Khanak - 1 in Gujarati Women Focused by Khyati Lakhani books and stories PDF | ખનક - ભાગ 1

Featured Books
Categories
Share

ખનક - ભાગ 1

"એન્ડ ધ બેસ્ટ ડાન્સર એવોર્ડ ગોઝ ટુ મિસ ખનક શાહ." ખનક ની તો ખુશીનો તો પાર ન રહ્યો, આજે તેનું બાળપણ નું જે સપનું હતું બેસ્ટ ડાન્સર બનવાનું એ પૂરું થઈ ગયું હતું.એ તો પોતાની ચેર પર જ ઊભી થઈને ડાન્સ કરવા જતી હતી પણ આ શું? એ ડાન્સ કરવા ઊભી થઈ કે તરત ધડામ કરતી નીચે પડી...

"એ શું થયું?લાગે છે આ પાગલ આજે ફરીથી સપનામાં બેસ્ટ ડાન્સર બની છે.હે ભગવાન, આ છોકરીના મગજમાંથી આ ડાન્સ નું ભૂત ઉતાર,બાકી આ છોકરી એક દિવસ ડાન્સર તો નહિ પરંતુ હાથ-પગ ભાંગી ને પેશન્ટ જરૂર થી બનશે.." ખનક ના મમ્મી દિવ્યાબેન રસોડાં માંથી ખનકના રૂમ તરફ જતા જતા બોલ્યાં..

આ બાજુ ખનકને ભાન થયું કે પોતે પોતાના રૂમમાં જ છે અને આ ફકત એક સપનું હતું જે એ વારંવાર જોતી હતી.તે ઉપર તરફ જોતા બોલી, "શું યાર ભગવાન તમે પણ દર વખતે ફકત નામ અનઆઉન્સ થાય ત્યાં સુધીનું જ સપનું બતાવો છો, ક્યારેક ટ્રોફી પણ હાથમાં આવે એવું કરો ને." હું સ્ટેજ પર મારી વર્ષોથી તૈયાર કરેલી સ્પીચ બોલું અને લોકો મારા માટે તાળીઓનો ગડગડાટ કરે ક્યારેક એવું પણ બતાવો તો તમને શું વાંધો આવે છે?

 "એમને છે ને એ વાંધો આવે છે કે જે છોકરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાના સપના જોવાના હોય ને એ છોકરી ડાન્સર બનવાના સપના જોવે છે. ખનક,તું આવા જ સપના જોતી રહીને તો તારા પપ્પાનું અને મારું સપનું એક દિવસ સાચે તૂટી જશે.તને ખબર છે કે આપણે કંઈ પરિસ્થિતિમાંથી અહીંયા સુધી પહોંચ્યા છીએ અને હજુ પણ આપણે કંઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ..તારા અને શ્રુતિના ભણવાના ખર્ચા,આ ઉપરાંત તમારા બંન્નેના લગ્ન પછી અમારા ભવિષ્ય માટે પણ અમારે તૈયારી રાખવી પડશે ને,અમારે થોડી દીકરો છે તો બધું ધ્યાન રાખશે.દિવ્યાબેન ખનકને સમજાવતા હતા ત્યાં જ ખનક એમને વચ્ચે રોકતા જ બોલી,

 "મમ્મી તું પણ જ્યારે હોય ત્યારે આવી જ સેન્ટી વાતો કરતી હોય છો. મને બધી જ વાતની ખબર છે અને હું તમારા સપના પણ પૂરા કરવા માંગુ છું પણ આ મારી લાઈફ છે અને મારું પણ કંઇક સપનું જેની હું કુરબાની આપવા નથી માંગતી,રહી વાત દીકરાની તો મમ્મી તને પણ ખબર છે કે જે કામ દીકરા કરી શકે છે એ કામ દીકરી પણ કરી શકે છે.હું અને શ્રુતિ તમારી દરેક પરિસ્થિતિમાં તમારી સાથે હશું. તમારું સપનું એવું છે કે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને અમીર બનું અને આપણા લોકોની જિંદગી સુધારું પણ એ કામ હું ડાન્સર બનીને કરવા માંગુ છું તો તમને લોકોને પ્રોબ્લેમ શું છે?

 
ખનક અમને કઈ જ પ્રોબ્લેમ નથી તું ડાંસ કર તેમાં પણ બેટા તને પણ ખબર છે કે ડાન્સર બનીને તારું ભવિષ્ય સારું જ હશે તેની કોઈ ગેરંટી નથી પણ જો તું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીશ તો તારું ભવિષ્ય ઉજળુ જ છે તેની ગેરંટી હું આપું છું તને.દિવ્યાબેન ખનક સમજાવતા સમજાવતાં બોલ્યાં.. 

ખનક ને તેનાં મમ્મી ની વાતમાં રસ જ ન હોય તેમ કાનમાં હેડફૉન ભરાવી પોતાના રૂમમાં જવા લાગી..

"આ છોકરી ક્યારે સમજશે મારી વાતને? તેના મનમાં તો ડાંસ નું ભૂત જ સવાર છે.." દિવ્યાબેન ગુસ્સે થતાં બોલતાં હતાં ત્યાં જ પાછળ થી ખનક ના પપ્પા સુરેશભાઈ બોલ્યા,શું પણ સવાર સવારમાં બેય મા દીકરી લપ કરો છો? તમને બંનેને શાંતિ નથી ગમતી પણ મને અને શ્રુતિ ને તો શાંતીથી રહેવા દો..

પપ્પાનો અવાજ આવતાં ખનક રૂમમાંથી બહાર દોડતી આવી અને કહેવા લાગી કે,પપ્પા આ મમ્મીને સમજાવો ને યાર જ્યારે હોય ત્યારે બસ મારા ડાન્સની પાછળ જ પડી જાય છે અને રોજ મારી અને પોતાની બંનેની સવાર બગાડે છે.

ખનકની વાત સાંભળીને સુરેશભાઈ સમજી ગયા કે મામલો શું હતો.તેમણે ખનક ને ઇશારાથી રૂમમાં જવા ક્હ્યું.તેમનો ઇશારો સમજી ખનક તરત રૂમમાં જતી રહી.. 

સુરેશભાઈ એ દિવ્યાબેન પાસે જઈને તેમને સમજાવતાં કહ્યું,"દિવ્યા, ખનક તો બાળક છે તું તો સમજ, તને ખબર જ છે હજુ તેની પાસે બે વરસ છે તેનું કરિયર નક્કી કરવા માટે.હજુ તો એ અગિયારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને હજુ તેનામાં બાળક બુધ્ધિ છે, તેને શું સારું અને શું ખરાબ તેની સમજણ ઓછી હોય. જો તું અત્યારથી રોજ તેની સાથે આવું કરીશ, તેને રોજ તેના ડાંસ થી દૂર કરીશ તો તારી અને તેની દૂરી વધતી જશે અને પાછળથી તને જ આ વાતનો અફસોસ ન થાય તેનું ધ્યાન રાખજે...

તમે જ તેની બધી જીદ પુરી કરો છો, તમે જ તેને બગાડો છો. તમે સમજતાં નથી હું શું કામ રોજ તેની સાથે લપ કરું છું, મને એમ થાય છે કે ક્યારેક તો તે મારી વાતને સમજશે અને ન કરે નારાયણ પણ જો એના પતિને તેની જરૂર પડે તો તે બીજી દિવ્યા નહીં બને.તે તેના પતિને થોડું ઘણું કમાય ને ઘર ખર્ચમાં મદદ કરી શકશે.દિવ્યાબેન સુરેશભાઈ સાથે નજર નો મિલાવી શકતા નીચું જોઈને બોલ્યા..

દિવ્યાબેન સુરેશભાઈથી પોતાની આંખોમાં આવેલ છુપાવતા હતા પરંતુ તે એ ભૂલી ગયા કે સુરેશભાઈ તેમના પતિ છે અને એક પત્નીને તેના પતિ થી વધારે કોઈ નો સમજી શકે.

સુરેશભાઈ દિવ્યાબેન ના આંસુ લુછતા બોલ્યા,"જો દિવ્યા જે થવાનું હતું તે થઈ ગયું,હવે એ દિવસો યાદ કરીને દુઃખી થઈને કઈ જ ફાયદો નથી થવાનો અને રહી વાત કે તે મને મદદ નથી કરી તો તારી એ વાત હું જરા પણ માનતો નથી કારણકે તે મને એ દિવસોમાં જેટલી મદદ કરી છે એટલી મદદ તો કોઈ સ્ત્રીએ પોતાના પતિની નહીં કરી હોય..

આટલું બોલતાં સુરેશભાઈ ની આંખમાં આંસુ આવી ગયા અને વધારે કઈ બોલ્યા વગર નીચું જોઈને તરત ત્યાં થી ઊભા થઈ રૂમમાં ચાલ્યાં ગયાં..

ખનકની બહેન શ્રુતિ જે એમબીબીએસ ના પહેલા વર્ષમાં હતી તે નીચે દૂધ લેવા ગઈ હતી,ઉપર આવી તો તેના મમ્મી પપ્પાને આવી વાત કરતાં સાંભળીને તે ત્યાં જ ઊભી રહી ગઈ..

સુરેશભાઈ જેવા ત્યાંથી ગયા શ્રુતિ તરત જ તેમની પાછળ ગઈ પરંતુ સુરેશભાઈ એ રૂમનો દરવાજો બંધ કરી દીધો. શ્રુતિ રસોડામાં દિવ્યા બેન પાસે આવીને થોડા ગુસ્સામાં બોલી, "મમ્મી તને ખબર જ છે કે પપ્પાને એ વાત યાદ કરીને કેટલું દુઃખ થાય છે તો તારે શું કામ આવી વાત તેમની સામે કરવી જ જોઈએ? તને મમ્મી ના જ પાડી છે કે હવે એ વાત ઘરમાં ન થવી જોઈએ..જે થવાનું હતું એ થઈ ગયું અને હવે આપણે તે ભૂલીને નવેસરથી જીવન જીવવાની કોશિશ કરી રહ્યા છીએ તો ભૂતકાળને યાદ કરીને તું અને પપ્પા કેમ દુખી થઈને તમારી તબિયત બગાડો છો મને તો એ જ નથી સમજાતું.."

ખનક રૂમના દરવાજા પાસે ઉભી ઉભી તેના મમ્મી અને બહેનની વાત સાંભળતી હતી.તેને આ બધું સાંભળીને ખૂબ જ દુઃખ થયું કે તેના લીધે તેના મમ્મી-પપ્પા દુઃખી થયા.. તેણીએ મનમાં ને મનમાં કાંઈક વિચાર કર્યો અને પોતાના રૂમમાં જતી રહી..

શું વિચારો ચાલતાં હશે ખનક ના મગજમાં?શું થયું હશે શાહ પરિવાર સાથે ભૂતકાળમાં?શું ખનક તેનાં મમ્મીની વાત માની જશે?આ બધા સવાલોના જવાબ જાણવા મળશે બીજા ભાગમાં...