Aekant - 46 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 46

Featured Books
Categories
Share

એકાંત - 46

ગીતાને જાહેર જગ્યાએ પ્રેમ વ્યક્ત કરતા કુલદીપને કશું ખોટું કર્યાનો અફસોસ થયો. કુલદીપે માફી માંગી તો ગીતાએ હસતાં પૂછી લીધું : "અરે બુધ્ધુ, તમે કેમ માફી માંગી રહ્યાં છો ?"

"મારું વર્તન જ તારાં તરફનું એવું હતું કે માફી માંગવી પડે. મારે તમને જાહેરમાં હગ કરવું ના જોઈએ." કુલદીપે દિલગીરી વ્યક્ત કરી.

"એમાં ક્યાં મોટું તુફાન આવી ગયું ? આપણે કોઈ મર્યાદા પાર કરી નથી. પ્રેમમાં એકબીજાંને સ્પર્શ કરવો એ જ તો પ્રેમ વ્યક્ત કર્યો કહેવાય. મેં તમને પૂરો હક આપી દીધો છે."

ગીતાએ આટલું કહીને કુલદીપને પ્રેમથી ગાલ પર ચુમી આપી દીધી અને હળવેકથી એનાં કાનમાં કહ્યું : "પ્રેમમાં સ્પર્શ કરવાં માટે ચાર ફેરાની જરુર હોતી નથી. હૃદય આપણું જે કામ કરવાં માટે ખુશ હોય એ બસ કરી જ લેવાનું હોય. ભવિષ્ય અહીં ક્યાં કોઈએ જોયું છે."

ગીતાની વાતો એ જમાનામાં પ્રમાણે ખૂબ જ બોલ્ડ હતી. કુલદીપને આ બધું નવું લાગી રહ્યું હતું. એની ઈચ્છા વિધિ વિધાનથી ગીતા સાથે મેરેજ કરીને પોતાની જીવનસાથી બનાવવાની હતી. ગીતાની વાતનો કુલદીપે કોઈ પ્રત્યુતર આપ્યો નહીં. 

ગીતાએ પોતાનો દુપટ્ટો સરખો કરી લીધો. કુલદીપના માથાના વાળ વિખરાયેલ હતા. એણે એ સરખા કરી લીધા. કુલદીપ ગીતાનો હાથ પકડીને કોલેજની બહાર જવાં નીકળી ગયો.

કોલેજની ગેટ પાસે પહેલેથી પ્રવિણ અને ભુપત એની રાહ જોઈને ઊભા હતા. તેઓ બન્નેને જોઈને કુલદીપે ગીતાનો હાથ છોડી દીધો.

ગીતાએ કુલદીપ સામે જોઈને કહ્યું : "ચાલો હવે હું મારાં ઘરે જાઉં છું. આપણે હવે આવતી કાલે સવારે કોલેજમાં મળશું."

કુલદીપને આટલું કહીને ગીતાએ પ્રવિણ અને ભુપતની સામે હાથ હલાવીને બાય કહીને જતી રહી. પ્રવિણે ગીતાને બાય કહીને માથુ નીચું કરી નાખ્યું. કુલદીપ ગીતાનાં ગયાં પછી પણ ઊંચા હાથ કરતો એને પાછળથી બાય કહેવાં લાગ્યો. ભુપત બધું નિરીક્ષણ કરી રહ્યો હતો. 

ગીતાનાં ગયાં પછી ભુપતે કુલદીપની મસ્તી કરવાની ચાલું કરી દીધી : "આજે તું ઘરેથી સારું મુહુર્ત જોઈને નીકળ્યો લાગે છે કે પછી દલપત કાકા પાસે મુહુર્ત જોઈને પ્રપોઝ કર્યુ હતુ કે શું ?"

"ભુપત ! એ મારી ઘરે છેલ્લા એક અઠવાડિયાથી આવ્યો નથી. વાત અહી બંધ કર અને તને ક્યારનું મોડું થઈ રહ્યું હતું ! ચાલ આપણે હવે નીકળીએ."

ભુપત ચૂપ રહે એમાનો ક્યા હતો ? એણે રસ્તામાં ચાલતાં - ચાલતાં ફરી કુલદીપને પૂછી લીધું. જાણે એને કાંઇ ખબર જ ના હોય, "કુલદીપ સાચુ બોલજે. તું ગીતાડીને બગીચામાં કેમ લઈ ગયો હતો ?"

"મારે એને મારાં મનની વાત કરવી હતી. ગ્રાઉન્ડમાં હું બધાં સાથે વાત ના કરી શકું. એથી હું એને લઈને બગીચે ગયો હતો. મારાં મનમાં કાંઈ ખોટું કરવાનો ઈરાદો ન હતો." કુલદીપે સાચી વાત જણાવી.

"મેં તને અને ગીતાને જે હાલતમાં જોયાં હતાં; એ તારો નેક ઈરાદો હતો !" ભુપતે મસ્તીમાં કુલદીપના ખભાને ખભો મારતા એના મોઢે જાણવા માંગતો હતો.

ભુપતની વાત સાંભળીને કુલદીપને નવાઈ લાગી. એ ભુપત સામે પ્રશ્નાર્થ ચહેરે જોવા લાગ્યો અને મનમા વિચારવા લાગ્યો, 'આ ભુપત્યો મને બોલાવવા બગીચે આવેલો હશે ? મને અને ગીતાને પ્રેમ કરતાં જોઈ લીધાં હશે કે શું ?'

કુલદીપના મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. એનાથી રહેવાયું નહીં અને એણે ભુપતને સવાલ કર્યો : "ભુપત, તને ક્યાંથી ખબર કે અમે બગીચામાં શું કરતાં હતાં ?"

કુલદીપે ભુપતને સવાલ કર્યો પણ ભુપતે એને કોઈ જવાબ આપ્યો નહીં. આખરે કંટાળીને કુલદીપે પ્રવિણને પૂછ્યુ. પ્રવિણે કુલદીપને બધું સાચું કહી દીધું કે એણે અને ભુપતે એ લોકોને પ્રેમપ્રચુર કરતાં જોઈ ગયાં હતાં.

"તને શરમ નથી આવતી, ભુપત ! તારા દોસ્તને એવી હાલતમાં જોતા." કુલદીપ દુઃખી થતા બોલ્યો.

"તને કાંઈ કરતા શરમ ના આવી તો અમને જોવામાં શેની શરમ આવે. આખરે તે પ્રેમને અભડાવી દીધો જ. મને તારી પાસેથી આવી અપેક્ષા ન હતી."ભુપતે પોતાનો સ્વબચાવ કરતા ગુસ્સામાં કહ્યું.

"મે અને ગીતાએ કોઈ કાંઇ ખોટું કામ કર્યું નથી. જે થયું એ અમારી મરજીથી થયું છે. અમને અમારી હદની ખબર છે. લિમિટની બહાર અમે ગયાં પણ નથી." કુલદીપે ખુલાસો કર્યો.

"આજે તમારાં મિલનનો પહેલો દિવસ છે. આથી તમે અહીંથી આગળ વધ્યાં નહીં. હું શયોરથી કહી શકું છું કે આ ઉંમર જ વ્યક્તિની એવી હોય છે કે એને લપસી જતાં વાર નથી લાગતી. એક દિવસ તું મારી પાસે આવીને કહીશ કે મારે અને ગીતાને એક થવાં માટે મેરેજની કોઈ જરૂર નથી." ભુપત મનમાં આવ્યું એ બોલવા લાગ્યો.

"મને તો એવું લાગી રહ્યું છે કે તને મારી ઈર્ષા થઈ રહી છે." કુલદીપ એનું મોઢુ બંધ રાખવાનું નામ લેતો ન હતો.

"એ હેલો ! મને તારી કેવી ઈર્ષા થવાની છે. તારી ગીતા જેવી દસ ગીતા હું મારી આગળ ઊભી કરી શકું છું. હું તારાં જેવો સંસ્કાર વિહિન નથી કે કોઈ ઘરની છોકરીનો એકાંતમાં ફાયદો ઊઠાવું."

ભુપત અને કુલદીપની વાતો મહાસંગ્રામ સુધી આવી પહોંચી. કુલદીપની વાત સાંભળીને ભુપત ક્રોધે ભરાઈ ગયો.

"તું આ સંસ્કાર વિહિન કોને કહે છે ? મારાં માતા પિતાએ મને સારાં સંસ્કાર આપેલાં છે. ગીતાની મરજી વિરુધ્ધ હું એની નજીક ગયો નથી. સોમનાથ દાદા સાક્ષીએ છે, અમારી વચ્ચે એવું કાંઈ થયું નથી કે હું મારાં સંસ્કારને લજાવવું."

કુલદીપે ગુસ્સામાં ભુપતનું ગળુ પકડી લીધું. ભુપતનો શ્વાસ રુંધાવવા લાગ્યો. ગુસ્સામાં તેઓ બન્નેની બોલાચાલી મારામારી પર ઊતરી આવી. રસ્તા વચ્ચે તેઓ એકબીજાંને મારવા લાગ્યા. પ્રવિણ એ બન્નેને અલગ પાડવા લાગ્યો.

"આ તમે બન્નેએ શું રસ્તાની વચ્ચે માંડ્યું ? આ તમારી કોઈ રીત કહેવાય ! આપણી દોસ્તી સાવ આટલી કમજોર નીકળી કે એક છોકરીનાં આવવાથી પહેલે દિવસે તમે મારામારી પર ઊતરી આવો ?" પ્રવિણ બન્નેને અલગ કરીને ખીજાયો.

"પ્રવિણ ! પહેલા ચાલુ ભુપતે જ કર્યું હતું. એને એવી શું જરૂર હતી કે અમને બન્નેને એકાંતમાં જુએ." કુલદીપે કહ્યું.

"એ એકલો જ લાયબ્રેરીમાં હતો નહીં. હું પણ એની સાથે હતો. એણે બારી ખોલી તો એની નજરમાં તમે બન્ને દેખાયા. એણે જાણી જોઈને તમને બન્નેને જોયાં નથી." પ્રવિણે ચોખવટ કરી. 

"એણે એવું કેમ કહ્યું કે હું ગીતાનો ફાયદો ઊઠાવું છું ? મને મારો પ્રેમ મળી ગયો એ જોઈ શકતો નથી એટલે મારાં સંસ્કારને એ હલ્કાં માને છે." કુલદીપ રડવા જેવો થઈ ગયો.

"કુલદીપ, તુ શાંત થઈ જા. ભુપત તને જે કહી રહ્યો છે એને તું અલગ રીતે વિચારી રહ્યો છે. એની કહેવાની રીત અલગ છે, પણ જે કહે છે એ સાચું કહે છે. મારા ભાઈ આ ઉંમર તારી ભણવાની છે. ભણીગણીને તારે પહેલાં તારું કરિયર બનાવવું જોઈએ. તું આ છોકરીનાં ચક્કરમાં પડ્યો છે એ ઉંમર એવી છે કે કોઈ પણનું ધ્યાન ભટકી શકે છે. તારી એવી કોઈ મરજી ના હોય કે તું ગીતા સાથે સંબંધને આગળ વધારે પણ આ વિજાતીય આકર્ષણની લાલચ બહુ ખરાબ છે. એકવાર તે એને સ્પર્શ કર્યો છે તો તને વારંવાર એને સ્પર્શ કરવાની ઈચ્છા થશે. તારા સારા ભવિષ્ય માટે ભુપતને ચિંતા થઈ તો એનાં કારણે એનાથી કહેવાઈ ગયું. બાકી હું અને ભુપત તારા માટે ખૂબ જ ખુશ છીએ."

પ્રવિણે ખૂબ પ્રેમથી કુલદીપને સમજાવ્યો. પ્રવિણની કહેલી વાત કુલદીપના ગળે ઊતરી ગઈ. એનો ગુસ્સો થોડોક શાંત થયો.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"