Aekant - 63 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 63

Featured Books
Categories
Share

એકાંત - 63

કાજલે આક્રોશમાં આવીને પ્રવિણના ચહેરા પર એસિડ ફેંકી દીધું હતું. પ્રવિણ ઓપરેશન રૂમમાં જીવન અને મરણ વચ્ચે લડાઈ લડી રહ્યો હતો.

કાજલના પપ્પાએ કાજલની ભૂલ માટે દલપત કાકા પાસે માફી માંગી લીધી અને દલપત કાકાએ મોટું મન રાખીને માફ કરી દીધાં. એ પછી કાજલના પપ્પાએ એમને એક સવાલ પૂછવાની પરવાનગી માંગી લીધી. દલપત કાકાએ એમને પરવાનગી આપી દીધી. 

"મને ખોટો ના સમજતા, પણ જો પ્રવિણની જગ્યાએ કાજલ હોય; એ કોઈ કારણસર તમારાં પરિવારને વારસ ના આપી શકી હોય, તો શું પ્રવિણે એનો સ્વીકાર કર્યો હોત?"

કાજલનાં પપ્પાએ કરેલાં સવાલથી દલપત કાકા ઊંડાં વિચારમાં પડી ગયા. આ સવાલનો જવાબ એમની પાસે હતો નહીં, કારણ કે જવાબ આપનાર પ્રવિણના પપ્પા હતા. દરેકના બાપને એવી ઈચ્છા હોય છે કે એનો વંશ આગળ વધે. કર્મની ગતિએ કોઈને આ સુખ મળતું નથી. એમણે વિચાર કરીને એવો જવાબ આપ્યો કે એ સાંભળીને કાજલના પપ્પાને સંતોષ થયો.

"જુઓ, જો અને તો. તર્ક કરવા જઈએ તો ઘણું બધું તર્ક કરી શકીએ છીએ. જો પ્રવિણે આ વાત પહેલા દિવસે કાજલને કહી હોય અને કાજલ સમજીને એનો સાથ આપ્યો હોય તો કેવું સારું હતું ? જો પ્રવિણને આ સમસ્યા ના થઈ હોય તો કેવું સારું હતું ?"

"આ મારા સવાલનો જવાબ કઈ રીતે હોય શકે."

"આ સવાલનો તમારો જવાબ નથી, પણ જો તર્ક કરવામાં આવે તો વ્યક્તિ સકારાત્મક તર્ક લગાડી શકે છે. આપણે હમેંશા નકારાત્મકનો વિચાર કેમ કરીએ છીએ ? સોમનાથ દાદા ચોવીસ કલાકમાં દસ મિનિટ આપણી જીભ પર બિરાજમાન થવા આવે છે. આપણે જે બોલીએ છીએ ત્યારે દાદા ક્યા સમયે આપણી બોલીને તથાસ્તુ કહી દે અને આપણું બોલેલું ભવિષ્યમાં સાચુ પડી જાય."

"હું તમારી વાત હજી સમજ્યો નહીં." કાજલના પપ્પાને દલપતકાકાની વાતમાં રસ જાગ્યો.

"હું એમ કહું છું કે દાદાએ આપણને જીભ આપી છે; તો આપણે સારું બોલવું જોઈએ. તમે તમારી દીકરી વિશે આવું બોલો છો અને ક્યાંક તમારાં શબ્દો સાચાં પડી જાય. આમ, તમારી દીકરીને તકલીફ પડશે. જે થયું નથી અને સોમનાથ દાદા ના કરે કે એવું થાય. એવો વિચાર પણ હવે તમે કોઈ દિવસ તમારાં મન પર આવવા દેતા નહીં."

"દલપતભાઈ, હું તમારી વાત સારી રીતે સમજી ગયો. મારે હવે મારા સવાલનો જવાબ જોઈતો પણ નથી. આ બધું દાદાની મરજીથી થાય છે. આપણે તો એમના નિર્ણયને સ્વીકાર્યા વિના છૂટકો નથી."

પ્રવિણનાં મમ્મીને પ્રવિણ હૉસ્પિટલમાં એડમિટ કરેલો છે. એની જાણ થતાં તેઓ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. પ્રવિણનું ઓપરેશન હજું ચાલું હતું; એ જોઈને એમનું બ્લડ પ્રેશર વધી ગયું. એમને પણ બીજાં ડૉકટર પાસે જઈને એડમિટ કરવાં પડ્યાં. 

ધીરે ધીરે પ્રવિણ સાથે સંકળાયેલા ઘણા લોકો હૉસ્પિટલ આવી ગયાં હતાં. જેમાં કુલદીપનાં પેરેન્ટ્સ હતા, પરંતુ ભુપત હૉસ્પિટલના દ્રાર સુધી દેખાયો ન હતો.

કાજલનાં પપ્પાને વધારે બેસવું યોગ્ય ના લાગ્યું. એમણે દલપત કાકાની રજા લઈને એમના ઘરે જતાં રહ્યાં. કાજલે ઘરમાં રડીરડીને એની આંખો લાલ કરી દીધી હતી. એના પપ્પા આવીને એને સમજાવવા રૂમમાં ગયા. કાજલ બેડ પર બેઠાં રડી રહી હતી. એનાં મમ્મી એની પાસે બેસીને શાંત કરી રહ્યાં હતાં. 

"તમે આવી ગયા છો તો તમે આ છટકેલ મગજની તમારી દીકરીને સમજાવો." કાજલની મમ્મીએ એના પપ્પાને જોઈને કહ્યું. 

કાજલના પપ્પાએ કાજલ રડતી હતી, ત્યાં એની પાસે આવીને એનાં માથા પર હાથ ફેરવ્યો. એના પપ્પાના હાથનો સ્પર્શ થતાં એણે એનાં પપ્પાના ખભે માથુ રાખીને રડવાનું ચાલું કરી દીધું. 

"બસ બેટા, હવે બહું થયું. તું આમ રડતી રહીશ તો આપણી પાણીની ટાંકી પણ ભરાય જશે."

કાજલના પપ્પાએ એની સાથે વાત કરવાનું બહાનું શોધ્યું. કાજલ એના પપ્પાની વાત સાંભળીને થોડીક ગુસ્સે થઈ ગઈ અને એમની સાથે વાત કરવાં માટે ચૂપ થઈ ગઈ. એનાં મમ્મીએ એને પાણીનો ગ્લાસ આપ્યો તો એક મિનિટમાં એણે પીને ખાલી કરી નાખ્યો.

"હવે તું શાંત હોય તો આપણે વાતો કરીશું ? ઘણાં દિવસો થઈ ગયાં મેં મારી દીકરી સાથે એકાંતમાં સમય પસાર કર્યો નથી. તારી મમ્મીને કહી દે કે એ તારાં રૂમમાંથી જતી રહે, નહિતર આપણી અંગત વાતો સાંભળી જશે."

કાજલના પપ્પા વાત કરતાં એની વિરખાયેલી લટને સરખી કરવાં લાગ્યાં. કાજલની મમ્મી સમજી ગયાં અને તેઓ ખાલી ગ્લાસ લઈને જતા રહ્યા. એનાં મમ્મીનાં ગયા પછી એણે બોલવાનું ચાલું કર્યું. 

"પપ્પા, તમે પ્રવિણ વિશે વાત કરવાં માંગતાં હોય તો તમે પણ જઈ શકો છો. મમ્મીએ એની સાથે કરેલાં ખરાબ દુરવ્યવહારને કારણે ઘણું બધું લેકચર આપી દીધું છે."

"મને ખબર છે તારી મમ્મીની. એ પહેલાં બીજાંનો વિચાર કરે છે અને પછી પોતાના લોકોનો વિચાર કરે છે."

"હમ્મ..પપ્પા, તમને પણ એવું લાગે છે કે મારે એની સાથે એવું ના કરવું જોઈએ? "

"મારું લાગવાથી ક્યાં કોઈ ફરક પડવાનો છે. જે થવાનું હતું એ થઈ ગયું. મારે એ જ જોવાનું છે કે જેનાં હાથથી આ થયું છે શું એનાં હૃદયમાં લાગણી નામની કોઈ ચીજ હવે બચેલી છે કે નહીં?"

"લાગણીશીલ છું તો જ મને દુઃખ થયું. જો દુઃખ ના થયું હોય તો મેં આવું એની સાથે કર્યું ન હોત."

"તેં જે કાંઈ કર્યું એ આવેશમાં આવીને કર્યું છે. તારા મગજમાં ક્રોધ એટલો ભારી થઈ ગયો હતો કે તારાં થકી કોઈને આગળ તકલીફ થશે એનો પણ વિચાર કર્યો નહીં."

"મારે કોઈનાં ભવિષ્યનો વિચાર કરવો નથી. એણે મારાં ભવિષ્યનો વિચાર કર્યો હતો કે હું એનાં ભવિષ્યનો વિચાર કરું." કાજલ ફરી ગુસ્સા સાથે બોલી.

"તું કેમ આવી થઈ ગઈ છે ? ક્યારેક આપણને જે દેખાડવામાં આવતું હોય એ સાચું હોય પણ ના શકે."

"એક વાત તો ક્લીયર છે કે જો મારાં એની સાથે મેરેજ થયાં હોય તો મારું જીવન ખરાબ થવાનું હતું. એને મારે કહેવું જોઈએ પણ મને આ વાત કોઈ બીજાં પાસે જાણવાં મળી તો દુઃખ થવાનું હતું. મારી જગ્યાએ એ હોય તો એને પણ આવું જ ફીલ થયું હોત. તમે જ કહો કે પપ્પા, હું ક્યાં ખોટી હતી ?" કાજલના આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં. 

"તું પહેલાં શાંત થતાં શીખી જા. જો દુઃખી થવું અને ગુસ્સે થવું એ બન્ને અલગ વાત છે. કોઈનાં કારણે આપણે એટલે જ દુઃખી થઈએ છીએ, કારણ કે આપણને એની પાસેથી જરૂર કરતાં વધારે અપેક્ષાઓ હોય છે. એ અપેક્ષા પર એ સાચો ઊતરી ના શકે એટલે આપણે આપણાં સ્વભાવ વિરુધ્ધનું વર્તન કરવાં લાગીએ છીએ. એમાં સામે વાળાંને તો નુકશાન થવાનું છે એ સાથે આપણને વધુ નુકશાન થશે."

"એ તમને જે લાગતું હોય પણ મારે એને સજા આપવી હતી. એ કારણે જ મેં એનાં પર એસિડ ફેંક્યું. હવે ભૂલથી એ ભૂલી નહીં શકે કે એ ખંડિત છે."

કાજલ કોઈ રીતે સમજી શકતી ન હતી કે એનાં પપ્પા એનાં સારાં ભવિષ્ય માટે કહી રહ્યાં હતાં. દલપત કાકાએ કાજલ પર કેશ કરવાની મનાઈ કરી દીધી. એમની જગ્યાએ કોઈ બીજા દીકરાનો પિતા હોય તો એ કાજલની જેમ આક્રોશમાં આવીને કાજલને જેલ મોકલી શકે. આ કારણે કાજલનું ભવિષ્ય અંધકારમય બની જવાની પૂરી ખાતરી હતી.

કાજલને આરામ કરવાને અર્થે એમણે એને એકલી રૂમમાં મૂકીને જતાં રહ્યાં. આ તરફ ચાર કલાકથી સૌ ઓપરેશન રૂમની બહાર ઊભા રહીને ડૉકટરની બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા. પ્રવિણની મમ્મીને ઈન્જેકશન આપવાને કારણે બ્લડ પ્રેશર કાબૂમાં આવી ગયું હતું. તેઓ પણ દલપત કાકાની સાથે ડૉકટરની રાહ જોવાં લાગ્યાં.

ઓપરેશન રૂમની બહારની લાઈટ બંધ થઈ. સૌને હાશકારો થયો કે ઓપરેશન થઈ ગયું; પણ ડૉકટર આવીને જાણ ના કરે કે ઓપરેશન કેવું રહ્યું ત્યાં સુધી દરેકનાં જીવ તાળવે ચોંટેલાં હતાં.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"