Aekant - 44 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 44

Featured Books
Categories
Share

એકાંત - 44

પ્રવિણના કોલેજમાં સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઊજવાઈ ચુક્યો હતો. ત્યાં ખાસ મહેમાન તરીકે બોલાવવામાં આવેલ મેયરને કાર્યક્રમ ખૂબ પસંદ આવેલો હતો. એમાં એમને સૌથી વધુ મજા ચારુ મેડમનાં ગ્રુપે કરેલ ડાન્સમાં આવી હતી. જેમાં પ્રવિણ અને કાજલે અનિચ્છાએ પાર્ટ લીધો હતો.

કુલદીપની જેમ પ્રવિણ માટે એની કોલેજના લાફ્ટ યરનો આ પ્રોગ્રામ ખાસ બની ગયો હતો. એની મરજી ડાન્સમાં પાર્ટ લેવાની બિલકુલ હતી જ નહીં. ભુપતે એને વધુ ઉશ્કેર્યો આથી પ્રવિણે કુલદીપ સાથે ડાન્સ લેવામાં પાર્ટ લીધો.

કુલદીપની સાથે પ્રવિણને મોટો ફાયદો એ જોવા મળ્યો કે એ કાજલને પોતાનું હૃદય હારી બેઠો. સાચાં પ્રેમની લાગણી શું હોય શકે એ પ્રવિણને કાજલની નજીક જતાં જોવાં મળી.

જોકે પ્રવિણ માટે આ પ્રેમ એક કોયડો બની ગયો હતો. એને એ પણ ખબર ન હતી કે કાજલ એને પ્રેમ કરે છે કે નહીં. એક મહિનાની અંદર પ્રવિણ જેટલો કાજલને ઓળખતો હતો એમાં એણે જાણી લીધું હતું કે કાજલ આવાં પ્રેમઝાળમાં ફસાય એવી છોકરી ન હતી. એ હંમેશા પ્રેકટીકલ વિચાર ધરાવનારી છોકરી હતી. એને માટે કોઈને પ્રેમ કરવો એટલે લાઈફ બગાડવી. કોઈ સાથે પ્રેમની વાતો કરવી એટલે જીવનનાં અમુલ્ય સમયને બગાડ્યો કહેવાય. આવાં વિચાર ધરાવતી કાજલની સામે પ્રેમ વિશે વાત કરવાની કોઈને હિમ્મત થતી નહીં. 

કોલેજમાં પ્રોગ્રામ પૂરો થતાં પબ્લીક ઓછી થવાં લાગી હતી. કાજલ ગીતાને પ્રવિણનાં દોસ્ત પાસે એકલી મૂકીને પોતાનાં ઘરે નીકળી ગઈ. કુલદીપે ઈશારો કરીને પ્રવિણને જણાવ્યું કે એ કાજલની પાછળ જાય અને એનાં મનની વાત એની સમક્ષ રજું કરે. પ્રવિણની ઈચ્છા ખૂબ હતી કે એ એનાં મનની વાત કાજલને જણાવે પણ એ પહેલા એને એના પગભર થવુ ખૂબ જરૂરી હતું. એણે નક્કી કરી લીધું હતું કે પહેલા એ એનું કરિયર બનાવશે પછી ફ્યુચર વિશે વિચાર કરશે.

ગીતા એકલી કુલદીપ, પ્રવિણ અને ભુપતની વચ્ચે ઊભી હતી. કુલદીપને એનાં મનની વાત ગીતા સાથે શેર કરવી હતી. પ્રવિણ અને ભુપતને લીધે એ કશું બોલી શકતો ન હતો. એ એની કોણી વડે પ્રવિણ અને ભુપતને સમજાવી રહ્યો હતો કે, એ ગીતાની સાથે એકાંતમાં વાતો કરી શકે. જેને લીધે એ એને એકલાં મૂકીને જતાં રહે. કુલદીપની કોણી પ્રવિણને જોરથી લાગવાથી પ્રવિણનાં મોઢામાંથી ઊહકારો નીકળી ગયો. 

"યાર, તારો હાથ છે કે હથોડો ? મને પેટમાં કેવો ખૂંચી ગયો. આવી મસ્તી હોય !" પ્રવિણથી જોરથી બોલાઈ ગયું.

કુલદીપે ગીતાની સામે કૃત્રિમ હાસ્ય કરીને બોલ્યો : "આ તો અમારા દોસ્તોની મસ્તી આવી રોજ ચાલ્યા કરતી હોય છે. હું હમણા આવુ હો. એક જ મિનિટ."

કુલદીપે ગીતા સામે સફાઈ આપીને પ્રવિણને થોડેક દૂર લઈ જઈને એને સમજાવવા લાગ્યો, "અરે ઓ અક્કલના ઓથમીર. તને ખબર નથી પડતી કે પેલી સામે આવીને મારાં મનની વાત જાણવાં માંગે છે તો તમે બન્ને ત્યાં થાંભલાની જેમ ઊભા છો !"

"એને તારાં મનની વાત જાણવી હોય તો તું કહી દેને. એમાં આવી ઢીલ કેમ કરે છે ?" પ્રવિણે નિર્દોષતાથી સવાલ કર્યો. 

"યાર, તું સમજી નથી રહ્યો. હું તમારાં લોકોની સામે વાત કરીશ તો એ શરમાઈ જશે. એને કાંઈ કહેવું હશે તો પણ કાંઈ નહીં કહી શકે."

કુલદીપની વાત સાંભળીને પ્રવિણના મગજમાં લાઈટ થઈ. આવી પરિસ્થિતિમાં બન્નેને એકાંતમાં જ રહેવાં દેવાં જોઈએ. એણે કુલદીપની માફી માંગી અને જ્યાં ભુપત અને ગીતા ઊભાં હતાં ત્યાં તે પહોંચી ગયો.

"ભુપત, ચાલને મારી સાથે." પ્રવિણે ભુપતના ખભા ઉપર થપાટ મારતા કહ્યું.

"હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. ઘડિયાળમાં તે જોયું ? બાર વાગવાની તૈયારી છે."

"અરે મને યાદ આવ્યુ કે લાયબ્રેરીમાંથી અમુક બુકસ મારે ઘરે લઈ જવાની છે."

પ્રવિણે ખોટું બહાનું કાઢીને ભુપતનો હાથ ખેંચીને એને કોલેજની અંદર રહેલી લાયબ્રેરીમાં લઈ ગયો. 

બપોર થઈ ચુકી હતી પણ ચોમાસાની સિઝન હોવાથી વાદળાઓને કારણે તાપ તડકી છાયડી રમી રહ્યો હતો. પ્રવિણ અને ભુપતના ગયા પછી કુલદીપને ગીતા સાથે વાત કરવાં માટે એકાંત મળી ગયું. ગીતા ઘડીક કુલદીપ સામે જોઈ રહી હતી તો ઘડીક ઘરે જતાં સ્ટુડન્ટ્સ સામે જોઈ રહી હતી. કુલદીપને એનાં મનની વાત ગીતા સામે કહેવી હતી પણ એ ખૂબ મૂંઝાઈ ગયો હતો. વાતની શરૂઆત કેમ અને ક્યાંથી કરવી એને કાંઈ સુઝી રહ્યું ન હતું. ગીતા આખરે કુલદીપનાં મૌનથી કંટાળી ગઈ.

"કુલદીપ, તમે અહીં તમારાં દોસ્તોની રાહ જુઓ. મારે પણ હવે ઘરે જવું જોઈએ. ઓકે પછી આપણે મળશું બાય."

ગીતા કુલદીપને બાય કહેતી પીઠ ફેરવી લીધી. કુલદીપ એને જતાં જોઈ રહ્યો હતો. અચિંતાની એની અંદર હિમ્મત ભેગી થઈ અને ગીતાને પાછળથી અવાજ કર્યો : "ગીતા, ઊભી રહે. મારે તમને એક જરૂરી વાત કરવી છે."

કુલદીપનો અવાજ ગીતાના કાને પડતા ગીતા ત્યાં ઊભી રહી ગઈ. એનાં હૃદયનાં ધબકાર કુલદીપનો અવાજ સાંભળીને વધવાં લાગ્યાં. એને જાણ થઈ ગઈ હતી કે કુલદીપ એની સાથે શું વાત કરવાં માંગતો હતો. એણે ધડકતાં હૃદયે કુલદીપ સામે જોયું. કુલદીપ ગીતાની પાસે જઈને ઊભો રહી ગયો.

"હા બોલો. તમારે શું વાત કરવી છે ?" ગીતાએ કુલદીપને કહીને મનમાં વિચારવાં લાગી, 'મને ખબર પડી ગઈ છે, મારા કુલદીપ કે તમે મારી સાથે શું વાત કરવાં માંગો છો ? જલ્દીથી એ જાદુઈ પ્રેમનાં ત્રણ શબ્દો કહી દો. એ સાંભળવવાં માટે મારાં કાન અને હૃદય તરસી રહ્યાં છે."

"ગીતા, અહીં કહેવું યોગ્ય નથી. આપણે કોલેજની પાછળ બગીચો છે; ત્યાં જઈ શકીએ છીએ. જો તારી મરજી હોય ?"

કુલદીપનાં કહેવાથી ગીતાએ હકારમાં માથુ હલાવ્યું. એ કુલદીપને અનુસરતી એની સાથે કોલેજની પાછળ રહેલ બગીચામાં જતી રહી. 

બગીચાની અંદર જતાં તેઓ બન્નેએ જોયું તો એક સ્ટુડન્ટ્સ કપલ પ્રેમભરી વાતો કરી રહ્યાં હતાં. આ જોઈને ગીતાએ શરમથી માથુ નીચું કરી નાખ્યું. છોકરીનું ધ્યાન કુલદીપ અને ગીતા પર પડતાં એ એનાં બોય ફ્રેન્ડથી અલગ થઈ ગઈ. પોતે સાવચેત થઈને દુપટ્ટાથી પોતાનો ચહેરો સંતાડી દીધો.

શરમ અનુભવતી એ એના દોસ્ત સાથે બગીચાની બહાર નીકળી જતી રહી. તેમના જેના કપલ્સને જોઈને કુલદીપને ગીતા સામે ભોઠપ અનુભવી પડી. બગીચો સાવ ખાલી થઈ ચુક્યો હતો. સાડા બારે કોલેજનો ગેટ બંધ થવાનો હતો. કુલદીપ ગીતાને એક બેન્ચ પર લઈ જઈને બેસાડી.

ગીતા બેન્ચ પર બેઠી હતી અને કુલદીપ એની સામે જમીન પર ગોઠણીયે બેસી ગયો. કુલદીપને કશું યાદ આવતાં એણે આસપાસ નજર કરી. બગીચામાં વાવેલ ચમેલીના વૃક્ષ પર ચમેલીના ફૂલો ઊગેલાં હતાં.

કુલદીપે ગીતા પાસે રજા લઈને વૃક્ષ પરથી એક ચમેલીનું ફૂલ ગીતા માટે તોડીને લઈ આવ્યો. એ જેમ બેઠો હતો તેમ એણે એનું સ્થાન ગ્રહણ કરી લીધું. ગીતાને કુલદીપની આ સ્ટાઈલ ખૂબ પસંદ આવી. એનાં હૃદયમાં કુલદીપ માટેનો પ્રેમ વધુને વધુ ઊભરવાં લાગ્યો.

કુલદીપ ગીતા સામે થોડોક રિલેક્સ થયો. એણે ચમેલીનું ફૂલ ગીતા સામે રાખીને બોલ્યો : "ગીતા, મને ખબર નથી કે આ મારી સાથે શું થઈ રહ્યું છે, પણ જે થઈ રહ્યું છે એ મારાં હૃદયને ખૂબ ગમી રહ્યું છે. છેલ્લાં એક મહિનાથી મને મારું ભાન રહેતું નથી. જમતાં જમતાં તારી યાદ આવતાં હું જમવાનું એઠું મૂકીને ઊભો થઈ જાઉં છું. તારાં વિચારો હૃદયમાં સતત આવવાથી કોઈપણ કામમાં મન લાગતું નથી. કોલેજ છુટીને બસ ઊતાવળ રહે છે કે ક્યારે સવાર પડશે અને ક્યારે તને મળવાનું થશે."

"મારાં હૃદયનાં હાલને મેં પ્રેમનું નામ આપ્યું છે. જેમાં હું એક મર્યાદા બાંધીને રાખવાં માગું છું. હું આ મર્યાદા તારી સાથે મેરેજ કરીને પાર કરવાં માગું છું. હું તને મારી જીવનસંગિની બનાવવાં માંગું છું. મારી પાસે અત્યારે તને ભેટ અર્પણ કરવાં આ ચમેલીનાં ફૂલ સિવાય બીજું કાંઇ નથી. જો તું આ ફૂલનો સ્વીકાર કરીશ તો મને લાગશે કે તું મારી સાથે પૂરું જીવન વ્યતિત કરવાં તૈયાર છે."

કુલદીપે ખૂબ સુંદર રીતે ગીતા સામે પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો. 

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ"મીરા"