જ્યારે કોઇ લેખક પુસ્તક લખતો હોય છે ત્યારે તે આગામી સમયમાં જીવન કેવું હશે તે અંગેની પોતાની કલ્પના કામે લગાડતો હોય છે પણ ક્યારેક તેનું દર્શન એટલું સચોટ હોય છે કે તેની કહેલી મોટાભાગની કલ્પનાઓ સાચી પુરવાર થાય છે અને તેનું ભવિષ્યદર્શન યથાર્થ પુરવાર થતું હોય છે.
ધે શુટ હોર્સિસ, ડોન્ટ ધેનું પ્રકાશન ૧૯૩૫માં થયું હતું.જેમાં રોબર્ટ નામનાં યુવકની કથા છે જે લોસએન્જલસમાં ફિલ્મોમાં કિસ્મત અજમાવવા આવે છે.જ્યારે તે એકસ્ટ્રા તરીકે કામ મેળવવા સંઘર્ષ કરતો હોય છે ત્યારે તેની મુલાકાત ગ્લોરિયા નામની યુવતી સાથે થાય છે જે પણ અભિનેત્રી બનવા માંગતી હોય છે.જ્યારે તેમને ફિલ્મોમાં કામ મળતું નથી ત્યારે તેઓ ડાન્સ મેરેથોનમાં ભાગ લેવાનો નિર્ણય કરે છે.આ કપલ તેમાંથી ૧૦૦૦ ડોલર મેળવે છે.જ્યારે આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે મંદીનો ગાળો ચાલતો હતો અને લોકોને આ પુસ્તક ત્યારે પ્રેરણાદાયક લાગ્યું હતું.જો કે તેમાં જે બાબતોનો સમાવેશ કરાયો હતો જે આજે રિયાલિટી શોની ઝાંખી કરાવનાર બાબતો હતી જે પોતાની જાતને ટકાવી રાખવા માટે અવનવા કિમિયા અજમાવતા હોય છે.
ઇન્ફિનાઇટ જેસ્ટ એ ડેવિડ ફોસ્ટર વોલેસે લખેલ પુસ્તક છે જેનું કથાનક અતિ સંકુલ છે જેનું વર્ણન ટુંકમાં કરી શકાય તેમ નથી આ પુસ્તક એક હજાર પાનાનું છે જેમાં ૧૦૦ પાના તો ફુટનોથી ભરેલા છે.આ પુસ્તકમાં કેટલાક પાત્રો એન્ટરટેઇનમેન્ટ નામની ફિલ્મ જુએ છે અને બસ માત્ર ફિલ્મ જ જુએ છે જેમાં તે ખાવા પીવાનું પણ ભૂલી જાય છે અને કેટલાક તો મોતને પણ ભેટે છે.વોલેસે પોતાનાં પુસ્તકમાં આગામી સમયમાં લોકોની જીવનશૈલી કેવી હશે તે અંગેનું નિર્દેશન કર્યુ છે જે આજે એટલું જ યથાર્થ લાગે છે.આ પુસ્કતમાં લોકો ટેલિપ્યુટર જુએ છે જે ટેલિવિઝન, ફોન અને કોમ્પ્યુટરનું મિશ્રણ છે.લોકો ફિલ્મો અને ટીવી શો ઇન્ટરલેસ દ્વારા પ્રાપ્ત કરે છે આ ઇન્ટરલેસનો ઉપયોગ કરવા માટે તે સફેદ હેન્ડસફ્રીનો ઉપયોગ કરે છે.જો કે આજે આ તમામ બાબતો લોકો માટે સામાન્ય છે.ટેલિપ્યુટર આજનાં સ્માર્ટફોન જેવું જ છે.ઇન્ટરલેસ એ નેટફલીકસ જેવું જ છે.વોલેસે વીડિયો ફોન અંગે પણ વાત કરી છે અને વોલેસે ડોનાલ્ડ ટ્રમ્પનાં ઉદય અને વિકાસની પણ વાત કરી હતી જે તેના પુસ્તકમાં રૂસ લિમ્બો તરીકે કામ કરે છે.
આર્થર સી કલાર્કે ચાઇલ્ડહુડસ એન્ડ નામનું સાયન્સ ફિકશનનું પુસ્તક લખ્યું હતું જેમાં પૃથ્વી પર ઓવરલોડસ નામનાં પરગ્રહવાસીઓ આક્રમણ કરે છે તેવી કલ્પના કરાઇ હતી.જો કે આ પરગ્રહવાસીઓ આક્રમક નથી તે માનવજાતથી પોતાની જાતને સંતાડી દે છે.તેમનાં પ્રવકતાઓ દ્વારા તે જણાવે છે કે તેઓ પચાસવર્ષમાં પોતાની જાતને માનવી તરીકે રૂપાંતરીત કરી દેશે.આ પચાસ વર્ષનાં ગાળામાં તેઓ પોતાની જાતને રૂપાંતરીત કરવાનું કામ કરે છે.તેઓ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે જેને વર્ચ્યુઅલ રિયાલિટી કહી શકાય જેમાં ફિલ્મ અને વાસ્તવનાં ફરકને પારખવો મુશ્કેલ હોય છે.પુસ્તકમાં તેને ધ પ્રોગ્રામ તરીકે ઓળખાવાય છે.આ પુસ્તકમાં કલાર્કે ભાખ્યું હતું કે ૨૦૦૦નાં પ્રારંભિક ગાળામાં લોકો ત્રણ કલાક ટીવી જોશે.તેણે વીડિયો ગેમ અને વર્ચ્યુઅલ રિયાલિટી અંગે પણ સાચી જ કલ્પના કરી હતી.મજાની વાત એ છે કે આ પુસ્તક ૧૯૫૩માં પ્રકાશિત થયું હતું જ્યારે ટેલિવિઝન લોકો માટે સામાન્ય હતા.
ફિલિપ રૂથે ૨૦૦૪માં એક પુસ્તક પ્રસિદ્ધ કર્યુ હતું જેનું નામ હતું ધ પ્લોટ અગેન્સ્ટ અમેરિકા.આ પુસ્તકમાં તેમણે એવા વ્યક્તિ અંગે વાત કરી હતી જે રાજકારણમાં બિન અનુભવી છે પણ પ્રેસિડેન્ટની ચુંટણી જીતી જાય છે અને લઘુમતિઓ વિરૂદ્ધ ષડયંત્રો રચે છે.આ પુસ્તકમાં આમ તો ગાળો ૧૯૪૦નો આલેખાયો છે અને સેલિબ્રિટીને ચાર્લ્સ લિન્ડબર્ગ નામ અપાયું છે જે એડોલ્ફ હિટલર સાથે સંબંધો બનાવે છે.જો કે આજનાં સમયમાં આ પુસ્તકની સમાનતા જોતા જણાય છે કે તેમણે જે લિન્ડબર્ગની વાત કરી હતી તે ડોનાલ્ડ ટ્રમ્પ રૂપે આજે અમેરિકાનાં પ્રમુખ છે જેમણે રશિયાનાં વ્લાદિમિર પુતિન સાથે મિત્રતા આચરી છે.પુસ્તકની મોટાભાગની વાતો આજનાં અમેરિકન રાજકીય વાતાવરણ સાથે સમાનતા ધરાવે છે.
વિલિયમ ગિબ્સનની ૧૯૮૪ની નવલકથા ન્યુરોમેન્સરમાં સાયબરપંક જનરેશનની અને સાયબરસ્પેસ અને ઇન્ટરનેટની વાત કરાઇ હતી.પુસ્તકમાં ભૂતપુર્વ કોમ્પ્યુટર હેકર્સની વાત આલેખાઇ છે.તેને તેની નોકરીમાંથી કાઢી મુકવામાં આવે છે એટલું જ નહી તેને ઝેર પણ અપાય છે જેથી તે જેક ઇનમાં રહી ન શકે.જેક ઇન સાયબર સ્પેસ છે જેને મેટ્રીકસ તરીકે ઓળખવામાં આવે છે અને લાખો લોકો આ મેટ્રીકસ સાથે સંકળાયેલા હોય છે જે થ્રી ડી વર્ચ્યુઅલ વર્લ્ડ છે.એક દિવસ કેસની મુલાકાત રહસ્યમય વ્યક્તિ સાથે થાય છે જે તેને મદદ કરવા માટે તૈયાર થાય છે.કેસ ફરીથી મેટ્રીકસમાં જાય છે.આ પુસ્તક ૧૯૮૪માં લખાયું ત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ માત્ર કેટલીક યુનિવર્સિટીઓ પુરતો મર્યાદિત હતો પણ ત્યારે ગિબ્સને કલ્પના કરી હતી કે લાખો કોમ્પ્યુટરોને એક તાંતણે બાંધશે.તેણે લોકોનાં ઓનલાઇન બંધાણ અંગેની કલ્પના કરી હતી તે પણ આજે સાચી સાબિત પુરવાર થઇ છે.
પ્લેયર પિયાનો કુર્ટ વોનેગટની નવલકથા છે જે ૧૯૫૨માં પ્રસિદ્ધ થઇ હતી.જેમાં ત્રીજા વિશ્વયુદ્ધ બાદનાં સમયની કલ્પના કરાઇ છે.આ નવલકથામાં સ્વચાલિત ફેટકરીઓની કલ્પના કરાઇ છે જે કોમ્પ્યુટર દ્વારા સંચાલિત બજારનાં કહેવા પર સામગ્રીનું ઉત્પાદન કરે છે.આ ફેકટરીઓમાં માત્ર મેનેજર અને ઇજનેરો જ કામ કરે છે બાકીનાઓને રીકન્સ્ટ્રકશન અને રીકેલેમેશન કોર્પમાં સામેલ થવું પડે છે જ્યાં તેમની પાસે અર્થહીન કામો કરાવવામાં આવે છે.આ નવલકથામાં દર્શાવાયું હતું કે કેવી રીતે ઓટોમેશન લોકોનાં જીવનને અર્થહીન બનાવી દેશે.ઓટોમેશનનાં કારણે બેરોજગારની સમસ્યામાં વધારો થશે તેની કલ્પના ૧૯૫૨માં કુર્ટ વોનેગટે સચોટ રીતે કરી હતી.અમેરિકામાં ૨૦૦૦માં કોમ્પ્યુટર અને રોબોટને કારણે લગભગ પાંચ મિલિયન લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી.આગામી સમયમાં આ સ્થિતિ વધારે ભયાવહ બનવાની છે.૨૦૨૦ સુધીમાં સેલ્ફ ડ્રાઇવિંગ કાર આવશે જે હજ્જારો ડ્રાઇવરોની રોજગારી પર તરાપ મારનાર બની રહેશે.આ તમામ બાબતોની કલ્પના ૧૯૫૨ની એક નવલકથામાં કરાઇ હતી જે અનોખી વાત જ કહી શકાય.
ડેવિડ બ્રીનની લોકપ્રિય રચનાઓમાં પોસ્ટમેન સૌથી વધારે જાણીતી છે જેના પરથી કેવિન કોસ્નરને લઇને ફિલ્મ બનાવાઇ હતી.૧૯૮૯માં બ્રિને અર્થ નામની નવલકથા લખી હતી જેમાં ૨૦૩૮નાં ગાળાની વાત કરાઇ હતી.ફિલ્મમાં પૃથ્વી પર આર્ટીફિશિયલ બ્લેકહોલનાં આક્રમણની વાત કરાઇ છે જેમાં વૈજ્ઞાનિકો માટે એક વર્ષનો સમયગાળો અપાયો છે જો તે બધુ બરાબર કરી દે તો ઠીક નહીતર પૃથ્વીનો સર્વનાશ થશે તેવું કહેવાય છે.આ પુસ્તકમાં ભવિષ્યનાં સમયગાળાની જીવનશૈલી અંગે વાત કરાઇ હતી.બ્રિને જે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી તેમાં ગ્લોબલ વોર્મિંગ, સમુદ્રનાં સ્તરમાં વધારો સામેલ છે તેમાં ફુકુશિમા ન્યુક્લિયર ડિઝાસ્ટર અંગે પણ વાત કરાઇ હતી.આ પુસ્તક પ્રગટ થયાનાં એક વર્ષ બાદ ટીમ બર્નર્સ અને લીએ વર્લ્ડ વાઇડ વેબની રચના કરી હતી જેની કલ્પના બ્રીને તે પહેલા જ કરી હતી.જેમાં નેટનો ઉપયોગ કરવા અંગે પણ સચોટ વાત કરાઇ હતી.તેણે તો સ્પામ અને ટ્રોજન હોર્સ વાઇરસની પણ વાત કરી હતી.જો કે તેણે પૃથ્વી જેવી સમાનતા ગ્રહની વાત કરી હતી જે હાલમાં શક્ય નથી બની પણ એ હકીકત છે કે બ્રહ્માંડમાં ઘણાં એવા ગ્રહ છે જે પૃથ્વી સાથે સમાનતા ધરાવે છે.તેમાનાં એકને કેપ્લર ૧૮૬એફ નામ અપાયું છે જેની પુષ્ટિ નાસાએ ૨૦૧૪માં કરી હતી.
ધ વર્લ્ડ સેટ ફ્રીમાં એચ.જી. વેલ્સે એટમિક બોમ્બની કલ્પના કરી હતી.તેમનો બોમ્બ યુરેનિયમ બેઝડ હતો અને તેનો આકાર સંતરા જેવડો હતો.મજાની વાત એ છે કે આ પુસ્તક વેલ્સે ૧૯૧૩માં લખ્યું હતું અને તેના ૩૨ વર્ષ બાદ પ્રથમ ન્યુક્લિયર બોમ્બનું પરિક્ષણ થયું હતું.તેમાં વેલ્સે જે એટમિક પ્રક્રિયાની વાત કરી હતી તેને હંગેરીનાં ફિઝીસિસ્ટ લીઓ સ્ઝીલાર્ડે યોગ્ય ગણાવી હતી.એટમનાં છુટા પડવાથી ભારે માત્રામાં એનર્જી પેદા થાય છે તે વાત તેમણે ત્યારે કરી હતી જ્યારે કોઇને એ અંગે જાણકારી પણ ન હતી.આજે તે ચેઇન રીએકશનનાં નામે ઓળખાય છે.સ્ઝીલાર્ડે આ આઇડિયાની પેટન્ટ ૧૯૩૩માં કરી હતી જો કે ધ વર્લ્ડ સેટ ફ્રીએ વાતને બગાડી મુકી હતી તેને પેટન્ટ અપાઇ ન હતી કારણકે તે ખોટા હાથમાં પડી જવાની ધાસ્તી હતી અને ત્યારે નાઝીવાદનાં ઉદયની પણ બીક હતી.તેણે ૧૯૩૯માં આલ્બર્ટ આઇનસ્ટાઇન અને ફ્રેન્કલીન રૂઝવેલ્ટને પત્ર લખ્યો હતો અને જર્મની પાસે યુરેનિયમનો જથ્થો હોવાની વાત કરી હતી આ પત્રએ જ મેનહટન પ્રોજેકટનો પાયો નાંખ્યો હતો.સ્ઝીલાર્ડ અને કેટલાક બ્રિટીશ વૈજ્ઞાનિકોએ સાથે મળીને ન્યુક્લિયર બોમ્બ બનાવ્યો હતો અને બે બોમ્બ હિરોશિમા અને નાગાસાકી પર ઝીંકવામાં આવ્યા હતા.
૧૯૩૫માં આલ્ડસ હકસલીએ બ્રેવ ન્યુ વર્લ્ડનું પ્રકાશન કર્યુ હતું.જેમાં ભવિષ્યનાં સમયગાળાની વાત કરાઇ હતી.તેમાં કહેવાયું હતું કે ભવિષ્યમાં બાળકોનો જન્મ લેબોરેટરીમાં થશે તેના કારણે પરિવાર નામની સંસ્થા નાશ પામશે.તેઓ નાનપણથી જ કન્ઝયુમર પ્રોડકટનો ઉપયોગ કરશે.જ્યારે મોટા થશે ત્યારે તેમણે સ્ટેટની આજ્ઞા પ્રમાણે બનવું પડશે.મહિલાઓએ તેમનાં ગર્ભનિરોધક તેમનાં કમરપટ્ટા પર રાખવા પડશે.ત્યારે મુડને બદલનાર ડ્રગ્ઝનો ભારે માત્રામાં ઉપયોગ થશે.હકસલીએ ૧૯૩૫માં જે ભવિષ્યની કલ્પના કરી હતી જે આજે યથાર્થ પામી રહી છે.૧૯૮૫માં નીલ પોસ્ટમેને અમ્યુઝીંગ અવરસેલ્ફ ટુ ડેથ નામનું પુસ્તક લખ્યું હતું જેમાં પોસ્ટમેને ડોનાલ્ડ ટ્રમ્પનાં ઉદયની આગાહી કરી હતી.તેમણે લખ્યું હતું કે તેમને આ પુસ્તકની પ્રેરણા ઓરવેલની ૧૯૮૪ પરથી મળી હતી પણ તેમણે લખ્યું હતું કે ૧૯૮૪ કરતા બ્રેવ ન્યુ વર્લ્ડ વધારે પ્રાસંગિક છે.
સ્ટેન્ડ ઓન ઝાંઝીબાર જહોન બ્રુનરે ૧૯૬૮માં લખેલું પુસ્તક છે જેમાં ભવિષ્યનાં સમયગાળાની સચોટ આગાહી કરાઇ હતી.કેટલાક પાત્રો તેમાં ૨૦૧૦નાં સમયગાળાની વાત કરે છે.આ પુસ્તકમાં ૧૭ જેટલી ભવિષ્યવાણીઓ સચોટ પુરવાર થઇ છે.જેમાં સ્કુલોમાં થનાર હિંસા, આતંકવાદ, અમેરિકા પર થનાર આતંકવાદી હુમલા, મોંઘવારી, ભાવ વધારો, ચીનને તેમાં સોવિયત યુનિયન કરતા વધારે ખતરનાક દુશ્મન ગણાવાયું હતું.વિવિધ અર્થવ્યવસ્થાઓ વચ્ચેનાં આર્થિક યુદ્ધ, યુરોપિયન યુનિયનની રચના, મધ્યપુર્વમાં ઇઝરાયેલનાં કારણે ટેન્શન, યુવાનોમાં લીવ ઇન રિલેશનશીપનું ચલણ, ઉદાર સમાજીકરણ, અશ્વેતોનું સન્માન, ટેલિવિઝન ચેનલો અને ઉપગ્રહનો ઉપયોગ, ઇલેકટ્રીક ફ્યુલનું ચલણ, લેઝર પિન્ટર્સ વગેરેની વાત આ પુસ્તકમાં કરાઇ હતી જો કે કરૂણતાની વાત એ છે કે બ્રુનર તેમની ભવિષ્યવાણીઓને સાર્થક થતી જોવા માટે જીવતા રહી શક્યા ન હતા તેમનું સાંઇઠ વર્ષની વયે ૧૯૯૫માં મોત થયું હતું.