હાર્દિકની પત્ની રિંકલની જોબ પાટણ ટ્રાન્સફર થઈ ગઈ. હાર્દિકે પાટણ જઈને ઘરનો બિઝનેસ શરૂ કરીને રિંકલનાં નામથી લોન ઉપર ઘર ખરીદ્યું. જેની ખુશી રિંકલથી વધુ એનાં પિયરવાળાને વર્તાય રહી હતી. રિંકલનું પિયર એનાં ઘરની બાજુમાં હતું. તેની નાની બેન રિમા સ્ટડિ કરીને ઘરે આવી ગઈ હતી.
રિંકલનાં પિયર પક્ષની દાનત રિંકલનાં નામનું ઘર થવાથી બગડી ગઈ હતી. ટુંક સમયમાં, હાર્દિક પાટણ આવીને રિંકલનાં નામે ઘર ખરીદી શકે એવો ધોમધોકાર ધંધો ચાલવાં લાગ્યો હતો.
"હાર્દિક જમાઈ ! કેવું પડે હો. એક તમારી મહેનત જ નથી પણ મારી દીકરીનાં સારાં પગલાં તમારાં ઘરમાં પડવાથી તમે તમારું ખુદનું ઘર ખરીદી શક્યાં, એવો ધંધો ચાલવાં લાગ્યો. નહિતર, પારકા પાદરમાં તમને કોઈ ભાવતાલ પણ પૂછે નહિ."
રિંકલની માં તેની દીકરી રિમાની સાથે હાર્દિકનાં ઘરે રિંકલના શુભ પગલા થવાના વખાણ કરી રહી હતી.
"હા સાસુમાં, એ તો કહેવું પડે. સાચે જ ! રિંકલ મારાં માટે ખૂબ જ નસીબદાર છે. આથી મેં એનાં નામનું આ ઘર ખરીદ્યું છે." નિદોર્ષ હાર્દિક તેના સાસુના ખરાબ મનસુબાને સમજી ના શક્યો.
"રિંકલનો જન્મ થયો હતો ત્યારે અમે બે પાંદડે થયાં હતાં પણ આ મારી નાનકી રિમા રિંકલ કરતાં વધુ નસીબદાર છે ! તેનાં જન્મ પછી એનાં પપ્પાએ શેર બજારમાં દસ લાખ રૂપિયા રોક્યાં હતાં. એ સમયે અમને શુકનવંત રિમાને લીધે એમાંથી સારી આવક મળી હતી."
રિમાનાં માથે હાથ ફેરવતાં એનાં મમ્મી કહી રહ્યાં હતાં. હાર્દિક રિમાને જોઈને સ્માઈલ આપી. રિમા આંખોનાં ઈશારેથી હાર્દિકનું ધ્યાન પોતાનાં તરફ ખેંચી રહી હતી. પહેલી મુલાકાતમાં રિમાનો ઈશારો હાર્દિકે મજાકમાં લઈને અવગણી નાખ્યો.
ધીરે ધીરે રિમાનું આવવા - જવાનું હાર્દિકનાં ઘરે વધવાં લાગ્યું. રિંકલ કામ કરતી હોય તો એની સાથે રિમા કામ કરાવવાં લાગતી. ખાસ કરીને સાંજનાં રસોઈનાં સમયે રિમા રિંકલનાં કિચનમાં રસોઈ કરવાં પહોચી જતી. આ તેનું રોજનું થવાં લાગ્યું હતું.
એક દિવસ સાંજે રિમાએ હાર્દિક માટે મગદાળનો શિરો બનાવીને એની સામે સર્વ કર્યો.
"જીજાજી, આજે ખાસ મેં તમારાં માટે મગદાળનો શિરો બનાવ્યો છે. દીદીએ કહ્યું કે તમને મગદાળનો શિરો બહુ જ પ્રિય છે."
ઘુટણથી નીચેનો શોર્ટ સ્કર્ટ અને ઉપર ખુલતો શ્વેત રંગનો શર્ટ રિમાએ પહેર્યો હતો. ટુંકા વાળને તેણીએ પોની ટેઈલમાં બાંધીને રાખ્યાં હતાં. રિમાએ રિંકલને હાર્દિકની સામે બેસવાનું કહીને પોતે હાર્દિકની બાજુમાં બેસીને બાઉલમાં શિરો આપી દીધો.
રિંકલની જગ્યાએ રિમા બેસી ગઈ હોવાથી હાર્દિકને અજુગતું લાગવાં લાગ્યું. પહેલીવાર રિમાની નજીદીકી હાર્દિકને ખટકવાં લાગી. એણે રિંકલ સામે જોયું તો એનું ધ્યાન જમવામાં હતું. તેણીને કોઈ ફરક પડ્યો નહિ કે એની બેને એની જગ્યા છીનવી લેવા જઈ રહી હતી. હાર્દિક વિચારોમાં ખોવાઈ ગયો હતો.
"શું વિચારો છો, જીજાજી ? ચાલો, હું તમને મારાં હાથે જમાડીશ. સાળી એ અડધી ઘરવાળીને જીજાજીની સેવા કરવાનો મોક્કો મળવો જોઈએ." : રીમાએ હાર્દિક સામે એક આંખ મિચકારી.
રિમાની વાત સાંભળીને રિંકલ હસવાં લાગી. હાર્દિક હજું કાંઈ બોલવાં જાય ત્યાં રિમાએ એનાં મોઢામાં શિરાની ચમચી મુકી દીધી.
"અરે ! શું કરો છો, તમે ? હું નાનો નથી કે તમારે મને તમારાં હાથે જમાડવો પડે. હું મારી રીતે જમી લઈશ. પ્લીઝ, તમે મારાંથી થોડાંક દૂર બેસો."
રિમા હાર્દિકને જમાડવાનાં સમયે હાર્દિકના ખભાને સાવ લગોલગ આવી ગઈ હતી. રિમાએ કરેલ માદક પરફ્યુમની સુગંધ હાર્દિકનાં શ્વસનમાં જતી રહી હતી. પુરૂષ લાગણી કોઈ સ્ત્રી પર આકર્ષે એ પહેલાં હાર્દિકે એનો સંયમ જાળવી રાખ્યો. એ એની જગ્યાએથી ઊભો થઈને રિંકલની બાજુમાં બેસી ગયો.
"જીજાજી ! તમે તો મારાથી બહું જ શરમાવ છો. હું ખરેખર એટલી હોટ લાગી રહી છું કે મારાં સ્પર્શથી તમે સળગી જશો ?"
હાર્દિક પાસે રિમાની વાતનો વળતો જવાબ આપવાં માટે કોઈ શબ્દ મળી રહ્યાં હતાં નહિ. તેણે રિંકલને કહીને પોતાની જમવાની થાળી રિમા પાસેથી મંગાવી અને માથુ નીચું કરીને જમવાં લાગ્યો.
"રિમા, મજાકની કોઈ હદ હોય છે. એમને આવી મજાક પસંદ નથી. હવે, તું આગળ ધ્યાન રાખજે."
હાર્દિકનાં હાવભાવથી રિમાની વાતો તેને પસંદ આવી નથી; એ સમજી જતાં રિંકલે રિમાને આગળ વાત કરવાં માટે સતર્ક રહેવાની સુચના આપી દીધી.
"સોરિ દીદી, હું તો એક સાળી થઈને એમની મસ્તી કરી રહી હતી. એમને પસંદ આવી ના હોય તો હવેથી હું ધ્યાન રાખીશ."
રિમા રિંકલની ઘરેથી જમીને બધાં કામો પતાવીને એનાં ઘરે જતી રહી. હાર્દિક એટલો જલ્દી એની પાસે નહિ આવે એ સમજતાં એ હાર્દિકથી વધુ નજીક જવાનાં પ્લાન બનાવવાં લાગી.
રોજના દિવસો રિમાના નવીન ડિશ બનાવવામાં અને હાર્દિકને જમાડવામાં પસાર થઈ રહ્યાં હતાં. રિમા તેની હરકતોથી રિંકલની જાણ બહાર હાર્દિકને પોતાની તરફ આકર્ષવાનાં દાવપેચ કરીએ રાખતી હતી.
એકવાર, રિમાનાં મમ્મી - પપ્પા પાંચ દિવસ માટે બહારગામ જવાં તૈયાર થઈ ગયાં. રિમાને રિંકલની ઘરે મુકવાં માટે એની મમ્મીએ હાર્દિકને જાણ કરી :
"જમાઈ રાજ, તમને કોઈ તકલીફ ના હોય તો મારી દીકરી રિમાને હું પાંચ દિવસ તમારાં ઘરે મુકીને જાઉં છું. ગામડે અમારાં બન્નેને એક સાથે કામ આવી જતાં અમારે અરજન્ટ જવું પડે એમ છે."
"સાસુમાં, હું અને રિંકલ પૂરો દિવસ બહાર જોબ પર હોય છીએ. રિમા એકલી આ ઘરમાં કંટાળી જશે. તમે એક કામ કરો, તેને તમારી સાથે લઈ જાવ." હાર્દિકની ઈચ્છા રિમાને પોતાનાં ઘરે રાખવાની જરાય ન હતી.
"રિમાને ગામડે ગમતું નથી. એ કારણે તો હું તમને કહું છું. જુવાન દીકરીને ઘરે એકલી રાખવી વ્યાજબી નથી. આજકાલ જમાનો કેવો ખરાબ ચાલી રહ્યો છે !"
સાસુમાંની વાત સાંભળીને મનમાં હાર્દિક બબડવાં લાગ્યો, "જમાનો ખરાબ છે એટલે તો આ બલ્લાંને અમારી સાથે રાખવાં તૈયાર નથી. ઉપરથી એની આ જુવાની કોઈપણ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરી દે, એવી છે."
"તમે આમ ધીમે - ધીમે શું બબડી રહ્યાં છો ? પાંચ દિવસની વાત છે. મમ્મીની સાચી વાત છે. રાત્રે એને એકલી રાખી શકાય નહિ." : રિંકલને યોગ્ય લાગ્યું, એ કહ્યું.
"પણ રિંકલ, હવે રિમા નાની નથી. કદાચ, કોઈ એને આપણી ઘરે જોઈને કાંઈ બોલી જાય તો..." : હાર્દિક વાક્યને પૂર્ણ કરી ના શક્યો.
"દીદી, તમે જીજાજીને ફોર્સ ના કરો. એમને એવું લાગે છે કે હું તમારાં બન્નેની વચ્ચે આવવાં માગું છું. શરૂઆતથી, એમને હું પસંદ આવી રહી નથી. રહેવા દો ! હું મારાં ઘરે એકલાં મેનેજ કરી લઈશ."
રિમાએ નારાજ થવાનું નાટક આદરવાનો પ્રારંભ કર્યો. એ પોતાનાં ઘરે જવાં માટે ઊભી થઈ.
"રિમા, મે એવું ક્યાં કહ્યું છે ? તું તારાં મનમાં હોય એ બધું કેમ માથે લઈ લે છે ?" : હાર્દિકને બધાં વચ્ચે રિમાને અનિચ્છાએ મનાવી પડી.
"જીજાજી, તમે મને અહીં રોકાઈ જવાની પણ મંજૂરી આપી નથી."
"અરે! એ તો સમાજને લીધે જ ના કરી. બાકી, તારે રહેવું હોય તો તું રહી શકે છે. પાંચ દિવસની તો વાત છે."
હાર્દિકે મન મનાવીને પાંચ દિવસ માટે રિમાને એની સાથે રહેવાં માટે હા પાડી દીધી. રિમા હાર્દિકની મંજૂરી મળતાં જ ખુશ થઈ ગઈ. એ ઊભી થઈને હાર્દિક બેઠો હતો ત્યાં તેને બાથ ભરી લીધી. રિમાએ તેનું પૂરું વજન હાર્દિક પર નાખી દીધું. હાર્દિકને પાછળથી ખુરશીની સીટનું બેલેન્સ મળતાં પોતાની જાતને માંડ સાચવી શક્યો. રિમાની એ જ પરફ્યુમની સુગંધ હાર્દિકને માદક કરી ગઈ. રિમાનાં શરીરનો સ્પર્શ હાર્દિકને થતાં તેણે પોતાની બન્ને આંખો બંધ કરી નાખી.
"જુઓ ! જમાઈ રાજ, તમારી એક હા સાંભળીને કેટલી ખુશ થઈ ગઈ ?"
સાસુમાં આટલું બોલીને હસવાં લાગ્યાં અને એની સાથે રિંકલ હસવાં લાગી. સાસુમાંનો અવાજ હાર્દિકનાં કાને પડતાં તેણે રિમાને પોતાનાથી અળગી કરી.
રિમાનાં મમ્મી - પપ્પા ગામડે ગયાં અને બીજી તરફ રિમા એનો બેગ લઈને હાર્દિકનાં ઘરમાં રહેવાં આવી ગઈ.
રાતનાં અગિયાર વાગ્યે રિંકલ અને હાર્દિક એમનાં રૂમમાં સુવા જતાં રહ્યાં. અડધી કલાક પછી એમનાં રૂમનો દરવાજો કોઈએ ખટખટાવ્યો.
"આટલી મોડી રાત્રે કોણ આપણાં રૂમનો દરવાજો નોક કરતું હશે ?" : રિંગલને વિચિત્ર લાગતાં તેણે હાર્દિકને ઊઠાડતાં પૂછ્યું.
"રિમા હોવી જોઈએ. બીજું આપણાં ઘરમાં કોઈ છે જ નહિ."
"ના, એ અડધી રાત્રે આપણને ડિસ્ટર્બ કરવાં ના આવે. તમે એકવાર જઈને જુઓ તો કોણ છે ?"
રિંકલનાં કહેવાથી હાર્દિક તેનાં રૂમનો ડોર ખોલવાં ઊભો થયો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ 'મીરા'