પારુલ હેતલના પપ્પાની પાસે હેતલને સમજાવવા ગઈ. પહેલાં તો હેતલને જોઈને તેણીને ગુસ્સો આવ્યો, પણ હેતલની મમ્મીની લાચારી જોઈને થોડીક શાંત થઈ. હેતલને કદાચ આક્રોશથી નહિ પણ પ્રેમથી સમજાવવાની ટ્રાઈ કરી.
"તને ક્યારેય પણ મેં એવું વર્તવાં દીધું છે કે તું એ ઘરની વહુ છે ?"
પારુલનો આવો સવાલ સાંભળીને હેતલ ઉશ્કેરાઈ ગઈ. એ પારુલને મન ફાવે તેમ કહેવાં લાગી, "તમારો આ પ્રેમ કરવાનો ખોટો દેખાડો રહેવા જ દેજો. મારું ડ્રિમ એ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારથી અલગ રહેવાનું હતું. હું મારી ઈચ્છાએથી ઘર ચલાવવાં માંગતી હતી. મારાં ઘરમાં હું આઝાદ પંછીની જેમ રહી છું. તમારી ઈચ્છા મને આઝાદ પંછીની જેમ રાખવાની હતી નહિ. તમને લોકોને એવું લાગે છે કે હું રવિને તમારા લોકોથી દૂર કરવા માંગું છું. પપ્પા પણ મારી ખુશી માટે અમને અલગ કરવાં તૈયાર થઈ ગયાં હતાં. તમારી અને દાદાની મરજી અમને અલગ કરવાની હતી જ નહિ." હેતલે તેણીની ભડાશ કાઢી.
"તું હજી અમને ખોટાં સમજે છે. તમારા લોકોની ખુશીથી વધુ અમારે કાંઈ નથી, પણ જે લગાવ એક જ ભાણામાં બેસીને જમવામાં છે, એ લગાવ અલગ ચૂલાએ રાંધીને જમવામાં નથી. વસુ તો તને ખબર છે કે દાદાનો જીવ છે. એમને વસુ વિના એક પળ ગમતું નથી. તેં કેટલી વાર ઉદ્ધતાથી દાદાથી વાત કરી છે; તે છતાં એમણે તને નાસમજ કહીને જતું કરતાં આવ્યાં છે. તારી નોટીસ સાંભળીને એમને એટેક આવી ગયો છે. એમને તારાં માટે કેટલી લાગણી હશે !"
"હવે દાદાની તબિયત કેમ છે ? હેતલનું દાદા પ્રત્યે ગેરવર્તનથી હું તમારી માફી માંગું છું. મારે જ એને સંસ્કાર આપવામાં ભૂલ થઈ ગઈ હશે. નહિતર, કોઈનું સંતાન આવું ના હોય. એક મારી દીકરી છે જે બીજાંના દીકરાને એના પરિવારથી અલગ કરે છે અને એક તમારાં સંસ્કારથી ઉછરેલ તમારો દીકરો છે, જે એનું લગ્નજીવન તુટી જશે તો પણ એનાં પરિવારથી અલગ નહિ થાય. હેતલ સાથે એના પપ્પાનો લોહીનો સંબંધ છે તો પણ એના પપ્પાના એક પણ ગુણ એનામાં નથી. રવિ તમારો દીકરો બિલકુલ એના પપ્પાના લોહીને ઉજળું કર્યું." હેતલનાં મમ્મીના શબ્દોમાં અફસોસ દેખાયો.
"વેવાણજી ! એક ખુલાસો આજ સુધી મેં કોઈ પાસે કર્યો નથી. રવિને પણ આ વિશે મેં કહ્યું નથી. તમે રવિને હેતલના સસરાનો અંશ કહો છો; તે સાચું નથી." આખરે પારુલના અંદર છાનું રહેલ સત્ય બહાર આવી ગયું.
"તમે શું કહો છો ?"
હેતલનાં મમ્મી કશું સમજી ના શક્યાં. હેતલ પણ આશ્ચર્યથી એનાં સાસુને જોઈ રહી હતી.
"હકીકત એ છે કે, વત્સલના દાદા એ રવિના પાલક પિતા છે. એની સાથે સંસ્કાર અને લાગણીનો સંબંધ જોડાયેલ છે. આ વાત તેઓએ જ રવિને કહેવાની ના પાડી હતી. રવિને એવું કોઈ દિવસ ના થાય કે એ કોઈ ઉપકાર વચ્ચે મોટો થયો છે. મારાં એમની સાથે આ બીજાં લગ્ન છે. હું તમને એટલું જ કહેવાં માંગું છું, કે લોહીના સંબંધ સાથે કોઈ લેવાંદેવાં ના હોય.વ્યક્તિઓનો સાચો વિકાસ પરવરિશ, સંસ્કાર અને વાતાવરણ પર નિર્ભર કરે છે."
"એમણે અને પિતાજીએ પણ રવિને ખૂબ લાડ લડાવ્યા છે. અડધી રાત્રે કોઈ વસ્તુની રવિ જિદ્દ કરે તો એ લઈ આવતાં હતાં. ફરક એટલો એમણે લાડ કરાવાની સાથે સારાં સંસ્કારનું સિંચન કર્યું છે. હંમેશા જરૂરમંદ માટે ઉપયોગી થવું. કોઈપણનું કારણ વગર અપમાન ના કરવું. એ કારણથી રવિ એના પપ્પા જેવો બન્યો છે."
રવિ પ્રવિણનો દીકરો નથી એ જાણીને હેતલને આચકો લાગ્યો. જેની સાથે લોહીનો સંબંધ ના હોવાં છતાં પણ એને સગા દીકરા કરતાં પણ વધુ લાડ લડાવ્યા હતા. એક હેતલ હતી જે એની ખોટી હઠને કારણે લોહીના સંબંધથી આટલી દૂર હતી. તેણીને પોતાની જાત પર નફરત થવાં લાગી. એક સારી દીકરી, સારી પત્ની કે સારી વહુ ના બની શકી, પણ તેણી સારી મા કહેવાને લાયક હતી નહિ. થોડાંક રૂપિયા માટે એણે વત્સલને પણ મહોરું બનાવી લીધું હતું.
"હેતલ ! જો આને કહેવાય ઊંચ વિચાર ધરાવતો પરિવાર. એ લોકોમાં કેટલી બધી મોટાઈ ભરેલી હશે ! અરે, તું લાલચું રૂપિયા માટે થઈને પેટના ઝણ્યાંને તારાંથી દૂર કરવાં તૈયાર થઈ ગઈ છે. પારુલબેન સાચું જ કહે છે કે તેં કોઈ દિવસ તારા દીકરાને પ્રેમ કર્યો નથી. તેં હંમેશા મોજશોખને પ્રેમ કર્યો છે."
તેણીની મમ્મીના આવાં શબ્દો સાંભળીને હેતલ રડવાં લાગી. એની આંખમાંથી નીકળેલ આંસુ પશ્ચાતાપના હતાં.
"મમ્મી, મને માફ કરી દો. હું અજાણતા ગેરમાર્ગે જઈ રહી હતી. પપ્પા એમનું ખૂન ના હોવાં છતાં વત્સલની આટલી સરસ પરવરિશ કરી. એમને છાતીએ વળગાડીને રાખ્યો. મારાં જેવી મૂર્ખીએ તો એના સગા દીકરાનો વિચાર કરી ના શકી. મારે અત્યારે જ તમારી સાથે ઘરે આવવું છે. તમે મને તારી સાથે લઈ જશો ?" ઊભી થઈને બે હાથ જોડીને હેતલ પારુલ સામે કરગવાં લાગી.
હેતલને રડતાં જોઈને પારુલ પણ રડવાં લાગી. તેણી ઊભી થઈને હેતલને ગળે વળગાડીને માફ કરી દીધી. ખરી રીતે તેઓ એક વહુને નહિ પણ એક દીકરીને એમની ઘરે લઈ જવાં તૈયાર થઈ ગયાં હતાં.
હેતલે તેણીનો સામાન પેક કરીને પારુલ સાથે પોતાનાં ઘરે જવાં તૈયાર થઈ ગઈ. આ ખુશખબરી હેતલે કોલ દ્રારા એનાં પપ્પાને જણાવી દીધી.
એનાં પપ્પાએ તેણીને થોડીક વાર રાહ જોવાની કહી. તેઓ ઓફીસેથી ઘરે આવીને હેતલને આશીર્વાદ આપવાં આવી પહોચ્યાં. હેતલનાં માથે હાથ મુકીને તેઓએ કહ્યું,
"દીકરી સ્ત્રીઓ હંમેશા પુજનીય એટલે કહેવાય છે, કારણ કે એ એક સાથે બે ઘરને તારે છે. સ્ત્રીની અંદર જ દેવી માનાં અનેક રુપો સમાયેલાં હોય છે. એ એના પરિવાર માટે અન્નપૂર્ણા બનીને સ્વાદિષ્ટ જમવાનું બનાવીને ખુશ રાખી શકે તો ક્યારેક પરિવાર પર આવતી મુશીબતોને પહોંચી વળવાં ચંડિકા પણ બને છે. સ્ત્રી અજ્ઞાની જરૂર હોય છે, પણ એ અજ્ઞાનમાં એનું ઘર તોડવું ના જોઈએ. મને માફ કરી દેજે. મેં તને લાડ આપવામાં આ સંસ્કાર આપતાં ભૂલી ગયો."
"દીકરી એ તો પિતાનું અભિમાન હોય છે. એક પિતા માટે એનાં સંતાનથી વધુ ખુશી બીજી કોઈ હોય ના શકે. તને અહીં આવતા જોઈને મારો અંતરાત્મા કેટલો બળતો હતો; એ મેં તારી માને પણ કહ્યું નથી. હું એક પિતા હોવા છતાં તને મનાવી ના શક્યો. આજે તું ખુશી ખુશી તારી ઘરે જઈ રહી છે, તો મારાથી વધુ કોઈ ખુશ નહિ હોય. તેં મારું ખોવાયેલું અભિમાન પાછું આપી દીધું. આવી જ સમજદારી કેળવીને તું એક સાથે બન્ને ઘરનાં આગણાને દીપાવજે. હવે ફરી આવે તો વત્સલને સાથે લઈને આવજે; એ પણ ફક્ત વેકેશન પૂરતી જ આવજે."
હેતલના પપ્પાએ આશીર્વાદ આપી દીધાં. એ પછી હેતલ એનાં પપ્પાને છાતીએ વળગીને માફી માંગવા લાગી.
"પપ્પા અને મમ્મી, હું જેટલી રવિ અને એમના પરિવારની ગુનેગાર છું, એટલી જ તમારાં બન્નેની પણ ગુનેગાર છું. મારા લાલચી સ્વભાવને કારણે હું અહંકારી બની ગઈ હતી. એ કારણે તમારે લોકોને સમાજનું ઘણું બધું સાંભળવું પડ્યું. મને આશીર્વાદ આપો કે હું એક સારી દીકરી, પત્ની અને વહુ બનીને રહું. સાકર દૂધમાં ભળીને દૂધને સ્વાદિષ્ટ કરી આપે છે એમ હું પણ મારાં સારાપણા અને અનન્ય પ્રેમ થકી મારાં સાસરિયામાં એક રસ થઈ જાઉં."
હેતલ પાસેથી આવી લાગણીસભર વાતો સાંભળીને એનાં માતા પિતા ખુશ થઈ ગયાં. પારુલ રજા લઈને હેતલને લઈને ત્યાંથી નીકળી ગઈ.
ઘરે તેઓ આવ્યાં તો ઘરમાં દલપત દાદા અને વત્સલ હતા. દલપત દાદા વત્સલને વાર્તાઓ કહી રહ્યા હતા. હેતલે ઘરમાં પ્રવેશ કર્યાની સાથે વત્સલને એક અવાજથી બોલાવ્યો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"