કાંતારા: ચેપ્ટર 1’
- રાકેશ ઠક્કર
ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ (૨૦૨૫) ને ચાર દિવસના વીકએન્ડમાં હિન્દીના ડબ વર્સનમાં રૂ.75 કરોડની કમાણી થઈ અને સમગ્ર ભારતમાં પોતાની લાગતથી બમણી રૂ.223 કરોડની કમાણી થઈ એ પરથી કહી શકાય કે ઋષભ શેટ્ટી લેખક, નિર્દેશક અને અભિનેતા એમ ત્રિવિધ ભૂમિકામાં સફળ રહ્યો છે. બાકી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે નિર્દેશન કરવું જરા પણ સહેલું નથી. 2022 ની ‘કાંતારા: ધ લીજેન્ડ’ પછી જે અપેક્ષાઓ દર્શકોને ઊભી થઈ હતી એને ઋષભે પૂરી કરી છે. કોઈ કલાકાર પોતાની ભૂમિકા માટે કેટલી હદ સુધી સમર્પિત થઈ શકે છે એનું ઉદાહરણ ઋષભ બની રહે છે. શ્રેષ્ઠ અભિનય માટે ઋષભનો રાષ્ટ્રીય એવોર્ડ પાકો મનાય છે. જો જયુરીએ ભૂલથી બીજા કોઈને આ એવોર્ડ આપ્યો તો એ સામે ચાલીને ઋષભને આપી દે એટલું જોરદાર કામ કર્યું છે.
મોટા સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર જે કમાલ કરી શકતી નથી એ ‘કાંતારા’ એ બીજી વખત કર્યો છે. સાથે ફરી સાબિત કરી દીધું કે જો વિઝન સ્પષ્ટ હોય તો માસ ફિલ્મ બનાવવા માટે રૂ.400 કે રૂ.500 કરોડની જરૂર હોતી નથી માત્ર રૂ.100 કરોડમાં બની શકે છે. પહેલી ‘કાંતારા’ માત્ર રૂ.16 કરોડમાં જ બની હતી. પહેલી ફિલ્મની સફળતા પછી એના બજેટમાં વધારો કરવો એ સામાન્ય બાબત છે. પરંતુ મોટાભાગે બીજા ભાગમાં દર્શકોને એટલો સંતોષ મળતો નથી. ઋષભ એ બાબતે પણ પાસ થયો છે. ફિલ્મના એક્શન દ્રશ્યો જોઈને ખ્યાલ આવશે કે એનું બજેટ કેમ વધારવામાં આવ્યું હતું. ટ્રેલરમાં તો કશું બતાવ્યું જ ન હતું એમ કહી શકાય. ટ્રેલરમાં સિંહની એક ઝલક હતી. ફિલ્મમાં એનો એવો ખતરનાક રીતે ઉપયોગ થયો છે કે કોઈએ કલ્પના કરી નહીં હોય. રહસ્યમય, પૌરાણિક લોકકથાઓ પર આધારિત આ એક શક્તિશાળી ફિલ્મ છે. અંતમાં એક જબરદસ્ત રહસ્ય ખૂલે છે. એટલે ફિલ્મના પહેલા ભાગની જેમ જ ‘કાંતારા: ચેપ્ટર 1’ પણ તેના ક્લાઇમેક્સને કારણે રોમાંચક અને યાદગાર બની જાય છે.
ફિલ્મની વાર્તા અગાઉની સાથે જોડાયેલી છે. તેમ છતાં જો પહેલી ‘કાંતારા’ ના જોઈ હોય તો પણ આ એક અલગ અને નવી વાર્તા લાગે છે. ફિલ્મની લંબાઈ વધુ છે. ખાસ કરીને પહેલો ભાગ થોડો ખેંચાયેલો લાગે છે. અંતરાલ પછી વાર્તા અચાનક ગતિ પકડે છે અને એક અદભુત દ્રશ્ય પ્રસ્તુત કરે છે. જે અંત સુધી જકડી રાખે છે. આજકાલની ફિલ્મોના અંત જ નહીં એ પહેલાંના ઘણા દ્રશ્યની કલ્પના સરળતાથી થઈ જતી હોવાની ફરિયાદ રહે છે. આ ફિલ્મમાં બીજી ક્ષણે શું બનવાનું છે અને કયું પાત્ર કેવું વર્તન કરશે એ કલ્પી શકાય એમ નથી. ઋષભનું કામ આ વખતે પણ ઉત્તમ જ છે. એટલું જ નહીં એણે આ ફિલ્મમાં પણ ‘કાંતારા ના અગાઉના ભાગની ભાવના જાળવી રાખી છે. ખાસ કરીને જ્યારે તે દેવીનું રૂપ લે છે. વિલન તરીકે ગુલશન દેવૈયા પોતાનું શ્રેષ્ઠ આપે છે.
ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત દરેક દ્રશ્યનો પ્રભાવ ઊભો કરે છે. કયા દ્રશ્યમાં ઇમોશન, એક્શન, કોમેડી કે સંવેદના અનુભવવાની છે એનો જાણે ઈશારો કરી દે છે. એમાં ગોરિલા-શૈલીની લડાઈ અને એક દ્રશ્ય જ્યાં રથ નિયંત્રણ બહાર જાય છે એવા દ્રશ્યો અદભૂત રોમાંચ ઊભો કરે છે. એવું નથી કે ‘કાંતારા: ચેપ્ટર 1’ એક સંપૂર્ણ ફિલ્મ છે. એમાં આંખે ઉડીને વળગે એવી ભૂલો કે ખામીઓ નથી પણ જો કેટલાક યુધ્ધના કે કેટલાક કોમેડી દ્રશ્યોને કાપવામાં આવ્યા હોત તો લંબાઈ ઘટી શકી હોત. હિન્દી ડબિંગ સારું છે. છતાં ઘણા કન્નડ સંવાદો જેમના તેમ રાખવામાં આવ્યા છે. હિન્દી સબટાઈટલ્સ નાના અક્ષરમાં રાખ્યા છે તેથી ઘણા દ્રશ્યોમાં પાત્રનો ભાવ પકડાય છે પણ શું કહેવા માંગે છે એ સમજાતું નથી.
ફિલ્મનો ક્લાઇમેક્સ બધી ફરિયાદો દૂર કરી દે છે. સંસ્કૃતિની વાત કરતી આ એક એવી પારિવારિક ફિલ્મ છે જે જોઈને ગર્વ અને સન્માનની લાગણી અનુભવાય છે. તે અનિષ્ટ પર સારાના વિજયનો શાશ્વત સંદેશ આપવા સાથે ઉપદેશથી પણ આગળ વધે છે. સ્ક્રીન પર એક એવી દુનિયામાં લઈ જાય છે જ્યાં સંસ્કૃતિ, પરંપરાઓ અને રહસ્યવાદ ભેગા થઈને એક આકર્ષક સિનેમેટિક અનુભવ આપે છે.