પ્રવિણની માએ કાજલને શાપ આપ્યો, કારણ કે એણે પ્રવિણ પિતા ના બનવાને કારણે એનાં પર એસિડ ફેંક્યું. સોમનાથ દાદા એનો ખોળો હમેંશા બાળકોથી ખાલી રાખે. આવો શાપ એમણે દીધો એ દલપત કાકાને જરાય ના ગમ્યું. તેઓ પ્રવિણનાં બેડ પર બેસી ગયાં.
પોતાના પતિએ કહેલી વાતો પણ યોગ્ય હતી. દરેક વ્યક્તિ એનાં કર્મોથી બંધાયેલો હોય છે. સારાં કર્મોથી એ ભગવાનનાં હૃદયમાં વાસ કરે છે, જ્યારે ખરાબ કર્મોથી એ નરકને આધિન થાય છે. ફરી એને ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થઈને મનુષ્યના અવતારમાં અવતરે છે. પ્રવિણની મા એમની કહેલી વાત પરથી ક્ષોભીલા પડી ગયા. એક બ્રાહ્મણની દીકરી થઈને એમણે કોઈ દીકરી વિશે આવું બોલતાં પણ વિચાર ના કર્યો.
"મને માફ કરી દો, પ્રવિણના બાપા. મારાંથી જે કાંઇ બોલાય ગયું એ એક દીકરાના મોહાંધમાં આવીને બોલાયું. બોલાય ગયાં પછી મને અફસોસ થાય છે કે આવું કોઈ પણ દીકરી વિશે ના બોલાય. મા બનવું એ એક સ્ત્રીનો હક છે. સોમનાથ દાદા ખુદ કોઈ સ્ત્રીને મા બનવાના હકથી વંચિત રાખતાં નથી. હું તો એક સામાન્ય સ્ત્રી છું."
"હવે જે થયું હોય એ બધું જવાં દે. આપણે પ્રવિણનાં આવનાર ભવિષ્યનો વિચાર કરવો જોઈએ."
"તમારી વાત સાચી છે. તમે અહીં કેમ બેસી ગયાં ? ચાલો આપણે ચાય અને ગાઠીયા ખાય લઈએ." પ્રવિણની માએ મોઢું પાલવના છેડાંથી સાફ કરતાં બોલ્યાં.
"ચાય અને ગાઠીયા ગરમ હોય તો ખાવાની મજા આવે. આ તારી સાથે વાત કરવામાં ચાય કપમાં ઠંડી થઈ ગઈ. ગાઠીય હવામાં ખુલ્લાં મુક્યાં હતાં એ પણ ઠંડા થઈ ગયાં હશે."
"મને તો બહું જ ભૂખ લાગી છે. કાંઈ વાંધોને ખાલી પેટે ઠંડું પણ પેટની અંદર ગરમ થઈ જશે. સામે જુઓ પેલાં કાકી પણ ભૂખ્યાં લાગે છે. આપણે ગાઠિયા ત્યાં લઈ જઈને એમની સાથે ખાશું."
પ્રવિણની માની અંદર બીજાને જોઈને હમદર્દી જાગૃત થઈ ગઈ. તેઓ બન્ને ઊભાં થઈને દલપત કાકા સાથે વૃધ્ધ સ્ત્રી પાસે ઠંડાં ગાઠીયા અને ચાયનો ભાગ કરવા જતા રહ્યા.
વૃધ્ધ વ્યક્તિને બે દિવસથી ટાઈફોઈટ થઈ ગયો હતો. કમજોરીને લીધે વળતો પ્રભાવ પડી રહ્યો ન હતો. એમનો દીકરો એમને હૉસ્પિટલ એડમિટ કરીને જતો રહ્યો હતો. વૃધ્ધ સ્ત્રી માટે એ રોજ બે ટાઈમનું ટિફીન દેવાં આવતો હતો, પણ એ રાતનાં એ વૃધ્ધ સ્ત્રીએ એનાં દીકરાની ક્યા સુધી રાહ જોઈ હતી પણ એ આવ્યો ન હતો.
પ્રવિણનાં પેરેન્ટ્સ એ વૃધ્ધ સ્ત્રીની વાત સાંભળીને દુઃખી થઈ ગયાં. અડધી રાત સુધી તેઓએ સાથે મળીને અલક મલકની વાતો કરી. થાકીને તેઓએ ખાલી પડેલાં બેડ પર સુઈ ગયાં.
સવારે સૂરજ દાદા આકાશ પર જવાની તૈયારી કરી રહ્યા હતા. નર્સ પ્રવિણને ચેક કરવાં આવી ગઈ હતી. પ્રવિણે પણ એ સમયે જાગી ગયો હતો. પ્રવિણને એક ગ્લોકોઝની બોટલ ચડાવીને નારિયેળ પાણી તેમ જ ચાય પીવાની સલાહ આપીને જતી રહી.
પ્રવિણને ઓપરેશન આવવાથી ચહેરાનો એક ભાગ પાટાપીંડીથી ઢાંકેલો હતો. દવાની અસરથી એને એટલી વેદના થઈ રહી ન હતી જેટલી વેદના કાજલે એને ઘાવ આપ્યો એનાથી થઈ રહી હતી. કાજલને યાદ કરીને એની આંખમાંથી આંસુ સરવા લાગ્યા. એ આંસુ એનાં પેરેન્ટ્સને દેખાય ગયાં હતાં.
"દીકરા, તું અમારી નજરની સામે સહી સલામત છે. એથી વિશેષ અમારે બીજું કાંઈ જોઈતું નથી. આ ઘા થોડાંક મહિનામાં રુઝાઈ જશે. તું ફરી પહેલાં જેવો સાજો નવરો થઈ જઈશ. આ રડવાનું બંધ કર. અમારી સામે જો; અમે પણ ક્યાં રડી રહ્યાં છીએ." પ્રવિણની મમ્મીએ એનાં માથા પર હાથ ફેરવતાં કહ્યું.
પ્રવિણ એની માને જોઈને એની તકલીફ કહેવાં જઈ રહ્યો હતો, પણ ચામડી ખેચાવવાને કારણે એ કશું બોલી શકતો ન હતો.
"તું અત્યારે થોડાંક દિવસ આરામ કર. ડૉકટરે કહ્યું છે કે જ્યાં સુધી તારા ચહેરા પરથી આ પાટો નીકળી ના શકે ત્યાં સુધી તારે બોલવાનું નથી. હાલ તું બધી ચિંતાને બાજુ પર મૂકીને આરામ કર. સોમનાથ દાદા બધું સારુ કરી દેશે."
પ્રવિણે દલપતકાકાની વાત માની લીધી. પ્રવિણ માટે તેઓ ચાય લેતા આવ્યા. પ્રવિણને ચાય ઠંડી કરીને પીવડાવી દીધી. એક એક કલાકે દલપત કાકા પ્રવિણને નારિયેળ પાણી પીવડાવી દેતા હતા. પ્રવિણનું મન ના હોવા છતાં એ પાણી પી લેતો હતો.
સાંજ થઈ ગઈ હતી. ડૉકટર પ્રવિણને ચેકઅપ કરવા આવી ગયાં હતાં. એમણે એમના હાથે જ પ્રવિણના ચહેરા પર ડ્રેસિંગ કરી આપ્યુ હતુ. ડ્રેસિંગ કર્યા પછી એમણે પ્રવિણને ડિસ્ચાર્જ માટે પેપરમાં સાઈન કરી દીધા.
અડધી કલાકમાં પ્રવિણને દલપત કાકા અને એમની પત્ની ઘરે લઈ જવા તૈયાર થઈ ગયાં હતાં. પહેલાં વૃધ્ધ દંપતી પ્રવિણને ઘણાં બધાં આશીર્વાદ આપી દીધાં. પ્રવિણને એક દિવસ માટે એ લોકોથી લાગણી બંધાય ગઈ હતી. પોતાના હાથના ઈશારેથી એ વૃધ્ધને જલ્દી સાજા થઈ જાય એના માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરી.
પ્રવિણ એના પેરેન્ટ્સ સાથે હૉસ્પિટલની બહાર નીકળી ગયો. એક રિક્ષા બાંધીને તેઓ ત્રણેય ઘર તરફનાં રસ્તે નીકળી ગયાં.
ડૉકટરના કહેવાથી દલપત કાકાએ પ્રવિણને પૂરો આરામ આપવાનું ચાલુ કરી દીધું. રોજ એને દૂધથી બનાવેલ લિક્વીડ અને નારિયેળ પાણી પીવડાવવામાં આવતું હતું.
કોઈક વાર કુલદીપનાં પેરેન્ટ્સ અને એના મિત્રો પ્રવિણને મળવા એના ઘરે આવી જતા હતા. એ લોકો વચ્ચે પ્રવિણ ભુપતને શોધતો રહેતો, પણ એ ઘરે આવ્યાને પંદર થઈ ગયા હતા; તે છતા ભુપતને એણે એકવાર પણ જોયો ન હતો. કુલદીપના પપ્પા કોઈ કામસર પ્રવિણની પાસે આવ્યા. એ સમયે પ્રવિણથી ઈશારાથી પૂછાય પણ ગયું હતું કે દરેક લોકોમાં હજુ ભુપતને એ મળી ના શક્યો.
"પ્રવિણ, તું વધારે ચિંતા ના કર. એ ભુપત સોમનાથની બહાર ગયો છે. તારી સાથે ઘટના બની હતી, એ દિવસથી એ સોમનાથ નથી. હવે એ પાછો આવશે તો હું એને તારી પાસે જ મોકલીશ."
કુલદીપના પપ્પાએ બહાનું કાઢીને પ્રવિણને સમજાવી દીધો. પ્રવિણને કદાચ એ સાચું હોય એવું લાગ્યું. એ પછી આરામ કરવા માટે એણે આંખો બંધ કરી નાખી.
કુલદીપના પપ્પા દલપત કાકાને લઈને રૂમની બહાર નીકળી ગયા. જેથી પ્રવીણ એમની વાતો ના સાંભળી શકે. બહાર આવતાની સાથે દલપત કાકાને ફાળ પડી.
"તમે મને પ્રવિણના રૂમમાંથી બહાર કેમ લઈ આવ્યા છો ? બધું બરાબર તો છે?" દલપત કાકાને અનહોનીના એંધાણ થયા.
"વાત જ એવી હતી કે એની સામે કહી શકાય એમ ન હતું."
"જે સાચું હોય એ તમે કહી શકો છો."
"પ્રવિણ સાથે જે કાંઈ બન્યું એમાં ભુપત જવાબદાર છે. આ બધું ભુપતે રચેલી માયાજાળ છે. જેમા પ્રવિણ ફસાઈ ગયો છે."
"હું કાંઈ સમજ્યો નહીં. તમે મને શા માટે આવુ કહો છો ? ભુપત તો પ્રવિણનો ખાસ દોસ્ત છે. એ આવું કરવાનો વિચાર પણ કરી ના શકે."
"એ તમારી વ્યક્તિને ઓળખવાની ભૂલ થાય છે. અહીં લોકો ડબ્બલ મોઢા લગાવીને ફરતા હોય છે. કોણ, ક્યારે અને કોના પીઠ પર વાર કરે એ કહેવું મુશ્કેલ છે."
કુલદીપના પપ્પાની વાતમાં દલપતકાકાને રસ જાગ્યો. એ એમને બેઠક રૂમમાં લઈ જઈને સાચી વાત જાણવાની જીજ્ઞાસા વ્યક્ત કરી.
"આજ સુધી મેં વ્યક્તિને ઓળખવાની ભૂલ કરી નથી. એ હવે મને માંડીને વાત કરો. ભુપતનો આ બધામાં શું આશય હોય શકે કે એણે આવુ કર્યુ હોય ?"
બેઠક રૂમમાં આવેલ એક બાકડા પર તેઓ બન્ને બેસી ગયા. વાતને બહું જલ્દી જાણવાની દલપત કાકાને ઊતાવળ થઈ.
"જુઓ દલપતભાઈ, પેલી છોરીની ઘરે તમે પ્રવિણનું માંગું લઈને જવાના હતાં. એ વાત પ્રવિણે અમને કહી હતી. એ સમયે ભુપત પણ હાજરમાં હતો."
કુલદીપના પપ્પાએ બન્ને પગ ઉપર ચડાવીને ઉભડક બેસીને સાવ દલપતકાકાની નજીક જઈને હળવેકથી બોલવાનું ચાલું કર્યું.
"તમે લોકો પ્રવિણ માટે એક પરિવાર છો. એણે કહ્યું એમાં ખોટું શું કહ્યું ?"
"એણે તો પોતાના સમજીને દરેક વાત અમને કહી. એ છોરીએ પ્રવિણના સંબંધનો સ્વીકાર કર્યૉ. એ વાત એણે જણાવી એ ભુપતને પસંદ ના પડી."
"ભુપત પ્રવિણનો ભાઈબંધ છે." દલપતકાકા હજુ ભુપતના કરેલ કર્મોથી અજાણ હતા.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"