જૉલી એલએલબી 3
- રાકેશ ઠક્કર
ફિલ્મ ‘જૉલી એલએલબી 3’ (2025) નું સૌથી મોટું આકર્ષણ બંને ‘જૉલી’ અક્ષયકુમાર અને અરશદ વારસી એકસાથે આવી રહ્યા હતા એ ઉપરાંત બંનેનો આમનો સામનો ગણાતું હતું. એ સાથે એક વિવાદ પણ શમી ગયો છે. 2013 ના પહેલા ભાગમાં અરશદ હતો પણ 2017 માં અક્ષયકુમાર સાથે બીજો ભાગ બનાવવામાં આવ્યો ત્યારે એ નારાજ થયો હતો. નિર્દેશક સુભાષ કપૂરે હવે બંને ‘જૉલી’ ને સાથે લાવીને વધુ મનોરંજન આપવાનો પ્રયત્ન કર્યો છે. જૉલી વિરુદ્ધ જૉલીના મુકાબલામાં પીડિતાને ન્યાય મળે છે કે નહીં અને આ લડાઈમાં કોની જીત થાય છે તે ફિલ્મમાં જોઈ લેવું. કેમ કે ટ્રેલરમાં ઘણું છુપાવવામાં આવ્યું હતું. એમાં ફક્ત ઇન્ટરવલ સુધીની વાર્તાના દ્રશ્યો જ રાખ્યા હતા.
ખેડૂત રાજારામ સોલંકી એક ઉદ્યોગપતિ હરિભાઈ ખેતાન (ગજરાજ રાવ) ને પૂર્વજોની જમીન વેચવાની ના પાડે છે. ખેતાનનું સ્વપ્ન એક પ્રોજેક્ટ છે. રાજારામ પર અધિકારીઓ દ્વારા ખોટો આરોપ મૂકવામાં આવે છે કે તેમણે દેવું ચૂકવવા જમીન ગીરવે મૂકી હતી. સ્થાનિક કોર્ટમાં કેસ હાર્યા પછી રાજારામ આત્મહત્યા કરે છે. થોડા વર્ષો પછી રાજારામની પત્ની જાનકી (સીમા બિશ્વાસ) આ કેસ દિલ્હી કોર્ટમાં લઈ જાય છે. અહીં બે જોલી (અક્ષયકુમાર અને અરશદ વારસી) આમને સામને આવે છે. આ કેસ ન્યાયાધીશ સુંદરલાલ ત્રિપાઠી (સૌરભ શુક્લા) ની કોર્ટમાં પહોંચે છે. જ્યાં ખેડૂતો અને ઉદ્યોગપતિઓ વચ્ચે અથડામણ શરૂ થાય છે. જે ફક્ત કોર્ટરૂમ સુધી મર્યાદિત નથી પરંતુ ખેડૂતોના જીવન પર સીધી અસર કરે એવી હોય છે.
સુભાષ કપૂરે શાનદાર કામ કર્યું છે. એક એવો વિષય ઉઠાવ્યો છે જેની સાથે સામાન્ય લોકો સરળતાથી જોડાઈ શકે છે. ઘણી વાસ્તવિક ઘટનાઓ અને સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે. ફિલ્મ વાર્તાની દ્રષ્ટિએ ખરેખર એ પછી જ મજેદાર બને છે. પરંતુ કોમેડી પૂરી થઈ જાય છે અને ગંભીર બની જાય છે. એમાં છેલ્લે અક્કી અને અરશદનો જે કોર્ટ રૂમ ડ્રામા છે એ બંનેના અભિનયને કારણે બહુ પસંદ આવશે. સમીક્ષકોએ ‘જૉલી એલએલબી’ ફ્રેન્ચાઇઝીની આ સૌથી નબળી ફિલ્મ ગણાવી હતી. પણ દર્શકોને એ ગમે એવી છે. કેમકે એની સાથે દર્શકો ઇમોશનલી જોડાઈ જાય છે. સીમા વિશ્વાસ એક મિનિટ સુધી રડે છે ત્યારે દર્શકો જાણે અવાક થઈ જાય છે. સીમાને ઓછા સંવાદો મળ્યા હોવા છતાં આંખો અને શક્તિશાળી અભિનયથી ઊંડી છાપ છોડી જાય છે. તેની વ્યથા થિયેટરમાં નહીં પણ સીધા દર્શકના હૃદય અને મનમાં ગુંજતી રહેશે.
અંત સુધી દર્શકોને બાંધી રાખવામાં નિર્દેશક સફળ રહ્યા છે. ફિલ્મ પોતાનો સંદેશ આપવામાં પણ સફળ રહે છે. નિર્દેશક ન્યાય વ્યવસ્થાની ટીકા કરવાને બદલે ખેડૂતોના અધિકારોની વાર્તા કહેવા પર ભાર મૂકે છે. ફિલ્મ ખેડૂતોના મુદ્દાઓને રમૂજ અને વ્યંગ સાથે ઉજાગર કરે છે. આ સિરીઝની ફિલ્મોની એ ખાસિયત રહી છે કે એ બહારથી ભલે કોમેડી લાગતી હોય પણ લોકોને અંદરથી બદલવાની તાકાત રાખે છે. એ કારણે જ 'જૉલી એલએલબી સિરીઝ' ના ચાહક ના હોય એ પણ આ ફિલ્મ શોખથી જોઈ શકે છે.
બંને જોલી વચ્ચે શબ્દોથી જંગ ખેલાય છે. ગજરાજ રાવના ‘ગરીબી બહુત બૂરી ચીજ હૈ, ઉસકો ગ્લોરીફાય નહીં કરના ચાહીએ’ જેવા સંવાદમાં ઊંડાણ સાથે ધાર પણ છે. અક્ષય કુમારે ઉર્જા, ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ‘જોલી મિશ્રા’ની ભૂમિકા ભજવી છે. તે પોતાના કોમિક ટાઇમિંગ અને નટખટ અંદાજથી બાજી મારી જાય છે. અક્ષય કુમારને અરશદ કરતાં વધુ મજબૂત દ્રશ્યો અને વન-લાઇનર મળ્યા છે. ‘જોલી ત્યાગી’ની ભૂમિકામાં અરશદ વારસી સહજ અને સ્વાભાવિક છે. તેને સોલો હીરો તરીકે ભલે ફિલ્મો મળતી નથી પણ બીજા હીરો તરીકે મજબૂત સાબિત થાય છે.
જજ ત્રિપાઠી તરીકે સૌરભ શુક્લા કોર્ટરૂમમાં સંવાદ અને હાજરીથી મનોરંજન લાવે છે. અત્યાર સુધી કોમેડી વધુ કરતાં દેખાયેલા ગજરાજ રાવ ફિલ્મનું સૌથી મોટું આશ્ચર્ય છે. તે ભ્રષ્ટ ઉદ્યોગપતિની ભૂમિકા એટલી સરસ ભજવે છે કે એમના ચહેરાના હાવભાવ અને સંવાદો લાંબા સમય સુધી યાદ રહેશે. રામ કપૂર પોતાના અનોખા સ્વેગથી સ્ક્રીન પર આવતાની સાથે જ છવાઈ જાય છે.
કેટલાક દ્રશ્યો એટલા બધા નાટકીય છે કે તે વાસ્તવિક લાગતાં નથી. જિલ્લા મેજિસ્ટ્રેટ હોસ્પિટલના પલંગ પર જુબાની આપવા આવે છે કે રેસિંગ કાર વચ્ચે ઊંટ દોડે છે જેવા કેટલાક દ્રશ્યો અતિશયોક્તિપૂર્ણ લાગશે. સ્ક્રીન ટાઈમની રીતે જોઈએ તો એ અમૃતા હોય હોય કે હુમા ફિલ્મમાં મહિલાઓ માટે બહુ તક નથી. નિર્દેશકની એ વિશેષતા છે કે તેમના વિના આ ફિલ્મ શક્ય બની ન હોત. 2 કલાક 37 મિનિટની ફિલ્મને ચુસ્ત બનાવવા 7 મિનિટના દ્રશ્યો બહુ સરળતાથી કાઢી નાખવાની જરૂર જણાશે. અક્ષયકુમારના પરિચયનું દ્રશ્ય કોમેડી તત્વ સિવાય કંઈ ઉમેરતું નથી. તે વાર્તા કે પાત્ર સાથે સુસંગત નથી. એ જ રીતે સૌરભ શુક્લાના રોમેન્ટિક ટ્રેકની કોઈ જરૂર ન હતી. વાર્તાની ગતિ ધીમી પડી જતી હોવાથી પહેલો ભાગ થોડો કંટાળો આપી શકે છે. એ માનવું પડશે કે તે રમૂજ, લાગણીઓ, શક્તિશાળી સંવાદો અને જોરદાર ડ્રામા સાથે મનોરંજન પૂરું પાડે છે. ‘જૉલી એલએલબી 3’ ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ફક્ત મનોરંજન કરતી નથી શિક્ષિત પણ કરે છે. તે એવો સંદેશ આપી જાય છે જે કદાચ તમને વોટ્સએપ પર નહીં મળે!