(૧) રાહુ - શનિ શાપિત દોષ :
જ્યોતિષ ભાઈ કુંડળી માં શનિ - રાહુ ની યુતિ કે દૃષ્ટિ જોઈ ને હમેશ રાહત અનુભવે છે, અને જીવન માં બનતી દુઃખદ ઘટનાઓ નો ટોપલો શનિ રાહુ પર નાખી દે છે.. અને નામ આપે છે" પૂર્વભવ માં લાગેલ શાપિત દોષ... " પણ હકીકત એ છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાનો આખો પૂર્વભવ જોયો હોતો નથી. અને દરેક ઘટના નું કોઈ કારણ હોય છે. હકીકતમાં પૂર્વભવ માત્ર એક કલ્પના છે.. જે માત્ર આ જીવન માં બનતા કડવા અનુભવો પ્રત્યે દુર્લક્ષ સેવવા ની એક યોજના છે. જેના થી દુઃખી વ્યક્તિ ઓને ક્ષણિક સમાધાન મળે છે. અને એમાં પણ શાપ ના નામે લોકો ને ભય લાગે છે. સાધુ,સંત,પિતૃ, ફકીર, ગરીબ,અપંગ ,અંધ ,નાગ અથવા કિન્નર ના શાપ અને બદદુઆ ના નામે લોકો ને વિધિ,વિધાન અને ખોટા ખર્ચ માં ઉતારવામાં આવે છે.
વાસ્તવિકતા : આ જીવન ના કડવા અનુભવો નું કારણ આ જ જીવન માં મળશે.. ધ્યાન થી શોધો.
(૨) ગ્રહો ની હોરા ના સમયે પાણી અને ભોજન ત્યાગવાથી ગ્રહો ના ઉપાય થાય છે.
આ વાત એક ખોટી વર્ષો પુરાણી ધારણા છે... ગ્રહો ના ઉપાય કરવા માટે જળ અને અન્ન નો ત્યાગ એ એક માનસિક સમાધાન છે.
વાસ્તવિકતા : ગ્રહો સાથે જોડાયેલ સ્વભાવ,કારક તત્વ અને કર્તવ્યો માં વાસ્તવિક સુધાર કરવાથી જીવન માં પરિવર્તન આવે છે.
(૩) ગાય ની સેવા, પક્ષીઓ ને દાણા, શ્વાન ને ભોજન વગરે ખવરાવવાથી ગ્રહ પીડા શાંત થાય છે.
મનુષ્યો દ્વારા પશુ,પક્ષીઓ ની સેવા એક નૈતિક કર્તવ્ય અને સામાજિક જવાબદારી છે. કોઈ પણ અપેક્ષા વગર આ પ્રકારની સેવા કરવી એ જ સમજદારી છે. ગ્રહ પીડા ના નિવારણ માટે થતી પ્રકૃતિ ની સેવા માત્ર એક સ્વાર્થ વૃતિ છે.જેમાં બદલા ની અપેક્ષા છે.
વાસ્તવિકતા : વૃત્તિઓ માં પરિવર્તન ,સ્વભાવ અને કર્તવ્ય નું ભાન એ જ ગ્રહપીડા નું નિવારણ છે.
(૪) મંગળ દોષ:
વિશ્વ ની જનસંખ્યા લગભગ ૮૦૦ કરોડ , જ્યોતિષ ની ૧૨ રાશિઓ.. જો ૮૦૦/૧૨ કરવા માં આવે તો ૧ રાશિમાં લગભગ ૬૭ કરોડ લોકો થાય . કુંડળી ના ૧૨ ઘરો માં ૧,૪,૭,૮,૧૨ માં ધર માં મંગળ ની ઉપસ્થિતિ મંગળ દોષ માનવામાં આવે છે. ૨ જા ઘરમાં પણ કોઈ કોઈ જ્યોતિષ મંગળ દોષ માને છે, હવે ૧૨ માંથી ૬ ઘરો માં મંગળ દોષ આપે છે.. એટલે પચાસ ટકા કુંડળીઓમાં મંગળ દોષ થયો. હવે ૬૭/૨ કરીએ તો એક રાશિ માં ૩૩ કરોડ લોકો માંગલિક થયા.
વાસ્તવિકતા: મંગળ ઉમંગ ,ઉત્સાહ,આવેગ,ક્રોધ નો કારક છે... અને મેળાપક વખતે વર,અને વધુ ના સ્વભાવ નો અંદાજ કરવો આવશ્યક છે, પણ મંગળ દોષ ના નામે માનસિક અને સામાજિક રીતે ભય રાખવો ખોટો છે.
(૫) અમાસ નો જન્મ દુઃખદ હોય છે.
ચંદ્ર ની કળા કોઈ વ્યક્તિ વિશેષ ના અધિકાર ની વાત નથી. અને બાળક નો જન્મ સમય પણ પ્રાકૃતિક વિષય છે. અમાસ નો જન્મ હોવાથી વ્યક્તિ અપશુકનિયાળ છે.. એમ માનવું એક અંધશ્રદ્ધા છે. દરેક વ્યક્તિ માં સ્વાભાવિક ગુણ દોષ હોય છે. વ્યક્તિ ની આવડત અને ગુણો નો આધાર તેની પારિવારિક અને સામાજિક કેળવણી પર છે. એટલે જન્મ અમાસ નો હોય કે પૂનમ નો .. વ્યક્તિ નો તેના યથાર્થ રૂપ માં સ્વીકાર કરવો એ જ સમજદારી છે.
વાસ્તવિકતા : દરેક મહિના માં એક અમાસ હોય છે. અને દરરોજ જન્મ લેતા બાળક નો દર ૩,૬૦,૦૦૦ થી ૩,૮૫,૦૦૦ છે. એટલે દર મહિને લગભગ ૩,૬૦,૦૦૦ લોકો અમાસ માં જન્મે છે. હવે એ બધા પર વ્હેમ રાખવો મૂર્ખતા છે.