પ્રવિણ અને કાજલ સ્વભાવમાં બન્ને એક સરખાં હતાં. હા, વિચારો અને વર્તનમાં બન્નેમાં થોડો ઘણો તફાવત જોવાં મળતો હતો.
બે દિવસ પછી ચારુ મેડમે એમનાં કલાસમાં ડાન્સ પ્રોગ્રામનું ગ્રુપ બનાવી લીધું હતું. એ દિવસથી રોજ કોલેજનાં છુટવાનાં સમયનાં એક કલાક સુધી પ્રેક્ટીસની સુચના આપી દીધી હતી.
ડાન્સ પ્રેકટીસ ચાલું થવાથી છેલ્લો પિરિયડ મોસ્ટલિ ફ્રી રાખવામાં આવ્યો હતો. બીજાં સ્ટુડન્ટ્સ ફ્રી પિરિયડમાં એમની નોટ્સ બનાવવાનું કે પછી એકસ્ટ્રા રિડીંગમાં એમનો એક કલાકનો સમય વ્યથિત કરવાનું વિચારીને રાખ્યું હતું.
ડાન્સ પ્રેકટીસનો સમય થઈ ચુક્યો હતો. એક પ્યુનની સુચના મળવાથી પ્રવિણના કલાસમાંથી જે કોઈએ ડાન્સમાં પાર્ટ લીધો હતો એ એક મોટાં હોલમાં પ્રેકટીસ કરવાં જતાં રહ્યાં. જેમાં પ્રવિણ, કુલદીપ, કાજલ, ગીતા અને અન્ય બાર સ્ટુડન્ટ્સ ચારુ મેડમની સામે ઊભા રહી ગયાં.
"એય પ્રવિણ, સામે જો. પહેલી નવી આવેલી કાજલ જે હંમેશા એની આંખોને ચોપડીની અંદર ડુબાડીને રાખે છે. એણે પણ આ પ્રોગામમાં પાર્ટ લીધો લાગે છે. એ આટલી સુંદર છે કે આજે આટલી સુંદર લાગી રહી છે !"
કુલદીપે કાજલનાં કરેલાં વખાણથી અનાયાસે પ્રવિણની નજર કાજલ તરફ સ્થિર થઈ ગઈ. પીળા કલરનો સ્લિકનાં સલવાર અને ટોપ એણે પહેરેલાં હતાં. સ્લિકનો દુપટ્ટો જાંબલી કલરનો અને એમાં પીળા રંગની બાંધણીની ભાત છાપેલી હતી. જે એનાં ટોપ અને સલવારને મેચ થઈ રહી હતી.
માથાનાં વાળને ચોટલો વાળીને રાખ્યાં હતાં. આગળની લટ એક વાળમાંથી નીકળીને કાજલનાં ચહેરાં પર આવીને એને હેરાન કરે જતી હતી. કાજલ દર બીજી સેકન્ડે એની લટને કાનની પાછળ દબાવીને રાખે અને ફરી એક પંખાની લહેરખીથી ઊડીને કાજલનાં ગાલને સ્પર્શ કરે જતી હતી. કાજલનાં પાતળાં ધનુરાકારનાં હોઠ એ જ્યારે લટથી અકડાઈને દાંતો વચ્ચે બન્ને હોઠને ગુસ્સાથી દબાવતી તો પ્રવિણને પળવારમાં પંખો બંધ કરી દેવાની ઈચ્છા થઈ જતી હતી.
કુલદીપે પ્રવિણને કોણી મારી. પ્રવિણે કાજલ તરફ પોતાની નજરને હટાવી દીધી. એનાં જીવનનાં આટલાં વર્ષોમાં પ્રથમ વાર પ્રવિણની આંખો કોઈ છોકરીની મોહક અદાનાં ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હતી. કુલદીપની કોણી લાગતાં પ્રવિણ વર્તમાનમાં પાછો આવ્યો અને ચારુ મેડમે આપેલ સુચનામાં ધ્યાન આપવાં લાગ્યો.
"આપણાં ડાન્સનું ગ્રુપ સોળ સ્ટુડન્ટ્સનું છે. હું જેમ કહું એ રીતે તમારે પાર્ટનરમાં ડાન્સ કરવાનો રહેશે. કોઈ આનાકાની રહેશે નહીં." ચારુ મેડમે સખ્ત સુચના આપી દીધી.
"મેડમ, અમારો ડાન્સ કપલ્સ વગર કરીએ. એવું શક્ય નહીં બની શકે ?" મુંઝવણ ભર્યા સ્વરે કાજલ બોલી.
"કાજલ, આ ડાન્સ પ્રોગ્રામ છે. કોઈ આંદોલનમાં જવાની પ્રેકટીસ નથી કે કપલ્સ વગર થઈ શકે. સાફ સુચના મેં અગાઉ જ આપેલી હતી. હજું વહેલું છે. જો તારી ઈચ્છા કપલ્સમાં ડાન્સ કરવાની ના હોય તો હું બીજાં સ્ટુડન્ટ્સને રાખી દઉં."
ચારુ મેડમની વાત પછી કાજલને ગીતાએ કહેલાં શબ્દો યાદ આવ્યાં. ગીતાએ કહ્યું હતું કે એમ કોઈ કોઈની નજીક આવે તો પ્રેમ ના થાય. કાજલે હિમ્મત એકઠી કરી લીધી. એણે ચારુ મેડમને કહી દીધું કે કાંઇ પણ થાય એ આ ડાન્સ પ્રોગ્રામમાં પાર્ટ લઈને રહેશે.
ચારુ મેડમે પંદર મિનિટની અંદર દરેક સ્ટુડન્ટ્સની જોડી બનાવી લીધી. જેમાં સોમનાથ દાદાએ જાણે પ્રવિણ પર કૃપા કરેલી હોય તેમ એને કાજલ સાથે કેમેસ્ટ્રી બનાવીને ડાન્સ કરવાનો હતો. ગીતા કાજલથી અલગ ના થઈ જાય, એ માટે એને કુલદીપ સાથે ડાન્સ કરવાનું જણાવી દીધું હતું. બાકીની જોડી ફીક્સ થવાથી કુલ આઠ જોડીનું ગ્રુપ સ્વાતંત્ર્ય દિવસ પર ડાન્સ કરવાનું હતું.
ડાન્સ માટે ચારુ મેડમે રફી સાહબનું સોન્ગ 'એ વતન એ વતન હમકો તેરી કસમ...'સિલેક્ટ કરી નાખ્યું હતું. ડાન્સની શરૂઆત સરળ સ્ટેપની સાથે કરવામાં આવી.
કાજલની લાઈફમાં એનાં પપ્પા સિવાય અન્ય કોઈ બોયની નજીક જાવાનો પહેલો અનુભવ હતો. દરેકની સામે એણે પ્રવિણની સામે આંખો મિલાવ્યાં વગર એની નજીક ઊભી રહી ગઈ. કાજલને પોતાની પાસે ઊભા રહેતાં જોઈને પ્રવિણે શરમથી એની નજર બીજી તરફ સ્થિર કરી દીધી. ગીતા સ્વતંત્ર વિચારો ધરાવનારી હતી. એને કુલદીપની પાસે ઊભા રહેવામાં કોઈ સંકોચ થઈ રહ્યો ન હતો. ઉલ્ટનું કુલદીપને કોઈ ગર્લ સાથે ડાન્સ કરવાનો એ પણ એણે એનાં જીવનમાં કોઈ દિવસ ના કર્યો હોય. જેનાથી એ ખૂબ નર્વસ થઈ ગયેલો દેખાતો હતો.
ચારુ મેડમ સોન્ગની કેસેટ ચડાવવાં જતાં રહ્યાં. સ્ટુડન્ટ્સ અંદરો અંદર એમની ઓળખાણ આપવામાં વ્યસ્ત થઈ ગયાં. આઠ કપલ્સમાં પ્રવિણ અને કાજલ દરેક સ્ટુડન્ટ્સની વાતો સાંભળી રહ્યાં હતાં.
"તું અહીં સોમનાથમાં વર્ષોથી રહે છે. આપણે એક જ ક્લાસમાં છીએ પણ આમ જનરલિ આપણી વાતો થતી નથી. વેલ! આપણે સાથે ડાન્સ કરવાનો છે તો ઓળખાણ કરવી પડે." ગીતાએ બેધડક કુલદીપ સાથે વાત કરવાની શરૂઆત કરી દીધી.
"હા તો હું સોમનાથમાં રહેતો હોય તો જ કોલેજમાં અહી આવતો હોઉં."
"મારો મિનીંગ એમ હતો કે મને એમ કે તમે નજીકનાં ગામડેથી આવતાં હશો.શઆઈ એમ સોરિ તમને ખોટું લાગ્યું હોય."
"અરે, એવું તો લાઈફમાં હાલ્યાં કરે. મોજ કરો. તમને એક સવાલ પૂછી શકું ?" કુલદીપે હળવેકથી ગીતાને પૂછ્યું.
"પૂછો .." આશ્ચર્યનાં ભાવ કપાળ પર લાવતાં ગીતા બોલી.
"મને ડાન્સ કરતાં બિલકુલ આવડતો નથી. તમને ડાન્સ કરતાં આવડે છે ને ?"
"હા, ડાન્સમાં મારી માસ્ટરી છે. તમે બેફિકર રહો. હું તમારી પાર્ટનર છું તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરુર નથી."
ગીતાએ આટલું બોલીને કુલદીપ સામે જોયું. કુલદીપની નજર ગીતાની આંખોમાં સ્થિર થઈ ગઈ. ગીતાએ શરમાઈને એની આંખો નીચી કરીને બોલી.
"આઈ મીન હું તમારી ડાન્સ પાર્ટનર છું તો..."
"હા ..હા..આઈ નો.."
ગીતા અને કુલદીપ વાતોએ વળગી ગયાં. પહેલી મુલાકાતમાં બન્નેએ સારી દોસ્તી કરી લીધી. દૂરથી પ્રવિણ અને કાજલ તેઓ બન્નેને જોઈ રહ્યાં હતાં. કાજલ એનાં દુપટ્ટાનો એક છેડો તર્જનીમાં વીંટાળીને ચારુ મેડમનાં આવવાની રાહ જોઈ રહી હતી. કાજલ સાથે દોસ્તી કરવાં માટે પ્રવિણે વાતની શરૂઆત કરી.
"તમને મારાથી કોઈ શરમ આવતી હોય તો મને જણાવી દેજો. હું તો બિન્દાસ માણસ છું. તમારી જગ્યાએ હું બીજાંને મારી ડાન્સ પાર્ટનર બનાવી લઈશ." પ્રવિણે એનાં બોલકણાં સ્વભાવથી વાતની શરૂઆત કરી.
"તમને એવું કોણે કહ્યું કે મને તમારી શરમ આવી રહી છે ?"
"તમે તમારાં દુપટ્ટાનો છેડો તર્જનીમાં ફેરવી રહ્યાં છો. એનાં પરથી મે અંદાજો લગાડ્યો કે તમે મારાંથી શરમાઈ રહ્યાં છો."
"ના મારે આ પ્રોગ્રામમાં પાર્ટ લેવો જ છે અને હું લઈને જ બતાવીશ. એચ્યુઅલિ મેં આવાં કોઈ પ્રોગ્રામમાં પાર્ટ લીધો નથી. ખાસ કરીને કોઈ બોય સાથે કદી મેં કોઈ કામ કર્યું નથી. હું જસ્ટ નર્વસ ફીલ કરી રહી છું." કાજલે એનાં મનમાં જે સાચું હતું એ કહ્યું.
"સેમ પીચ. દ્યો તાલી."
પ્રવીણ થોડોક મૂડમાં આવી ગયો અને કાજલ સામે પોતાની હથેળી ધરી દીધી. કાજલ પ્રવિણની આવી હરકતથી એની સામે જોઈ રહી હતી.
"મને માફ કરી દેજો." પ્રવીણે પોતાની હથેળી પાછી લઈ લીધી," મારે પણ તમારી જેમ જ છે. હું ગર્લ્સની રિસ્પેક્ટ કરું છું. હજું કોઈ કામ બાબતે કોઈ ગર્લ સાથે વાત કરી નથી. બાકી મારાથી તમારે નર્વસ થવાની જરૂર નથી. મારો સ્વભાવ મજાકિયા મૂડનો છે એટલે મારી કંપની લેવાથી તમે કંટાળી નહીં જાવ." પ્રવિણે પોતાની સફાઈ આપી.
કાજલનું હંમેશા જરૂરિયાત પુરતું બોલવાનું હતું. એ કદી કોઈ સામે હસી મજાકમાં પણ વાત કરતી નથી. પોતાનાં કામથી કામ રાખનારી કાજલને પ્રવિણનો સ્વભાવ થોડોક વિચિત્ર લાગવાં લાગ્યો. પ્રવિણની કોઈ પણ વાતનો એણે આગળ કોઈ પ્રત્યુતર આપ્યો નહીં.
કાજલે પ્રવિણથી નજર હટાવીને ચારુ મેડમનાં આવવાની રાહ જોવાં લાગી. બાકીનાં સ્ટુડન્ટ્સ એમનાં પાર્ટનર સાથે ડાન્સનાં સ્ટેપ શીખવવાનાં ચાલું કરી નાખ્યાં.
ગીતાએ કુલદીપનો હાથ પકડીને પોતાની જગ્યાએથી રાઉન્ડ અપ કઈ રીતે લઈ શકાય, એ સ્ટેપ શીખવી રહી હતી. કુલદીપ રાઉન્ડ અપ કરવાં ગયો ત્યાં જ ભોંય પર પડી ગયો. કુલદીપને પડતાં જોઈને બાકીનાં સ્ટુડન્ટ્સ ઊભા રહીને હસવા લાગ્યાં.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા