Khanak - 3 in Gujarati Women Focused by Khyati Lakhani books and stories PDF | ખનક - ભાગ 3

Featured Books
Categories
Share

ખનક - ભાગ 3

ખનક બીજા દિવસે સવારે વહેલી ઉઠી ગઈ કારણકે આજે તેનો નવી સ્કૂલમાં પહેલો દિવસ હતો.નાસ્તો કરીને તે હજુ તો બેઠી ત્યાં જ બહારથી અવાજ આવ્યો "ખનક...." 

બહાર તેની ફ્રેન્ડ મેઘા તેને બોલાવી રહી હતી. મેઘા એક જ  એવી ફ્રેન્ડ હતી જે ખનક સાથે તેની જૂની સ્કૂલમાં હતી..

"આવું છું.." મમ્મી હું જાવ છું હો ,નહીં તો ઓલી માતાજી આખી શેરી ને જગાડી દેશે. જય શ્રી કૃષ્ણ..ખનક બેગ લઈને ફટાફટ બહાર નીકળતા બોલી..

હા, બેટા નિરાંતે જજો,જય શ્રી કૃષ્ણ..

ખનક અને મેઘા સ્કૂલમાં પહોંચ્યાં,આજે નવી સ્કૂલનો પહેલો દિવસ હતો.પોતાનો ક્લાસ શોધી તેમાં ગયા.ઘણા ખરા વિધાર્થીઓ આવી ગયા હતા અને ઘણા આવી રહ્યા હતા..
આજે પહેલો દિવસ હતો એટલે ખનક સ્કૂલ ડ્રેસ ના બદલે પિંક કલરની કુરતી અને ઓફ વ્હાઇટ કલર નું પેન્ટ પહેર્યું હતું સાથે તેમાં નાની ઓક્સોડાઇઝની ઇયરરીંગ પહેરી હતી અને તેના ખુલ્લા વાળ તેની ખૂબસુરતીમાં વધારો કરી રહ્યા હતા..
મેઘા અને ખનક બંને સાથે એક બેન્ચમાં બેસી ગયા..

સ્કૂલનો પહેલો દિવસ ખનકનો ઘણો સારો ગયો.નવા લોકોને મળી,નવા મિત્રો બન્યા..તેણી એ ઘરે આવીને બધી વાત મમ્મી અને બહેનને કરી..

બીજા દિવસે રાબેતા મુજબ ખનક સ્કૂલે ગઇ. તે ક્લાસમાં જઈ રહી હતી ત્યાં જ તેના ક્લાસ ટીચરે તેને બોલાવી,"ખનક શાહ તું જ છો ને?"

"હા, મેમ હું જ છું.. કેમ શું થયું?" ખનક ઉત્સુકતા બોલી..

બેટા તારે દસમાં ધોરણમાં શું રિઝલ્ટ આવ્યુ હતું?

મારે 88% આવ્યા છે મેમ. સોરી મેમ, પણ કેમ તમે મારા રિઝલ્ટ નું પૂછયું? ખનક થી રહેવાનું નહી એટલે તેણે સંકોચ  રાખ્યા વગર પૂછી લીધું..

આપણા ક્લાસ માં એક ધ્રુવ મહેતા નામનો છોકરો છે એ અને તું એક જ જ્ઞાતિ ના છો, એટલા માટે તેને જાણવું હતું કે તારે શું રિઝલ્ટ આવ્યું છે.

ત્યાં જ બેલ વાગતાં ઉર્વશી મેમ ત્યાં જતા રહ્યા પણ ખનકના મનમાં સવાલો નો ગુબ્બારો ફોડતા ગયા.

કોણ છે ધ્રુવ મહેતા? તેને એક જ દિવસમાં મારે વિશે ખબર કેમ પડી હશે?ખનકે મેઘાને આવા તો ધ્રુવ વિશે ઘણાં સવાલ પૂછ્યા પણ આ સવાલો જવાબ તેને મેઘા નહીં પણ ધ્રુવ પાસેથી મેળવવા ની ઈચ્છા હતી. 

કોણ છે ધ્રુવ મહેતા???

ધ્રુવ મહેતા એ તદ્દન સામાન્ય ગુજરાતી પરિવારનો આગવો છોકરો. ભણવામાં હોંશિયાર,પોતાની જવાબદારી અનુભવતો,  દરેક બાબત ને પહેલા સમજતો અને પછી જવાબ આપતો પણ એના અંદર એક ખાસ વસ્તુ છે પોતાને સમજવાની ખુબી. પણ તેની સાથે એક નાનકડો ત્રાસ પણ જોડાયેલો છે એ છે આળસ..

ઘણાં લોકો કહે છે કે આળસ સફળતાના રસ્તે અવરોધરૂપ છે, પણ ધ્રુવ જેવા વિદ્યાર્થીઓ માટે આ આળસ પણ એક શરત હોય શકે – જો યોગ્ય દિશામાં દોરી શકાય તો. પણ એ દિશા દોરનાર કોણ? આ પ્રશ્નનો જવાબ ધ્રુવના જીવનમાં ખૂબ સ્પષ્ટ છે – તેની મમ્મી.

ધ્રુવ માટે તેનું આખું જગત એટલે તેનું ઘર. ઘરના ત્રણ લોકો – પપ્પા, નાનો ભાઈ અને ખાસ કરીને મમ્મી,એના જીવનની કેન્દ્રબિંદુ છે. પપ્પા, વિનોદભાઈ મહેતા, એક સરકારી શાળામાં શિક્ષક છે. શિક્ષક તરીકે તેમને અનેક વિદ્યાર્થીઓ ભણાવ્યા છે, અનેક સફળતાઓ જોઈ છે, પણ પોતાનું ઘર… એ તેઓ સંપૂર્ણપણે પત્ની અરુણાબેનના હવાલે રાખે છે. અરુણાબેન એ ઘર ચલાવતી માતા છે.પોતાના  બાળકો માટે નમ્ર અને પ્રેમાળ,પણ પતિ પર નિયંત્રણ રાખનારી. ઘરનાં નિર્ણયો એના શબ્દે ચાલે.

ધ્રુવ પપ્પાને બહુ માન આપે છે, પણ મમ્મી માટે તો એના દિલમાં અલગ જગ્યા છે. મમ્મી તેના માટે સર્વસ્વ છે. જેની સાથે એ ખુશી વહેંચે છે, દુઃખ વહેંચે છે, શંકાઓ વહેંચે છે અને જીવનનાં નકશા બનાવે છે. કોઈએ પૂછે કે,ધ્રુવ, તારો સૌથી મોટો આધાર કોણ છે?તો એ એક જ જવાબ આપે ,મમ્મી..

ધ્રુવની મમ્મી માત્ર રસોડું ચલાવતી સ્ત્રી નથી. ધ્રુવના પાઠ્યપુસ્તકોના ભાગદાર છે. જ્યારે પણ ધ્રુવ કોઈ પરિક્ષાની તૈયારીમાં અટકે, ત્યારે અરુણાબેન તેની માટે માર્ગદર્શન રૂપ બને. ઘણી વાર એવું પણ થાય કે મમ્મી એને કહે – “બેટા, આ વિષય પહેલા પૂર્ણ કર. પછી આરામથી ટીવી જો. બધું સમયસર કરશ તો તને પણ સારી લાગશે.”

અને ખરેખર એવું જ થતું. ધ્રુવનો આળસ મમ્મીની મીઠી સમજ અને નમ્ર દબાણથી ઓગળી જાય. ધ્રુવ પોતે કહે છે, “મમ્મી કહેશે કે વાંચ તો હું વાંચું, નહીં તો મારે બસ ‘આજ નહિ, કાલે કરતાં રહેવાય.”

એક વાર શાળામાં મોટી પરીક્ષા આવી રહી હતી – એક પ્રકારની મોક બોર્ડ એક્ઝામ. ધ્રુવ જાણતો હતો કે પરીક્ષા અગત્યની છે, પણ એને બહુ ઘનિષ્ઠ તૈયારી નહોતી કરી. મમ્મી એ વાત સમજી ગઈ. એક સાંજ તે રસોડામાં રોટલી વણતી હતી ત્યારે પૂછ્યું, “બેટા, આવતી કાલે કોનું પેપર છે?” ધ્રુવે કહ્યું, “ગણિત છે.”

“તૈયારી છે કે નહિ?” – મમ્મીનું સવાલ તરત આવ્યો.

“હા, થોડીક છે. થોડી બાકી છે.” – ધ્રુવનો જવાબ થોડો શરમાવો લાવતો હતો.

મમ્મી એ રોટલી થોડીવાર માટે બાજુ પર મૂકી, ધ્રુવની બાજુમાં આવીને બેઠી. બોલી, “તું જાણે છે ને કે તું ખૂબ બુદ્ધિશાળી છે? તારા પપ્પા પણ કહે છે કે તું જો થોડી મહેનત વધારશે તો તું ઘણું આગળ જઈ શકેશે. તું જે સપના જુએ છે  એ બધાં પૂરાં થઈ શકે છે, પણ એ માટે થોડા દિવસોની તીવ્ર મહેનત જરૂરી છે.”

ધ્રુવ મમ્મીની આંખોમાં જોયું. એમાં પ્રેમ હતો, આશા હતી અને એક પ્રકારનો વિશ્વાસ હતો. એ રાતે ધ્રુવે ત્રણ કલાક ગણિતનો અભ્યાસ કર્યો.

જેમ તેમ દિવસો પસાર થતા ગયાં, ધ્રુવ ધીમે ધીમે બદલાતો ગયો. હવે એ સવારે ઉઠે, ટાઈમટેબલ પ્રમાણે વિષયવાર અભ્યાસ કરે. પોતે લખીને પોઈન્ટ્સ બનાવે, યાદ કરે, પોતાની મમ્મીને પુછે કે “મમ્મી, તમને સમજાવું આ ટોપિક?” – અને એ રીતે અભ્યાસ પોતાની સ્વભાવિક પ્રવૃત્તિ બની ગઈ.

અંતે પરીક્ષાનો પરિણામ આવ્યો. ધ્રુવે સ્કૂલમાં પ્રથમ પાંચમાં સ્થાન મેળવ્યું. શિક્ષકોએ પ્રશંસા કરી. ઘરવાળા તો ગૌરવ અનુભવતા હતા.

પપ્પાએ કહ્યું, “ઘણી વખત શિક્ષક હોવા છતાં પણ પોતાના દીકરાને સાચી દિશામાં મૂકી શકાઈ નહિ. પણ તારા મમ્મી જેવા માર્ગદર્શન વગર એ શક્ય ન હોત.” અરુણાબેન વિનોદભાઈને ગમે તે કહી દેતા પરંતુ વિનોદભાઈ હમેશા તેમનાં વખાણ જ કરતાં..

મમ્મી તો શરમાઈ ગઈ. પણ ધ્રુવ પાસે બોલવા માટે શબ્દો નહોતા. એ સીધો ગયો, મમ્મીની ઘૂઘરી પકડી, માથું નીચું કર્યું અને શાંત અવાજે કહ્યુ – “મમ્મી, તું ના હોત, તો હું કંઈ ના હોત.”

મમ્મી હસીને બોલી, “બેટા, માતા એ એનું ફક્ત ફરજ સમજે છે. તું આજ રોજ જે કંઇ પણ બનીશ, એ તારી મહેનત અને ઈમાનદારીથી બનશે. હું તો તારી સાથી છું.”

જેમ ધ્રુવ માટે મમ્મી બધું જ છે તેમ તેના મમ્મી માટે પણ ધ્રુવ બધું જ છે.એ માતા માટે તો બધા સંતાન સરખા જ હોય છે પરંતુ જેમ એક સિક્કાની બંને બાજુ સરખી હોય પણ એક બાજુમાં થોડી ખરાબ થઈ ગઈ હોય તો બીજી બાજુ વધુ સારી લાગે તેમ અરુણાબેન ને નાના દીકરા પાસેથી ઓછું માન મળતું પરંતુ ધ્રુવ તેમના કહ્યા બોલ ઝીલતો એટલે તેમને ધ્રુવ વધુ વ્હાલો લાગતો.તે ધ્રુવને ક્યારેય પોતાના થી દુર કરવા નથી માંગતાં.

કેવી હશે ખનક અને ધ્રુવની આમને સામને ની પહેલી મુલાકાત એ જાણવા મળશે આવતા ભાગમાં