ભારતના પ્રાચીન વારસાનું ગૌરવ લેનારા આપણામાંના ઘણા અસ્મિતાપ્રેમીઓને ભારતીય સંસ્કૃતિની પ્રાચીન દંતકથા અંગે ૧૦ સવાલો પૂછો, તો પણ તેઓ ટાઢાબોળ થઈ જાય છે ! જન્માષ્ટમીના દિને ગગનભેદી ગુંજન સાથે શ્રીકૃષ્ણની શોભાયાત્રઓ નીકળશે. ઉત્સવ ઉજવાશે. નંદ ઘેર આનંદ ભયો કહીને ‘જૈ કનૈયાલાલ કી’ કૃષ્ણ પ્રેમીઓ ગળું ફાડીને પોકારશે. પણ ભારતભૂમિના સહુથી પ્રસિઘ્ધ અને લોકપ્રિય ભગવાન એવા કૃષ્ણ વિશેની ઘણી ઝીણી ઝીણી વિગતો બહુ ઓછા અભ્યાસુઓને ખબર છે. ભાગવત-મહાભારતની કૃષ્ણકથા જગમશહૂર છે. પણ કૃષ્ણચરિત્રના અગાધ સાગરમાંથી શોધેલી થોડી માહિતીના મોતી કેટલાએ જોયા છે
* કૃષ્ણને આઠ પટરાણી હતી, એ બધા જાણે છે. પણ રૂકમણી, સત્યભામા અને જાંબવતી સિવાયની પાંચ કઈ ? પ્રદ્યુમન ઉપરાંત કૃષ્ણના સંતાનો કયા કયા ? લો વાંચો :
કન્નનપુરના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણી કૃષ્ણની મુખ્ય રાણી. તેનાથી કૃષ્ણને ૮ પુત્રો હતા : પ્રદ્યુમન, સુચારૂ, ચકભટ્ટ, સદાસ્વ, કાસ્વ, ચારગુપ્ત, ચારૂક, વ્યારૂકાસ અને એક પુત્રી ચારૂકહસ્તી !
રાજા સત્રાજીતની પુત્રી સત્યભામાથી કૃષ્ણને ૭ પુત્રો હતા : ભાનુ, ભીમરથ, ખાદ, રોહિત, દીપ્તિમાન, તાંબ્રંધ અને જલંધમ.
રામાયણવાળા રીંછ જાંબવાનની પુત્રી જાંબવતીથી કૃષ્ણને સામ્બ નામનો પુત્ર હતો.કૃષ્ણની અન્ય રાણીઓમાં રાજા સત્યજીતની પુત્રી રાધા, રાજા માંદ્રની પુત્રી લક્ષ્મણા, સૂર્યની પુત્રી સૂર્યા અને ભદ્રસેનની પુત્રી ભદ્રા પણ હતી. મંત્રવ્રંદની દીકરી મંત્રાવ્રંદાથી કૃષ્ણને અન્ય ૩ પુત્રો સુમિત્ર, ચારૂમિત્ર અને મિત્રવિંદ હતા ! ઉપરાંત શેબ્યા, હેમવતી, કાલિંદી વગેરે પણ એમની રાણીઓ હતી. બોલો, કૃષ્ણને કુલ ૨૦ પુત્રો અને એક દીકરી પણ હતી એ કેટલાને ખબર હતી ?
* કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનનો પુત્ર એટલે કે કૃષ્ણનો પૌત્ર અનિરૂઘ્ધ આજના મુલતાનના રાજા બાણાસુરની પુત્રી ઉષા સાથે પ્રેમલગ્નથી પરણ્યો હતો. એ બંનેનો પુત્ર (અને કૃષ્ણનો પ્રપૌત્ર) હતો મૃગકેતન. ઉષાના ભત્રીજી રમા તેની સાથે ઉષાના સાસરે દ્વારકા આવી ત્યારે ઉષાના કાકાજી અને કૃષ્ણના પુત્ર સામ્બે તેના પર મોહિત થઈ તેની સાથે લગ્ન કર્યા. એ બંનેના પુત્રનું નામ ઉષનીક. જે પાછળથી શોણિતપુરનો રાજા બનેલો.
* મોટા ભાગનો યદુવંશ લડી-ઝગડીને ખતમ થઈ ગયો, અને કૃષ્ણનો પારધીના બાણથી અંત આવ્યો, એ બહુ જાણીતી વાત. પણ કૃષ્ણના અંતિમ સંસ્કાર એના કયા પુત્ર-પૌત્ર-પ્રપૌત્રે કર્યા ? એ કોઈએ નહિ ! પણ પરમમિત્ર અને શિષ્ય એવા અર્જુને કૃષ્ણને અગ્નિદાહ આપ્ય ો હતો !* જૈનોના ૨૨મા તીર્થકર નેમિનાથ કૃષ્ણના પિતરાઈ હતા. તો વળી કૃષ્ણની હયાતીમાં પૌડ્રંક (પુંડરિક ?) નામના રાજાએ વળી વાસુદેવ કૃષ્ણ નકલી છે, પણ પોતે અસલી કૃષ્ણ છે તેવી સ્ટંટબાજી કરી હતી !* પુરાણોની જેમ જ ભારતમાં ‘તંત્ર’ના રહસ્યમય ગ્રંથોનો એક આગવો ઈતિહાસ છે. આ તંત્રમાં ઘણી જગ્યાએ કૃષ્ણનો ઉલ્લેખ - દેવી કાલિકા તરીકે થયો છે ! ‘તંત્રરાજ તંત્ર’માં એમ કહેવાયું છે કે મહાશક્તિ દેવી લલિતા સ્ત્રીરૂપમાં અનેક પુરૂષોના આકર્ષણનું કેન્દ્ર બની, ત્યારે એણે પુરૂષદેહ ધારણ કરીને અનેક સ્ત્રીઓને આકર્ષિત કરવાનું નક્કી કર્યું અને કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થઈ.
તંત્રમાં જ પાંચ ઈન્દ્રિયો મુજબ કૃષ્ણના પાંચ સ્વરૂપ વિચારાયા છે. કામરાજ ગોપાલ, મન્મથ ગોપાલ, કંદર્પ ગોપાલ, માર્કતેન ગોપાલ અને મનોભાવ ગોપાલ. તંત્રના એક પ્રાચીન ચિત્રમાં કૃષ્ણનું ‘કામેશ્વર’ તરીકે ચિત્ર દોરાયું છે, જેમાં તેમના હાથમાં શેરડીના સાંઠાનું ધનુષ બતાવાયું છે. એમાં કૃષ્ણના છ હાથ બતાવાયા છે, અને વાંસળીની સાથે ગોરસ પણ એમના હાથમાં દર્શાવાયો છે. ક્યાંક એમનો ઉલ્લેખ કાલિના જીવનસાથી તરીકે પણ થયો છે. જો કે, ‘બૃહદ્તંત્રસાર’માં કૃષ્ણ દેવતા તરીકે છે. શ્રીયંત્રની માફક એમનું પણ યંત્ર છે. એ યંત્રના કેન્દ્રમાં ‘કૃષ્ણાય ગોવિંદાય ક્લીમ સાઘ્ય ગોજનવલલ્ભાય સ્વાહા’ એવું લખાયેલું છે. કૃષ્ણને એમાં ‘સર્વજનપ્રિય’ તરીકે સંબોધવામાં આવ્યા છે.
* કૃષ્ણનું સુદર્શનચક્ર કે પાંચ જન્ય શંખના નામ જાણીતા છે. પણ કૃષ્ણનો મણિ ? એનું નામ કોસ્તુભ. એમની ગદાનું નામ કૌમાદિકી. સારથીનું નામ દારૂક. ખડ્ગનું નામ નંદ. અશ્વવિદ્યાના નિષ્ણાંત કૃષ્ણના રથે નિયમિત બંધાતા અશ્વો હતા : શૈબ્ય, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક.* ભગવદ્ગીતા સંભળાવતી વખતે અર્જુનને કૃષ્ણે કરાવેલા પોતાના વિશ્વરૂપનું વિરાટદર્શન ખૂબ જ જાણીતું છે. પણ આ ઉપરાંત કૃષ્ણે જીવનના વિવિધ તબક્કે વિશ્વરૂપદર્શન કરાવેલા. બાળલીલામાં બાળ કનૈયાએ માટી ખાધા પછી માતા જશોદાને મોં ઉઘાડી વિશ્વરૂપદર્શન કરાવેલું. પછી અક્રૂરને વિશ્વરૂપદર્શન કરાવેલું. હસ્તિનાપુરમાં શાંતિદૂત તરીકે વાટાઘાટ કરવા ગયેલા કૃષ્ણને કેદ કરવાનો આદેશ દુર્યોધને આપ્યો, ત્યારે એમણે વિશ્વરૂપદર્શન કરાવ્યું હતું. મહાભારતના યુદ્ધ પછી અર્જુનને ‘અનુગીતા’ સંભળાવીને પરત જતાં કૃષ્ણે ઉત્તંક ૠષિને વિશ્વરૂપદર્શન કરાવેલું.* યાદવોના પુરોહિત મુનિ ગર્ગે કૃષ્ણના નામકરણ સંસ્કાર કરતા. ભારતીય પ્રાચીન પરંપરામાં વાસુદેવ કૃષ્ણ ઉપરાંત પણ કૃષ્ણ નામની ઘણી વિભૂતિઓ છે. જેમકે, મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, મંત્રદ્રષ્ટા ૠષિ કૃષ્ણ આગિરસ, આયુર્વેદના પ્રથમ પ્રવર્તક એવા ૠષિ કૃષ્ણ આત્રેય ૠષિ કૃષ્ણ પરાશર અને કૃષ્ણહારિત વગેરે.
* ‘દિવ્ય પ્રબંધમ્’ જેવા પ્રાચીન તમિળ ગ્રંથોમાં કૃષ્ણને ‘કણ્ણન’ નામે ઓળખવામાં આવ્યા છે. એમની રાસલીલાને ‘કુરવૈ-કુત્તુ’ કહેવાય છે. કૃષ્ણની પ્રિયતમા તરીકે ‘નયિન્ને’નો ઉલ્લેખ છે. જેના પરથી રાધાનું પાત્ર ઉપસી આવ્યું હોવાનું ઘણા માને છે. બાય ધ વે, એ તો જાણતા જ હશો કે રાધાનું પાત્ર ઘણા અધિકૃત કૃષ્ણચરિતોના ગ્રંથોમાં નથી અને રાધા ઉંમરમાં કૃષ્ણ કરતા મોટી હતી !* સીરિયન લેખક જૈનબે નોંધેલું કે આર્મેનિયામાં ઈ.સ.પૂર્વે ત્રીજી શતાબ્દીમાં સરોથરના તટ પર મંદિરોમાં કૃષ્ણની વિશાળ મૂર્તિઓ રખાતી અને ત્યાં હજારોની સંખ્યામાં લોકો કૃષ્ણની ઉપાસના કરતા. આ મૂર્તિઓ પછી ખ્રિસ્તી આક્રમણમાં તૂટી ગયેલી.
* ભગવદ્ગીતા ઉપરાંત કૃષ્ણે મહાભારતના યુદ્ધ પછી રાજા બનેલા યુધિષ્ઠિરને ‘કામગીતા’ કહીને ધર્માચરણ સમજાવેલું. બાદમાં અર્જુને યુદ્ધના વખતની ડામાડોળ સ્થિતિમાં સંભળાવાયેલી ભગવદ્ગીતા ભૂલાઈ ગઈ એવી ફરિયાદ કરી ત્યારે તેને ‘અનુગીતા’ સંભળાવી. અંતકાળ નજીક હતો ત્યારે ઉઘ્દ્વવને ‘અવઘૂતગીતા’ સંભળાવી !
આજે જન્માષ્ટમીનું પર્વ છે. ભગવાન શ્રીકૃષ્ણ એક માત્ર એવી દિવ્ય હસ્તી છે કે જેનું પુજન, કિર્તન અને ઉજવણી વિદેશીઓ વર્ષોત્તર વઘુ ને વઘુ સંખ્યામાં કરતા જાય છે. આજે જન્માષ્ટમીની ઉજવણી અમેરિકાથી માંડી આફ્રિકા અને જાપાન, ચીન, ઇન્ડોનેશિયાથી માંડી બૌદ્ધ, ઇસ્લામ દેશોની બહુમતિવાળા દેશોના નાગરિકો કરશે. ‘ઇસ્કોન’ના નેજા હેઠળ વિદેશીઓ હરે રામા, હરે ક્રીષ્નાના મંત્ર સાથે રથયાત્રા કાઢશે, કીર્તન કરશે તેમજ ભારતભરના લોકોના અંતિમ ઘ્યેય સમાન હોટ ફેવરીટ ‘પ્રસાદ’ આરોગશે.
શ્રીકૃષ્ણ વિશ્વ મહામાનવ હોય તો જ વિશ્વભરની પ્રજાને તે સ્પર્શે. તેથી ખરા અર્થમાં તે સનાતન પ્રતિભા કહી શકાય. આપણે વિદેશી તહેવારો ઉજવીશું તેની પાછળના કારણો ભૌતિક હશે. તેમાં શ્રદ્ધાનું પરિબળ હોતું નથી પણ ભોગવવાનું બહાનું હોય છે. જ્યારે શ્રીકૃષ્ણમય બની જતા વિદેશીઓ તો તેના ગીતા ઉપદેશ તેમજ જીવન જીવવાની જે અદ્ભૂત ફિલસુફી તેમણે આપી છે તેનાથી ધન્ય થઇને ‘હરિ ક્રિષ્ના’નું શરણું લે છે. તેઓને શ્રીકૃષ્ણના ભક્તો બનતાં કંઇ વિશેષ ભોગવિલાસ મળતો નથી. ખરેખર તો તેઓ આ પ્રભાવમાં આવી વેજીટેરિયન બનતા જાય છે. ડ્રગ, દારૂ જેવા વ્યસનોથી તેના ભક્તો મુક્ત થતા જાય છે. સેક્સથી ભરપુર નાઇટ પાર્ટીઓમાં જવાનું બંધ કરી સાંજે માળા લઇ મંત્રના જાપ કરવા લાગ્યા છે.
કહેવાનું એટલું કે વઘુ ભોગ વિલાસનો માર્ગ હોત અને વિદેશીઓ શ્રીકૃષ્ણ તરફ આકર્ષાય તો સમજ્યા પણ ટોચના શ્રીમંતો, ઉદ્યોગપતિઓ, એક્ઝીક્યુટીવો ભૌતિક સુખ સગવડોને ફગાવી કે સીમીત કરી શ્રીકૃષ્ણના શરણે પહોંચવાનો માર્ગ પસંદ કરે છે.શ્રીકૃષ્ણ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ પામ્યા તેની પાછળના કારણો કયા હોઈ શકે ? સ્વાભાવિકપણે ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ આપેલ ગીતા તો વિશ્વનો શ્રેષ્ઠ ગ્રંથ સાબીત થઇ ગયો જ છે. ભગવાન શ્રીકૃષ્ણ મલ્ટીનેશનલ ભગવાન તરીકે સહજ સ્વીકાર્ય બની શક્યા તેનું બીજું પરિબળ એ છે કે શ્રીકૃષ્ણ સીવાયના ભગવાનો અને સંતોએ એટલું ઉચું જીવન ઉદાહરણ બેસાડ્યું છે કે સામાન્ય માનવીને એમ લાગે છે કે આવું તો આ ભગવાન કે સંત જ કરી શકે. આપણો ક્લાસ નહીં. આપણે તો સંસાર અને ભૌતિકવાદથી ખદબદતા છીએ. કોઈ આપણા કાનમાં શુળીઓ ખોંસી દે કે હાથમાં ખીલા ઠોકે કે વીંછી ડંખ આપતા જ રહે તો આ તો તેની પ્રકૃતિ છે તેમ કહી સહન કરી અને ક્ષમા આપીએ તેવી કક્ષા એક સામાન્ય માનવી ક્યાંથી લાવી શકે ? આથી આપણે જે તે ભગવાનો, સંતો, ગુરૂઓનો મહિમા ગાતા તેમને જ વંદન કરી અટકી જઇએ છીએ.આમ તો ભગવાન શ્રીકૃષ્ણ હિંદુ ધર્મના જ ભગવાન મનાય છે પણ તેઓ તેમના જમાનાથી બહુ મોટાગજાના સુધારક અને આદ્ય પુરૂષ બન્યા હશે. તેમને ખ્યાલ આવી ગયો હશે કે કળિયુગમાં ઇંદ્રિય અને ભૌતિક સુખ માટે પ્રજા સ્વાર્થી, કપટી અને દંભી બનતી જશે. સારા કર્મોનો મહિમા ભુલાતો જશે. પ્રજા પણ કાયરતા ધારણ કરશે.ગીતામાં આ બધી આસુરી વૃત્તિઓની સાથે જીવતા રહીને કઈ રીતે જીવનનું અંતિમ ઘ્યેય પ્રાપ્ત કરવું તેની ગુરુ ચાવી છે.ભગવાન શ્રીકૃષ્ણ પોતે જ અન્ય ભગવાન કે પરમહંસો જેમ ઊંચા અને કઠીન તપશ્ચર્યા કરનાર જીવન જીવ્યા નથી. ભગવાન શંકરની જેમ સ્મશાનમાં ભસ્મ ચોપડીને કે નીલકંઠની જેમ ઝેર ધારણ કરનારા તેઓ નથી. શ્રીકૃષ્ણ એક એવું બેનમુન વ્યકિતત્વ છે કે તેના શરણે જનાર ભારોભાર સંસારી તત્વો ધરાવતી વ્યકિત એમ માને છે કે શ્રીકૃષ્ણ પણ મારા જેવું કરતા હતા તો હું તો પામર માનવી છું. પણ, જેમ જેમ તે ગીતા પાઠ, તેમજ શ્રીકૃષ્ણ ચરિત્રના ગુઢાર્થો સમજવા માંડે તેમ તેને ખ્યાલ આવે છે કે તેને ભકિત માર્ગે લાવવાની શ્રીકૃષ્ણની લીલા વ્યુહાત્મક ચતુરાઈ સાથે કેટલી પાવન, તેમજ આત્મસાક્ષાત્કારભરી છે.‘જ્યારે જ્યારે અધર્મ તેની પરાકાષ્ઠાએ પહોંચશે ત્યારે હું જન્મ લઈશ’ તેનો એક અર્થ એ પણ થઈ શકે કે વ્યકિત તેના જીવનમાં જયારે આ જનમમાં કે પછીના જનમમાં અનિતી, અધર્મની પરાકાષ્ટાનું જીવન વિતાવે છે ત્યારે તેના જ્ઞાનનો માર્ગ ખુલે છે. તે એક ક્ષણે તો એવું વિચારતો થાય જ છે કે મેં આ બઘું શું કર્યું? કોના માટે? મેં શું મેળવ્યું? બસ આ જ ઇશ્વરના સાક્ષાત્કાર કે અવતરણની પ્રક્રિયા છે. ભગવાન શ્રીકૃષ્ણએ ખરેખર તો તેમના જીવન અને કથનમાં એકપણ એવું કૃત્ય કર્યું નથી જેનું આપણે અનુકરણ ના કરી શકીએ.તેમણે ૧૬૦૦૦ રાણીઓ હતી તેમ જણાવી ઘણા પુરૂષો બે-ચાર સ્ત્રીઓ જોડે સંબંધ બાંધી તેમની ભોગલાલસાને યોગ્ય લેખાવે છે. યુદ્ધમાં રાજાઓ બીજા રાજાઓ જોડે હારી જાય કે માર્યા જાય તેમની રાણીઓ વિધવા બની જતી હતી. વિજેતા રાજા આ રાણીઓને લુંટીને લઇ જતા હતા. શ્રીકૃષ્ણએ આવી રાણીઓને બચાવી, ઉગારી અને આશ્રય આપ્યો હતો. શું એક પુરૂષ કોઇ લાચાર સ્ત્રીને શ્રીકૃષ્ણની જેમ મદદ કરી ના શકે? આ રાણીઓ ત્યકતા, વિધવા કે વેશ્યાની જેમ જીવન વિતાવત તેની જગ્યાએ શ્રીકૃષ્ણએ તેમને સામાજિક ગૌરવ આપ્યું હતું. તેવી જ રીતે ગોપીઓ અને કૃષ્ણના પ્રેમમાં પણ કવિઓએ સૌંદર્ય અને કામરસ ઉમેરી અને શ્રોતા કે વાચકોમાં લોકપ્રિય થવાનું જ કામ કર્યું હતું. ‘હરિવંશ’માં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કૃષ્ણએ મથુરા જવા ગોકુળ છોડયું ત્યારે તેમની ઉંમર માત્ર નવ વર્ષની જ હતી. ત્યારપછી તેઓ ગોકુળ આવ્યા જ નથી. શું ગોપીઓ નવ વર્ષના બાળકૃષ્ણ માટે એક સમવયસ્ક પ્રેમી જેવી કલ્પના કરી શકે? મહોલ્લામાં એક પ્રેમાળ અને ગમ્મત પુરી પાડતો બાળક જે પ્રેમ મેળવે તે જ બાળગોપાળને ગોપી તરફથી મળતો હતો. તેઓને બાળગોપાળમાં દિવ્યદર્શન થયા હતા તેથી તેમને ઇશ્વરીય બાળક ગણતા હતા.શ્રીકૃષ્ણએ કોઇ જોડે અન્યાય કર્યો નથી કે નથી કોઇને દગો દઇને, છળકપટ કરીને મોત આપ્યું. તેમણે મહાભારત યુદ્ધમાં કૌરવો અને પાંડવોને કોની સાથે તે રહે તે પસંદગી કરવાની સમાન તક આપી હતી. તે શત્રુઓની નબળાઇ શોધીને તેના જ મોતે મરે તેમ કરતા હતા. શત્રુને તેઓ ચેતવતા પણ હતા. લગભગ અમર રહેવાના વરદાન મેળવેલ કુપાત્રોને મારવા તે વરદાનની શરતોમાંથી નબળી કડી શોધી લેતા હતા. તેઓ ખરેખર તો ક્યારેય રાજા બન્યા જ નથી. ગાદી કે યજ્ઞોમાં રાજા તરીકે બેઠા નથી. તેઓની બુદ્ધિ, વ્યૂહ,કૂટનીતિ ધર્મ માટે હતી. આજના રાજકારણીઓ દ્રષ્ટા કે પોતાની જાતને ચાણક્ય કે ભગવાન કૃષ્ણ સમજનારાઓએ યાદ રાખવું જોઇએ કે તેઓ શકુનીથી વિશેષ કંઇ નથી.શ્રીકૃષ્ણને મુલવવા તે કીડી હિમાલય બતાવવા આપણને લઇ જાય તેના કરતા પણ મોટા ગજાનું કાર્ય છે. શ્રીકૃષ્ણ જીવનને ઉત્સવ તરીકે માનનારાઓના ભગવાન છે. પણ તેમના નામે ભોગવિલાસ, ઇન્દ્રીય સુખો અને શૃંગાર રસમાં જ પડયા રહેનારાઓએ શ્રીકૃષ્ણ ચરિત્રનો તેના અર્થઘટનને બે વખત સમજવાની જરૂર છે. એટલું યાદ રાખો શ્રીકૃષ્ણ તમે પાંડવ જેવા રહેશો તો તમારી સાથે રહેશે. કૌરવ જેવા થશો તો તમારો નાશ, પતન નક્કી છે.
કૃષ્ણની રાસલીલાવાળા દ્રશ્યો, માખન ચોરીને ખાતા, ગોપીઓને છેડતા દ્રશ્યો જોઇ-વાંચીને ઘણીવાર વિચાર આપે છે કે, આ જ કૃષ્ણનું મહાભારતકાળનું એક બીજું પણ રૂપ છે જેમાં તેઓ એક કુટનીતિજ્ઞ, વિદ્વાન રાજનેતા અને વિદ્રોહી યોઘ્ધા તરીકે ઝળક્યા છે. પાંચજન્ય શંખ ફુંકતા ચક્ર ધુમાવતા કે રથનું પૈડું ઉઠાવતા નાયક અને આદર્શ સલાહકાર કૃષ્ણનું અદ્વૈત રૂપ આજના સંદર્ભમાં જોઇએ તો વઘુ મહત્ત્વ ધરાવતું નજરે પડે છે જે ઠેરઠેર દર્શાવવું જોઇએ.કૃષ્ણ જન્મજાત વિદ્રોહી હતા અથવા તો નારાજ યોઘ્ધા હતા એમ કહી શકાય. જેલમાં જન્મ અને ત્યાંથી રાતોરાત ચમત્કારિક બચાવ અને ત્યાર પછી જે કંઇ બન્યું એ ચમત્કારિક છે.બાળપણમાં ગરીબ કિસાનોના બાળકો અને વિકલાંગ બાળકો સાથે રમતાં રમતાં કૃષ્ણ ખોટી વાત હોય ત્યાં ઝઘડી પડતા હતા. વિદ્રોહ બાળપણથી જ એમનામાં ઠાંસીઠાંસીને ભર્યો હતો.બાળપણમાં એમણે દેવોની પૂજા શા માટે કરવાની ? ઇન્દ્ર કોણ છે ? એની પૂજા કેમ કરવાની ? એવું કહી ઇન્દ્રને ધરાવેલો ભોગ કૃષ્ણ પોતે આરોગી ગયા હતા. કૃષ્ણથી પૂર્વેના બધા ચરીત્ર નાયકો અવતારી પુરૂષ હતા. પરંતુ કૃષ્ણ એ બધાથી નોખા તરી આવે છે.કૃષ્ણ એક એવા મહાન નાયક છે જે મનુષ્ય બનવા ચાહે છે. ભરપૂર ખાવું-ખવરાવવું. લોકોને પ્રેમ આપવો અને બધા માટે ત્યાગની ભાવના રાખવી એ એમનો સ્વભાવ હતો.કૃષ્ણની આ વાતો સમજવા જેવી છે. દેવપુરૂષ તરીકે નહીં પણ માનવસ્વરૂપે એમણે જે સિઘ્ધાંતો અમલમાં મૂક્યા એ યુગોયુગો સુધી માનવીને ડગલે ને પગલે કામ આવે તેવા છે. ઉદાહરણ તરીકે જોઇએ તો, સમજણા થયા ત્યારે એમણે ગામમાંથી બહાર દૂધ વેચવા જતા લોકોનો વિરોધ કર્યો હતો ને કહ્યું હતું કે, જ્યાં સુધી ગામની દરેક વ્યક્તિને દૂધ ન મળે ત્યાં સુધી ગામનું દૂધ બહાર ન જવું જોઇએ.બધાને દૂધ મળે ને તો ય વધે તો બહાર વેચવું જોઇએ એવો એમનો આગ્રહ હતો. આ પ્રસંગમાં ગામની એક્તા પર એમણે ભાર મૂક્યો છે. પહેલા ગામનું ભલું કરો, પછી બીજાનું એવું એમણે બાલ્યાવસ્થામાં લોકોને શીખવાડ્યું હતું.ત્યારબાદ જેણે લોકતંત્રની હત્યા કરી પિતાને કારાવાસમાં ધકેલી દીધા હતા તે અત્યાચારી કંસની હત્યા કૃષ્ણ એ મનોવૈજ્ઞાનિક ઢબે કરી હતી. પરંતુ એની હત્યા પછી તેમણે રાજગાદી પર બેસવાને બદલે લોકતંત્રની સ્થાપના કરી હતી.એમની યુઘ્ધનીતિ પણ જેવા સાથે તેવા જેવી હતી. વાર કરો અને ભાગી જાવ જેવી હતી. જે હજારો વર્ષ પછી છત્રપતિ શિવાજી, કમાલપાશા અને ગેરીબાલ્ડો જેવાઓએ અપનાવી હતી.તમામ ભારતીય ધર્મગંર્થોમાં ગીતાએ ક્રાંતિકારીઓને ખૂબ પ્રભાવિત કર્યા હતા કારણ કે એમાં કૃષ્ણ થકી જે પ્રેરણા મળે છે એ બીજેથી નથી મળતી. કેટલાય, ક્રાંતિકારીઓ હાથમાં ગીતા રાખીને ફાંસીના માંચડે લટકી ગયા હતા.આમ શ્રીકૃષ્ણનો પ્રભાવ ક્રાંતિકારીઓ પર સૌથી વિશેષ હતો, કારણ કે તેઓ પૂર્ણ પુરૂષ હતા. યોગી હતા તો ભોગી પણ હતા ને સ્થિતપ્રજ્ઞ હતા. કૃષ્ણ એંઠા પતરાળાં ઉઠાવે છે, સારથી બનીને રથ ચલાવે છે, વાંસળી વગાડે છે તો શંખનાદ પણ કરે છે, ને બઘું પૂરી લગનથી કરે છે, ક્યાંય બનાવટ કે દંભ નથી.
રામ અને કૃષ્ણ વચ્ચે મૌલિક અંતર છે. રામ શાંત, ઉદાર, મીઠા અને સુસંસ્કૃત યુગના નાયક છે તો કૃષ્ણ જટીલ, તીખા, તેજ અને પ્રખર બુઘ્ધિયુગના નાયક છે.કર્મ કરવામાં કદાચ કૃષ્ણ અવતારી પુરૂષોથી પણ આગળ છે છતાં આપણો યુગ એમના આદર્શ અપનાવતા ગભરાય છે. કૃષ્ણની કુટનીતિ સમયાનુકુળ, સામયિક અને પ્રાસંગિક હતી છતાં માનવી એને અપનાવવામાં માનવી પાછો પડે છે.કૃષ્ણની એક વિશેષ ખાસિયત એ પણ હતી કે તેઓ કદી ભાવુક નહોતા થતા ને રોતા નહોતા. રામનું ચરીત્ર એથી સાવ વિપરીત છે. એમના જીવનમાં એટલા દુઃખ પડ્યા હતા કે એમને નિરંતર કરૂણ અવસ્થા ભોગવવી પડી હતી.કૃષ્ણ અડગ હતા, ભાવુક નહોતા છતાં ક્યારેક એમની આંખમાં આંસુ આવ્યા હતા. જ્યારે લબરમૂછીયા અભિમન્યુને કૌરવ યોઘ્ધાઓએ ચક્રવ્યૂહમાં ઘેરી લઇ દગાથી મારી નાખ્યો હતો ત્યારે તેમની આંખો ભીની થઇ હતી.એ જ રીતે કોઈ અબળાને દુષ્ટો પીડા આપે ત્યારે પણ એમને દુઃખ થયું છે. નારીને એમણે હંમેશા પુરૂષની સમકક્ષ રાખી છે.શ્રી કૃષ્ણની કુટનીતિનો તો જવાબ જ નથી. મહાભારતના યુઘ્ધમાં કર્ણને મારવાનો હતો પણ એ મહાન યોઘ્ધાને મારવો સરળ નહોતું એ જાણતા હોઈ કૃષ્ણ તાબડતોબ કુંતિને કર્ણ પાસે જવાનું કહે છે ને સલાહ આપે છે કે, કર્ણ તેનો જ પુત્ર છે એ રહસ્ય ખોલવાનો સમય આવી ગયો છે -આની પાછળનો તર્ક એવો હતો કે, કર્ણને ખબર પડે કે એ અર્જુનનો ભાઈ છે એવું જાણ્યા પછી અર્જુન પર વાર કરતા ખચકાશે.બીજી તરફ કર્ણના સારથિ શલ્ય બનવાના હોઈ કૃષ્ણ ફરી એકવાર મનોવૈજ્ઞાનિક ઢબે રસ્તો કાઢી યુઘ્ધિષ્ઠિરને શલ્ય પાસે મોકલી કહેવરાવે છે કે, તમારા જેવા મહાન યોઘ્ધા સૂતપુત્રનો રથ ચલાવશે ?મામા શલ્યના અહમને ઠેસ પહોંચે છે ને એનું પરીણામ કર્ણને માટે હાનિકારક નીવડે છે - યુઘ્ધમાં કૃષ્ણ અર્જુનને પોરસ ચડાવે છે કે, ‘માર, અર્જુન તારો ધર્મ અનિષ્ટ તત્ત્વોનો નાશ કરવાનો છે.’ સામે પરાણે સારથિ બનેલા શલ્ય ચાલુ યુઘ્ધે કર્ણને ટોણા મારે છે કે ‘સૂતપૂત્ર, તું શું લડવાનો છે ?’આજના જીવનમાં પણ કર્ણના રથ પર બેઠેલા શલ્ય જેવા ઘણા માણસો હોય છે જે વારંવાર તું શું કરવાનો ? તું શું લડવાનો ? કહે છે. માનવીનું અર્ઘુ સાહસ અને વીરતા આવાં ટોણાથી ખતમ થઇ જાય છે.શ્રીકૃષ્ણની સાયકોલોજી અતિસૂક્ષ્મ છે. બારીક છે જે તનને નિર્બળ કરવા માટે પ્રથમ મનને નિર્બળ કરે છે.
કૃષ્ણની રણનીતિ ઘાતક પણ છે. યુઘ્ધમાં અર્જુન કોઈ પણ રીતે કર્ણને પરાજીત નથી કરી શક્તો ત્યારે એકાએક કર્ણના રથનું પૈડું તૂટી જાય છે. તે નીચે ઉતરીને તેને ઠીક કરવાનો પ્રયત્ન કરે છે તે વખતે લાગ જોઇને કૃષ્ણ અર્જુનને ઉશ્કેરે છે કે, ‘અર્જુન માર, આ જ સમય છે કર્ણને ખતમ કરવાનો.’આ ક્ષણે માત્ર કર્ણ જ નહીં, અર્જુન પણ અવાક બની જાય છે. કારણ કે પૈડું સરખું કરતો કર્ણ એ વખતે નિશસ્ત્ર હતો ને હથિયાર વિનાના યોઘ્ધા પર વાર કરવો ધર્મયુઘ્ધના નિયમોથી વિરૂઘ્ધ ગણાય, પરંતુ કૃષ્ણ એ વખતે અર્જુનને એવો તર્ક બતાવે છે કે, ‘અધર્મને ક્ષમ્ય ગણી જવા દે એ ધર્મ નથી. કર્ણ દાની છે, મહાન યોઘ્ધો છે, પરાક્રમી છે પરંતુ અધર્મની સાથે છે. ભરીસભા વચ્ચે અસહાય નારી (દ્રૌપદી)નું ચીરહરણ થઇ રહ્યું હતું ત્યારે એનો ધર્મ ક્યાં ગયો હતો ? પરાક્રમી યોઘ્ધાઓએ ભેગા મળીને અભિમન્યુ જેવા નિઃશસ્ત્ર બાળકની હત્યા કરી નાખી ત્યારે એનો ધર્મ ક્યાં ગયો હતો ? માટે જ અર્જુન માર.’અભિમન્યુ અર્જુનની કમજોરી હતી એટલે કૃષ્ણના શબ્દોએ એના મર્મસ્થળ પર એવો ઘા માર્યો કે, અર્જુને કર્ણ પર અંતિમ અને ઘાતક વાર કર્યો.આવું છે કૃષ્ણનું અલૌકીક રૂપ એ સજ્જનોના સખા છે તો અન્યાયી અને અધર્મીઓના દુશ્મન પણ છે. બધે એમના બે રૂપ છે.એમની મા બે, દેવકી અને યશોદા. પિતા બે, નંદ અને વસુદેવ. નગરી બે મથુરા અને દ્વારકા. એમને મનથી સમર્પીત પ્રિય સખીઓ પણ બે, રાધા અને મીરા. આવી જ રીતે એમના રૂપ પણ બે છે. એક નટખટ, મનમૌજી અને રમતીયાળ કૃષ્ણ તો બીજા અન્યાય સામે કુટનીતિથી લડનારા. ક્યારેક હાથમાં વાંસળી પકડી મઘુરા સૂર રેલાવનારા તો ક્યારેક અત્યાચાર સામે રણભૂમિમાં રથનું પૈડું ઉઠાવનારા.શોષણ, અન્યાય અને અત્યાચાર સામે રથના પૈડાની જેમ અવાજ ઉઠાવનાર શક્તિ જ ઇશ્વરનું રૂપ છે.
ભગવાન વિષ્ણુરૂપે, અવતારી પુરૂષ તરીકે, પુરૂષોત્તમરૂપે કે નારાયણ તરીકે શ્રીકૃષ્ણને નીરખવામાં આવ્યા છે. જુદા જુદા ગ્રંથોમાં શ્રીકૃષ્ણના કેટલાં નામો મળે છે. એટલા નામો અને એ અમુક ગુણો દર્શાવનારા કવચિત જ મળે છે. જરા જોઈએ શ્રીકૃષ્ણના એ નામો.
ઉપેંદ્ર, દામોદર, વ્રજરાજ, વિષ્ણુ, ગિરિધારી, કંસારાતિ, ગરુડગામી, અધોક્ષજ, નારાયણ, શામળિયા, વાસુદેવ, ગોવિંદ, ગોપાળ, વૈકુંઠ, સ્વયંભૂ, સારંગપાણિ, ૠષિકેશ, મુરારિ, બલિઘ્વંસી, દેવકીનંદન, કૈટભજિત, પુરુષોત્તમ, શૌરી, વિઘુ, શ્રીવત્સલાંછન, કનૈયા, મુરલીધર, ચક્રપાણિ, દૈત્યારિ, કેશવ, જનાર્દન, ત્રિવિક્રમ, પુંડરીકાક્ષ, ગરુડઘ્વજ, વનમાળી, નંદકિશોર, પીતાંબર, વિશ્વકસેન, વિઠ્ઠલ, કહાન, મદનમોહન, ત્રિકમ, મઘુસૂદન, નટવર, અચ્યુત, પદ્મનાભ, મઘુરિપુ વગેરે.
શ્રીકૃષ્ણનું ચરિત્ર આલેખતા ગ્રંથોમાં હરિવંશ, મહાભારત, ભાગવત્, વિષ્ણુપુરાણ, પ્રાચીન તમિલ સાહિત્ય, તમિલ ભાષામાં લખાયેલું ‘દિવ્યપ્રબંધમ્’, ગર્ગસંહિતા વગેરેમાં મળે છે. આ દરેક સાહિત્યમાં શ્રીકૃષ્ણનું આલેખન જુદી જુદી રીતે થયું છે. પ્રાચીન તમિલ સાહિત્યમાં કણ્ણન (કૃષ્ણ) અને નપ્પિનૈનીની લીલા અને નૃત્યનો ઉલ્લેખ મળે છે. આ નપ્પિનૈની અને શ્રીકૃષ્ણની મૂર્તિની યુગલ ઉપાસના તમિલ મંદિરોમાં થતી અને તેમાં નપ્પિનૈ માતાની સર્વ જીવો તરફ કરુણાભાવ રાખતી હતી અને તે ભગવાન શ્રીકૃષ્ણને એવા કરુણાભાવ માટે પ્રેરતી હતી.
આ તમિલ નૈપ્પિનૈના પાત્રમાં રાધાના પાત્રનું બીજ જોઈ શકાય છે અને શ્રીકૃષ્ણ અને રાધાનો સંબંધ કોઈ દૈહિક સંબંધ નથી પરંતુ આઘ્યાત્મિક સંબંધ છે. વળી એ બંને વચ્ચે અભેદ છે એવું વર્ણન આલેખતાં ‘બ્રહ્મવૈવર્તપુરાણ’ કહે છે કે રાધા એ કૃષ્ણની શોભા છે. એકલા શ્રીકૃષ્ણ તો કાળા છે આથી એ ‘કૃષ્ણ’ કહેવાય છે પણ રાધાની સાથે હોય ત્યારે ‘શ્રીકૃષ્ણ’ અર્થાત્ શોભાવંત કૃષ્ણ કહેવાય છે.કૃષ્ણ અને રાધા વિશે આ ગ્રંથ નોંધે છે કે રાધા એ સૃષ્ટિની આધારભૂતા છે અને શ્રીકૃષ્ણ અચ્યુત બીજરૂપ છે. જેમ દૂધમાં ધવલતા, અગ્નિમાં દાહકતા અને પૃથ્વીમાં ગંધ છે એમ શ્રી કૃષ્ણ રાધામાં વ્યાપ્ત છે.શ્રીકૃષ્ણના અશ્વના રથનાં નામ સુગ્રીવ, મેધપુષ્ય, શૈબ્ય અને બલાહક મળે છે. તો એમની આઠ પટરાણીઓના નામ ભાગવત અને હરિવંશમાં જુદા જુદા મળે છે. આ અઠ પટરાણી તે રુકિમણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા. જ્યારે શ્રીકૃષ્ણના પુત્રના પ્રદ્યુમ્ન, ભાનુ, સાંબ જેવા નામો મળે છે. શ્રી કૃષ્ણની વેણુના અનેક પ્રકારે નામ મળે છે. સરલા, આનંદિની, સમ્મોહિની, મદનઝંકાર, મહાનંદા વગેરે.શ્રીકૃષ્ણ એ ધર્મતત્ત્વ એક જ છે તે પ્રતિપાદન કરવા માટે હિમાલયમાં કૈલાસ પર્વત પાસે આવેલા બિંદુ સરોવર નજીક એક હજાર દિવસ ચાલતા સત્રો યોજ્યા હતાં અને એ સત્રો દ્વારા તેઓએ અત્યાચારી શાસકો સામે પ્રજાને જાગૃત કરવાનું કામ પણ કર્યું હતું.
નોંધપાત્ર હકીકત એ છે કે આ સત્રો એમણે પંદરથી એકત્રીસ વર્ષની ઉંમર દરમિયાન કર્યા હતાં.શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભાગવત્ ગીતાનો ઉપદેશ આપ્યો. પરસ્પર વાદને માટે વિવાદ કરતાં જુદા જુદા મતના આચાર્યોએ ભગવદ્ ગીતા પર ભાષ્ય લખ્યા છે. દ્વૈતવાદ, કૈવલાદ્વૈતવાદ અને વિશિષ્ટાદ્વૈતવાદના મહાન આચાર્યોએ ભગગવદ્ ગીતા પર લખ્યું છે.
આ ભગવદ્ ગીતાનો ઈરાનની પ્રાચીન ભાષા પહેલવીમાં અનુવાદ થયો અને એ અનુવાદ પરથી દોઢ કે બે હજાર વર્ષ પૂર્વે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અરબી વગેરે ભાષાઓમાં અનુવાદ થયો.
ભગવાન શ્રીકૃષ્ણનું આયુષ્ય કેટલું હતું ? વિષ્ણુપુરાણ નોંધે છે કે સ્વધામગમન સમયે શ્રીકૃષ્ણની ઉંમર એકસો વર્ષથી વઘુ હતી. ભાગવત્ એમની ઉંમર એકસો પચીસ વર્ષની આપે છે જ્યારે ભવિષ્યપુરાણ એમની ઉંમર એકસો પાંત્રીસ વર્ષની જણાવે છે. પણ તે સ્વીકારી શકાય તેમ નથી.શ્રીકૃષ્ણની એકસો વીસ વર્ષની જીવનયાત્રા દર્શાવવાનો પ્રયત્ન થયો છે એમાં ઈ.સ. પૂર્વે ૩૧૮૫માં શ્રીકૃષ્ણનો જન્મ, ૩૧૬૭માં કંસવધ, ૩૧૬૦માં રુકિમણીનું હરણ, ૩૧૫૮માં પ્રદ્યુમ્નનો જન્મ, ૩૧૪૦માં ૪૫ વર્ષની વયે ઇન્દ્રપ્રસ્થની સ્થાપના, ૩૧૧૭માં પાંડવોના રાજસૂય યજ્ઞમાં ૬૮ વર્ષની વયે હાજરી, ૩૧૦૧માં ૮૪ વર્ષે મહાભારતનું યુદ્ધ અને ઈ.સ. પૂર્વે ૩૦૬૫માં ૧૨૦ વર્ષની વયે તેમનું નિર્વાણ થયું.ઈ. સ. પૂર્વે ચોથી સદીમાં ભારત આવેલા મૅગેસ્થિનિસે પોતાની ભારતયાત્રામાં શ્રીકૃષ્ણની પૂજાની નોંધ લખી છે. સિરીયાના લેખક જૈનબના કહેવા પ્રમાણે આર્મીનિયામાં ઈ.સ. પૂર્વે ત્રીજી શતાબ્દીની કૃષ્ણની મૂર્તિઓ હતી ચોથી સદીમાં આર્મીનિયામાં પાંચ હજાર કૃષ્ણભક્તો વસતા હતા. ગ્રીસના શાસક અગુથવલેયનું અફઘાનિસ્તાનમાં શાસન હતું અને અફઘાનિસ્તાનમાં ઈ.સ. પૂર્વે બીજી સદીમાં ચક્રધારી શ્રીકૃષ્ણ અને હલધારી બલરામના ચાંદીના સિક્કાઓ ચાલતા હતા.
રશિયાનો ખોતાન પ્રદેશ અત્યંત પ્રાચીન સંસ્કૃતિ ધરાવનારો પ્રદેશ છે. આ પ્રદેશમાંથી ઇસ્વીસન ચોથી સદીની શ્રીકૃષ્ણની બે મૂર્તિઓ મળી છે. એકમાં વેણુ વગાડતા શ્રીકૃષ્ણ છે અને બીજામાં ગોવર્ધનધારી કૃષ્ણ છે. આજે રશિયાના હર્મિતાઝ સંગ્રહાલયમાં આ મૂર્તિઓ છે.