એક તરફ થેપલાં ખવાતાં ગયાં અને હીટર કારનું વાતાવરણ ગરમાવતું ગયું બીજી તરફ ચારેયની વાતો હળવું વાતાવરણ ખડું કરી રહી. રમીલા સાથે બેઠેલ યુવતીનું નામ સ્વાતિ હતું અને પાછળ બેઠેલ બે યુવકમાંથી એક - આતિથ્ય, તેના મામાનો દીકરો હતો. અને બીજો યુવક દેવલ આતિથ્યનો બાળપણનો મિત્ર હતો. આ ત્રણેય પહેલેથી એક જ શાળા અને કોલેજમાં ભણ્યા હોઈ તેમની વચ્ચે પાકી મિત્રતા હતી.
ત્રણેય નોકરિયાત માતાપિતાનાં સંતાનો હતાં અને અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતાં પણ લોટસની રેપ્યુટેશન જોઈ તેમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તેઓને અહીં ઈન્ટર્નશીપ કરવાનો મોકો મળશે. તેઓ બી. બી. એ. કરવા જ અહીં જોડાયા પછી એમ. બી. એ. પણ અહીંથી જ ચાલુ રાખ્યું. વાતોમાં ને વાતોમાં આૅફિસ બિલ્ડીંગ આવી ગયું. આવાં ધોધમાર વરસાદમાં પોતાને લિફ્ટ આપવા અને આટલી કુશળતાથી ડ્રાઈવ કરી સૌને લાવવા બદલ સ્વાતિ, આતિથ્ય અને દેવલ, રમીલાનો આભાર માની રહ્યાં. રમીલાએ તેમને રોજ લિફ્ટ આપવાની શરતે આભારદર્શન બંધ કરાવ્યું. ચારેય હળવા મૂડમાં લિફ્ટમાં પ્રવેશ્યાં. પોતાની કેબિન તરફ જતાં પહેલાં રમીલાએ ત્રણેયને રિસેપ્શન બતાવ્યું જેથી તેઓને ક્યાં બેસવાનું છે તેની પૂછપરછ કરી શકાય. ત્રણેય રિસેપ્શન ટેબલ તરફ વળ્યાં અને રમીલા પોતાની કેબિનમાં પ્રવેશી. ત્યાં જ તેની પાછળ મૈથિલી અને મનન પ્રવેશ્યાં, અલબત, તેની પરવાનગી લઈને જ.
મનને પોતાની વાત માંડી, "મેડમ, આપણને મેઈલબોક્સમાં ઈન્કવાયરી મળી છે કે આપણાં શહેર સિવાય બીજે પણ આપણે ઘરબેઠાં આપણી પ્રોડક્ટસ પહોંચાડીએ કે નહીં. તેમજ આજુબાજુનાં થોડાં મોટાં ગામડાં, નાનાં શહેરોમાંથી આપણાં સલૂન ઊભાં કરવાની ભલામણો આવી છે. એ તરફ કાંઈક વિચાર કરીએ તો બિઝનેસ અનેકગણો વધશે."
રમીલા આનંદિત થતી બોલી, "જરૂર મનનજી. તમે એ મેઈલ્સની ડિટેઈલ્સ મૈથિલીને ફાઈલ કરાવી દો. કાલે સાંજે જ મારી બોર્ડ મિટીંગ છે. ત્યાં આ પ્રસ્તાવ મૂકીશું. થોડો મેનપાવર વધુ જોઈશે પણ, એય થઈ રહેશે. લોટસ જોડે કામ કરવા યુવાનો અને અનુભવી કર્મચારીઓ, બધાં જ ઉત્સાહભેર તૈયાર થાય છે."
મનને ખુશ થતાં જવાબ વાળ્યો," હા, મેડમ. કેમ નહીં. કોઈક જ મૂર્ખ હોય (પછી તે અટક્યો - તેને પોતાની ભૂલો યાદ આવી હતી.) જે આ નોકરીની કદર ન કરે." (ત્યાં સુધી તો તેનો પસ્તાવો તેનાં ગળાને રુંધી રહ્યો.)
રમીલાએ ડેસ્ક ઉપરથી પાણીનો ગ્લાસ તેના તરફ ધર્યો. બોલવાની દશામાં ન હોઈ, મનને આંખો ઝુકાવી આભાર માન્યો અને થોડું પાણી પીધું. પછી મૈથિલીએ તેની પાસેથી મેઈલ્સ ડિટેઈલ્સ લેવા માંડી.
રમીલાએ મૈથિલીને બિઝનેસનાં ફેલાવા અંગેનો પ્રસ્તાવપત્ર ડિક્ટેટ કર્યો અને તેનાં પ્રિન્ટસ કઢાવી લીધાં. મનન બીજી જરૂરી વાતો કરી, રજા લઈ પોતાનાં સ્થાને ગયો. ત્યાં જ રમીલાને સૂરજ સર તરફથી કોલ આવ્યો. તે મૈથિલીને થોડી સૂચનાઓ આપી સરની કેબિનમાં ગઈ. તેની થોડી બીજાં કામકાજની ફાઈલ્સ સૂરજ સરને સુપ્રત કરી મનને મૂકેલ પ્રસ્તાવ સૂરજ સર સમક્ષ મૂક્યો. સરને તે વિચાર ખરેખર ગમ્યો. પોતાની સેવાઓ અન્ય સ્થળે પણ ઊભી થશે જે સીધેસીધું પ્રોડક્ટસનું વેચાણ પણ વધારશે, એની એંધાણી દેખાઈ. આલતીકાલની મિટીંગમાં આ પ્રસ્તાવ મૂકવા જરૂરી પેપરવર્ક તેમણે શરૂ કરાવ્યું.
સૂરજ સરે પોતાની જ કંપનીની કૉલેજથી નવાં આવેલાં અઢાર ટ્રેઈનીને ઓડિટોરિયમમાં બોલાવ્યાં હતાં. તેઓને સંબોધવા માટે પોતે અને પર્ચેઝ ડિપાર્ટમેન્ટ હેડ જઈ રહ્યા હતાં. સાથે તેઓએ મનન અને રમીલાને પણ લીધાં જ હતાં. આખરે, આ નવો પ્રોજેક્ટ પલાણ સરને અને બીજાં ડિરેક્ટર્સને પણ ગમી ગયો હતો. તેનું સંચાલન સૂરજ સરની આગેવાનીમાં ઓફિસમાંથી રમીલાએ અને ફિલ્ડમાંથી મનને જ કરવાનું હતું. નવાં ટ્રેઈનીની ટીમમાં બેઠેલ સ્વાતિ, આતિથ્ય અને દેવલ પણ હતાં. તેઓ આમ પણ સવારે જ રમીલાથી પ્રભાવિત થયાં હતાં. હમણાં તેને સ્ટેજ ઉપર સ્થાન લેતી જોઈ વધુ ખુશ થયાં.
આતિથ્ય ધીમેથી બોલ્યો, "અરે વાહ! પહેલી જ નોકરીમાં, પહેલાં જ દિવસે આપણે તો બોસની જ ગાડીમાં આવ્યાં છીએ. આપણને તો બોસ સવિષેશ ધ્યાન આપી કામ સોંપશે. અને આ ઈન્ટર્નશીપ કદાચ કાયમી નોકરીમાં ફેરવાઈ જાય તો કહેવાય નહીં!"
સ્વાતિએ તેના માથામાં હળવી ટપલી મારી અને કહ્યું, "ઓ શેખચલ્લીજી, બોસની ઓળખાણથી કામ ન થાય. એ માટે તો મગજ દોડાવીને નવાં આઈડિયા શોધી કંપનીની પ્રગતિમાં ફાળો આપવો પડે. એર-કન્ડિશન્ડ ઓફિસમાં બેસીને પ્રમોશન નહીં મળે. આમ પણ આપણે તો ફિલ્ડ માર્કેટિંગ વિષયમાં એમ. બી. એ. કરી રહ્યાં છીએ. શહેરનાં ખૂણે ખૂણે ટીમમાં ભટકવું પડશે. લોકોને જાણવા પડશે. આ કંપનીની પ્રોડક્ટસ વિશે ઊંડાણથી સમજવું પડશે. રમીલાની ઓળખાણથી કાંઈ ન થાય."
દેવલે તેનાં સૂરમાં સૂર પૂરાવ્યો, "હા, બિલકુલ સાચી વાત કહી સ્વાતિએ. આમ પણ આપણે અહીં નવું શીખવા અને અનુભવ મેળવવા જ આવ્યા છીએ ને? દોસ્તી કરી તેનો લાભ લેવા નહીં. હા, એટલો ફાયદો જરૂર થઈ શકે કે આપણે રમીલા સાથે સીધી વાતચીત કરી શકીએ. આપણાં વિચાર તેને જણાવી શકીએ."
બાકીનાં બેયે તેની વાતને અનુમોદન આપ્યું. ત્યાં જ માઈકમાંથી અવાજ સંભળાયો. સૂરજ સરે ધૂરા સંભાળી હતી. દરેક નવાગંતુકને ખૂબ જ શાલીનતાથી આવકાર્યાં બાદ મનનને મળેલ પ્રસ્તાવ ઉપર ગંભીરતાથી વિચાર કર્યા બાદ આજની કાર્યસોંપણી થનાર હતી. સરનું વક્તવ્ય ચાલતું રહ્યું. ટ્રેઈની તેને પોતપોતાની નોટબુકમાં ટપકાવતાં રહાયાં. પછી પર્ચેઝ મેનેજરે સુકાન સંભાળ્યું. તેમણે છ ટ્રેઈની પોતાની ટીમ માટે પસંદ કર્યાં. તેમાં કુલ બાર ટ્રેઈની હતાં જેમાંથી ચારને રમીલા સાથે ઓફિસમાં બેસવાનું હતું અને બાકીનાં આઠને મનન સાથે ફિલ્ડવર્ક કરવાનું હતું. આતિથ્ય, સ્વાતિ અને દેવલ પોતાનાં વિષયનાં કારણે મનનની ટીમમાં જ પસંદગી પામ્યાં.
આખરે રમીલા અને મનને ટૂંકમાં પોતપોતાની ટીમને સંબોધી. સૂરજ સરની આગેવાનીમાં બધાંને સાંજનું સપર ઓફિસ કેન્ટીનમાં જ લેવાનું હતું. બધાં ટ્રેઈની પોતપોતાનાં બોસ પાછળ દોરવાયાં. કેન્ટીન ખરેખર સુવ્યવસ્થિત ગોઠવાયેલ અને સુઘડ હતી. ખુરશી અને ટેબલ કોઈ ફાઈવસ્ટાર હોટેલ રેસ્ટોરન્ટને ટક્કર આપી શકે તેવાં હતાં. ભોંયતળિયું પણ એકદમ ચોખ્ખુંચણાક હતું. બૂફે કાઉન્ટર બે તરફ સજાવેલ હતાં. બંને કાઉન્ટર ઉપર નવ-નવ એટેન્ડન્ટ વાનગીઓ પીરસવા ઉભાં હતાં. તે બધાં જ સ્વચ્છ ગણવેશ, કેપ અને ગ્લવ્ઝમાં સજ્જ હતાં. કાઉન્ટરથી થોડે દૂર સામેની તરફ જ બેસિન હતાં જ્યાં બધાએ હાથ ધોયાં અને પછી પહેલાં કાઉન્ટર ઉપરથી થાળીઓ ઉપાડવા માંડી.
બધાંયનાં સ્વાગત સ્વરૂપે આજનું ભોજન હતું જેમાં ગુજરાતી દાળ-ભાત, ગરમાગરમ રોટલી, ભરેલાં પરવળનું અને ટામેટા-રીંગ-બટાકાનું શાક, કચુંબર, મગની દાળનો શીરો અને ઘૂઘરા, રતાળુની પૂરી અને સરસિયા ખાજાં હતાં. બધાંયને જમવાની મજા પડી ગઈ. તેઓ એકબીજા સાથે વાતો કરતાં કરતાં, સંપર્ક બનાવતાં રહ્યાં. કેન્ટીનની એક દિવાલ કાચની હતી જેમાંથી વરસતો વરસાદ જોતાં જોતાં જમવાની તમામને મોજ આવી રહી હતી. આખરે ભોજન પૂર્ણ થયું. સૂરજ સર પર્ચેઝ મેનેજર સાથે વાતો કરી રહ્યાં હતાં. બધાં ટ્રેઈનીઝ તેમની નજીક ગયાં અને તેમનો આટલાં સુંદર આવકાર અને ભોજન બદલ આભાર માન્યો.
ધીમે ધીમે બધાં છૂટાં પડ્યાં. આતિથ્ય, દેવલ અને સ્વાતિ રમીલાને મળીને નીકળ્યાં. હવે બીજું કોઈ કામ બાકી ન રહેતાં સૂરજ સર, પર્ચેઝ મેનેજર, રમીલા, મનન બધાં જ ઘરે જવા નીકળ્યાં. કંપનીની બસ નીકળતી હતી તેમાં જ બધાં ટ્રેઈની ગોઠવાઈ ગયાં પણ આતિથ્ય, દેવલ અને સ્વાતિ મેઈનરોડ ઉપર બેઝમેન્ટમાંથી બહાર નીકળતા રસ્તે ઊભાં રહી રમીલાની રાહ જોવાં લાગ્યાં. હમણાં તેમને રીક્ષા કે ટેક્સી સહેલાઈથી મળી જાય એમ હતું તેથી રમીલાનો આભાર માન્યા બાદ જ તેઓએ ઘરે જવાનું વિચાર્યું હતું.
થોડી જ મિનિટોમાં બેઝમેન્ટ પાર્કિંગમાંથી રમીલાની કાર સૌપ્રથમ બહાર નીકળી. તેની નજર ડાબે વળતાં જ ઊભેલાં ત્રણેય નવાં મિત્રો ઉપર પડી પણ પાછળ જ સૂરજ સર અને બીજાં કેટલાંક ઓફિસર્સની કાર હોવાનાં કારણે તેણે પોતાની કાર એ જ ઝડપે હાંકી લગભગ પચીસ મીટર આગળ જઈ થંભાવી. ડોર ઉઘાડી પોતે ઉતરી અને સ્વાતિ તરફ ચાલવા લાગી.
જ્યારે રમીલાની કાર તેમને ટપીને આગળ જતી રહી ત્યારે સ્વાતિ અને દેવલે એકબીજાંનાં મોં તરફ જોયું. તેમની સૂચક નજર કહેતી હતી કે રમીલા તેમને જોયાં છતાંય જતી રહી. પણ, આતિથ્યને ખૂબ જ નાની વયથી વ્યક્તિની પરખ હતી. તેણે બેયને સંબોધીને કહ્યું, "રમીલા ભલે આપણી ઉપરી હોય. એ એક સુંદર મિત્ર જ બની રહેશે. જો જો, એ ઊભી રહેશે."
અને રમીલાની કાર ઊભી રહેતાં ત્રણેયનાં ચહેરા મલકી ઊઠ્યાં.
🙏🏻ઘણાં લાંબા અંતરાલ પછી નવલકથાનો નવો ભાગ મૂકી શકી છું. માફ કરશો. હેલ્થ ઈશ્યુઝ ઘણાં હતાં તેથી લેખન બંધ હતું. આશા છે આ ભાગ આપને ગમશે.