Son of Sardar 2 in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | સન ઓફ સરદાર 2

Featured Books
Categories
Share

સન ઓફ સરદાર 2

સન ઓફ સરદાર 2

- રાકેશ ઠક્કર

         અજય દેવગનની ‘સન ઓફ સરદાર 2’ (2025) ને જૂના ટાઇટલથી વટાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે. એમ થશે કે અક્ષયકુમાર તો અમથો જ બદનામ છે. અજય દેવગને ‘સન ઓફ સરદાર’ ના નામ પર નવી અને કોમેડી વગરની ફિલ્મ આપીને દર્શકો સાથે દગો કર્યો છે. ધડ-માથા વગરની વાર્તાવાળી સવા બે કલાકની ફિલ્મમાં ગણીને બે દ્રશ્ય એવા હશે જેમાં હસવું આવશે. ‘હાઉસફુલ 5’ (2025) ને એ સારી કહેવડાવી રહી છે. આ વધુ એક તર્ક વગરની ફિલ્મ આવી છે. જેને સમજવા માટે મગજને થોડું બાજુ પર રાખવું જરૂરી છે. કોમન સેન્સ જેવી કોઈ વસ્તુ જ ના હોય એમ બનાવી છે. આ ફિલ્મની કોમેડી દરેકને ગમે એવી નથી. જો મગજનો થોડો પણ ઉપયોગ કરશો તો આ ફિલ્મને સમજવી કે પકડવી ખૂબ જ મુશ્કેલ બનશે.

        એક એવા માણસની વાર્તા છે જે એક અસાધારણ પરિસ્થિતિમાં ફસાયો હોય છે. જસ્સી (અજય દેવગન) તેની માતા (ડોલી આહલુવાલિયા) સાથે પંજાબમાં રહે છે. તેના લગ્ન ડિમ્પલ (નીરુ બાજવા) સાથે થાય છે. જે નોકરી માટે લંડન ગઈ છે. ઘણા પ્રયાસ પછી જસ્સીને યુરોપિયન વિઝા મળે છે. તે લંડન પહોંચે છે ત્યાં ખબર પડે છે કે ડિમ્પલને ભરણપોષણ સાથે છૂટાછેડા જોઈએ છે. જસ્સી દુઃખી થાય છે. તે માતાને સત્ય કહેવાની હિંમત કરી શકતો નથી એટલે ભારત આવતો નથી. જસ્સીને છૂટાછેડાના કેસ માટે વકીલ રાખવાની સલાહ મળે છે. પરંતુ વકીલને બદલે આકસ્મિક રીતે પાકિસ્તાની કલાકાર રાબિયા (મૃણાલ ઠાકુર) ને મળે છે. રાબિયા જસ્સીને તેની સાથે રહેવા આમંત્રણ આપે છે. તેની સાથે તેની સાવકી દીકરી સબા (રોશની વાલિયા), છે. સબા ગોગી (સાહિલ મહેતા) સાથે પ્રેમમાં હોય છે, જે એક કુખ્યાત ઉદ્યોગપતિ રાજા (રવિ કિશન) નો પુત્ર છે. રાજા ઇચ્છે છે કે તેના દીકરાના લગ્ન એક મજબૂત સરદાર પરિવારમાં થાય. રાબિયા અને અન્ય લોકો જસ્સીને થોડા સમય માટે સબાના પિતા હોવાનું નાટક કરવા માટે મનાવી લે છે. સબા ગોગીને એવું જૂઠું બોલે છે કે જસ્સી ભારતીય સેનામાં કર્નલ છે! પછી શું થાય છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

          નિર્દેશકે ફિલ્મમાં ભારત-પાકિસ્તાન મુદ્દામાંથી એક વાર નહીં પણ ઘણી વાર  કરવાનો પ્રયાસ કર્યો કારણ કે તે વાર્તા કરતાં આ ખૂણા પર વધુ વિશ્વાસ કરશે.પટકથા એટલી કાચી છે કે ફિલ્મ જોતી વખતે વારંવાર પ્રશ્ન થશે કે શું થઈ રહ્યું છે? શરૂઆતમાં જસ્સીને જોડિયા બાળકો છે. પછીથી તેમનું શું થાય છે તે જાણવા મળતું નથી. પાત્રોને વિકાસ કરવાની તક જ આપવામાં આવી નથી. પછી તે સંજય મિશ્રાનું હોય કે ચંકી પાંડેનું. બધા જ પાત્ર નબળી સ્ક્રિપ્ટ સામે મજબૂર લાગે છે. જો તમારે ‘સન ઓફ સરદાર’ (2012) ની સારી યાદો જાળવવી હોય તો એ ભૂલી જવું જોઈએ કે આ ફિલ્મનો બીજો ભાગ પણ હતો. અર્થહીન ફિલ્મો કે કોમેડી જોવાનો શોખ હોય એમના માટે ‘સન ઓફ સરદાર 2’ સારો વિકલ્પ બની શકે છે.

         અજય દેવગન પહેલાની જેમ જસ્સીના રોલમાં બંધબેસતો નથી. અજય પાસેથી એવી કોમેડી કરવાની અપેક્ષા રાખવામાં આવે છે જેમાં તેના મુક્કા અને સ્વેગ કામ કરે. તે ફિલ્મમાં પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ જરૂર કરે છે. રવિ કિશને હાસ્યમાં અજય દેવગનને પાછળ છોડી દીધો છે. તે સંજય દત્તની ગેરહાજરી અનુભવવા દેતો નથી અને અજય કરતાં તેને જોવા અને સાંભળવાનું મન વધુ થાય છે. રવિ કિશન માટે બધા કહેતા હતા કે એક બિહારી અભિનેતા પંજાબીનો રોલ કેવી રીતે ભજવી શકશે? પણ એ જ આ ફિલ્મનો જીવ બને છે. દીપક ડોબરિયાલ મોહક અવતારમાં તે પ્રભાવિત કરે છે. તેના પાત્રને વધુ ઊંડાણ આપી શકાયું હોત.

         પંજાબીના જાણીતા નિર્દેશક વિજય અરોરા ક્લાઇમેક્સમાં એ બાબતે સ્પષ્ટ નથી કે અર્થહીન કોમેડી કરવી છે કે કોઈ સંદેશ આપવો છે? દરેક પાત્રના લગ્નેત્તર સંબંધો બતાવવાનો પ્રયાસ કરતી વખતે તેઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. અને દ્વિઅર્થી સંવાદો હોવાથી ‘સન ઓફ સરદાર 2’ પરિવાર સાથે જોઈ શકાય એવી નથી. ‘સન ઓફ સરદાર 2’ ની સૌથી મોટી નબળાઈ તેની મર્યાદિત રમૂજ છે. ફિલ્મમાં થોડી કોમેડી છે તેના પર ગીતો બ્રેક લગાવે છે. માત્ર શીર્ષક ગીત સાંભળવા જેવું છે. જે મૂળ ફિલ્મમાંથી લેવામાં આવ્યું છે. તેમાં પહેલી ફિલ્મના શીર્ષક ગીત જેવી ઉર્જા કે પકડ નથી. 'ધ પો પો સોંગ' સંપૂર્ણપણે નિરાશાજનક છે. 'રબ્બા સાનુ' અને 'નચદી' જેવા ગીતો કોઈ ખાસ છાપ છોડવામાં નિષ્ફળ જાય છે.