The fire of torment created Kundan in Gujarati Magazine by Anwar Diwan books and stories PDF | યાતનાઓની અગ્નિએ બનાવ્યા કુંદન

Featured Books
Categories
Share

યાતનાઓની અગ્નિએ બનાવ્યા કુંદન

 હોલિવુડની ફિલ્મોમાં સફળતા મેળવવી એ દરેક કલાકારનું સ્વપ્ન હોય છે કારણકે આ ફિલ્મોમાં સ્ટાર બનનાર કલાકારોને અઢળક લોકપ્રિયતા હાંસલ થાય છે જેને તે હંમેશા ઇચ્છતા હોય છે ત્યારે આ હોલિવુડ સ્ટારની સફળતા પાછળ કેટલી વેદના છુપાયેલી છે તે જાણવું પણ એટલું જ વિસ્મયકારક બની રહે છે.માર્લન બ્રાન્ડો, ચાર્લી ચેપ્લીન, રીટા હેવર્થ, સોફિયા લોરેનનાં નામ કોઇ પણ ફિલ્મ ચાહક માટે અજાણ્યા નથી.પણ આ કલાકારોનાં ભૂતકાળ તેમનાં બાળપણ અને તેની વેદનાને જાણીએ છીએ ત્યારે આશ્ચર્યચક્તિ થઇ જવાય છે.

હોલિવુડનાં આ સ્ટાર પૈકી એક અભિનેત્રીનું નામ છે ક્લેરા બો.જ્યારે કલાકારોને કેટલાક લાગણીશીલ દૃશ્યો ભજવવાનાં આવે છે ત્યારે તેઓ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને આંખમાં આંસુ લાવતા હોય છે પણ આ અભિનેત્રીને આ પદાર્થોની ક્યારેય જરૂરત પડતી ન હતી તે પોતાનાં બાળપણને યાદ કરતી અને તેની આંખમાંથી આંસુઓની સરવાણી ફુટી નિકળતી જેનો તેણે સ્વીકાર પણ કર્યો છે.તેમાંય ખાસ કરીને બાળપણમાં તેના ટેનામેન્ટમાં આગ ફાટી નિકળી હતી અને તેમાં તેનો મિત્ર જહોની જીવતો ભૂંજાઇ ગયો અને તેના હાથમાં મોતને ભેટ્યો હતો તે વાત યાદ કરે છે ત્યારે તો તે પોતાના આંસુ ક્યારેય રોકી શકતી ન હતી.વીસમી સદીનાં પ્રારંભિક ગાળામાં તે એક ગરીબ પરિવારમાં જન્મી હતી અને ગરીબીને કારણે તેને હંમેશા આમથી તેમ રખડવું પડ્યું હતું તેમનું સ્થાયિ કોઇ રહેઠાણ ન હતું.તેનાં પિતાની માનસિક હાલત અસ્થિર હતી અને ક્લેરાએ એ સ્વીકાર કર્યો હતો કે જ્યારે તે સોળ વર્ષની હતી ત્યારે તેનાં પિતાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.તેની માતા પણ બિમાર રહેતી હતી અને તેમ છતાં તેણે ક્લેરાનું પાલન પોષણ કર્યુ હતું.ક્લેરાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેની માતાએ તેને ઉછેરવા માટે દેહવ્યવસાયનો ધંધો પણ કર્યો હતો અને તેનાથી એ વાતને તેણે છુપાવી રાખી હતી.તેને એ બીક હતી કે તેની પુત્રીને પણ આ ગંદા ધંધામાં આવવું પડશે એ વિચારીને તેણે એક વખત તેની પુત્રીને મોતને ઘાટ ઉતારવાનો વિચાર કર્યો હતો પણ તે તેનો અમલ કરી શકી ન હતી અને તે એવી જ ગરીબીમાં મોતને ભેટી હતી ત્યારબાદ તો જો કે ક્લેરા હોલિવુડની સફળતમ અભિનેત્રી બની હતી અને ખુબ નાણાં અને લોકપ્રિયતા હાંસલ કરી હતી પણ તે ક્યારેય પોતાના આ દુખદ સમયગાળાને ભૂલી ન હતી.જો કે તેનો ભૂતકાળ તેને હંમેશા કનડતો રહ્યો હતો અને માત્ર ત્રીસ વર્ષની વયે જ તેણે હોલિવુડ છોડી દીધુ હતું.તેણે રેક્સ બેલ સાથે લગ્ન કર્યા હતા અને તે ત્યારબાદ સ્ક્રીઝોફેનિયાનો ભોગ બની હતી.

માત્ર દસ વર્ષની વયે જ ડાન્સિંગનાં કેરિયરને અપનાવનાર રીટા હેવર્થે માત્ર ચૌદ વર્ષની વયે જ એક નાઇટક્લબમાં પોતાના પિતા સાથે પરફોર્મ કર્યુ હતું.જો કે વિચિત્રતા એ હતી કે તેના પિતાએ ત્યારે તેને પોતાની પત્ની તરીકે ઓળખાવી હતી જે સાંભળીને ત્યાં હાજર રહેલી મેદનીમાં પણ ગણગણાટ વ્યાપી ગયો હતો.જો કે તેનાં પિતાની એ હરકત ખોટી પણ ન હતી કારણકે તેણે પોતાની સગી દીકરી રીટા પર સતત બળાત્કારો કર્યા હતા.આ બધાથી છુટકારો મેળવવા માટે રીટાએ અઢાર વર્ષની વયે જ ૪૧ વર્ષનાં આધેડ એડી જુડસન સાથે લગ્ન કર્યા હતા.જો કે આ લગ્ન લાંબા ચાલ્યા ન હતા અને રીટાએ ઓર્સન વેલ્સ સાથે લગ્ન કર્યા હતા. જો કે આ લગ્નમાં પણ તેને છેતરપિંડી જ મળી હતી અને ત્યારબાદ તો આ ક્રમ ચાલ્યો હતો તેણે લગભગ પાંચ લગ્ન કર્યા હતા.તમામ લગ્ન નિષ્ફળ રહ્યાં હતા આ દરમિયાન તેને બે દીકરીઓ થઇ હતી જેને માતાનું સુખ નહી પણ કેરટેકરનો આશરો જ મળ્યો હતો.

સોફિયા લોરેનની સુંદરતાને તો આજે પણ બેમિસાલ માનવામાં આવે છે પણ તેણે પણ અશાંત બાળપણનો સામનો કર્યો હતો.તેનો જન્મ જ રોમનાં એક ચેરિટી હાઉસમાં થયો હતો.તેનો ઉછેર જ્યાં થયો હતો તે પોઝુલીને ઇટાલીનું સૌથી અશાંત શહેર ગણવામાં આવતું હતું.તેનાં માતા પિતા આમ તો હતા કેથોલિક પણ બે બાળકોનાં જન્મ બાદ પણ તેમણે લગ્ન કર્યા ન હતા.તેના કારણે સોફિયાને તેના બાળપણમાં હંમેશા હરામી હોવાની ગાળ સહન કરવી પડી હતી.તેને આ અપમાનથી બચાવવા માટે તેની માતા તેને લઇને પોતાનાં પિતાને ત્યાં ચાલી ગઇ હતી જો કે આ ઘરમાં ભારે શોરબકોર હતો.તેમાંય બીજા વિશ્વયુદ્ધને કારણે સોફિયાનું જીવન બદતર બની ગયું હતું.તેની માતા તેની તરસને છિપાવવા માટે કારના રેડિયેટરમાંથી પાણી લાવતી હતી અને તેને એકાદ કોળિયો ખાવા માટે મળતો હતો.સોફિયા અને તેની બહેને જર્મન સૈનિકો દ્વારા લોકોને શેરીઓમાં મોતને ઘાટ ઉતારતા જોયા હતા.સોફિયા કુપોષણનો ભોગ બની હતી અને તેને બાળપણમાં ટુથપિક તરીકે ઓળખવામાં આવતી હતી.જ્યારે તેણે પ્રથમવાર સૌદર્ય સ્પર્ધામાં ભાગ લીધો ત્યારે તેનાં પરિવાર પાસે તેના કપડાનાં પણ પૈસા ન હતા.તેના દાદાએ તેના ઘરમાં વપરાતા ગુલાબી પડદાનો ઉપયોગ કર્યો હતો.જો કે ત્યારબાદ તેણે હોલિવુડમાં જોરદાર સફળતા હાંસલ કરી હતી પણ તે હંમેશા કહેતી કે તેની કહાની કોઇ પરિકથા નથી તેણે ભયંકર યાતનાઓ સહન કરી છે.

નાતાલિ વુડનું નામ કોઇનાથી અજાણ્યું નથી તેની માતા મારિયા તેને હંમેશાથી એક સ્ટાર બનાવવા માંગતી હતી.તે જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે જ તે હેપ્પી લેન્ડમાં ચમકી હતી.આ ફિલ્મ બાદ તો નાતાલિને બાળ કલાકાર તરીકે અનેક ફિલ્મોમાં કામ મળ્યું હતું.જો કે તેની સફળતા તેના માટે ત્રાસદાયક બની હતી કારણકે તેની માતા તેને હંમેશા લાઇમ લાઇટમાં રાખવા માટે કોઇને કોઇ કાંડ કરતી હતી.તે જ્યારે પંદર વર્ષની હતી ત્યારે ૩૮ વર્ષનાં ફ્રાન્ક સિનાત્રા સાથે તેનું નામ જોડાયું હતું. જ્યારે સત્તર વર્ષની થઇ ત્યારે ૪૩ વર્ષનાં નિકોલસ રે સાથે તેનું નામ જોડાયું હતું.નિકોલસ રે એ તેને પોતાની ફિલ્મ રેબેલ વિધાઉટ કોઝમાં કામ આપ્યું હતું જેમાં તેની પ્રતિભાનો તેણે પુરો ઉપયોગ કર્યો હતો.જો કે અહી પણ તેને શારિરિક અત્યાચારનો ભોગ બનવું પડ્યું હતું.તેની માતાએ તેનો વિરોધ કરવાને બદલે તેને ચુપ રહેવા જણાવ્યું હતું.તેના કારણે જ તેણે ૧૯૬૬માં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.તે જ્યારે માતા બની ત્યારે તેણે પોતાના સંતાનોનાં ઉછેર માટે હોલિવુડને છોડી દીધુ હતું.તે રહસ્યમય સંજોગોમાં ૧૯૮૧માં મોતને ભેટી હતી અને તેના આ રહસ્યને લાંબા સમય સુધી છુપાવવામાં આવ્યું હતું.

૧૯૪૦નાં સમયગાળામાં વેરોનિકા લેકને સૌંદર્યની પ્રતિમા ગણાવવામાં આવતી હતી.તેમ છતાં તેને ભીખ માંગવાનો વારો આવ્યો હતો.૧૯૭૩માં જ્યારે તે મોતને ભેટી ત્યારે તેની અંતિમ ક્રિયાનો ખર્ચ પણ તેનાં મિત્રોએ ઉઠાવ્યો હતો.જો કે તેનાં વિદ્રોહી સ્વભાવને કારણે તેને આખા જીવનમાં ભારે નુકસાની વેઠવી પડી હતી નાનપણમાં જ કેથોલિક બોર્ડિંગ સ્કુલમાંથી તેને તગેડી દેવાઇ હતી.તેના આ સ્વભાવનું કારણ તેની માનસિક સ્થિતિ હતી.તેને સ્ક્રીઝોફેનિયાનું નિદાન થયું હતું.જો કે તેમ છતાં તેણે અભિનયની કારકિર્દીને આગળ ધપાવી હતી.તેનો પરિવાર તેને લઇને મિયામી પહોચ્યો હતો જ્યાં એક એજન્ટની નજર તેના પર પડી હતી.તેણે વેરોનિકાને લોસ એન્જલ્સ જવાની સલાહ આપી હતી.અહી તેને સફળતા મળી હતી જેની ચુકવણી તેને દર સપ્તાહે ૨૦૦ ડોલરથી કરવી પડતી હતી આ નાણાં તેની માતા અને સાવકા પિતાને તે આપતી હતી.જો કે પ્રારંભિક સફળતા બાદ તેને કામ મળવામાં ભારે મુશ્કેલીઓ પડી હતી.ત્રણ ત્રણ વાર તેણે છુટાછેડા લીધા હતા તેના સંતાનનું મોત થયું હતું.તેની માનસિક સારવાર રોકાઇ ગઇ હતી અને તે દારુના રવાડે ચડી ગઇ હતી અને પરદા પર લાખો લોકોની હૃદયની ધબકાર એવી વેરોનિકા વધારે પડતા દારૂનાં સેવનને કારણે મોતને ભેટી હતી.

સોફિયા લોરેન બાદ ઓડ્રી હેપબર્નનું નામ સૌથી લોકપ્રિય અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે પણ આ અદ્‌ભૂત અભિનેત્રી પણ યાતનામય ભૂતકાળ ધરાવે છે.તેને ૧૯૮૮માં યુનિસેફની એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાઇ હતી.ત્યારે તેણે પોતાનાં આ ભૂતકાળ અંગે જણાવ્યું હતું કે તે એ વ્યક્તિઓમાંની એક છે જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભૂખ મિટાવવા દોડધામ કરી હતી.આ યુદ્ધે તેના બાળપણને રોળી નાંખ્યું હતું.આમ તો તેનો જન્મ ૧૯૨૯માં ધનિક ડચ માતા અને બ્રિટીશ આઇરિશ પિતાને ત્યાં થયો હતો.તેનાં માતા પિતા હિટલરનાં સમર્થક હતા.જો કે તેના પિતા તેમને છોડી ગયા હતા અને તેની માતા તેને લઇને હોલેન્ડ ચાલી ગઇ હતી.અહી તે આવી તો સલામતી માટે હતી પણ તેમની કમનસીબી હતી કે તેઓ ત્યાં પહોચ્યા બાદ જર્મનોએ તેના પર કબજો કર્યો હતો.જેના કારણે તેમને એક ટંકનું ભોજન મેળવવાનાં પણ સાંસા પડી ગયા હતા.ઓડ્રી કુપોષણનો ભોગ બની હતી.તેના એક ભાઇને જર્મનો લઇ ગયા હતા અને તે અને તેનો પરિવાર એક ભંડકિયામાં છુપાઇ ગયા હતા જ્યાં તેમને ભોજન વિના દિવસો સુધી છુપાઇ રહેવું પડ્યું હતું જો કે સદનસીબે યુદ્ધ પુરૂ થઇ ગયું અને તેનાં પરિવારને રેડક્રોસ તરફથી મદદ મળી હતી.આ વાત ઓડ્રી જીવનનાં અંત સુધી ભૂલી ન હતી અને તેણે યુનિસેફ માટે આજીવન કામ કર્યુ હતું.૧૯૯૩માં જ્યારે તેમનું નિધન થયું ત્યારે પણ તે આ સંસ્થા માટે કામ કરતા હતા.

હોલિવુડ જ નહી સમગ્ર વિશ્વ ચાર્લી ચેપ્લીનને ઓળખે જેણે લોકોને આજીવન હસાવ્યા હતા પણ જ્યારે તેનાં જીવન અને સંઘર્ષ અંગે જાણ થાય ત્યારે સમજાય છે કે તેણે કેટલું દુઃખદ જીવન વિતાવ્યું હતું.તેના જોકરનાં અભિનય પાછળ જીવનની ગાઢ વેદના છુપાયેલી હતી.ચાર્લીનો જન્મ ૧૮૮૯માં ઇંગ્લેન્ડમાં થયો હતો.તેની માતા ગાયક હતી અને તે દેહવ્યવસાય પણ કરતી હતી.ચાર્લીએ એક વખત તેના સહાયકને કહ્યું હતું કે તેને એ ખબર જ નથી કે તેનો પિતા કોણ છે.ચાર્લી અને તેના ત્રણ સહોદરો અલગ અલગ પિતાથી થયા હતા.જો કે તેની માતાને તેમનો ઉછેર કરવામાં ખાસ્સો સંઘર્ષ કરવો પડ્યો હતો.તેની માતાના આ સંઘર્ષને ચાર્લીએ હંમેશા યાદ રાખ્યો હતો અને તે તેને ખુબ જ ચાહતો હતો.જો કે ચાર્લીએ એ સ્વીકાર કર્યો હતો કે તેનું બાળપણ માત્ર સાત વર્ષની વયે જ પુરૂ થઇ ગયું હતું કારણકે તેના પરિવાર માટે તેને નાનપણમાં જ કામ કરવાની શરૂઆત કરવી પડી હતી.તે અગિયાર વર્ષનો હતો ત્યારે જ તે જોકરોનાં જુથમાં સામેલ થયો હતો અને ત્યારબાદ તેણે પાછા વળીને જોયું ન હતું.

જેમ ચાર્લીએ અભિનયને નવો આયામ આપ્યો હતો માર્લન બ્રાન્ડોનું નામ પણ એવા જ કલાકારોમાં સામેલ છે જો કે આ કલાકારને પણ નાનપણમાં ભારે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે તેના અભિનયમાં એક પ્રકારની સંજિદગી જોવા મળે છે.બ્રાન્ડોનો જન્મ ૧૯૨૪માં ઓમાહામાં થયો હતો.તેની માતાને દારૂનું વ્યસન હતું.તેના પિતાનું નામ પણ માર્લોન હતું જે સેલ્સમેન હતા અને પરિવારને આર્થિક તંગીનો સામનો ન કરવો પડે તે માટે તે સતત ઘરની બહાર રહેતા હતા.બ્રાન્ડોએ જોકે તેના પિતાનાં પ્રતાડિત સ્વભાવનો સ્વીકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે હંમેશા તેની ટીકા જ કરતા હતા તેણે ક્યારેય તેના પિતાના મોઢે તેના વખાણ સાભળ્યા ન હતા.તે લશ્કરી એકેડેમીમાં ગયો હતો જ્યાં ક્યારેય તેના માતાપિતાએ તેના વિશે તપાસ કરી ન હતી.તે તેના માતાપિતાને પત્રો લખતો હતો પણ ક્યારેય તેનો જવાબ મળતો ન હતો.અહી તેને તગેડી મુકાયો હતો અને તેણે ન્યુયોર્કની વાટ પકડી હતી અને ત્યારબાદનો ઇતિહાસ જાણીતો છે.

લુઇ બ્રુકસ એક સમયે ગ્રેટા ગાર્બો કરતા પણ વધારે લોકપ્રિય હતી.૧૯૨૯ના ગાળામાં તેણે ધુમ મચાવી હતી.માત્ર પંદર વર્ષની વયે તેણે કેન્સાસ છોડી દીધુ અને ન્યુયોર્ક પહોંચી હતી.અહી તેણે ડાન્સિંગમાં હાથ અજમાવ્યો હતો અને લોર્ડ બેવરબ્રુક નામના  ધનિકે તેની સુંદરતાથી આકર્ષાઇને તેને એલોંગક્વીન હોટેલમાં એક મોંધો રૂમ અપાવ્યો હતો.તેણે તેના પર ભેટોનો વરસાદ વરસાવ્યો હતો.જો કે લુઇને તેના કરતા અન્યોમાં વધારે રસ હતો અને તેના કારણે તેને હોટેલમાંથી કાઢી મુકાઇ હતી.તેણે એ સ્વીકાર કર્યો હતો કે જ્યારે તે માત્ર પંદર વર્ષની હતી ત્યારે તેના ૪૫ વર્ષનાં પાડોશીએ તેનું યૌન શોષણ કર્યુ હતું.જ્યારે તેની માતાને તેણે આ વાત કરી ત્યારે તેને લાગ્યું કે લુઇએ જ તેને તેમ કરવા માટે ઉશ્કેર્યો હશે.જો કે તેનો સ્વભાવ બંડખોર હતો જ્યારે તેને હોલિવુડમાં સફળતા મળી ત્યારે તેણે ન્યુયોર્ક છોડી દીધુ હતું.તેનું નિધન ૧૯૮૫માં થયું હતું.