જરૂરિયાત તમામ સંશોધનોની જનની હોય છે તેવું કહેવાય છે અને પ્રતિદિન કંઇકને કંઇક નવું શોધાતું જ રહે છે.વૈજ્ઞાનિકો અને સંશોધકોનો સમુદાય કંઇક નવું શોધવા માટે વર્ષો સુધી પ્રયાસરત રહે છે અને સતત પોતાના વિચારોને મઠારતા રહે છે.જો કે રસપ્રદ વાત એ છે કે આજે આપણે જે રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુઓનો સૌથી વધારે ઉપયોગ કરતા હોઇએ છીએ તે વસ્તુઓ વૈજ્ઞાનિકોની મહેનતનાં પ્રતાપે નહી પણ તેમનાથી થઇ ગયેલી ભૂલોને કારણે શોધાઇ હતી.
આજે રસોડામાં સૌથી વધારે વપરાતી વસ્તુ કઇ છે તો તેનો જવાબ છે નોનસ્ટીક કુકવેર.આ પ્રોડકટને બનાવવા માટે ટેફલોનનો ઉપયોગ કરાય છે જેને પોલીટેટ્રાફલુઓરોઇથેલિન તરીકે ઓળખવામાં આવે છે.આ પ્રોડકટ પ્રયોગશાળાની ભૂલનું પરિણામ છે જેની શોધ ૧૯૩૮માં ડ્યુપોન્ટનાં વૈજ્ઞાનિક રોય પ્લનકેટે કરી હતી ત્યારે તે નવું સીએફસી રેફ્રીજરન્ટ શોધવામાં લાગેલા હતા.ત્યારે તેમણે પોતાના પ્રયોગ દરમિયાન ગેસ કેનિસ્ટરનો ઉપયોગ કર્યો હતો તે ટેટ્રાફલુઓરોએથિલિન ગેસ અને આયર્ન શેલ એકબીજાનાં સંપર્કમાં આવે તો કેવી પ્રતિક્રિયા થાય છે તે જોવા માંગતા હતા પણ તેમને જે રિઝલ્ટ મળ્યું તે તેમને સંતોષપ્રદ લાગ્યું ન હતું તેમને ત્યારે વેકસ જેવી વસ્તુ મળી હતી જે તેમને ત્યારે ઉપયોગી લાગી ન હતી.જો કે ત્યારબાદ તેમણે તેના પર કેટલાક નવા પ્રયોગો કર્યા હતા અને તેમને લાગ્યું હતું કે તેનો ઉપયોગ ઉત્પાદન અને લશ્કરી સાધનોમાં થઇ શકે છે.જો કે ૧૯૫૪ સુધી તો કોઇએ એ વિચાર પણ કર્યો ન હતો કે તેનો ઉપયોગ રસોઇનાં વાસણોમાં થઇ શકે છે જેથી વસ્તુ ચોંટી ન જાય.ફ્રેન્ચમેન માર્ક ગ્રેગોરી એ પહેલા વ્યક્તિ હતાં જેમણે ટેફલોનનો ઉપયોગ કોટિંગ માટે કર્યો હતો.જો કે આજે તો તમામ વાસણોમાં ટેફલોનનો ઉપયોગ સામાન્ય છે.
સામાન્ય રીતે આપણે કયાંક બહાર જવાના હોઇએ ત્યારે ઘરવાળા માટે સંદેશ મુકવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ મોટાભાગનાં લોકો તો કહેશે કે ફોન કરી દેવો કે મેસેજ મોકલી દેવો પણ કોઇક કારણસર તેમ ન થાય તો લોકો ફ્રીજની ઉપર કે દરવાજાની બહાર કાગળ પર સંદેશો લખી ચોંટાડવાનું પસંદ કરતા હોય છે.આપણે ત્યાં ચબરખીનો ઉપયોગ થાય છે જ્યારે પશ્ચિમનાં દેશોમાં ખાસ પ્રકારનાં કાગળિયાઓનો ઉપયોગ થતો હોય છે.આ સૌથી વધારે ઉપયોગી વસ્તુ પણ બાય મિસ્ટેક જ શોધાઇ હતી.૧૯૬૮માં ડો.સ્પેન્સર સિલ્વર કેમિસ્ટ તરીકે ૩એમમાં કામ કરતા હતા.તેઓ ત્યારે મજબૂત ગુંદર શોધવાનું કામ કરતા હતા પણ તેમણે જે ગુંદર શોધ્યું તે એટલું મજબૂત ન હતું તે થોડા સમય માટે જ ચોંટી શકતું હતું.તેમની તે શોધ ૧૯૭૩માં જો કે ઉપયોગી સાબિત થઇ હતી.તેમનાં સહયોગી આર્થર ફ્રાયે તેનો ઉપયોગ પેજને બુકમાર્ક કરવા માટે કર્યો હતો.૧૯૮૦માં ૩એમે નાના પાયે એક તરફ ગુંદર લગાડેલા કાગળનું ઉત્પાદન કર્યુ હતું.પશ્ચિનાં દેશોમાં આજે તે કાગળનો ઉપયોગ પ્રતિવર્ષ ૫૦ બિલિયન સુધીનો છે.
કાચનો ઉપયોગ તો માનવી પ્રારંભકાળથી કરતો આવ્યો છે.જેનો ઉપયોગ આજે તો બારી, બારણા, રસોઇનાં વાસણ, ઘરેણા અને ડેકોરેટિવ આઇટમ્સમાં કરાતો જ હોય છે.જો કે કાચની એક મર્યાદા તે છે કે તે તુટી જતા હોય છે અને આ તુટેલા કાચ ખતરનાક પણ બની જાય છે ત્યારે ગત સદીમાં આ કાચને સલામત બનાવવાનો વિચાર કરાયો હતો.આજે તો સેફટી ગ્લાસનો ઉપયોગ રોજિંદા જીવનમાં સામાન્ય છે.આ કાચ પ્રમાણમાં વધારે મજબૂત હોય છે અને તે એકદમ તુટતા નથી.જો કે આ ગ્લાસની શોધ પણ બાય મિસ્ટેક જ થઇ હતી.ફ્રેન્ચ કેમિસ્ટ એડવર્ડ બેનેડિક્ટે તેની શોધ અકસ્માતે જ કરી હતી.૧૯૦૩માં એક વખત પ્રયોગશાળામાં તેમનાં હાથમાંથી એક બીકર પડી ગયું તેમણે જોયું તો તે બીકર પુરી રીતે તુટી ગયું ન હતું આ બીકરમાં સેલ્યુલોઝ નાઇટ્રેટ હતું.ત્યારબાદ તેનો ઉપયોગ કરાવો શરૂ થયો હતો ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ગેસ માસ્કનાં લેન્સ તરીકે તેનો ઉપયોગ કરાયો હતો.જો કે ત્યારબાદ તો તેમાં ઘણાં સુધારા થયા હતા અને આજે તો સેફટી ગ્લાસ કાર, ઇમારતો કે રસોઇનાં વાસણોમાં ફરજિયાત ઉપયોગમાં લેવાતા હોય છે.
રસોડામાં સૌથી વધારે ઉપયોગી માઇક્રોવેવ ઓવેન જેણે રસોઇની આખી પદ્ધતિને જ બદલી નાંખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેની શોધ કોઇએ પ્રયાસ કરીને કરી ન હતી.૧૯૪૫માં પર્સી સ્પેન્સર જે રડાર એન્જિનિયર હતા તે નવી વેક્યુમ ટ્યુબ મેગ્નેટ્રોન પર પ્રયોગ કરતા હતા ત્યારે તેમણે નોંધ્યું કે તેમનાં ખિસ્સામાં રહેલ ચોકલેટ ઓગળી ગયું હતું.તેમણે ત્યારબાદ કેટલાક મકાઇનાં દાણાં લીધા અને આશ્ચર્યજનક રીતે તે ધાણીમાં બદલાઇ ગયા હતા.આ રીતે તેમણે કુકિંગની એક નવી રીતનો આવિષ્કાર કર્યો હતો.ત્યારે બજારમાં રેથિઓનનું માઇક્રોવેવ ઓવેન રેડારેન્જ પ્રચલિત હતું પણ તે ઘણું મોંઘુ હતું વળી તેનો આકાર પણ આજનાં એક મોટા ફ્રીજ જેટલો હતો અને તે ગરમ થવામા જ વીસ મિનિટનો સમય લેતું હતું.જો કે ત્યારબાદ ૧૯૬૦માં આજે જે પ્રકારનાં માઇક્રોવેવ ઓવેનનો ઉપયોગ કરાય છે તેને બનાવવામાં આવ્યા હતા.
પ્લાસ્ટીક એક એવી વસ્તુ છે જે હાલમાં સર્વવ્યાપી છે.જેનો ઉપયોગ રસોઇનાં વાસણોથી માંડીને ફર્નિચરમાં થાય છે.તેનો ઉપયોગ એટલી હદે વધી ગયો છે કે તેની સામે હવે ઝુંબેશો ચલાવવી પડી રહી છે અને લોકોને પ્લાસ્ટીકનો ઓછો ઉપયોગ કરવાની અપિલો કરવી પડે છે કારણકે માનવીએ શોધેલી આ વસ્તુએ પર્યાવરણ પર ઘણી પ્રતિકુળ અસર નિપજાવી છે.પણ એક વાત એ પણ છે કે પ્લાસ્ટીકની શોધ સજીવ પ્રાણીઓનાં અંગો, તેની રૂવાંટી, તેના શિંગડા વગેરેને બચાવવા માટે થઇ હતી.૧૮૬૯માં જહોન હયેટે હાથીદાંતનાં બિલિયર્ડ બોલને બદલે પોતાનાં બનાવેલા બોલનો ઉપયોગ કરવા અપિલ કરી હતી.તેની આ નવી શોધે પ્રાણીઓ પર આધારિત વસ્તુઓનાં ઉપયોગમા ઘટાડો કર્યો હતો.તેના કારણે પ્રાણીઓની કતલમાં પણ ઘટાડો થયો હતો.૧૯૦૭માં લિયો બીકલેન્ડે ઓલ્ટરનેટિવ ઇલેક્ટ્રીકલ ઇન્સ્યુલેટરની શોધ કરી હતી.તેણે જે શોધ કરી હતી તેને બેકેલાઇટ નામ અપાયું હતું.આ એ વસ્તુ હતી જે સૌથી વધારે મજબૂત હતી અને તે ગરમીનો પણ સામનો કરી શકતી હતી.ત્યારબાદ તો સંશોધકોએ તેનો ઉપયોગ લગભગ તમામ વસ્તુઓ માટે કરવાની શરૂઆત કરી હતી.જો કે આજે તેનો ઉપયોગ એ હદે વધી ગયો છે કે લોકોને પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે એક સમયે પ્રાકૃતિક સંશાધનોને બચાવવા માટે પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાની અપિલ કરાતી હતી.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇસ્ટમેન કોડાક ગનસાઇટ માટે પ્લાસ્ટીક લેન્સની શોધ કરવામાં વ્યસ્ત હતા ત્યારે તેમને પ્રયોગ દરમિયાન એક ચિપચિપી વસ્તુ મળી આવી હતી.
આ એ વસ્તુ છે જે આજે દરેક ઘરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે.હેરી કુવરને તો આ વસ્તુ તદ્દન નિરૂપયોગી લાગી હતી જે તેનાં સંપર્કમાં આવનાર તમામ વસ્તુઓને ચોંટાવી દેતી હતી.૧૯૫૧માં તે તેમનાં સહયોગી ફ્રેડ જોયનર સાથે જેટ કોકપિટ માટે તાપમાન રોધી આવરણની શોધ કરતા હતા ત્યારે તેમણે પ્રયોગ દરમિયાન બે કાચની વચ્ચે સાયનોએક્રિલેટનો છંટકાવ કર્યો હતો અને તેમણે જોયું કે ત્યારબાદ તે કાચને તેઓ અલગ કરી શક્યા ન હતા.
ત્યારે તો તેમણે એક સાધનને બરબાદ કરી નાંખ્યું હતું પણ ત્યારબાદ તેમને આ શોધની મહત્તા સમજાઇ હતી.આ સુપરગ્લુનો સૌપ્રથમ માર્કેટમાં ઉપયોગ પચાસનાં દાયકાનાં છેલ્લા વર્ષોમાં કરાતો થયો હતો.આજે તો દરેક ઘરમાં સુપરગ્લુ રોજની વપરાતી વસ્તુ છે જે તુટેલી વસ્તુઓને તરત જ સાંધી આપે છે.
સ્ટેનલેસ સ્ટીલ આજે લગભગ દરેક ઘરમાં વપરાતી સામાન્ય વસ્તુ છે અને તેનો ઉપયોગ દરેક વસ્તુમાં કરાતો હોય છે કારણકે તે મજબૂત છે.ફ્રેન્ચ સાયન્ટીસ્ટ લિયોન જિલેટે સૌપ્રથમ આ સ્ટીલનું દ્રાવણ તૈયાર કર્યુ હતું.જો કે ત્યારે તેને લોકોમાં આ વસ્તુનો ઉપયોગ કરવા માટે પ્રેરણા નિપજાવવામાં સફળતા પ્રાપ્ત થઇ ન હતી.૧૯૧૨માં હેરી બ્રેરલીએ રસ્ટપ્રુફ ગન બેરલ માટે પ્રયોગોનો આરંભ કર્યો હતો.ત્યારે તેમણે ક્રોમિયમનો ઉપયોગ કર્યો હતો અને તેમને જણાયું હતું કે અગાઉનાં સેમ્પલની તુલનાએ આ સેમ્પલમાં ડાઘા જોવા મળ્યા ન હતા.ત્યારબાદ તેમણે પોતાની આ સામગ્રીને બજારમાં રસ્ટલેસ સ્ટીલ તરીકે ઉતારી હતી અને ત્યારબાદ તો અન્ય કેટલીક કંપનીઓએ પણ નવા સુધારા સાથે એ ધાતુને વિકસાવીને બજારમાં ઉતારી હતી.આજે તો પ્લેન, ટ્રેન, શિપ, કાર વગેરેમાં તેનો ઉપયોગ કરાય છે.મેડિકલ ઇકવીપમેન્ટમાં પણ તેનો ઉપયોગ કરાય છે ત્યારે એ વિચારીને પણ હસવું આવી જાય છે કે આ વસ્તુ જ્યારે શોધાઇ ત્યારે તેને લેબોરેટરીમાં ભંગારમાં નાંખી દેવામાં આવી હતી.
આજે પાર્સલમાં આવતી વસ્તુઓને અલગ પ્રકારનાં પ્લાસ્ટીક શીટમાં પેક કરાતી હોય છે અને મોટા લોકોને પણ તે પ્લાસ્ટીકને ફોડવામાં મજા આવતી હોય છે.૧૯૫૭માં આલ્ફ્રેડ ફિલ્ડીંગ અને માર્ક ચેવેન્નેસ ટેક્ષ્ચર વોલપેપરને વિકસિત કરવા માટે કામ કરતા હતા.પ્રયોગ દરમિયાન તેમને એક પ્લાસ્ટીકની શીટ મળી જેના પર નાના પરપોટા જેવું હતું.તેમણે તેનો ઉપયોગ ગ્રીન હાઉસ ગેસનાં આવરણ તરીકે કરવાનો પ્રયાસ કર્યો પણ તેમને સફળતા મળી ન હતી.૧૯૬૦માં આઇબીએમને પોતાની કોમ્પ્યુટર કમ્પોનન્ટને અન્યત્ર પહોંચાડવા દરમિયાન તેની સુરક્ષાનો પ્રશ્ન નડયો હતો ત્યારે ફિલ્ડીંગ અને ચેવેન્નેસને પોતાની બબલ રેપ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાનો સોલિડ આઇડિયા મળી ગયો હતો.આજે વિશ્વમાં પેકેજિંગ મટીરિયલ તરીકે તેનો જ સૌથી વધારે ઉપયોગ કરાય છે.
આજે રસોડામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી વસ્તુ કોઇ હોય તો તે છે ક્લિંગ રેપ.આ એ વસ્તુ છે જેનો ઉપયોગ ખાવાની વસ્તુઓને તાજી રાખવા માટે કરાય છે.આ પ્લાસ્ટીકની ફિલ્મ જેને સારન પણ કહેવાય છે તેની શોધ વાસ્તવમાં ૧૯૩૩માં થઇ હતી.ત્યારે ડાઉ કેમિકલ લેબોરેટરીમાં ડ્રાઇ ક્લિનિંગ પ્રોડકટ પર સંશોધન કરાતું હતું ત્યારે ત્યાં કામ કરનારા રાલ્ફ વિલીને ઉપયોગમાં લેવાયેલા બીકરોને સાફ કરવા દરમિયાન તેને એક પદાર્થ મળી આવ્યો હતો.વાસ્તવમાં તે ફાઇટર જેટ અને મોટર વેહિકલમાં ઉપયોગમાં લેવાતું પ્રોટેકટીવ સ્પ્રે હતું.તેનો ઉપયોગ સૈનિકોનાં બુટમાં પણ કરાતો હતો.સારન રેપનો ઉપયોગ રસોડાની વસ્તુઓને પેક કરવા માટે ૧૯૫૩માં કરાવો શરૂ થયો હતો.જો કે ત્યારે પ્લાસ્ટીક પરનાં રસાયણોને કારણે ભોજન પર પડનારી અસર અંગે લોકોને ચિંતા થવા માંડી હતી અને તે ચિંતાને ધ્યાનમાં રાખીને જ સલામત પ્લાસ્ટીક ફિલ્મની શોધ કરાઇ હતી અને આજે તે રસોડામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી વસ્તુ છે.
ચાંપ આમ વસ્તુ બહુ સામાન્ય છે પણ તેનો ઉપયોગ અસામાન્ય છે.કલોથિંગ પિનનો ઉપયોગ તો કપડાને જોડવા માટે સદીઓથી કરાઇ રહ્યો છે.૧૮૪૯માં ન્યુયોર્કનાં મિકેનિક વોલ્ટર હંટ પોતાની ઓફિસનાં મેદાનમાં બેઠા હતા તેમની પાસે ત્યારે વાયરનું એક બંડલ હતું તેમાંથી નિકળેલ એક ટુકડાની સાથે રમત કરતા હતા ત્યારે તેમને જોયું કે તેમણે જે વસ્તુ બનાવી હતી તે તો ખુબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે.જો કે બુદ્ધિશાળી સંશોધક હંટ એટલા ચતુર વ્યાપારી ન હતા.
કેટલાક વર્ષ પહેલા તેમણે કપડા સિવવાનાં મશીન માટે સોઇ બનાવી હતી પણ તે પોતાની પ્રોડકટની પેટન્ટ કરાવી શક્યા ન હતા પણ ત્યારબાદ તેમની શોધની કોપી થઇ હતી અને અન્ય લોકોએ તેમાંથી ધુમ કમાણી કરી હતી જો કે તેમણે સેફટી પિનની પેટન્ટ નોંધાવી હતી અને તેના રાઇટ એ વ્યક્તિને આપ્યા હતા જેણે તેની યોગ્ય કિંમત આપી હતી.