વિશ્વની ક્રાંતિકારી શોધો તો ઇતિહાસમાં તેના સંશોધકોને અમર કરી ગઇ છે અને તેમના વિશે અઢળક લખાયું છે આવા સંશોધનોએ સમગ્ર માનવજાતને બદલી નાંખવાનુું કામ કર્યુ હતું પણ આપણે રોજબરોજનાં જીવનમાં જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ તે વસ્તુઓના સંશોધનની કહાની પણ રસપ્રદ છે.
૧૯૪૬માં બે ફ્રેન્ચ સંશોધકોએ સ્વીમસુટની શોધ કરી હતી.જેક્વસ હીમ નામના કેન્સના સંશોધકે પહેલા ટુ પીસ સ્યુટ બનાવ્યો હતો જેને તેણે એટોમ નામ આપ્યું હતું.હીમે પોતાની આ શોધ માટે સ્કાયરાઇટિંગ પ્લેનને ભાડે લીધુ હતું જેમાં તેણે લખ્યું હતું એટોમ....વિશ્વનો સૌથી નાનો બાથિંગ સુટ.તેના ત્રણ સપ્તાહમાં જ ફ્રાન્સના ઓટોમોબાઇલ ડિઝાઇનર લુઇસે તેનાથી નાના વસ્ત્રો તૈયાર કર્યા હતા.તેણે બસ્સો સેન્ટીમીટર ફેબ્રીકસનો ઉપયોગ કર્યો હતો.જેમાં તેણે બાથિંગ સુટને અલગ કરી બ્રા અને સ્ટ્રીંગ બનાવ્યા હતા.આ વસ્ત્રને તેણે બિકિની નામ આપ્યું હતું.આ પહેલાના સ્વીમ સુટ મહિલાઓને વધારે આકર્ષક લાગતા ન હતા પણ આ બિકિનીએ મહિલાઓને પોતાની તરફ આકર્ષી હતી.જેને સૌપ્રથમ જુલાઇની પાંચમી તારીખે ૧૯૪૬માં પેરિસનાં લોકપ્રિય સ્વિમિંગપુલમાં ત્યારની એક્ઝોટિક ડાન્સર મિશેલિન બર્નાર્ડિનીએ રજુ કરી હતી અને તેણે વિશ્વભરની મહિલાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.જો કે અમેરિકામાં તે તેના પછીનાં વર્ષે રજુ થઇ પણ ત્યારે તેને એટલી લોકપ્રિયતા સાંપડી ન હતી.પણ બે દાયકા બાદ બિકિનીએ ત્યાં પણ ધુમ મચાવી હતી.લુઇસે પોતાની આ બિકિનીની જાહેરાતમાં લખ્યું હતું સ્મોલર ધેન ધ સ્મોલેસ્ટ બાથિંગ સુટ.
આપણે ટીવી પર જ્યારે લોકોને કસરત કરતા જોઇએ છીએ ત્યારે એક વિશાળ દડાને જોતા હોઇએ છીએ જેને સ્વીસ બોલ કહેવાય છે જેની શોધ ૧૯૬૩માં ઇટાલિયન દ્વારા કરાઇ હતી.તેનું નામ એક્વિલિનો કોસાની હતું અને તે પ્લાસ્ટીક ઉત્પાદક હતો.તેણે જિમ્નાસ્ટીક નામના રમકડાની શોધ કરી હતી.જેમાં તેણે અલગ અલગ આકારના બોલ બનાવ્યા હતા.ત્યારબાદ તેનો ઉપયોગ સ્વીત્ઝર્લેન્ડના બે તબીબો ડો.ઇલેસ્થ કોંગ અને મેરી ક્વિન્ટોને કર્યો હતો.જો કે તેમણે આ બોલનો ઉપયોગ નવજાત બાળકો પર કર્યો હતો.પુખ્તો પર આ બોલનો ઉપયોગ કરવાની શરૂઆત સ્વીસ ફિઝિકલ થેરાપિસ્ટ સુસાન ક્લિને કરી હતી.જ્યારે ૧૯૭૦માં અમેરિકામાં આ બોલનો સારવારની પદ્ધતિમાં ઉપયોગ કરવાની શરૂઆત જોઆન પોસ્નર મેયરે કરી હતી.તેમણે કોપનહેગનમાં આ બોલનો ઉપયોગ થતો જોયો હતો અને ત્યાંથી તેઓ તેમના ઘેર પાછા ફર્યા ત્યારે આ બોલ પોતાની સાથે લાવ્યા હતા.
૧૭૭૦માં અંગ્રેજ ઓપ્ટીશ્યિન અને ઇજનેર એડવર્ડ નૈરને પ્રથમ રબર ઇરેઝરને બજારમાં ઉતાર્યુ હતું.જો કે આજે પેન્સિલનાં લખાણને ભૂંસવા માટે તેનો વ્યાપક ઉપયોગ થાય છે પણ આ શોધ એ અકસ્માતે થયેલ શોધ હતી.ત્યારે પેન્સિલનાં લખાણને ભૂંસવા માટે બ્રેડનાં ટુકડાઓનો ઉપયોગ થતો હતો તેઓ એક વખત પેન્સિલનાં માર્કને ભૂંસવા માટે તેનો ઉપયોગ કરતા હતા ત્યારે તેમના હાથમાં અકસ્માતે રબરનો ટુકડો આવ્યો હતો અને તેમને જણાયું કે લખાણને ભૂંસવા માટે રબર વધારે અસરકારક છે.ત્યારબાદ તેમણે રબરની ક્યુબને ઇરેઝર તરીકે વેચવાની શરૂઆત કરી હતી.ત્યારબાદનાં વર્ષે અકસ્માતે આ જ વસ્તુ બ્રીટીશ કેમિસ્ટ જોસેફ પ્રિસ્ટલીનાં ધ્યાનમાં આવી હતી.જો કે ઇરેઝરનું પ્રથમ સ્વરૂપ લોકો માટે થોડું અસહ્ય હતું કારણકે તેમાંથી ગંધ આવતી હતી.જો કે ૧૮૩૯માં ચાર્લ્સ ગુડયરે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો હતો.પેન્સિલના પાછળનાં ભાગે ઇરેઝર લગાડવાની શરૂઆત ૧૮૫૮માં થઇ હતી.જો કે પહેલા તો અમેરિકાએ તેની પેટન્ટ આપવાનો હાયમેન લિપમેનને ઇન્કાર કર્યો હતો જો કે ત્યારબાદના દાયકામાં લિપમેને તેની પેટન્ટ મેળવી હતી.તેની ફેબર કંપનીએ ત્યારબાદ પેન્સિલ પર ગુલાબી રબર લગાડવાની શરૂઆત કરી હતી.હાલમાં ઇરેઝરમાં લેટેક્સનો ઉપયોગ થાય છે તો કેટલાક તેના માટે સ્ટેરિન અને બુટાડિનનો ઉપયોગ કરે છે.
શિયાળામાં ત્વચાની રક્ષા માટે લોકો પેટ્રોલિયમ જેલીનો બહોળો ઉપયોગ કરતા હોય છે.ક્યારેક તો તેનો એન્ટીસેપ્ટીક તરીકે પણ ઉપયોગ થાય છે.ત્યારે તેની શોધ કઇ રીતે થઇ અને તેનો શોધક કોણ હતો તે પ્રશ્ન થયા વિના રહેતો નથી.તેની શોધનું શ્રેય બાવીસ વર્ષના બ્રીટીશ કેમિસ્ટ રોબર્ટ ચેસબ્રોને જાય છે જે નવા શોધાયેલા પેટ્રોલિયમ પર કામ કરતો હતો અને તેના માટે તે પેન્સિલવેનિયાના ટીતુસવીલે ગયો હતો જ્યાં તેણે જોયું કે ઓઇલ વર્કરો પોતાના ઘા પર એક દ્રવ્ય લગાડતા હતા અને તે જ્યારે ઘેર પાછો ફર્યો ત્યારે તે આ પદાર્થ પોતાની સાથે લાવ્યો હતો અને તેના પર પ્રયોગ કરવાની શરૂઆત કરી હતી અને તેમાંથી તેણે મોટાભાગના ઉપયોગી પદાર્થ છુટા પાડ્યા હતા.તેણે મોટાભાગના પદાર્થ તેમાંથી કાઢી લીધા હતા અને છેલ્લે ગાઢ દ્રવ્ય બાકી રહ્યું હતું.જેને તેણે પેટ્રોલિયમ જેલી તરીકે ઓળખાવ્યું હતું અને તેની પેટન્ટ તેણે મેળવી હતી.તેણે ૧૮૭૦માં તેને વેસેલિનનાં નામે વેચવાની શરૂઆત કરી હતી.તેણે પોતાની આ વસ્તુને વેચવા માટે પોતાની જાત પર જોખમી પ્રયોગો કર્યા હતા તે જ્યારે તેના પ્રદર્શન માટે જતો ત્યારે પોતાની જાતને ઘા લગાવતો કે એસિડ વડે તેના અંગો બાળતો હતો અને ત્યારબાદ તેના પર વેસેલિન લગાડીને તેની ક્ષમતા દર્શાવતો હતો.તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે તે દરરોજ એક ચમચી વેસેલિન દવા તરીકે લે છે.
અંગ્રેજ વેપારી પીટર ડુરાન્ડે ૧૮૨૦માં રોયલ નેવીને પ્રોસેસ્ડ કેન ફુડ વેચવાની શરૂઆત કરી હતી પણ નવાઇની વાત એ છે કે કેન ઓપનરની શોધ તેના એક દાયકા બાદ થઇ હતી.પહેલું કેન લોખંડનું બનાવવામાં આવ્યું હતું અને લોકોને તે ખોલવામાં ભારે શ્રમ કરવો પડ્યો હતો લોકોએ તેને ખોલવા માટે હથોડાનો ઉપયોગ કર્યો હતો.જો કે યુકેનાં મીડલસેક્સમાં રહેનારા રોબર્ટ યેટ્સે લોકોની આ સમસ્યાને દુર કરી હતી તેણે ૧૩ જુલાઇ ૧૮૫૫માં પહેલા કેન ઓપનરની પેટન્ટ મેળવી હતી.જેમાં તેણે લિવર નાઇફ અને ગોળ બ્લેડનો ઉપયોગ કર્યો હતો.જો કે ત્યારબાદ કેન વધારે પાતળા બનવા માંડ્યા હતા અને તેને અનુરૂપ કેન ઓપનર વોટરબરીનાં એઝરા વોર્નર બનાવ્યું હતું.જો કે આ આઇટમ ત્યારે સામાન્ય લોકોમાં લોકપ્રિય થઇ ન હતી તેનું વેચાણ ગ્રોસરી સ્ટોરમાં થતું હતું.જો કે ૧૮૭૦માં હાલમાં વપરાતા કેન ઓપનર જેવું સાધન વિલિયમ લિમેને બનાવ્યું હતું.તેણે કેન પર લગાડાતા લિવરને કાપવા માટે તેનો ઉપયોગ થતો હતો.જો કે ત્યારબાદ કેલિફોર્નિયા, સાનફ્રાન્સિસ્કોની સ્ટાર કેન ઓપનર કંપનીએ ૧૯૨૫માં નવી ડિઝાઇનનું કેન ઓપનર બનાવ્યું હતું.
ગુંદરનો ઉપયોગ આજે આપણા રોજબરોજના જીવનમાં સામાન્યપણે થતો જ હોય છે પણ આ લોકોપયોગી પદાર્થ પણ અકસ્માતે જ શોધાયો હતો.૧૯૪૨માં એલાઇડ સોલ્ઝર્સ દ્વારા ગોળીબારના પરીક્ષણમાં લેવાતા સ્થળને સાફ કરવાનું કામ ડો. હેરી કુવરે કર્યુ હતું ત્યારે જ તેમને અને તેમના સહયોગીઓને દરેક સપાટી પર ચોંટી જતા એક કેમિકલનો પત્તો લાગ્યો હતો.૧૯૫૧માં ડો.કુવર ટેન્નેસીનાં કિંગસ્પોર્ટ ખાતેના કોડાકના કેમિકલ પ્લાન્ટમાં કામ કરતા હતા ત્યારે ફરી ્એકવાર તેમણે આ કેમિકલનો પરિચય મેળવ્યો હતો.ત્યારે તેમની ટીમ જેટ એરપ્લેનનાં હીટ રેઝિસ્ટન્સ પોલિમર પર કામ કરતી હતી ત્યારે તેમણે ફરી એક વખત સાયનોએક્રીલેટ પર પ્રયોગ કર્યોહતો અને તેમને આ પદાર્થની દરેક સપાટી પર ચોંટી જવાની ગુણવત્તાને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ત્યારબાદ તેમણે ઇસ્ટમેન ૯૧૦નાં નામે આ સુપરગ્લુનું વેચાણ શરૂ કર્યુ હતું.વિયેટનામના યુદ્ધ સમયે તબીબોએ ઘવાયેલા સૈનિકોના ઘા પર તેનો છંટકાવ કર્યો હતો જેના કારણે તેમને હોસ્પિટલ સુધી લઇ જવાનો સમય મળ્યો હતો.ત્યારબાદ તેનો ઉપયોગ ફોરેન્સિકમાં ફિંગરપ્રિન્ટ લેવામાં પણ થયો હતો.
રેપ ડ્રેસની ડીઝાઇન બેલ્જિયમની ડાયેન વોન ફુર્સ્ટનબર્ગે કરી હતી.તેના લગ્ન ઇટાલિના રાજકુમાર ઇગોન વોન ફુર્સ્ટનબર્ગ સાથે થયા હતા પણ તેને આ લગ્નથી સંતોષ ન હતો અને તેણે ૧૯૬૯માં ડિઝાઇનર તરીકે પ્રશિક્ષણ મેળવ્યું હતું અને તેણે ઇટાલીનાં ટેક્સ્ટાઇલ નિર્માતા એન્જેલો ફેરાટીની એપ્રેન્ટીસ તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી જો કે તેના લગ્ન ત્રણ વર્ષ બાદ તુટ્યા હતા અને તેણે ન્યુયોર્કમાં ફેશન ડિઝાઇનર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.તેને રેપ ડ્રેસનો આઇડિયા આમ તો અમેરિકાના રાષ્ટ્રપતિ રિચાર્ડ નિકસનની પુત્રી જુલી નિક્સનના ડ્રેસ પરથી આવ્યો હતો અને તેણે આ ડ્રેસ પરથી જ રેપ ડ્રેસની ડિઝાઇન કરી હતી અને તેને ત્યારે ભારે લોકપ્રિયતા મળી હતી.૧૯૭૬માં તે પ્રથમવાર બજારમાં આવ્યું અને તેના પાંચ મિલિયન યુનિટનું વેચાણ થયું હતું.
પ્રાચિન હવાઇમાં સર્ફિંગ સંસ્કૃતિ અને આધ્યાત્મિક જાગૃત્તિના પ્રતિક તરીકે માનવામાં આવતું હતું.હવાઇવાસીઓ પ્રભુને સારા મોજા અને સર્ફબોર્ડ બનાવવા માટે યોગ્ય લાકડાની પ્રાર્થના કરતા હતા.આ લાકડુ કોઆ કોઆ, વિલિ વિલિ અને ઉલા નામના વૃક્ષોમાંથી મેળવવામાં આવતું હતું.જો કે અઢારમી અને ઓગણીસમી સદીમાં જ્યારે અહી મિશનરીઓ આવ્યા ત્યારે તેમના માટે સર્ફિંગ વીકએન્ડની રમત બની રહી હતી.સદીઓથી મહિલાઓ માસિકના સમયે અનેક વસ્તુઓનો ઉપયોગ કરતી આવી છે પણ તેના માટે સૌપ્રથમ ડેન્વરના ડો.એરેલ હાસે સાધનની શોધ કરી હતી.જેને તેમણે ટેમ્પેક્સ નામ આપ્યું હતું.૧૯૩૪માં સંશોધકોના એક જુથે હાસની આ શોધની પેટન્ટ ખરીદી હતી અને તેના વેચાણ માટે તેમણે ટેમ્પેક્સ સેલ્સ કોર્પોરેશનની રચના કરી હતી.ત્યારે જો કે મહિલાઓને આ સાધન અંગે કોઇ જાણકારી ન હોવાને કારણે તેમણે ૨૬ જુલાઇ ૧૯૩૬માં અમેરિકન વીકલીમાં તેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી.જેમાં આ સાધન સૌથી વધારે સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો પણ અમેરિકન મેડિકલ એસોસિએશને તેનો વિરોધ કર્યો હતો.અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલમાં તેની એક જ જાહેરાત છાપવામાં આવી હતી.જો કે આ એક જ જાહેરાત તેમના માટે કામ કરી ગઇ હતી અને ૧૯૪૫માં તો અમેરિકન મેડિકલ એસોસિએશને પણ તેને માન્યતા આપી હતી.ડો. રોબર્ટ એલ ડિકેન્સને તેના પર વિશદ લેખ લખ્યો હતો.જેમાં તેમણે મહિલાઓ માટે આ પ્રોડક્ટ વધારે સુરક્ષિત હોવાની ચર્ચા કરી હતી.
લોની જહોન્સન નાસા માટે કામ કરતા હતા તે ઉપરાંત અમેરિકન એરફોર્સમાં પણ તે કામગિરી બજાવતા હતા આ સિવાય સંશોધનક્ષેત્રમાં પણ તેમની નામના હતી અને તેમણે પોતાના અનેક આઇડિયા પર પેટન્ટ મેળવી હતી.જહોન્સને ૧૯૮૨માં હીટ પમ્પ અંગે પ્રયોગ શરૂ કર્યા હતા.જેમાં તેમણે સામાન્ય રીતે વપરાતા ફ્રીઓનના સ્થાને પાણીનો ઉપયોગ કર્યો હતો.જ્યારે તેમણે પંપને બાથરૂમની સિંક પર લબડાવ્યો અને પંપ ચાલુ કર્યો ત્યારે પંપ દ્વારા તેમના ટબમાં પાણી ભરાયું હતું.આ આખી બાબતે જહોન્સનને વોટર ગનની શોધ કરવા માટે પ્રેરણા આપી હતી.જો કે તે પોતે તો આ ગન બનાવી અને વેચી શકતા ન હતા તેના કારણે તેમણે ડેઇઝી સાથે ભાગીદારી કરી હતી.જો કે ડેઇઝી આ વોટરગનનું યોગ્ય રીતે માર્કેટિંગ કરી શકી ન હતી આથી જહોન્સને એન્ટરટેકનો સંપર્ક કર્યો હતો પણ આ કંપની પણ દેવાળિયા બની હતી.૧૯૮૯માં જહોન્સનની મુલાકાત યુંગ સોંગના પ્રમુખ લારામી સાથે થઇ હતી અને તેમની વચ્ચે કરાર થયા હતા.જેમણે આ પ્રોડક્ટનું નામ બદલીને સુપર સોકર રાખ્યુ અને તેની પેટન્ટ મેળવીને નિર્માણ શરૂ કર્યુ હતું.જેણે જહોન્સનની જિંદગી બદલી નાંખી હતી તો વિશ્વના બાળકોને એક નવું રમકડુ મળ્યું હતું.