Aekant - 73 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 73

Featured Books
Categories
Share

એકાંત - 73

પ્રવિણે પોતાનો પાંત્રીસ વર્ષ જુનો ભુતકાળ પહેલી વાર હાર્દિક, નિસર્ગ અને રાજની સામે ખુલ્લો કરી દીધો હતો. પ્રવિણના ચહેરા પર સાચુ બોલવાનું અને કોઈના દીકરાને સગા દીકરાથી વધુ પ્રેમ આપવાનું તેજ દેખાય રહ્યું હતું. કોઈનો ભુતકાળ આટલો પણ દુઃખદ કઈ રીતે હોય શકે ?

પ્રવિણની કહાણી સાંભળીને સૌથી વધુ દુઃખ રાજને થયું. પ્રવિણની એક એક ઘટના સાંભળીને એના હાથના રૂવાંડા ઊભા થઈ ગયાં હતાં. એણે કશું વિચાર કર્યા વગર ઊભો થઈને પ્રવિણને કશીને બાથ ભીડી લીધી. રાજને કશું બોલવું હતું, પણ શબ્દો ગળે ડૂમો ભરીને દબાયેલા હતા. જીભે શબ્દોનો સાથ આપ્યો નહીં તો રાજ જોરથી રડવા લાગ્યો.

પ્રવિણની સાથે હાર્દિક અને નિસર્ગ અચરજમાં પામી ગયા કે રાજ અચાનક કેમ રડવા લાગ્યો હશે ! પ્રવિણે રાજને એનાથી દૂર કર્યો. પહેલાં એણે રાજના આંખમાંથી આવેલાં આંસુઓને એના હાથેથી સાફ કર્યા અને એ પછી એને બોટલનું બાકી રહેલું પાણી પીવડાવ્યું. રાજ પાણી પી લીધા પછી થોડોક સ્વસ્થ થયો.

"કાકા, તમે તમારા જીવનની અતથી ઈતિ કહી સંભળાવી. કોઈપણ વ્યક્તિ એના જીવનની સાચી હકીકત કોઈ સામે ખુલ્લી કિતાબની જેમ રાખતો નથી. તમે તમારો પૂરો ભુતકાળ કહી સંભળાવી દીધો."

"તમે ...સોરિ મારે એવું ના બોલવું જોઈએ, પણ હા પારુલકાકીના શબ્દોએ કહું તો તમે એક પુત્રના પિતા તરીકે અખંડ પિતા છો. તમે પિતા બનવાને જેટલા સક્ષમ નીવડ્યા છો, એટલા એ લોકો પણ નહીં હોય જે પુરુષ થઈને સ્ત્રી પર હાથ ઉપાડે છે. હકીકતે નામરદ તો એમને કહેવા જોઈએ જે સ્ત્રીઓને આત્મનિર્ભર થતાં અટકાવવાં એમનાં પર હાથ ઉગામે છે. તમે તો એ દરેક પુરુષ માટે ઉદાહરણ છો જે પિતા ના બનવાના નકારાત્મક વિચારથી આત્મહત્યા કરી બેસે છે."

"રાજ, એમણે એમનો ભુતકાળ કહ્યો નથી; પણ એમણે એક લેખકની ભાષામા કહીએ તો એમનું જીવનચરિત્ર આપણી સમક્ષ રજુ કરી દીધું. સાચે જ આવું જીવનચરિત્ર રજુ કરવા માટે કઠણ કાળજુ હોવુ જોઈએ." હાર્દિક રાજ પછી બોલ્યો.

"પ્રવિણકાકા, મને તમારી બે કલાક પહેલાની ઓળખાણ છે. તમે આજથી મારા જીવનના પ્રેરણામય છો. હવે તમારા નિયમોને અનુસરીને હું મારા જીવનના દરેક ફેસલા લઈશ. એક તમે છો જે બીજાના લોહીને તમારું નામ આપ્યું અને એક મારો બાપ છે જે સગા લોહીના દીકરાને વર્ષો સુધી અલગ રાખ્યો." બોલવાની સાથે નિસર્ગને એના પિતા પ્રત્યે ઘૃણા થઈ ગઈ.

હાર્દિક, રાજ અને નિસર્ગ દરેક વ્યક્તિએ એમની રીતે પ્રવિણના વખાણ કર્યા.

કહાણીને સાંભળનાર લોકો એવું જ વિચારે કે હવે અહીંથી કહાણીનો અંત થઈ ગયો, પણ કહાણીનો બીજો અધ્યાય શરૂ થવાનો બાકી હતો. 

પ્રવિણનું જીવનચરિત્ર સાંભળ્યા બાદ એવું લાગે કે એમના જીવનની અંતિમ પળોએ હવે કશું મેળવવાની ઝંખના નહીં હોય. એ વિચારવું અયોગ્ય લાગે એવું હતું; કારણ કે હજુ પ્રવિણના જીવનમાં નવા પડાવો આવવાના બાકી હતા.

સૌએ એમની રીતે જે બોલવું હતું એ બોલી લીધું. દરેકના બોલ્યા પછી પ્રવિણને બોલવાનો ટર્ન આવ્યો.

"હાર્દિકના લેખકની ભાષામાં કહીએ તો મારું જીવનચરિત્ર કે મારો ભૂતકાળ જે હોય તે. આ કહાણી મેં હજુ પારુલની સામે કરી નથી. મને એવી લાગણી હતી કે પારુલ કાજલની સ્થાને આવી જાય અને મારી ના કહેલી વેદનાને એ સમજી જાય. પારુલ પહેલી મુલાકાતથી મને એનો ભગવાન માનતી હતી. એણે એક પ્રેયસીની નજરથી એવો પ્રેમ કર્યો નથી."

"એ તમારી પ્રેયસી ના બની શક્યાં પણ પાંત્રીસ વર્ષ એમણે તમારી સાથે ગાળ્યા તો તમે એમને તમારી મિત્ર બનાવીને પણ વાત કરી શકતા હતા. જેમ તમે અમારી સાથે શેર કરીને હૈયુ હળવુ કરી લીધું." હાર્દિકે વાત કરી.

"આઈ થીંક તમારી વાત સાચી છે, પણ મારી હિમ્મત એને મારો ભૂતકાળ કહેવાની ના થઈ. એ બિચારી ભોળીએ કદી બીજીવાર મારો ભૂતકાળ જાણવાની ઈચ્છા ના કરી." પ્રવિણ પલાંઠી વાળતા બોલ્યો.

"પ્રવિણકાકા, જીવનસાથી એ આપણું શરીરનું અંગ છે. શિવ અને શક્તિ જેમ એક છે એમ જ પતિ અને પત્ની એક જ છે. તમારે એમનાથી કોઈ વાત છુપાવી ના જોઈએ. મારું માનો તમે આજે રાત્રે જ એમને સાચી વાત કહી દેજો. તમારી વાતો પરથી એવું લાગે છે કે તમારાં જીવનમાં તમને સૌથી વધુ સમજી શકનાર હોય તો એ તમારાં પત્ની છે. બીજાં લોકો સ્વાર્થને કારણે તમારાથી દૂર થઈ ગયાં." નિસર્ગે મનમાં હતું એ કહ્યું.

"અરે વાતો પરથી લાગે છે કે બહુ મોડું થઈ ગયું છે. ચાલો, આપણે એક હોટલમાં જઈને જમી લઈએ." પ્રવિણે વાત ફેરવી નાખી.

"કાકા, તમે નિસર્ગભાઈની વાત ફેરવી ના નાખો. અમને પ્રોમિસ આપો કે તમે કાકી સાથે દરેક વાતનો ખુલાસો કરશો." રાજે હક સાથે કહ્યું.

"ઓકે ઠીક છે, હું તારી કાકી સાથે દરેક વાત શેર કરી દઈશ, પણ તમે ત્રણેય મને એક પ્રોમીસ આપો; હું તમને લોકોને જે કહું એ તમારે કરવું જ પડશે."

પ્રવિણની વાત સાંભળીને તેઓ ત્રણેય એકબીજાની સામે જોવા લાગ્યા. એમને આશ્ચર્ય થયું કે પ્રવિણ એમને ક્યું કામ સોપવાનું કહેશે ? ત્રણેય એક સાથે બોલી ઊઠ્યા, 

"તમે અમારા સિનિયર દોસ્ત છો. તમારી વાતોનું અમે માન રાખીશું અને તમે કહેશો એ જ અમે કરીશું."

આ વાત સાંભળીને ચારેય એકસાથે જોરથી હસવા લાગ્યા. રાતના નવ વાગી ચુક્યાં હતાં. પ્રવિણે પહેલાં દરેકને એક હોટલમાં જમવા લઈ ગયો. જમતા જ તેણે દરેકને કરવાના હતાં એ કામ સોંપી દીધાં.

પ્રવિણની સામે રાજ જમવા બેઠો હતો. પહેલું કામ પ્રવીણે રાજને સોંપતા કહ્યુ : "રાજ, તું અમારા સર્વથી નાનો છે. તને દૂનિયાના સાચા અને ખોટા અનુભવો થયેલા નથી. અમારી કહાણી જાણીને તને અંદાજો આવી ગયો હશે કે મોજ - શોખ એ સાચું જીવન નથી. તું અમને પ્રોમિસ કર કે માધાપર જઈને તું તારાં પેરેન્ટ્સની જવાબદારી નહીં, પણ અસ્કામત બનીશ. હવે એ લોકોને ફરિયાદ કરવાની એક પણ તક આપીશ નહીં."

પ્રવિણની આ વાત હાર્દિકને ખૂબ પસંદ આવી. રાજ પ્રવિણની વાતને સમર્થન આપશે કે કેમ એ જાણવા હાર્દિકે રાજ સામે જોયું.

"આવી વાત તમારે હવે મને કહેવાની જરુર નથી. તમે લોકોએ તમારા જીવનમાં તકલીફો વેઠીને આગળ આવ્યા છો. આથી તમે લોકો આટલા મજબુત બની ગયા છો. મારા પપ્પા મારા પર જવાબદારી નાખીને મને મજબુત બનાવવા માંગતાં હતાં, પણ હું મારા પપ્પાના પ્રેમને સમજી ના શક્યો. હું પ્રોમિસ આપું છું કે માધાપર જઈને પાંચ હજારની મને નોકરી મળશે તો એ સ્વીકારીને ચાલુ કરી દઈશ. આરામ હવે મારા માટે હરામ જ રહેશે."

રાજની વાત સાંભળીને બધા હસવા લાગ્યા. પ્રવિણની બાજુમાં નિસર્ગ બેઠો હતો. એની સામે એણે જોઈને એની પાસેથી પ્રોમિસ આપવાની વાત કરી, 

"નિસર્ગ, તે તારા જીવનમાં સૌથી નાની ઉંમરમાં તારાં મમ્મીને જે સાચવ્યો અને સમજદારી ભર્યુ કામ કર્યુ એ ખરેખર સરાહનીય જેવું છે. તને જોઈને મને કળિયુગનો શ્રવણ કહેવાનું મન થાય છે. જે ઉંમર તારી રમવાની હતી એ જ ઉંમરે તે તારાં મમ્મીની સેવા કરી."

"મને કળિયુગના શ્રવણનું ઉપનામ આપ્યું, એ જ મારા માટે ગોડ ગિફ્ટ છે. સાચું કહું તો શુન્યમાંથી સર્જન કરવું એ સહેલું નથી હોતું. હું હાલ જે મુકામ પર છું એ મારાં મમ્મીનાં આશીર્વાદને કારણે જ છું. એમનું ઋણ ચુકવાનું આવશે તો ક્યારેય પાછી પાની નહીં કરું." નિસર્ગ ગર્વથી બોલ્યો.

"હું તને એમ કહું કે હવે તારાં મમ્મીનું ઋણ ચુકવાનો સમય આવી ગયો છે તો તું ઋણ ચુકવીશ ?" પ્રવિણે પૂછ્યું.

"હું તમારી વાતને સમજી શક્યો નહીં." આશ્ચર્યથી નિસર્ગે પ્રવિણ સામે જોયું.

"જો આપણું જીવન જવાબદારીમાં વીતી જાય છે. આપણે દરેક જવાબદારી પૂરી કરીને જીવનની છેલ્લી ક્ષણો ફુરસદથી પળોને માણીએ છીએ ત્યારે કોઈ એવા સાથીની જરૂર આપણને પડે છે કે એ આપણી સાથે રહે. એની સાથે નવરાશની પળોમાં જીવનમાં જે કાંઈ ખોયું અને મેળવ્યું એનું ગણિત એની પાસે સોલ્વ કરી. તારાં મમ્મીની હાલ જે ઉંમર છે એ ઉંમરે એમને તારાં પપ્પાની જરૂર છે. તું મને પ્રોમિસ આપ કે તું તારાં મમ્મી અને પપ્પાને એક કરીને રહીશ."

નિસર્ગ પ્રવિણે માંગેલ પ્રોમિસનો શું જવાબ આપશે ?

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"