સુપ્રીમ કોર્ટે ગુમ થયેલા લોકો વિશે કોઇ ગંભીર અને અસરકારક કાર્યવાહી ન થઇ હોવાના મામલે રાજ્ય સરકારોને ફટકારી હતી જો કે આવું માત્ર ભારતમાં જ બને છે તેમ નથી સમગ્ર વિશ્વમાં ગુમશુદા વ્યક્તિઓ વિશે આવું જ વલણ અપનાવવામાં આવે છે ત્યાં સુધી કે એવા કિસ્સા નોંધાયેલા છે જેમાં જાહેર જીવનમાં નામના કાઢનાર વ્યક્તિઓ ગુમ થઇ હોય અને તેમના વિશે કોઇ પત્તો મેળવી શકાયો ન હોય.એમિલી એરહાર્ટથી માંડીને જોસેફ કાર્ટર જેવી વ્યક્તિઓનો સમાવેશ આ યાદીમાં થાય છે જેમના વિશે હજી પણ મિસિંગ પર્સન જ શબ્દ વપરાય છે અને તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.વિશ્વમાં વર્ષે વીસેક લાખ લોકો અચાનક જ ગુમ થઈ જાય છે અને એમાંથી પાંચેક લાખ લોકોનો પછી ક્યારેય પત્તો લાગતો હોતો નથી. એમ કહેવાય છે કે દુનિયામાં એક દિવસમાં આશરે પાંચ હજાર લોકોનો મિસિંગ રિપોર્ટ નોંધાય છે. મેંગો પીપલ ખોવાઈ જાય અને એનું સરનામું આખી જિંદગી ન મળે એ થોડી અલગ બાબત છે અને જાહેરજીવનમાં કોઈ ને કોઈ ક્ષેત્રમાં જાણીતું નામ હોય તેવા લોકો ખોવાઈ જાય અને ક્યારેય તેની ભાળ ન મળે એ પણ થોડી અલગ બાબત છે. આપણે ત્યાં આજ સુધી ભાળ ન મળી હોય એવી જાહેરજીવનની વ્યક્તિની વાત આવે એટલે લગભગ બધાં એક જ સૂરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું નામ કહેશે. આ ઉપરાંત કેટલીક હસ્તીઓ છે જેના મોત બાદ કે મોતની ખબરો બાદ પણ તેઓ જીવતા હોવાની વાત સમયાંતરે ઉડતી રહે છે.તેનો મોટો પુરાવો આમ તો હિટલરનો છે તેના વિશે કહેવાય છે કે તેણે પોતાની પ્રેયસી અને મોત પહેલા પત્ની બનેલી ઇવા બ્રાઉન સાથે આત્મહત્યા કરી હતી પણ ત્યારબાદ તેના મોતને નકારનારો વર્ગ મોટો છે પણ એ અલગ વાત છે નેતાજીની જેમ જ જે તે વખતે જાણીતા બન્યા હોય અને અચાનક ગુમ થયા હોય એવા વિશ્વમાં ઘણાં કિસ્સા નોંધાયેલા છે.અત્યારે આ વાત માંડવાનું કારણ એ છે કે ન્યૂ યોર્કમાં તેના પતિ સાથે રહેતી ૫૫ વર્ષની એક શિક્ષિકા જોઆન નિકોલ્સ ૧૯૮૫માં એક દિવસ અચાનક ગુમ થઈ ગઈ હતી. તેના પતિએ તેનો મિસિંગ રિપોર્ટ નોંધાવ્યો હતો. આ ઘટનાને ૨૮ વર્ષનાં વહાણાં વાઈ ગયાં બાદ એક દિવસ અચાનક પોલીસ પર એક કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો. કોન્ટ્રાક્ટરે કહ્યું કે પોતે જે મકાન તોડી રહ્યો છે તેની દીવાલમાંથી એક માનવ હાડપિંજર મળી આવ્યું છે. પોલીસે તપાસ કરી તો ખબર પડી કે આ મકાન ૨૦૧૨માં અવસાન પામેલા જેમ્સ નિકોલ્સનું છે અને હાડપિંજર જેમ્સની ગુમ થયેલી પત્નીનું જ છે. જોકે, જોઆન નિકોલ્સ અંગે વધુ કોઈ માહિતી હવે પોલીસતપાસમાં નથી મળતી. નિકોલ્સ દંપતીને કોઈ જ વારસ નથી એટલે હવે જોઆનની દફનવિધિ સરકાર કરશે. ગુમ થયા પછી ક્યારેય કોઈ સગડ ન મળતા લોકોની તુલનાએ જોઆનના હાડપિંજરને દફનવિધિ નસીબ થશે એ રીતે તે થોડી નસીબદાર કહી શકાય. દુનિયાના ઘણાં જાણીતા કમભાગી લોકોનાં નસીબ જોઆન જેવાં પણ નથી હોતાં. સિનેમેટોગ્રાફીના જનક અને મોશન પિક્ચરના શોધક તરીકે ઓળખાતા લુઇસ બ્રધર્સ પૈકીના લુઇસ લી પ્રિન્સ પેરિસના એક ટ્રેનના પ્રવાસ દરમિયાન ૪૯ વર્ષની વયે ૧૮૯૦માં ગુમ થઈ ગયા હતા. એટલે સુધી કે તેમની સાથે તેમનો સામાન પણ ગુમ થઈ ગયો હતો. તે ગુમ કેમ થયા એ અંગે જાત-જાતની થિયરીઝ રજૂ થઈ હતી. કોઈ કહેતું કે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. તો વળી તેના મિત્રોનો દાવો હતો કે તેના પરિવારે જ તેનું ખૂન કરાવ્યું છે. કોઈક એમ પણ માનતું કે પૈસા માટે કોઈકે તેની હત્યા કરીને લાશ થાળે પાડી દીધી હતી, પણ સર્વસ્વીકૃત રીતે એમ માની લેવાયું હતું કે તેના હરીફોએ એ વખતે તેની હત્યા કરી નાખી હતી. મોશન પિક્ચરના શોધક ગુમ થયા પછી ક્યારેય ફરી વાર પિક્ચરમાં નથી આવ્યા.મેનિક સ્ટ્રીટ પ્રિચર્સ વેલ્સ અલ્ટરનેટિવ રોક બેન્ડ ગ્રૂપના સભ્ય અને નેવુંના દશકમાં ખૂબ લોકપ્રિય બનેલા અમેરિકન સિંગર-મ્યુઝિશિયન રિચી એડવર્ડ ૨૭ વર્ષની વયે ૧૯૯૫માં અચાનક ક્યાંક ગુમ થઈ ગયો. ૧૮ વર્ષથી તેની કોઈ જ ભાળ મળી નથી. તેની કાર એક કુખ્યાત સ્યૂસાઇડ પોઇન્ટ પરથી મળી આવી હતી, પણ તેની અન્ય કોઈ જ સામગ્રી મળી નહોતી. ત્યાર પછી આજ સુધી તેની ભાળ મળી નથી. જોકે, ૨૦૦૮માં તેને અંતે મૃત જાહેર કરવામાં આવ્યો હતો.પ્રસિદ્ધ અમેરિકન મહિલા પાઇલટ એમીલિયા એરહાર્ટ તેની સાહસિક ઉડાનો માટે જાણીતાં હતાં, પણ તે એટલાન્ટિક મહાસાગર એકલા હાથે પાર કરનારી પ્રથમ મહિલા તરીકે જગતભરમાં વધુ ઓળખાય છે. આ સાહસી મહિલા વિમાનચાલક ૧૯૩૭માં વિમાન સમેત પ્રશાંત મહાસાગરમાં હોવલેન્ડ ટાપુ આસપાસ ગુમ થઈ ગયાં હતાં. તેનું જીવન, તેની કારકિર્દી અને તેનું ગુમ થવું એ આજેય લોકોમાં રસનો વિષય રહ્યો છે. ભારે શોધખોળને અંતે ૧૯૩૯માં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યાં હતાં.જિમ્મી હોફ્ફા ૫૦-૬૦ના દાયકામાં અમેરિકાના શક્તિશાળી મજૂર નેતા હતા. તેને માફિયા સાથે સંબંધો હોવાની ચર્ચા ખૂબ ચાલી હતી. કહેવાય છે કે માફિયા સાથેના સંબંધો જ તેમને અંતે ભારે પડી ગયા. ૧૯૭૫ની ૩૦ જુલાઈએ બપોરે ૨ વાગ્યે તેઓ છેલ્લી વાર જાહેરમાં જોવા મળ્યા હતા. જિમ્મીએ તે દિવસે બપોરે એન્થોની જિઆક્લેન અને એન્થોની પ્રોવેન્ઝેનો નામના બે માફિયા નેતાઓ સાથે મિટિંગ નક્કી કરી હતી. નિયત સમયે મિટિંગ શરૂ તો થઈ હતી, પણ એ મિટિંગ ક્યારે પૂરી થઈ એની આજ સુધી કોઈને ખબર નથી. એ મિટિંગ પછી જિમ્મી હોફ્ફા ક્યાં ગયા એની પણ કોઈને જાણ નથી. સતત ૭ વર્ષની શોધખોળને અંતે તેમને ૩૦મી જુલાઈ, ૧૯૮૨ના રોજ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.૧૯૩૦માં જ્યારે ન્યૂયોર્ક શહેરના જજ અચાનક ગુમ થઈ ગયા ત્યારે સમાચાર માધ્યમોથી લઈને શહેરના ખૂણે ખૂણે આ એક જ ચર્ચા થતી હતી. શહેરની આટલી વગદાર વ્યક્તિ આમ અચાનક શું કામ ગાયબ થઈ ગઈ અને કોણે ગાયબ કરી દીધી તે બધાં માટે રસનો અને કુતૂહલનો વિષય હતો. ગુમ થયા ત્યારે તે ૪૧ વર્ષના હતા અને વેકેશન પર જવાના હતા. ગુમ થયા એ પહેલાં તેમણે કોમેડી શો ડાન્સિંગ પાર્ટનર જોવા માટે એક ટિકિટ પણ બૂક કરાવી હતી. તેમણે શો જોયો કે કેમ તેની પણ કોઈને જાણ નથી. તેના ગુમ થયાનાં ૯ વર્ષ પછી તેને મૃત જાહેર કરાયા હતા. જોકે, તેમના ગુમ થવા અંગે કોઈ પાસે એક પણ પ્રકારનું જજમેન્ટ આજ સુધી નથી. અહીં ગુમ થયેલા બધા લોકો માનસિક બીમાર હોવાની શક્યતા સાવ નહીંવત્ છે અને તમામ જાહેરજીવનમાં પોતાના ક્ષેત્રમાં આગવી છાપ ધરાવતા હતા. એ ગુમ થયા પછી ન તો તેની કોઈ ચીજવસ્તુઓ મળી કે ન તો તેના મોતનું સાચં કારણ જાણવા મળ્યું. કદાચ એ જ કારણ હશે કે આટ-આટલાં વર્ષો વીત્યાં હોવા છતાં આ લોકો શું કામ ગુમ થયા અને કોણે ગુમ કર્યા તે પ્રશ્નો આજેય એટલા જ કુતૂહલનો વિષય રહ્યો છે.તેમની શોધમાં અનેક એજન્સીઓ લાગી હતી પણ કોઇ પત્તો લાગ્યો નથી.