(કેનેડાના પ્રસિદ્ધ સાપ્તાહિક ગુજરાતન્યૂઝલાઈનમાં છપાયેલ મારી એક સુંદર રચના)
"નિર્દોષ" પારેવડાં
મારા ઘરના ધાબા પર એક પારેવડું દેખાઈ રહ્યું છે. ઘૂ...ઘૂ...ઘૂ કર્યાં કરી, અઘારનો ત્યાગ કરી રહ્યું છે.
મને મારા હળવા લેખ માટે એક ટોપિક મળી ગયો. બોસ, પારેવડું જેવો નાજુક શબ્દ વાંચી પારેવડાંને બહુ પ્રેમ કરવા જેવો નથી. કેમ? કેમ તો હું તમને માંડીને વાત કરું. બરાબર સાંભળજો એટલે વાંચજો ભાઈઓ, બહેનો, બાલબચ્ચા સહિત.
શરૂ થાય છે કબૂતર વિશે " કબૂતર"નો લેખ...
કલરવનો એક ખાસ ફ્રેન્ડ નામે મયંક. આ મયંક એટલે જાણીતો પક્ષીવિદ. પક્ષીઓ ટ્રેઈન પણ કરે. (ગાડી પાટા પર આવી ખરી.) કલરવે એક કબૂતર ટ્રેઈન કરવાનું કીધું. કેમકે એને (કલરવે) એક પ્રેમ સંદેશો એની પ્રેમિકાને પહોંચાડવો હતો. પ્રેમિકા એના ઘરની સામે જ રહેતી હતી. તમે એમ કહેશો કે વોટ્સએપના જમાનામાં કબૂતર સંદેશો લઈ જશે? તો ભાઈઓ અને બહેનો, આપણા આ કલરવને એની પ્રેમિકાને ઈમ્પ્રેસ કરવી હતી. મયંકે કબૂતર ટ્રેઈન કરી કલરવને આપી દીધું.
કલરવે નાની ચીઠ્ઠી લખી કબૂતરના પગે નીકળી ન જાય એવી રીતે લગાવી દીધી. અગાસી પર ગયો અને કબૂતર જા જા જા કબૂતર જા... પહેલે પ્યારકી પેહલી ચીઠ્ઠી સાજન કો દે આ........ ગાતા ગાતા કબૂતરને ઉડાડ્યું. હવે લોચો ક્યાં વાગ્યો તે જુઓ એટલે કે વાંચો...
પ્રેમિકા ચિઠ્ઠી લેવા માટે રેડી હતી. એને કલરવનો વોટ્સએપ મેસેજ મળી ગયેલો કે કબૂતરના પગે પ્રેમ સંદેશો લખેલો છે, તે ધીમે રહીને કાઢી લેજે. પ્રેમિકા કાગડોળે કબૂતરની રાહ જોતી હતી.(તમે જોયું?, સોરી વાંચ્યું ?!. એક જ વાક્યમાં બે પક્ષીઓ આવી ગયાં.) પ્રેમિકાના ઘરના ધાબે કબૂતર પહોંચી ગયું. તમે કહેશો કે પછી પ્રેમિકા ચીઠ્ઠીને વાંચી ખુશમખુશ થઈ ગઈ. તો બોસ તમે સુખડી ખાઓ છો.( ખાંડ શરીર માટે હાનિકારક છે, સુખડી સારી વસ્તુ છે.) પ્રેમિકાની મમ્મી ધાબા પર તડકા છાંયાવાળો મુરબ્બો લેવા આવી. એણે પ્રેમિકાના હાથમાંથી ચીઠ્ઠી ઝૂંટવી લીધી. બીજી જ મિનિટે પેલા ધાબે પ્રેમિકા ને આ ધાબે આપણો કલરવ બન્ને જણા અદ્રશ્ય. ફક્ત પેલું નિર્દોષ પારેવડું ઘૂં...ઘૂં... ઘૂં... કરતું આમતેમ ડોકી ફેરવીને તાલ જોયા કરતું હતું.
તમે કહેશો કે આમાં નિર્દોષ પારેવડાંનો શું વાંક? તો એનો વાંક એટલો જ કે એણે ત્યાં રહીને ...ઘૂં... ઘૂં... કરતાં કરતાં પીછાં ખેરવ્યા અને એના શરીરમાંથી અઘારનો ત્યાગ કર્યો.
ગંભીર બાબત આ છે. નિર્દોષ લાગતાં કબૂતરોનાં પીછાં અને અઘારમાં ક્રિપ્ટોકોકસ અને હિસ્ટોપ્લાઝ્મા જેવા બેક્ટેરિયા હોઈ શકે છે( સંદર્ભ : ગૂગલ મહારાજ). જે શ્વાસમાં જાય છે ને ફેફસામાં ચેપનું કારણ બની શકે છે. એમાં કફ પેદા કરી પેશન્ટને સિરિયસ કન્ડીશનમાં મૂકી દે છે.
મારા ઓળખીતા એક ડૉક્ટર પોતે સિરિયસ થઈ ગયા હતા. બ્લડ ટેસ્ટિંગ, એમઆરઆઈ, સીટીસ્કેન વગેરે કર્યું. એમાં કશું ન પકડાયું, પછી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ખસેડાયા. ડૉક્ટરે બ્લડ કલ્ચર ટેસ્ટ કરાવ્યું ત્યારે આ બેક્ટેરીયા મળી આવ્યાં. પ્રોપર ટ્રીટમેન્ટ મળી. હોસ્પિટલમાં બે મહિના રહેવું પડ્યું. ડોક્ટર બચી ગયાં.
અરે કબૂતરોના અધારની પાર વગરની ગંદકી અને આવા કેસો વધવાથી અમુક જાણીતી મહાનગરપાલિકાએ લોકોને વિનંતી કરી છે કે ટૂરિસ્ટ પ્લેસ પર મહેરબાની કરી કબૂતરોને ચણ ન નાખશો. નિર્દોષ લાગતા પારેવડાંને પણ નથી ખબર કે પોતે આટલા ખતરનાક છે.
વાતની બીજી બાજુ જોઈએ, તો કબૂતર જેવા નિર્દોષ પક્ષીનું પર્યાવરણમાં વિશિષ્ટ સ્થાન છે. વડ અને પીપળાના ટેટા ખાનાર પક્ષી તેમનાં બીજના ફેલાવા માટે જવાબદાર છે.
બાકી આપણા કલરવે એની પ્રેમિકાને પાછા વોટ્સએપ મેસેજ ચાલુ કર્યાં છે, જે આપની જાણ સારું.
અસ્તુ
જતીન ભટ્ટ ' નિજ '