. મા આવવાનાં જ છે. તે તમને રસોઈમાં મદદ કરશે. હું લીલાબેનને પણ કહી દઈશ. એ પણ વહેલાં આવી જશે."
મેઘનાબહેન બોલ્યાં, "વિચાર ઘણો સારો છે. હું તો તેના માટે સામાન ખરીદવામાં અને પેકિંગ કરવામાં આ તો ભૂલી જ ગઈ. એક વખત તારાં પાપાને પૂછી લઈએ. આ બાજુમાં જ બેઠાં છે. સ્પીકર ઉપર નથી મૂકતી. તેમને જ આપું છું.", કહી ફોન સમીરભાઈને ધર્યો.
સમીરભાઈ વાતો ઉપરથી તો સમજી જ ગયાં હતાં કે રમીલા જ છે સામા છેડે. રમીલાએ સરપ્રાઈઝ પાર્ટીની વાત તેમને પણ કહી. તેઓએ મેઘનાબહેન સામે જોઈ મંજૂરી આપી દીધી. મેનુની ચર્ચા પણ થઈ ગઈ. રમીલાએ મેનુની વિગતો મેઘનાબહેન અને સમીરભાઈને વોટ્સએપ મેસેજથી મોકલી દીધી. એકબીજાંને શુભરાત્રિ કહી તેઓએ ફોનકોલ કટ કર્યો.
ક્રમશઃ 🙏🏻વાચકમિત્રો, આપને જો આ વાર્તા ગમી હોય તો તેને પાંચ સિતારાથી વધાવશો.
અલ્પા ભટ્ટ પુરોહિત વડોદરા