Aekant - 37 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 37

Featured Books
Categories
Share

એકાંત - 37

હાર્દિકે એનાં પેરેન્ટ્સને એની ઘરે બોલાવી લીધાં હતાં. એનું એવું અનુમાન હતું કે જો કદાચ બની શકે કે એમનાં પેરેન્ટ્સ એનાં સાસરિયાં વાળાને સમજાવે તો આ મામલો ઠંડો પડી શકે; એ લોકોએ મૂકેલી શરત એ પાછી લઈ શકે.

રિંકલનાં પેરેન્ટ્સ પર હાર્દિકનાં પેરેન્ટ્સની કોઈ વાતની અસર થઈ રહી ન હતી. એમની ઈચ્છા હતી કે જો એ લોકો માની જાય તો બે વ્યક્તિનાં સાત જન્મ સુધી બાંધેલાં સંબંધો તૂટતાં બચી શકે.

બે વ્યક્તિ લગ્ન ગ્રંથીથી જોડાય છે ત્યારે બે વ્યક્તિઓ એક નથી થતાં પણ બે પરિવારો એક થઈ જાય છે. હાર્દિક અને રિંકલ અલગ થઈ જશે તો એમનાં પરિવારોમાં તિરાડ આવી શકશે.

હાર્દીકનાં મમ્મી અને પપ્પાએ એમનાથી બનતાં પ્રયાસો એમને મનાવવામાં કરી ચુક્યાં હતાં. રિંકલનાં પપ્પાએ હદ ત્યારે કરી કે જ્યારે એમણે હાર્દિકનાં ઘરમાં એનાં પપ્પાનું અપમાન કર્યું. હાર્દિકથી એ સહન ના થયુ. એણે જોરથી એક રાડ પાડી.

હાર્દિકનો અવાજ સાંભળીને રિંકલ પાસે રહેલ આર્ય ડરનો માર્યો રડવાં લાગ્યો. હોલની અંદર આર્યના રડવા સિવાય બીજો કોઈ અવાજ આવી રહ્યો ન હતો. એકદમ સન્નાટો પડી ગયો. દરિયા પર ભરતી આવે ત્યારે શાંત વાતાવરણ બની જાય છે. એ જ રીતે હાર્દિકના ઘરમાં શાંત વાતાવરણ થઈ ગયું. આવનાર તુફાન હાર્દિકના જીવનમા હંમેશને માટે એક ખાલીપો મુકી જતું રહેવાનું હતું. જેને જાણ એક હાર્દિકને જ હતી.

હદની પાર વ્યક્તિના કહેલા શબ્દો સહન કરી શકતા નથી, તો આપણું વર્તન અને સ્વભાવ આપણા વ્યક્તિત્વની વિપરીત થઈ જાય છે. એવુ જ હાર્દિક સાથે થઈ રહ્યું હતું.

આર્ય ચૂપ થઈ ગયો હતો. હાર્દિકે બે હાથ જોડીને બોલવાની શરૂઆત કરી : "સસરાજી કોઈ પણ કાળે, હું તમારી દીકરીને મારાં ઘરમાં રાખી શકતો નથી. તમારે હવે જે કાંઈ કરવું હોય એ કરી શકો છો."

"જેવી તારી મરજી. તારે મારી દીકરીને અહીં રહેવાં જ ના દેવી હોય તો ઘર ખાલી કરીને અત્યારે જ જતાં રહો. ચોવીસ કલાક તમે એમ પણ બગાડી નાખી છે. વધુ સમય હું નહિ આપુ." રિંકલનાં પપ્પાએ કહ્યું.

"આ અન્યાય છે. આ ઘરનાં દસ્તાવેજ ભલે રિંકલનાં નામનાં હોય. આ ઘરની લોનનાં હપ્તા હાર્દિક ભરતો આવ્યો છે. એણે મને કહ્યું હતું કે લોનના હપ્તા વધુ હોવાથી ઘર ખર્ચ માટે હું પૈસા મોકલી શકતો નથી." ઉશ્કેરાય જતાં હાર્દિકની મમ્મી બોલ્યાં.

"ઘરનાં દસ્તાવેજ જેનાં નામના હોય; ઘર એનું જ થઈ ગયું કહેવાય. તમારાં દીકરાએ સૌની સામે સારું બનવા ના જવાય કે એ કેટલો મહાન છે. પોતાનું ઘર એની પત્નીનાં નામે કરી દીધું." રિંકલની મમ્મી બેધડક જવાબ આપ્યો.

"મમ્મી, તમે વચ્ચમાં ના બોલો. એ લોકોએ બોલવાં જેટલું ઘણું બધું બોલી લીધું છે. હવે વધુ તમારું કે પપ્પાનું અપમાન થાય એવું  હું ઈચ્છતો નથી." હાર્દિકે એની સાસુમા સામે જોઈને કહ્યું. 

"હુ હમણા ઘર ખાલી કરી નાખું છું. પહેલાં રિંકલને પૂછી જોવો કે એ તમારી વાતમાં સહમત છે કે નહિ."

હાર્દિકે એની સાસુમાને કહ્યું. સૌ કોઈની નજર રિંકલ પર હતી. રિંકલનો ચહેરો કહી રહ્યો હતો કે હાર્દિક એને અને એનાં દીકરાને એકલાં મૂકીને જતો રહે; એનાથી એને કોઈ લેવાં દેવાં નથી. એ કશું બોલી જ નહિ પણ એની આંખો અને એનું વર્તન ઘણું બધું કહી જતું હતું. એની આંખો કહી રહી હતી, એને એ ઘરમાં પોતાને એકલાંને જ રાજ કરવું હતું. રિંકલનું બદલાયેલ વર્તનનું રાઝ હાર્દિક માટે આઘાત જનક હતું. 

"મને મારાં સવાલનો જવાબ મળી ગયો છે, રિંકલ. તારો ખૂબ ખૂબ આભાર કે એ રિયલાઈઝ કરવવાં માટે કે હું જેનાં પર જાન ન્યોછાવર કરી રહ્યો હતો, એ કદી મારી થઈ જ નથી. જે વ્યક્તિ પર મને વિશ્વાસ હતો. એ વિશ્વાસની સાથે હું એની સાથે અતુટ પ્રેમ સંબંધમાં બંધાઈ ગયો હતો. એણે મારી પીઠ પાછળ વાર કર્યો."

"કોઈ સપને પણ વિચારી ના શકે કે, જેને મારી સાથે બાઈક પર લોન્ગ ડ્રાઈવ પર ચાલવું એ જ સ્વર્ગ લાગી રહ્યું હતું. એણે એટલો પણ વિચાર ના કર્યો કે આ સાથે એણે એનાં સ્વર્ગની જ બલિ ચડાવી દીધી."

"જુઓ, રિંકલ મેડમ ! તમારી અનુમતિ હોય તો હું મારાં દીકરા આર્યને છેલ્લી વાર રમાડી શકું છું ? આ આશિયાના તમને મેં દાનમાં આપ્યું. હવે મારે આ આશિયાના સાથે કોઈ નિસ્બત નથી. મારું ખરું આશિયાના તો તું અને આર્ય હતાં. ભગવાન જાણે કે હું તમારાં બન્ને વિના એકલો કઈ રીતે જીવી શકીશ !"

હાર્દિકે રિંકલ પાસે આર્યને રમાડવાની વિનંતી કરી. વ્યક્તિની છેલ્લી ઈચ્છા તો હર કોઈ પૂરી કરે છે. રિંકલે હાર્દિકને આર્યને રમાડવાં આપી દીધો.

હાર્દિક અત્યાર સુધી એની આંખોમાં દુઃખનો દરિયો ભરી રાખ્યો હતો. એ આર્યને પોતાનાં હાથમાં લેતાં છલકાઈ ગયો. એણે આર્યને વહાલથી બાથ ભીડી લીધી અને મનની પીડાને એણે આંખોનાં આંસુ સાથે વહેડાવી દીધી. હાર્દિકના રડવાના અવાજથી આર્ય પણ રડવા લાગ્યો. જાણે ! એ પણ જાણી ચુક્યો હોય કે એક પિતા અને પુત્રનું મિલન ફરી ક્યારેય નહિ થઈ શકે.

એક કલાકની અંદર હાર્દિક અને એનાં પેરેન્ટ્સે ઘર છોડી દીધું. લગ્ન સમયે રિંકલને ચડાવેલાં દાગીના બેન્કનાં લોકરમાં સુરક્ષિત હતાં. દાગીના પણ તેઓ લોકોએ સાથે લઈ જાવાની મનાઈ કરી દીધી.

હાર્દિક પાટણ જે રીતે પહેરે કપડે આવેલો હતો. એ જ હાલતે ફરી પાટણ છોડવાની મુશીબત આવી પહોંચી હતી. આટલું થઈ ગયા પછી પણ હાર્દિકે હિમ્મત હારી નહિ. એણે ફરી પાછું એકડે એકથી શરૂઆત કરી.

હાર્દિક એના બિઝનેસ સાથે અડગ રહ્યો. એની મહેનતથી એણે પોતાનાં નામનો ફલેટ પાટણમાં વસાવી લીધો. બે વર્ષમાં એ જ્યાં હતો એથી પણ આગળ નીકળી ગયો હતો. એ રિંકલને મનાવવાની ટ્રાઈ કરતો રહ્યો પણ હંમેશા એને નિરાશા મળી રહી હતી.

આખરે હાર્દિકને ધીરે ધીરે રિંકલથી નફરત થવાં લાગી. એ હવે કોઈ કાળે ઈચ્છતો હતો નહિ કે રિંકલ ફરી એનાં જીવનમાં પાછી આવે. આર્યનું ભવિષ્ય એનાં પિતાનાં પડછાયે સુરક્ષિત રહે એ કારણે તે ચૂપ રહેતો હતો.

હાર્દિકે કંટાળીને વકીલ દ્રારા ડિવોર્સની નોટીસ રિંકલને પહોચતી કરી દીધી. દરેક તારીખ પર રિંકલ કોઈ પણ બહાના બતાવીને ડિવોર્સની અરજીને ફગાવતી રહેતી હતી. એની દાનત એકલાં રહેવામાં હતી અને હાર્દિકને પણ જીવનમાં એકલો રાખી દેવામાં હતી.

આ ઘટનાને પંદર વર્ષ થઈ ગયાં. હાર્દિક એનાં મિત્રો સામે પોતાનાં દુઃખને કહીને હળવો અનુભવ કરી રહ્યો હતો. એની આંખમાંથી આંસુઓ એ ઘટનાને યાદ કરીને બંધ થઈ રહ્યાં ન હતાં. પ્રવિણે એને દિલાસો આપ્યો એ પછી એ શાંત થઈ ગયો.

શાંત વ્યક્તિના હૃદયમાં ભીતરે આટલો દાવાનળ સળગી રહ્યો હતો. એ પ્રવિણે હાર્દિકની કહાણી સાંભળીને મહેસુસ કરી રહ્યો હતો.

નિસર્ગ અને હાર્દિકની એક સરખી લાગતી કહાનીમાં ઘણી બધી ભિન્નતા જોવા મળી રહી હતી. કોઈ એના પિતાને નફરત કરી રહ્યો હતો તો કોઈ એના દીકરાના વિરહમા તરફડીયા મારી રહ્યો હતો. એક પિતા વિનાની જિંદગી સાવ ખોખલી હોય છે, તેમ ઘરની અંદર દીકરાનો સાદ ના સંભળાવાથી પિતાની જિંદગી શૂન્યાવકાશ બની જાય છે.

હાર્દિક અને નિસર્ગની કહાની બન્ને એ એમનો ભુતકાળ જણાવ્યો હતો. રાજ તો આવી કહાની સાંભળીને ડરી ગયો હતો. એનું જીવન હજું આવી કોઈ પરિસ્થિતિથી પસાર થયું જ ન હતું. એને એના ભવિષ્યની ચિંતા થવા લાગી. કહાની સાંભળીને એક શીખ એને જરૂર મળી હતી કે મન મકકમ અને કઠોર પરિશ્રમથી આપણે આપણી ઈચ્છા શક્તિ મુજબનું ધ્યેય હાંસિલ કરી શકીએ છીએ.

"પ્રવિણભાઈ, હવે તમારૂ કોઈ પણ બહાનું નહિ ચાલે. તમારે કહેવું પડશે કે તમારા ચહેરા પર લાગેલ દાઘની પાછળ કેવું રહસ્ય છુપાયેલુ છે ?" હાર્દિકને મન એમ હતું કે એણે એના હૃદયમાં આટલા વર્ષો સુધી સંઘરેલ દર્દ બધા સામે જાહેર કરીને હળવોફુલ થઈ ગયો. પ્રવિણ એના ભુતકાળને કહી દે તો એ પણ હળવોફુલ બની જાય.

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"