એમ્પ્લોયના કહેવાથી મેનેજરે બેન્કની બહાર ગોઠવેલ સીસીટીવી કેમેરાની સવારની ફુટેજ જોવાનું જણાવ્યું. રાજ ફુટેજ જોવા માટે તૈયાર થઈ ગયો હતો. જે વ્યક્તિએ રાજ પર પોતાનો થેલો પડાવી લેવાનો આરોપ મૂક્યો, એને મેનેજરે આંખના ઈશારેથી બેન્કની અંદર આવવા જણાવ્યું.
મેનેજરનો ઈશારો મળવા છતાં એ વ્યક્તિ ત્યાંથી ડગી રહ્યો ન હતો.
"તમને મેં કહ્યું કે ચાલો આપણે અંદર કેમેરો ચેક કરી જોઈએ. તમે જ ચોકીદાર પાસેથી સાબિતી માંગી હતી કે એણે થેલો લીધો નથી. એના શું પુરાવા છે ? આપણે અંદર જોઈ શકશું. જો રાજે તમારો થેલો લીધો હશે તો હું જ એને પોલીસના હવાલે કરી દઈશ."
મેનેજરે શબ્દો વડે એ વ્યક્તિને જણાવ્યું. એ વ્યક્તિ મેનેજરની વાત સાંભળીને ડરી ગયો. કારણ કે એની પાસે પૈસા ભરેલો એવો કોઈ થેલો હતો જ નહીં તો એ રાજને સાચવવા કેમ આપી શકે ?
"મેં આ ચોકીદારને થેલો આપ્યો; એ કેમેરામાં કેદ થયેલું નહીં હોય તો તમે મને જ ખોટો ગણશો." એ વ્યક્તિ છટકબારી કરતા બોલ્યો.
"એવું બને જ નહીં કે કેમેરો ખોટો પડે. આજના આધુનિક યુગમાં આપણને માણસ દગો આપી શકે છે, પણ ટેકનોલોજીની વસ્તુઓ આપણને દગો આપી નથી શકતી. એક એક સેકન્ડનો રેકોર્ડ કેમેરામાં તમને દેખાય આવશે." મેનેજરે જાણ કરી.
"તમે કહો એ બધું સાચું ના હોય. બની શકે લાઈટ ગઈ હોય તો કોઈ રેકોર્ડ જોવા ના મળે. આ ચોકીદાર તમારો જ છે. તમે લોકો એને બચાવવા માટે એટલી ફુટેજ ગાયબ કરી શકો છો."
"જુઓ ! આજ સવારથી અહીંયા લાઈટ ગઈ નથી એટલે કેમેરામાં રેકોર્ડ થયેલું જ હશે. બીજું એ કે તમને અત્યાર સુધી અમારો ચોકીદાર ખોટો લાગતો હતો અને હવે તમારે એમ કહેવું છે કે આ બધી રમત અમારી છે." મેનેજરે અકળાઈને કહ્યું.
"કહેતો નથી પણ એવું જ છે. તમે લોકોએ પૈસા માટે આ બધુ ષડયંત્ર રચેલું છે."
"મને તો તમે જ ખોટા લાગો છો. હવે તમારે અહીથી જાઉં છે કે હું પોલીસને કોલ કરુ ? એક કલાકથી તમે તમારો સમય બગાડો છો અને આમા અમારો પણ ઘણો સમય બગડ્યો છે."
મેનેજર પાસેથી પોલીસની ધમકી સાંભળીને એ વ્યક્તિ થોડોક ઢીલો પડ્યો. બીજાં અનેક લોકોએ પણ પોલીસને બોલાવી લેવા માટે મેનેજરને દબાણ આપતાં ગયાં. એ વ્યક્તિને લાગ્યું કે હવે એનું કાંઇ ચાલશે નહીં; એણે સૌ પાસે માફી માંગી લીધી.
"મને માફ કરી દો. મેં આ બધું જાણી જોઈને કર્યું નથી. મજબૂરી માણસને આ બધું કરવા માટે લાચાર કરે છે."
એ માણસ માફી માંગતા બોલ્યો. રાજને એના પર દયા આવી ગઈ. એવી એની શું મજબૂરી હશે કે એને આવું નાટક કરવું પડ્યું હશે ?
મેનેજરને કે બીજાં કોઈને આ બધું જાણવામાં કોઈ રસ હતો નહીં. એમણે ઘટનાને ત્યાં વિરામ આપીને બેન્કની અંદર જતા રહ્યા. એ વ્યક્તિ રડતા રડતા રાજની માફી માંગીને એનાથી છૂટો થયો.
એ વ્યક્તિને જતા જોઈને રાજે પાછળથી એને રોક્યો, "માફ કરજો ! પણ તમારી એવી શું લાચારી હતી કે તમારે આ નાટક કરવું પડ્યું અને મહેરબાની કરીને તમે રડવાનું બંધ કરો."
રાજનો સવાલ સાંભળીને એ વ્યક્તિ શાંત પડીને એની મજબૂરી જણાવતા કહ્યું, "મારી પત્નીને નાની ઉંમરમાં ગોઠણના દુખાવાની તકલીફ છે. ડૉકટરે ગોઠણનું ઓપરેશન કરાવવાની સલાહ આપી છે. એ ઓપરેશન માટે એમણે કહ્યું કે આશરે એક લાખનો ખર્ચ થશે."
"હુ સામાન્ય મધ્યમવર્ગીય માણસ છું. મારી પાસે એટલી બચત નથી કે મારી પત્નીનું ઓપરેશન કરાવી શકું. મને જાણવાં મળ્યું કે તને અહીં નવો ચોકીદાર રાખેલો છે. મેં મગજમાં એક પ્લાન બનાવ્યો. તેં મારા પૈસા ભરેલાં થેલાને મારી પાસેથી લઈને ગાયબ કરી નાખ્યો. મને એમ કે બદનામીના ડરને કારણે તું એક લાખ રૂપિયા આપવા તૈયાર થઈ જઈશ. એ રકમથી મારી પત્નીનું ઓપરેશન થઈ જશે. મને માફ કરી દે. મારું કર્મ ખોટું હોય શકે છે, પણ મારો ઉદેશ્ય ખોટો ન હતો." એ વ્યક્તિની આંખમાં આંસુઓ ટપકવા લાગ્યાં.
રાજે એ વ્યક્તિનું નામ પૂછ્યું તો એમણે એમનું નામ રમેશ જણાવ્યું. રમેશની લાચારી જોઈને રાજને ખૂબ દુઃખ થયું. નાના એવા ઓપરેશનનો ખર્ચ એમનાથી પરવડે એમ ન હતો.
"રમેશભાઈ, તમે તમારી સમાજ પાસેથી હેલ્પ લઇ શકો છો. એ લોકો કાંઈ ના કરી શકે પણ તમારા સ્નેહીજનો તમારી હેલ્પ ચોક્કસ કરી શકે છે."
"મેં દરેક પાસેથી મદદ માંગી લીધી. એ લોકો કોઈ પણ બહાના આપીને પૈસા આપવાની ના પાડી દીધી. રૂપિયાની બાબતમાં અહીં કોઈ સગા ભાઈનો વિશ્વાસ કરવા તૈયાર થતા નથી. આમા મારી કોણ મદદ કરી શકે ?"
"તમે બેન્કમાંથી લોન લઈ શકો છો."
"બેન્કની લોનનો હપ્તો ભરવો મારા માટે શક્ય નથી. અમારા પરિવારમાં હું અને મારી પત્ની રહીએ છીએ. એનાં ઓપરેશન પછી એની દેખરેખ રાખવી અને બીજાં ઘરનાં કામોમાં હું મારા ધંધામાં ધ્યાન આપી શકું નહીં. એમાં લોનનાં હપ્તા કેમ ભરવા ?"
"તમે કાંઇક તો ધંધો કરતાં હશો ? શું ધંધો કરો છો ?"
"મારે પાનનો ગલ્લો છે. એ મારો પોતાનો માલિકીનો છે, પણ જો હું એને વહેચીશ તો હાલની તકલીફ દૂર થશે, પણ ભવિષ્યમાં મારો ધંધો બંધ થઈ જશે."
રાજને રમેશની વાત સાંભળીને હમદર્દી ઉત્પન્ન થઈ. એણે રમેશને વચન આપ્યું કે પંદર દિવસની અંદર એ એક લાખની વ્યવસ્થા કરીને રહેશે. એણે એના કોન્ટેક્ટ નંબર રમેશને આપી દીધા અને રમેશના કોન્ટેક્ટ નંબર પોતે એના મોબાઈલમાં સેવ કરી લીધા.
રાતના સમયે પ્રવિણે ચતુર્ભુજ સાથે વાત કરવા માટે વિડિયો કોલ ચાલુ કરી નાખ્યો. હાર્દિક કામ માટે આઉટ ઓફ સીટી ગયો હતો એટલે જોઈન થઈ ના શક્યો. નિસર્ગ એના પપ્પા ઘરે આવેલા હતા તો એમાં વ્યસ્ત હતો.
વાત કરવા માટે રાજ અને પ્રવિણ ગ્રુપમાં જોઈન થઈ શક્યા. રાજનો ઉદાસ ચહેરો પ્રવિણ પારખી ગયો.
"રાજ, કેમ આજે તારુ ઊતરેલી કડી જેવું મોઢું દેખાય રહ્યુ છે ?હવે તું એમ ના કહેતો કે તને નોકરી કરવાનો કંટાળો આવી રહ્યો છે."
"કાકા, નોકરીનો કંટાળો આવે છે, પણ આજની ઘટના મારી સાથે એવી થઈ કે પૂરો દિવસ હું અપસેટ રહ્યો છું."
વિડિયો કોલમાં રાજનો અવાજ કપાઈ રહ્યો હતો એટલે પ્રવિણ સરખુ સાંભળી શકતો ન હતો. એણે વિડિયો કોલ કાપીને ડાયરેક્ટ કોલ લગાવ્યો. રાજે એ ક્ષણે કોલ ઊપાડી લીધો.
"હવે તું મને કહે કે આજે એવું શું બન્યું કે તારો મુડ ખરાબ થઈ ગયો છે ?"
પ્રવિણના પૂછાયેલા સવાલથી રાજે રમેશની તકલીફ જણાવી દીધી. એક પુરુષ તરીકે એ એની પત્નીની બિમારી માટે લાચાર બની ગયો અને ખોટો રસ્તો અપનાવીને એ કઈ રીતે એક લાખ રાજ પાસે પડાવવાનો હતો એ બધુ જણાવી દીધુ.
"રાજ, તારી વાત સાંભળીને મને પણ રમેશ પર દયા આવે છે. તું વિચાર કે આપણે એની મદદ માટે શું કરી શકીએ છીએ ?"
"કાકા, એ તો વિચારવું જ પડશે, પણ આજે જે કાંઈ થયું પછી મને નોકરી પર જવાની જરાય મરજી થતી નથી. એક તો પૂરો દિવસ તડકે બેસી રહેવું અને ઉપરથી રમેશભાઇ જેવા માણસો આવીને આવા ડ્રામા કરે છે. પબ્લીક પણ એકત્ર થઈ ગયું હતું. એ લોકોએ પણ મારા પર શંકા કરી. મેનેજરને પણ મારા પર વિશ્વાસ આવતો ન હતો. હવે માણસ પર વિશ્વાસ મૂકવા માટે પ્રુફની જરૂર પડે છે. સમાજ એક અદાલત જેવી બની ગઈ છે. શબ્દોની કોઈ કિંમત રહી નથી."
"તું જે કહે છે એ હું સમજુ છું. દરેક ક્ષેત્રમાં આવું જ બને છે. તું નોકરી ના કરી શકતો હોય તો નાનો એવો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે."
"એવો બિઝનેસ કેવો હોય શકે ? મને મોટો બિઝનેસ કરવાનો અનુભવ પણ નથી."
રાજે એની વ્યથા પ્રવિણને કહી અને વિચારવા લાગ્યો કે એવો તે કેવો બિઝનેસ હોય શકે કે રાજ કરી શકે. પ્રવિણે એના મગજ પર ખૂબ જોર લગાવ્યું પછી એને કાંઇક વિચાર આવ્યો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"