આમ તો પૃથ્વી પર અવતરેલી દરેક વ્યક્તિ કોઇને કોઇ ખાસિયત લઇને જ જન્મેલી હોય છે કોઇ સારૂ ગાઇ શકે છે તો કોઇ સારો ડાન્સર હોય છે કોઇ સારૂ લખી શકે છે કોઇની યાદદાસ્ત સારી હોય છે. પણ એવી પણ કેટલીક વ્યક્તિઓ હોય છે જેને ઇશ્વરે અદ્ભૂત શક્તિઓ આપેલી હોય છે અને ક્યારેક તો વ્યક્તિનો તેના પર કાબૂ જ હોતો નથી.
મોટાભાગે જ્યારે માથામાં ઇજા થાય ત્યારે લોકોને ચિંતા થતી હોય છે કે મગજને નુકસાન પહોચ્યું હશે કે નહી પણ ક્યારેક મગજની ઇજાઓ માનવીને વધારે પાવરફુલ પણ બનાવતી હોય છે ઓરલાન્ડો સેરેલ નામની વ્યક્તિ જ્યારે એલિમેન્ટ્રી સ્કુલમાં હતો ત્યારે તેને બેઝબોલ રમતી વખતે માથામાં ઇજા થઇ હતી પણ ત્યારે તો તેને કશી ખબર પડી ન હતી પણ એક વર્ષ બાદ તેના માથામાં જોરદાર સણકા મારવાની શરૂઆત થઇ હતી પણ સાથોસાથ તેને લાગ્યું કે તેની ગણિતની સમજમાં ભારે ફરક પડ્યો છે તેને લાગ્યું કે તે હવે આખા વર્ષમાં કેટલા સોમવાર છે તે પણ યાદ રાખી શકે છે એટલું જ નહી તેને આખા દિવસની તમામ વિગતો યાદ રહેતી હતી તે આખા શહેરનો નકશો તમામ વિગતો સાથે કાગળ પર દોરી શકતો હતો.
જો કે ક્યારેક શારિરીક સમસ્યાઓ ધારીએ તેના કરતા વધારે મુશ્કેલીરૂપ પુરવાર થતી હોય છે વિયેતનામનાં થાઈ ન્ગોક નામના ખેડુતને ૧૯૭૩માં તાવ આવ્યો હતો જે તેને ત્યારે તો સામાન્ય લાગ્યો હતો પણ દિવસો જતા તેને સમજાયું કે તે તાવ સામાન્ય ન હતો કારણકે તેનાથી તેને અનિદ્રાનો રોગ થઇ ગયો હતો આમ તો આપણે એક બે દિવસનાં ઉજાગરા કર્યા હોય ત્યારે કામ પર દિવસ દરમિયાન પણ ઝોકા ખાતા હોઇએ છીએ પણ આ વીરલો ૧૨૦૦૦ રાત્રિઓથી સુતો જ ન હતો.તેમાંય વિચિત્ર વાત એ હતી કે આટઆટલા ઉજાગરા છતાંય તેને કોઇ શારિરીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી.શેરપાઓ ઉત્તમ ઉત્તમ ગાઇડ હોય છે પણ તેમની સાથે રસપ્રદ વાત એ જોડાયેલી છે કે તેઓ દરિયાની સપાટીથી ખાસ્સી ઉંચાઇએ સામાન્ય રીતે રહી શકતાં હોય છે.મોટાભાગના તિબેટીયનો એ ક્ષમતા ધરાવે છે.આમ તો સંશોધકોને ક્યારેય તેમની આ ક્ષમતાનું કારણ જાણવા મળ્યું ન હતું પણ હાલમાં થયેલ સંશોધનોમાં જણાયું છે કે તેમના રંગસુત્રોમાં એ ખાસિયત છે જેમાં તેમને અન્ય સામાન્ય માનવી કરતા ઓછા ઓક્સિજનમાં જીવવાની શક્તિ પ્રાપ્ત થયેલી છે.સામાન્ય વ્યકિતઓ જ્યારે વધારે ઉંચાઇએ પહોંચે ત્યારે તેમના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જતું હોય છે પણ શેરપાઓને એ સમસ્યા નડતી નથી.તેમને આ રંગસુત્રોનાં કારણે જ હૃદયને લગતી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો નથી.શેરપાઓ ઉપરાંત પેસિફિકનાં કેટલાક ટાપુવાસીઓને આ પ્રકારનાં રંગસુત્રો મળેલા છે.
આમ તો આપણે રંગોને ઓળખી શકીએ છીએ પણ તેને સાંભળી શકીએ છીએ ખરા.આ વાત જ જરા વિચિત્ર લાગે તેવી છે પણ આ શક્તિઓ પણ કેટલીક વ્યક્તિઓ ધરાવતી હોય છે અને આ શક્તિને સિન્થેશિયા તરીકે ઓળખવામાં આવે છે.કેટલીક વ્યક્તિઓ આંખો બંધ હોવા છતાં પણ રંગોને અનુભવી શકતાં હોય છે.એલિઝાબેથ સુલ્સાર એવી મહિલા છે જેની સાંભળવાની, જોવાની અને ચાખવાની શક્તિઓ મિક્સ થઇ ગઇ છે.તે સંગીતને મોજાઓની જેમ અનુભવી શકે છે અને રંગોને ચાખી શકે છે.જો કે પ્રારંભમાં તેને લાગતું હતું કે અન્ય વ્યક્તિઓ પણ રંગોને ચાખી અને સાંભળી શકે છે પણ ત્યારબાદ તેને સમજાયું કે આવું તે એકલી જ અનુભવી શકે છે ત્યારે તેને પોતાની લાગણીઓ કેવી રીતે અન્યો સાથે વહેચવી તે મુશ્કેલી ઉભી થઇ હતી. જો કે આ સ્થિતિ સુલ્સાર માટે વરદાનરૂપ નિવડી કારણકે તે પોતે એક સંગીતકાર છે.
આમ તો મહિલાઓને મોટાભાગે ડરપોક માનવામાં આવે છે અને પુરૂષોની તુલનાએ મહિલાઓ વધારે ભય અનુભવતી હોય છે પણ તમે કોઇ એવી મહિલા વિશે સાંભળ્યું છે જેને ડર એટલે શું તે જ ખબર નથી.આમ તો આ મહિલાને એસએમ તરીકે ઓળખવામાં આવે છે જે ત્રણ બાળકોની માતા છે.આમ તો આ સ્થિતિનું કારણ તેને મગજમાં થયેલી સમસ્યા છે જેમાં મગજમાં માનવીમાં ભય ઉત્પન્ન કરનાર ભાગ નષ્ટ થઇ જાય છે.જ્યારે ડોક્ટરોને તેની આ સમસ્યાની જાણ થઇ ત્યારે તેના પર પરિક્ષણ કરાયું હતું જેમાં તેને ભયંકર ડરામણી ફિલ્મો બતાવવામાં આવી હતી પણ તેનો ધબકારો પણ વધ્યો ન હતો.તે સાપની જીભને પણ બેધડક સ્પર્શ કરી શકે છે.તેણે જણાવ્યું હતું કે જ્યારે તે નાની હતી ત્યારે તેને અંધારાનો ડર લાગતો હતો પણ ત્યારબાદ તેનો મગજનો એ હિસ્સો સંપુર્ણપણે નષ્ટ થઇ ગયો જ્યાં ભયની લાગણી ઉત્પન્ન થાય છે.
આપણે ઉસેન બોલ્ટને ઓળખીએ છીએ જે દુનિયાનો સૌથી ઝડપી દોડવીર છે પણ તે કેટલી વાર મેરેથોનમાં ભાગ લઇ શકે બહુ બહુ તો એક કે બે વખત ત્યારબાદ તો તેના પગનાં સ્નાયુઓ પણ થાકી જાય પણ ડીન કાર્નેઝનાં પગનાં સ્નાયુઓ એટલા મજબૂત છે કે તે ક્યારેય થાકતો નથી અને તે સતત દોડી શકે છે.વ્યક્તિને ઉર્જા ગ્લુકોઝમાંથી મળે છે અને તેનું ઉત્પાદન બંધ થાય ત્યારે વ્યક્તિને થાક લાગતો હોય છે.પણ ડીનનું શરીર એવી ખાસિયત ધરાવે છે કે તેના શરીરમાં લેકટેકનું ઉત્પાદન પ્રભાવિત થતું જ નથી.પરિણામે તેને ક્યારેય થાકનો અનુભવ થતો જ નથી.ડીને તે જ્યારે હાઇસ્કુલમાં હતો ત્યારથી દોડવાનો આરંભ કર્યો હતો.તેની દોડવાની શક્તિ કેટલી પાવરફુલ છે તેનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે જ્યારે આખી શાળાની ટીમે પંદર લેપ્સ પાર કર્યા ત્યારે તેનો આંકડો ૧૦૫ને વટાવી ગયો હતો અને તે પણ તે ત્યારે અટક્યો જ્યારે તેને રોકવામાં આવ્યો.ત્યારબાદ તે ત્રીસ વર્ષનો થયો ત્યાં સુધી સતત દોડતો જ રહ્યો હતો.તેની આ વિશિષ્ટતાને કારણે જ તે એક વખત પચાસ દિવસમાં પચાસ મેરેથોનમાં દોડ્યો હતો.
શરીરનું તાપમાન, ચયાપચયની ક્રિયાઓ એવી છે જેના પર સામાન્ય વ્યક્તિનો કોઇ કન્ટ્રોલ હોતો નથી પણ તિબેટનાં સાધુઓનો દાવો છે કે તેઓ પ્રાચિન તુમ મો યોગની પદ્ધતિ વડે તેના પર કાબૂ રાખી શકે છે.તિબેટનાં સાધુઓ આપણા વાસ્તવને એક ભ્રમ માને છે અને તેઓ પારલૌકિક વિશ્વમાં વિશ્વાસ ધરાવે છે અને તેઓ પોતાની શક્તિઓ વડે તે વિશ્વમાં પ્રવાસ કરી શકે છે.જ્યારે તેઓ તુમ મોનો પ્રયોગ કરે છે ત્યારે ભયંકર ઉર્જા પેદા કરે છે જ્યારે વૈજ્ઞાનિકોએ પરિક્ષણ કર્યુ ત્યારે તેમને જણાયું હતું કે તેમની પગની અને હાથની આંગળીઓનું તાપમાન આઠ ડીગ્રી સુધી વધ્યું હતું.જો કે તેઓ માત્ર તુમ મોમાં માહેર છે તેવું નથી યોગની અન્ય વિદ્યાઓમાં પણ તે એટલા જ પારંગત હોય છે અને તેના વડે તેઓ પોતાની ચયાપચયની ક્રિયાઓ પર પણ વર્ચસ્વ ધરાવે છે અને તે ચયાપચયની ક્રિયા ચોસઠ ટકા સુધી ઘટાડી શકે છે.તેના કારણે તેઓ પોતાની ઉર્જા બચાવી શકે છે.જ્યારે માનવી ઉંઘમાં સરી જાય છે ત્યારે તે પંદર ટકા સુધી આ ક્રિયા કરી શકે છે.
ક્રિસ રોબિન્સન જ્યારે એક દિવસ ઉંઘમાંથી એક વિચિત્ર સપનાને કારણે જાગી ગયો હતો તેને સપનું આવ્યું હતું કે બે ગ્રહ આકાશમાં અથડાયા છે.પણ આ ઉંઘમાંથી તે જાગ્યો ત્યારબાદ તેને સમજાયું કે તે સપનાઓમાં ભવિષ્યને જોઇ શકે છે.તે જ્યારે સપનું જુવે ત્યારે તે ધારે ત્યારે ઉઠી શકે છે અને તે સપનાને નોંધી શકે છે.તેના પર આ અંગે પરિક્ષણ કરાયા હતા જેમાં તેને કહેવાયું હતું કે તે દસ જગાઓએ જશે અને તે આ જગાઓ અંગે સપના જુએ.રોબિન્સને દસ જગાઓ અંગે નોંધ કરી હતી અને તેણે આ જગાઓ અંગે એક એન્વેલપમાં નોંધ્યું હતું. જ્યારે પરિક્ષણ કરનારાઓ તે જગાઓ પર પહોંચ્યા ત્યારે તેમણે એ એન્વેલેપ ખોલ્યા ત્યારે તેમને જણાયું કે રોબિન્સને જે નોંધ કરી હતી તે યોગ્ય જ હતી.તેનાં પર અન્ય એક પરિક્ષણ કરાયું જેમાં તેને એક બોક્સમાં શું છે તે બાર દિવસમાં જણાવે.રોબિન્સને બાર વિચારો નોંધ્યા હતા અને નવાઇની વાત છે કે તે માત્ર બે વસ્તુઓ વિશે યોગ્ય કલ્પના કરી શક્યો હતો.
એસ્કીલ રોનિંગ્સબેક્કેનને દુનિયા ડેર ડેવિલ્સ તરીકે ઓળખે છે જેના પ્રયોગો ટેલિવિઝન પર પણ પ્રસારિત થાય છે.તેને બેલેન્સનો બેતાજ બાદશાહ ગણવામાં આવે છે.તે જ્યારે અઢાર વર્ષનો હતો ત્યારથી તેણે સર્કસમાં પોતાના ખેલ બતાવવાનું શરૂ કર્યુ હતું અને અગિયાર વર્ષ સુધી તેણે આ કામ કર્યુ હતું.તે દોરડા પર આગળ પાછળ સાયકલ ચલાવી શકે છે.જો કે તે કોતરો પર દોરડા પર આ પ્રકારે સાયકલ ચલાવી શકે છે.જો કે તે સ્વીકારે છે કે તેને તદ્દન ડર લાગતો નથી તેમ નથી.જો કે તે એ પણ દાવો કરે છે કે તે તરત જ તેના પર કાબૂ મેળવી શકે છે.રશિયાની નાતાલ્યા ડેમકિનને તેની શક્તિઓને કારણે એક્સરે ગર્લ તરીકે ઓળખવામાં આવે છે તે વ્યક્તિનાં આંતરિક અંગોને પણ જોઇ શકે છે.તેને આ શક્તિઓ તે જ્યારે નાની હતી ત્યારથી જ મળેલી છે જ્યારે તેના ઘેર મહેમાન આવે ત્યારે તે તેમનાં શરીરમાં શું છે તે જોઇ શકતી હતી.
ન્યુયોર્કનાં ડો. રે હ્યુમનને જ્યારે તેના વિશે જાણ થઇ ત્યારે તેને તેઓ પોતાની ક્લિનિક પર લઇ ગયા હતા અને તેને છ જેટલા દર્દીઓનું નિરીક્ષણ કરવા કહેવાયું હતું જેઓ અલગ અલગ પરિસ્થિતિ ધરાવતા હતા.જેમાં એકને ખોપરીમાં લોખંડની પ્લેટ નાંખવામાં આવી હતી તો એકનું એપેન્ડિક્સ કાઢી નાંખવામાં આવ્યું હતું જ્યારે એક દર્દી તદ્દન સાજો નરવો હતો.તેણે આ દર્દીઓને જોયા અને દરેક વિશે એક કાર્ડ પર નોંધ કરી અને તે કાર્ડ ડો. રેને સોંપ્યા જેમાં તેની નોંધ તદ્દન યોગ્ય હોવાનું નોંધાયું હતું જો કે તેને લોખંડની પ્લેટ અને એપેન્ડિક્સ અંગે થોડો ભ્રમ થયો હતો.