The most beautiful in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | પરમ સુંદરી

Featured Books
  • K A.U

    చార్మినార్ రక్తపాతం (The Bloodbath of Charminar) దృశ్యం 1: చ...

  • addu ghoda

    Scene: Interior – Car – Eveningకథ పేరు అడ్డుగోడ…కారు లోపల వా...

  • నిజం - 1

    సాగర తీరానికి ఆనుకొని ఉన్న నగరం విశాఖపట్టణం. ఆ నగరం లోని గాజ...

  • అంతం కాదు - 60

    యుద్ధభూమిలో శపథం - శకుని కుట్ర శకుని, రుద్రను వదిలి వెళ్తున్...

  • అఖిరా – ఒక ఉనికి కథ - 3

    ఎపిసోడ్ – 3రెండు రోజులు గడిచాయి…రాత్రి తొమ్మిదికి దగ్గరపడుతో...

Categories
Share

પરમ સુંદરી

પરમ સુંદરી

- રાકેશ ઠક્કર

        સિધ્ધાર્થ મલ્હોત્રા– જહાનવી કપૂરની ફિલ્મ 'પરમ સુંદરી' નું ટ્રેલર આવ્યું ત્યારે એમ કહેવાતું હતું કે એ ‘ચેન્નઈ એક્ષપ્રેસ’ ની નકલ હોય શકે છે. હકીકતમાં એ બિલકુલ એના જેવી નથી. પણ હીરોના પિતાના એંગલ અને બીજા ભાગમાં જે દ્રશ્યો અને વાર્તા છે એને કારણે શાહરૂખની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ની યાદ વધુ અપાવી ગઈ છે. એને શાહરુખની ફિલ્મોનું કોકટેલ પણ કહી શકાય એમ છે. ‘ચેન્નઈ એક્ષપ્રેસ’ માં તો મનોરંજનના ઘણા બધા તત્વો હતા. નિર્દેશક તુષાર જલોટાએ 'પરમ સુંદરી' માં એટલી મહેનત કરી નથી. એમની પહેલી ફિલ્મ ‘દસવીં’ ની નોંધ લેવાઈ હતી.

‘મેડોક ફિલ્મ્સ’ નું નિર્માણ હોવાથી અપેક્ષાઓ વધુ હોય એ સ્વાભાવિક છે. કેમકે એમણે ફિલ્મ ઉદ્યોગના ફોર્મ્યુલા કલ્ચરને પડકાર ફેંક્યો હતો. એમની 'સ્ત્રી 2' વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ખરેખર તો મેડોકને વધુ પ્રાયોગિક સિનેમા બનાવવા માટે પ્રોત્સાહન મળવું જોઈતું હતું. પરંતુ એનાથી વિપરીત થયું છે. હવે મેડોકે એવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું છે જે લોકો જોવા માંગે છે અથવા જે બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરે એમ છે. 'પરમ સુંદરી' એમની એ જ શ્રેણીમાં બનેલી ફિલ્મથી વધુ નથી. તેથી એમના પ્રોડકશનના જે ચાહકો બની રહ્યા છે એમને નિરાશા થઈ હશે. એમણે આ વખતે સલામત રમવાનું પસંદ કર્યું છે.

        વાર્તા એટલી જ છે કે દિલ્હીનો છોકરો પરમ સચદેવ (સિદ્ધાર્થ મલ્હોત્રા) તેના પિતા પાસે મદદ માંગે છે. મદદના બદલામાં તેના પિતા (સંજય કપૂર) તેને એક પડકાર આપે છે. આ પડકાર પૂર્ણ કરવા માટે પરમ તેના મિત્ર જગ્ગી (મનજોત સિંહ) સાથે કેરળ જવા નીકળે છે. અહીં તે સુંદરી (જહાનવી કપૂર) ને મળે છે. પછી ઘણી પરિસ્થિતિઓ ઉભી થાય છે. જેમાં પરમ અને સુંદરી ફસાઈ જાય છે. છેલ્લે શું થશે એનો તમે અંદાજ લગાવી શકો છો.

અગાઉ આવી ઘણી ફિલ્મો બની ચૂકી છે. જે લોકો કંઈક નવું શોધી રહ્યા છે તેમને નિરાશા મળી શકે છે. ઉત્તર વિરુદ્ધ દક્ષિણ સંસ્કૃતિ પર આધારિત પ્રેમકથા અનોખી બનવાની હતી. પરંતુ લેખકો બીજા ભાગમાં એ તક ચૂકી ગયા છે. પહેલો ભાગ મનોરંજક છે. પછીથી વાર્તામાં આગળ શું થશે એની કલ્પના થઈ શકે છે. ક્લાઈમેક્સ પણ અનુમાનિત છે. છતાં ખૂબ જ સરળ અને સ્વચ્છ છે. આવી વાર્તામાં અંત ઘણીવાર ભાવનાત્મક રીતે ભારે અથવા મેલોડ્રામેટિક બની જાય છે પરંતુ નિર્દેશકે અહીં એવું થવા દીધું નથી. તે આખી ફિલ્મને હળવી રાખે છે. અને ગંભીર ટ્વિસ્ટ વખતે પણ દ્રશ્યો ખૂબ ભારે ન બને એનું ધ્યાન રાખ્યું છે.

જોકે, ફિલ્મ ‘જોવા’ માટે નિર્દેશક કરતાં વધુ શ્રેય સિનેમેટોગ્રાફરને આપવું જોઈએ. કેમકે તેમણે કેરળના સુંદર સ્થળોએ શૂટિંગ કરીને ફિલ્મની પ્રતિષ્ઠા બચાવી છે. એમ કહેવામાં આવ્યું છે કે ફિલ્મના દ્રશ્યોનો ઉપયોગ કરીને કેરળ પ્રવાસન ઉદ્યોગ પોતાનો પ્રચાર કરી શકે છે. જહાનવી કપૂર દરેક ફિલ્મમાં અભિનયમાં પ્રગતિ કરી રહી છે. તેનું કામ સારું છે. ભલે કેટલાક દ્રશ્યોમાં ઓવરએક્ટિંગ કરી છે. પરંતુ એમાં કોમેડી છે તેથી આ બાબતને અવગણી શકાય એમ છે. સમીક્ષકોએ માન્યું છે કે તે ઈમોશનલ દ્રશ્યો સારા કરી રહી છે અને ડાન્સમાં પણ કાબેલ બની છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જહાનવીની કેમેસ્ટ્રી જામે છે. સિદ્ધાર્થે રોમેન્ટિક હીરોની ભૂમિકા ખૂબ જ ઇમાનદારીથી ભજવી છે. સિધ્ધાર્થના ચહેરાના હાવભાવ આખી ફિલ્મમાં એકસરખા દેખાય છે. એના મિત્ર તરીકે મનજોત સિંહે કદાચ તેના કરતા સારું કામ કર્યું છે. સંજય કપૂર આ ફિલ્મમાં સંજય જેવો લાગતો નથી. ઘણા દ્રશ્યોમાં તેના ભાઈ અનિલ કપૂર જેવો દેખાય છે. તેનું કામ ઓછું પણ સારું છે. બાકીના કલાકારોમાં જહાનવીની નાની બહેનની ભૂમિકામાં બાળ કલાકાર ઇનાયત વર્માનું કામ સૌથી મજેદાર છે. તે અભિનય કરતી હોય એવું લાગતું જ નથી.

સચિન-જીગરનું સંગીત ફિલ્મના મૂડ પ્રમાણે છે. ફિલ્મ માટે કોઈ ખાસ વાતાવરણ બનાવવામાં આવ્યું ન હતું. પરંતુ બોલિવૂડનો એક પ્રાચીન નિયમ કામ કરી ગયો છે કે, 'જો ગીત હિટ છે, તો ફિલ્મ પણ હિટ છે.’ ફિલ્મની બીજી કોઈ પ્રમોશનલ સામગ્રી આ એક ગીત જેટલી લોકોને પ્રભાવિત કરી શકી નથી.

સોનુ નિગમે ગાયેલું 'પરદેસિયા' એક અદભુત પ્રેમગીત છે અને થીમગીત બની રહે છે. એનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે સ્ક્રીન પર સારી અસર છોડી જાય છે. બલ્કે બેકગ્રાઉન્ડ સંગીત તરીકે અડધું કામ કરી જાય છે. તેથી જ સમીક્ષકોએ ફિલ્મને 5 માંથી 2.5 સુધી સ્ટાર આપ્યા છે એમાં 1 ગીત માટે છે. બીજો સ્ટાર કેરળની સુંદરતા માટે છે. મતલબ કે બાકી કશું એવું ઉલ્લેખનીય બન્યું નથી કે આખો 1 સ્ટાર મળી શકે. 'ડેન્જર' એક મજેદાર ગીત છે. તે પ્રેક્ષકોને નાચવા માટે મજબૂર કરે એવું છે. બાકીના ગીતો વાર્તાને આગળ વધારવાનું કામ કરે છે.

સવા બે કલાકની સાફસૂથરી પારિવારિક અને ‘ટાઇમપાસ’ હોવાથી ‘પરમ સુંદરી’ ને એક વખત જોઈ શકાય છે. પરંતુ મેડોકની આ એવી ફિલ્મ બની શકી નથી જેની રિપીટ વેલ્યૂ હોય છે. લોકોને કશું નવું કે અલગ આપવાને બદલે માત્ર ખુશ કરી દીધા છે!