પ્રથમ અધિકાર કોનો ?
‘યશ, હવે આ બધુ મારાથી શહન નથી થતું. હું તને કહ્યે જાઉં પણ તું મારી વાત એક કાનેથી સાંભળી બીજે કાને કાઢી નાખે છે. છેલ્લા ઘણા સમયથી તને વારંવાર કહી રહી છું કે તારી મમ્મીને હું ગમતી નથી. તારી મમ્મી મને કંઈ કામ કરવા દેતી નથી અને કંઈ કામ કરું તો તેમાં મારા વાંક કાઢયે રાખે છે છેલ્લા બે વર્ષથી હું આ બધું સહન કરું છું હવે બસ થાય છે..’. પ્રાચી રડતા રડતા બોલી.
‘પ્રાચી, હું બધું જ સમજુ છું તું હમણાં થોડા દિવસ શાંતિ રાખ, તને તો ખબર છે ને કે મારી જોબને હજુ ત્રણ જ વર્ષ થયા છે અને હમણાં હમણાં ઓફિસમાં બહુ મગજમારી ચાલે છે. તું જરા મારી પરિસ્થિતિ સમજ. એક કામ કર ! ચલ, આજે રાત્રે આપણે મુવીમાં જઈએ અને બહાર જ જમી લઈશું.’ યસ પ્રાચીને શાંત પાડતા બોલ્યો.
અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારના રમણીકલાલને હજુ નિવૃત થયે ત્રણ જ વર્ષ થયા હતા. રમણીકલાલના બે સંતાનો યશ અને ભૈરવી. બે વર્ષ પહેલા જ પોતાના પુત્ર યસના લગ્નમાં કોઈ કચાસ ન રહે તે માટે પોતાની વર્ષોની બચત વાપરી ગજા બહાર ખરચ કરેલ પરંતુ સમાજમાં પોતાનો વટ રહ્યો અને પોતાના દીકરાના ધામધૂમ પૂર્વક લગ્ન કર્યા તેનો રમણીકલાલને આનંદ હતો.
લગ્નના ચાર છ મહિના સુધી પુત્રવધુ પ્રાચી બધાને સારી રીતે રાખતી અને બધાનું ધ્યાન રાખતી પરંતુ ત્યારબાદ અચાનક પ્રાચીનું ઘરના સદસ્યોને તરફનું વર્તન બદલાઈ ગયું. હવેતો સસરા રમણીકલાલનું પણ સાંભળતી નહીં અને નાની-નાની વાત લઈને તેમની સાસુ કુમુદબેન સાથે ઝઘડા કરતી. ઘરની કોઈપણ બાબત હોય ઝઘડા કરવાની એક પણ તક ચૂક્તી નહીં . પ્રાચીનો સ્વભાવ જિદ્દી અને ધાર્યું કરાવાનો થઈ ગયો હતો પોતાના પિયરમાં તેમના પિતાની લાડકી હોય અને માતા પણ અવારનવાર ફોન પર તેમનો જ પક્ષ લઈ સાસુ વિરુદ્ધ ચડામણી કરી ઉશ્કેરતા હતા.
35 વરસની કારકુની કરી નિવૃત્ત થયેલા રમણીકલાલને એમ હતું કે દીકરો દીકરી પરણી ગયા હવે ઘરમાં શાંતિ મળશે અને આરામથી ભગવાનના બે નામ લેશું. પરંતુ ઘરમાં સાસુ વહુની રોજે રોજની મગજમારી થી કંટાળી રમણીકલાલ ઘરની બહાર જતાં રહેતા. તેઓ મોટે ભાગે લાઇબ્રેરી, મંદિર અને બગીચામાં સાંજ સવાર પોતાનો સમય પસાર કરતા માત્ર જમવા પૂરતા જ ઘરમાં હાજરી આપતા અને આ બધું જોઈ તેમને સતત દુઃખ થતું.
રવિવારની સવારે રમણીકલાલ અને યસ સોફા પર બેસી પિતા પુત્ર આરામથી વાત કરી રહ્યા હતા ત્યારે રસોડામાંથી કાચની વસ્તુ તૂટવાનો અવાજ આવતા પ્રાચી બેડરૂમમાંથી રસોડા તરફ ધસી આવી.
‘બસ, કરી દીધું ને નુકસાન ! મારા મમ્મીએ કેટલા પ્રેમથી ગોળકેરી મોકલાવી હતી ? તમારાથી કંઈ સારી વસ્તુ જોવાતી નથી એટલે ઈરાદાપૂર્વક બરણી તોડી નાખી.’
‘ ના વહુ બેટા હું તો યશને ગોળકેરી ભાવે એટલે પાટલા ઉપર ચડી કાઢવા ગઇ પણ ત્યાં પાટલા પરથી મારો પગ લપસી ગયો એટલે....’ કુમુદબેન ગંભીર થઈ બોલ્યા
‘બસ હવે બહુ નાટક નહીં કરો, બરણી લેવા પાટલા સ ઉપર ચડવાની શું જરૂર હતી? મને કહેવું હતું ને હું બરણી ઉતારી આપત હું ક્યાં મરી ગઈ તી ?’
‘ના બેટા ! મને એમ કે તને વહેલી ક્યાં ઉઠાડવી.’
‘શું થયું ? ‘ એમ કરતો યશ રસોડામાં આવી ગયો અને જોયું તો અથાણાની બરણી તૂટી ગઈ હતી ને મમ્મીને હાથમાં કાચ વાગ્યા હતા.
‘પ્રાચી જો તો ખરા મમ્મીને હાથમાંથી લોહીની ધાર વહે છે ને તું અથાણાની કરે છે ? જા જલ્દી ટીચર અને પાટો લઈ આવ અને મમ્મીને પાટો બાંધ લોહીની ધાર વહી જાય છે..’ યસ વાતની ગંભીરતા જોઈ બોલ્યો॰
‘તું બાંધ પાટો, તારી માં ને !’ એમ કહી પગ પછાડતી પ્રાચી પોતાના રૂમમાં ચાલી ગઈ.
બપોરે ગુસ્સામાં પ્રાચીએ કંઈ ખાતું નહીં અને યશ પણ જમ્યો નહીં પરંતુ આખો મામલો શાંત કરવા યસ સાંજે પ્રાચીને હોટલમાં જમવા લઈ ગયો.
‘યસ, હવે મેં નિર્ણય કરી લીધો છે. હવે હું આ ઘરમાં તારી મમ્મી સાથે નહીં રહી શકું. કાલે જ મારા પિયર જઈ રહી છું અને હવે નિર્ણય તારે કરવાનો છે કે તારે મારી સાથે રહેવું છે કે તારી મમ્મી સાથે જો હું જોઈતી હોય તો એક અઠવાડિયામાં અલગ મકાન શોધીને મને જાણ કરજે અને મકાન મળે પછી જ મને તેડવા આવજે.’ પ્રાચિ ગુસ્સામાં રાતીચોળ થઈ બોલી.
‘પ્રાચી, પ્લીઝ..! મારી વાત સમજવાની કોશિશ કર. હું મારા મમ્મી પપ્પાનો એકનો એક પુત્ર છું. કોનાથી અલગ થાઉં છે બીજો દીકરો એમને ? અને વળી પપ્પાએ આખી જિંદગી ઢસરડો કર્યો અને મમ્મીએ પણ બધા દુઃખો સહન કરી મને ભણાવ્યો અને મને અહી પહોંચાડ્યો. આપણી પણ આપણા માતા-પિતા પ્રત્યેની કઈ જવાબદારી ખરી કે નૈ ? જો પ્રાચી આપણે બુઢાપામાં એમનો સાથ છોડીને ચાલ્યા જઈએ તો એનું કોણ ? ‘ યસ પ્રાચીનને વારંવાર સમજાવતા બોલ્યો.
‘આજદિન સુધી મે તારી ઘણી વાતો માની પણ હવે હું તારી કોઈ વાત માનવા તૈયાર નથી.’
‘પ્લીઝ પ્રાચી મને વિચારવા થોડો સમય આપ. અને પ્લીઝ હમણા પિયર જવાની વાત ન કરતી તને ખબર છે ને મમ્મીને હાથમાં કેવું વાગ્યું છે.’
છેલ્લા ચાર પાંચ દિવસથી સતત ચિંતિત રહેતા પુત્ર યસ ને જોઈ એક સાંજે રમણીકલાલે પૂછ્યું ‘બેટા શું વાત છે ? કેમ આટલો બધો ચિંતામાં હોય એવું મને લાગે છે ‘.
‘કંઈ નહીં પપ્પા એ તો એમ જ. ‘
ના દીકરા, એવું હોય ? કંઈ ઓફિસમાં પ્રોબ્લેમ છે કે પછી બીજું કંઈ ?’ રમણીકલાલ પોતાના અનુભવની દ્રષ્ટિથી બોલ્યા.
‘પપ્પા તમને તો ખબર જ છે ને હમણાં હમણાં પ્રાચી મમ્મીને લઈને બહુ ઝઘડા કરે છે અને ઓફિસમાં પણ બહુ ટેન્શન ચાલે છે ઘરે આવું તો ઘરની મગજમારી એનું નિરાકરણ લાવવા માટે મારે શું કરવું કંઈ ખબર નથી પડતી. ‘ યશ ઉદાસ થઈ બોલ્યો.
‘બેટા હું તને એક વાત કહું ?’
‘જી બોલો ને પપ્પા !’
‘તમે બંને અલગ રહેવા જતા રહો.’
‘પપ્પા… ! આ શું કહો છો ?’
‘હા દીકરા’
‘તું મારી ને તારી મમ્મીની જરા ચિંતા નહીં કરતો અમે અમારું નિભાવી લેશું.’
‘તું પ્રાચીનો ધ્યાન રાખજે અને હા ક્યારેક ટાઈમ મળે તો ઘરે આવતો રહેજે..’ રમણીકલાલ બનિયાનની કોર વડે ચશ્માના કાચ સાફ કરતા બોલ્યા.
‘પ્રાચી, મે વન બી.એચ.કે ફ્લેટ રેન્ટ પર લીધો છે અને આવતા વીકમાં સારું મુહૂર્ત જોઈ આપણે અલગ રહેવા ત્યારે રહેવા જવાનું છે.’
‘વહુબેટા, તમે ક્યાંય બહાર જાઓ છો ? કેમ તમારા કપડા અને બધો સામાન પેક કરો છો ? કુમુદબેને વારંવાર પૂછ્યું પરંતુ પ્રાચી કંઈ જવાબ આપતી નથી.
‘પ્રાચી બધું પેકિંગ થઈ ગયું છે ને ! ગાડીવાળા હમણાં બધો સામાન લેવા આવે છે.’ યસ બોલ્યો.
‘હા, બધું રેડી છે’
‘હાલો... પ્રાચી દીદી ..
‘હા ભઈલા રોહિત બોલ કેમ છે બધા મજામાં છે ને ?
‘દીદી, બધા મજામાં છે એમ તો કેમ કહું ?’
‘કેમ ? શું વાત છે ભાઈ કેમ એટલો બધો ટેન્શનમાં છે અને તારો અવાજ કેમ બદલાયેલો છે ?’
‘દીદી તમને શું વાત કરું? કાશ્મીરા ઘણા દિવસથી ઘરમાં ઝઘડા કરે છે મમ્મીને કોઈને કોઈ પ્રકારે ટોર્ચર કરે છે પપ્પા બિચારા બધું મૂંગા મોઢે જોઈ છે પણ કંઈ કહી શકતા નથી અને હું પણ કોને સમજાવું મમ્મીને કે કાશ્મીરાને... કાશ્મીરા મને સતત અલગ થવા દબાણ કરે છે હવે મારે શું કરવું તે મને ખબર નથી પડતી. મારી તો હાલત અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. દીદી તમે મોટા બહેન છો એટલે તમારી સલાહ લેવી છે..’ હવે મારે શું કરવું ..?’ પ્રાચીનો નાનોભાઈ રોહિત એકીશ્વાસે બોલી ગયો.
પોતાના ભાઈના ઘરની તકલીફ જાણી પ્રાચી ખૂબ જ દુઃખી થઈ અને રોહિતને કહ્યું બે દિવસ શાંતિ રાખો હું બે દિવસમાં ત્યાં આવું છું.
‘પ્રાચી, ક્યાં છે પાર્સલ ? ગાડી આવી ગઈ છે નીચે. ચલ ! ઉભી થા અને તે હજી કેમ ડ્રેસ નથી બદલાવ્યો ? ચલ મને બધી વસ્તુ આપ ગાડીવાળા નીચે રાહ જુએ છે..’ યસ ઉતાવળા સુરે બોલ્યો
‘ દીકરા ! તમે આ બધો સામાન લઈને ક્યાં જાઓ છો? મેં પ્રાચી વહુ ને પૂછ્યું પણ તેને કંઈ જવાબ જ ના આપ્યો. તું તો કહે ‘ કુમુદબેન ભોળા સ્વરે ચિંતિત થઈ બોલ્યા.
‘મમ્મી, અમે ક્યાંય જવાના નથી. આખી જિંદગી અહીં જ રહીશું તમારી સાથે... !’ ‘ મમ્મી મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો. યશ તમારો દીકરો છે તેના પર પ્રથમ અધિકાર તમારો છે મને કોઈ અધિકાર નથી તમારી પાસેથી તમારા દીકરાને છીનવી લેવાનો ...’ પ્રાચી રડતા રડતા કુમુદબહેનને પગે લગતા બોલી...’
લે.કેતન મોટલા ‘રઘુવંશી’
***********************************