હક
- રાકેશ ઠક્કર
ઇમરાન હાશમીના ફિલ્મ ‘હક’ ના અભિનયની ભરપૂર પ્રશંસા થઈ છે. તેની કેટલીક ફિલ્મો હમારી અધૂરી કહાની, અઝહર, ધ બોડી, સેલ્ફી અને 'ગ્રાઉન્ડ ઝીરો' બૉક્સ ઑફિસ પર અપેક્ષિત પ્રદર્શન કરી શકી નથી. પણ તેના સતત સારા અભિનય પ્રદર્શનને જોતાં એમ જરૂર કહી શકાય કે સારી અને વિવિધતાવાળી ભૂમિકાઓ પર તેનો પૂરો હક છે. અન્ય હીરો જે કરે છે તે ઈમરાન આ સાનીથી કરી શકે છે પણ ઈમરાન જે કરે છે તે કરવા બીજા હીરો તૈયાર થશે નહીં.
‘હક’માં તેની ગંભીર અને પડકારજનક ભૂમિકા દર્શાવે છે કે તે પોતાની છબીમાંથી બહાર નીકળીને અલગ અને દમદાર પાત્રો ભજવવામાં સક્ષમ છે. 'હક' ને વિવેચકો અને દર્શકો તરફથી અત્યંત સકારાત્મક સમીક્ષાઓ મળી છે. ઇમરાને એક વકીલ અને સ્વાર્થી પતિના નકારાત્મક દમદાર અને પડકારજનક પાત્રને એટલી સારી રીતે નિભાવ્યું છે કે કેટલીક જગ્યાએ તો વિલન બનીને પણ હીરો જેવું કામ કર્યું છે.
'હક' એક ગંભીર કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે. જે 1980-90 ના દાયકાના ઐતિહાસિક શાહબાનો કેસ પરથી પ્રેરિત છે. ફિલ્મ શાઝિયા બાનો (યામી) નામની એક મુસ્લિમ મહિલાની કહાણી છે. જેનો પતિ અબ્બાસ ખાન (ઇમરાન) તેને છોડી દે છે અને ધાર્મિક કાયદાઓનો દુરુપયોગ કરીને તલાક આપે છે. શાઝિયા ભરણપોષણ અને સન્માનના હક માટે સમાજ અને કાયદા સામે લડે છે. જે એક રાષ્ટ્રીય ચર્ચાનું સ્વરૂપ લે છે.
યામી ગૌતમનો અભિનય આખી ફિલ્મનું હૃદય છે. તેણે એક એવી સામાન્ય મહિલાનું પાત્ર ભજવ્યું છે જે ન્યાય માટે આખી સમાજ વ્યવસ્થા સામે લડે છે. કોર્ટમાં બોલતી વખતેનો ગભરાટ, ચહેરા પરનો દુઃખનો ભાવ અને છતાં શાંત આત્મવિશ્વાસ પડદા પર અસલી લાગે છે. એક દ્રશ્યમાં તે છૂટાછેડા પછી દીવાલ પર હાથ ફેરવીને ચાલે છે તે અભિવ્યક્તિ શબ્દોથી પર લાગે છે. ખાસ કરીને ક્લાઈમેક્સમાં મોનોલોગ સાથેનો તેનો અભિનય વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી છે. 'હક'ના અભિનયને તેની કારકિર્દીના શ્રેષ્ઠ કાર્યોમાંથી એક ગણાવી શકાય.
યામીની ફિલ્મોની પસંદગી સાબિત કરે છે કે પરંપરાગત રસ્તો અપનાવ્યો નથી. તેની ફિલ્મો વિષય-વસ્તુના આધારે સફળ થાય છે. યામીએ સાબિત કર્યું છે કે બોક્સ ઓફિસ પર સફળ થવા માત્ર ગ્લેમરનો ઉપયોગ જરૂરી નથી. અભિનય અને સારી વાર્તા વધુ મહત્વપૂર્ણ છે. 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક', 'બાલા', 'અ થર્સડે' અને 'આર્ટિકલ 370' જેવી ફિલ્મો દ્વારા તેણે સાબિત કર્યું છે કે તે ગ્લેમરસ રોલ્સની જગ્યાએ મજબૂત, સ્ત્રી-કેન્દ્રિત અને વૈવિધ્યસભર પાત્રો પસંદ કરે છે.
જેને વિષય-આધારિત, વાસ્તવિકતાની નજીકની અને વિચાર કરવા મજબૂર કરતી ફિલ્મો ગમે છે કે મજબૂત અભિનયને મહત્વ આપે છે તેને કોર્ટરૂમ ડ્રામા જોનરની આ ફિલ્મ ગમી શકે છે. કેમકે વિષય પરિપકવ દર્શકો માટેનો સંવેદનશીલ અને વિચારપ્રેરક છે. એમાં મહિલાઓના ભરણપોષણના અધિકાર વિશે વાત થઈ છે. કોર્ટના દ્રશ્યો અને સંવાદો અસરકારક છે. પણ જે માત્ર મગજ ન લગાવવું પડે તેવી હળવી કોમેડી કે એક્શન-પેક્ડ મસાલા ફિલ્મની શોધમાં હોય એમના માટે નથી.
ફિલ્મ કોર્ટરૂમ ડ્રામા હોવાથી મનોરંજક ફિલ્મોની સરખામણીમાં તેની ગતિ થોડી ધીમી લાગી શકે છે. વાર્તા ઐતિહાસિક કેસ પર આધારિત હોવાથી અંત પહેલાથી જ જાણીતો લાગી શકે છે. સુપર્ણ એસ. વર્માનું નિર્દેશન વાર્તાને ભાવનાત્મક ક્ષણો અને કાનૂની જટિલતાઓમાં સારી રીતે સંતુલિત કરે છે. ફિલ્મની સૌથી મોટી તાકાત સંયમિત નિર્દેશન છે. નિર્દેશકે વિવાદાસ્પદ વિષયને વધારે પડતો નાટકીય બનાવવાથી દૂર રાખ્યો છે. સામાન્ય રીતે કોર્ટરૂમ ડ્રામામાં જોવા મળતી ચીસાચીસ અને ભભકાદાર રજૂઆતથી દૂર રહીને અહીં નિર્દેશકે શાંત પરંતુ તીવ્ર દ્રશ્યો બનાવ્યા છે.
કોર્ટ રૂમમાં યામીના ‘મેરા હક સિર્ફ કિસી મઝહબ કા નહીં, મેરા હક મેરે ઇન્સાન હોને કા હક હૈ.’ અને ‘જિસ ધર્મ કી આડ મેં આપ મુઝે ભૂખે મરને કો કહતે હૈ, વો ધર્મ કિસી સ્ત્રી કો સન્માન કૈસે દેગા?’ જેવા સંવાદ હોય કે ઇમરાનનો ‘કાનૂન સિર્ફ કિતાબો મેં નહીં હોતા, જનાબ. કાનૂન તો વક્ત કે સાથ બદલના ચાહિયે, તાકી ઈન્સાનિયત જિંદા રહે.’ સંવાદ હોય મુદ્દો સ્પષ્ટ રીતે ઉઠાવે છે. સંવાદો રેશુ નાથ દ્વારા લખવામાં આવ્યા છે. જે પાત્રોના દર્દ, દલીલો અને કાયદાકીય સમજને સરળ ભાષામાં રજૂ કરે છે.
વિવેચકોનું માનવું છે કે 'સિર્ફ એક બંદા કાફી હૈ' પછી સુપર્ણ વર્માએ ફરી એકવાર કોર્ટરૂમ ડ્રામા પરની પોતાની મજબૂત પકડ સાબિત કરી છે. વાર્તાને ભાવનાત્મક અને માનવીય સ્તરે રાખી છે. તેને રાજકીય નિવેદન બનવા દીધી નથી. નિર્દેશકે કાયદાકીય દલીલો પર ધ્યાન આપવાને બદલે શાઝિયાના વ્યક્તિગત સંઘર્ષ અને લાગણીઓ પર વાર્તાને કેન્દ્રિત કરી છે. ફિલ્મ મહિલાઓના અધિકારો, ધર્મ, અને ન્યાય જેવા સંવેદનશીલ વિષયોને પરિપક્વતા અને પ્રમાણિકતા સાથે રજૂ કરે છે.