Mahaavatar Narasimha in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | મહાઅવતાર નરસિમ્હા

Featured Books
Categories
Share

મહાઅવતાર નરસિમ્હા

મહાઅવતાર નરસિમ્હા

- રાકેશ ઠક્કર

          એનિમેશન ફિલ્મ ‘મહાઅવતાર નરસિમ્હા’ (2025) સમીક્ષકોના સારા પ્રતિભાવ અને ટિકિટબારી પરના પ્રતિસાદથી નવાઈ પમાડી રહી છે. એણે ભારતની 20 વર્ષ જૂની એનિમેશન ફિલ્મ ‘હનુમાન’ નો વિક્રમ તોડ્યો છે. નિર્દેશક અશ્વિનકુમારે પૌરાણિક વાર્તાને એક આકર્ષક કથા દ્વારા દર્શાવી છે. જે હિરણ્યકશિપુ અને તેના જોડિયાભાઈના જન્મથી શરૂ થાય છે અને પ્રહલાદને મારવા સુધીની તેની યાત્રા નાટક, ભાવના, રમૂજ, રોમાંચ અને પ્રેરણાથી ભરેલી છે.

         ફિલ્મનું ખાસ આકર્ષણ તેનો ક્લાઇમેક્સ છે જ્યારે નરસિંહ અવતાર પોતે પોતાના ભક્તને બચાવવા માટે હિરણ્યકશિપુને મારવા માટે આવે છે. ફિલ્મનો પહેલો ભાગ ધીમી ગતિએ આગળ વધે છે. તેમ છતાં વાર્તા સતત આગળ વધે છે. વાર્તાને ક્યાંય જટિલ બનવા દીધી નથી. વાર્તા કહેવાની રીત અને દ્રશ્યોની અપીલ દર્શકને જકડવામાં સફળ થાય છે. ફિલ્મમાં એક્શન, રોમાંચ અને લાગણીઓનું મિશ્રણ છે.

         આખી વાર્તા શરૂઆતથી જ સરળ શબ્દોમાં સાચા હૃદયથી સમજાવવામાં આવી છે. બાળકો, વૃદ્ધો, યુવાનો બધાને તેનો આનંદ આવે એમ છે. દિગ્દર્શક અશ્વિનકુમારે આજના જમાનાના દર્શકો માટે જે રીતે એનિમેટેડ ફિલ્મ બનાવી છે અને ભારતીય સંસ્કૃતિ અને ભગવાન વિષ્ણુના અવતારોને મનોરંજક રીતે રજૂ કર્યા છે તે એક સારી પહેલ છે. જયપૂર્ણા દાસ દ્વારા લખાયેલ પટકથા પ્રશંસનીય છે.

         દિગ્દર્શક ખરાબ પર સારાનો વિજય, સંઘર્ષ, સમયનું મહત્વ અને વાર્તામાં ભગવાનની કૃપામાં વિશ્વાસની લાગણી દર્શાવવામાં સફળ રહ્યા છે. કેટલાક ગીતો અને નાટકીય દ્રશ્યો થોડા લાંબા લાગશે પરંતુ બીજા ભાગમાં નરસિંહ અને હિરણ્યકશ્યપ વચ્ચેનો સંઘર્ષ ખરેખર દ્રશ્ય અને ભાવનાત્મક એમ બંને સ્તરે અદભૂત છે. હોલિકા દહનની વાર્તાને પણ સુંદર રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મ પૌરાણિક કથાઓને મનોરંજક રીતે રજૂ કરે છે તેથી આજના બાળકોને વધારે ગમશે.

         આ ફિલ્મને IMDB પર 9.9/10 રેટિંગ મળ્યું છે. જે અત્યાર સુધી કોઈપણ ભારતીય ફિલ્મને મળેલું સૌથી વધુ રેટિંગ માનવામાં આવે છે. એનિમેશન એટલું અદભૂત છે કે કોઈ જલદી વિશ્વાસ નહીં કરી શકે કે આ ફિલ્મ ભારતમાં બની છે. ભગવાન નરસિંહ અવતાર લે છે ત્યાંથી આ ફિલ્મ એકદમ અલગ વળાંક લે છે. તેના ક્લાઇમેક્સના એનિમેશનમાં આખું બજેટ ખર્ચી નાખ્યું હોય એવું લાગે છે. આ એક એવી અદભુત ફિલ્મ છે જેને જોતી વખતે તમારા રૂંવાડા ઊભા થઈ જશે.

         એક સમીક્ષકે કહ્યું છે કે તમારા મનમાંથી એ ગેરસમજ દૂર કરો કે આ એક એનિમેટેડ સિનેમા છે કે આ એક કાર્ટૂન પ્રકારની ફિલ્મ છે. આ ફિલ્મ જોવી એ ભગવાનને જોવા સમાન છે. લાગણી પર ધ્યાન કેન્દ્રિત કરો એનિમેશન પર નહીં. એમાં વધારે સારી વાત એ છે કે હિન્દી ડબિંગ અદભુત કરવામાં આવ્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મહામંત્ર કાનમાં દિવસો સુધી ગુંજશે. પ્રહલાદ માટે હરિપ્રિયા મટ્ટા દ્વારા માસૂમિયત અને ભોળપણ સાથે ડબ કરવામાં આવેલ સંવાદ હૃદયને સ્પર્શી જાય એવા છે. હિરણ્યકશિપુનો અવાજ આપનાર આદિત્ય રાજ શર્મા પણ અસર છોડી જાય છે.

          જો આપણે નાની ખામીઓને મર્યાદિત બજેટને કારણે અવગણીએ તો આ એક શાનદાર ફિલ્મ છે. આ ફક્ત એક ફિલ્મ નથી. તે દર્શકનો જીવનભરનો અનુભવ બની રહે એમ છે.  આ જોવા લોકો સામાન્ય રીતે અંદર જાય છે પરંતુ જ્યારે તેઓ થિયેટરમાંથી બહાર આવે છે ત્યારે એનિમેશનમાં ઇમોશનના જાદુથી દરેકની આંખો દુ:ખના નહીં પણ ખુશીના આંસુઓથી ભરાઈ જાય છે. દર 10 વર્ષે આવી એક ફિલ્મ આવે છે જે તે પેઢીને સંસ્કૃતિ ઓળખાવે છે. એ જ રીતે આગામી 10 વર્ષ સુધી કોઈ આ ફિલ્મને ભૂલી શકશે નહીં.

        ‘KGF’ અને ‘કાંતારા’ ના નિર્માતાઓએ સાબિત કરી દીધું છે કે એમણે મહાઅવતાર યુનિવર્સની જે જાહેરાત કરી છે એમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોને કુલ સાત ફિલ્મોમાં બતાવવામાં આવનાર છે એ શ્રેણીમાં રજૂ થયેલી પહેલી ‘મહાવતાર નરસિમ્હા’ હવે પછીની ફિલ્મો માટે ઉત્સુકતા વધારી રહી છે. આ શ્રેણીની આગામી ફિલ્મ ‘મહાવતાર પરશુરામ’ હશે.