અને જૂહીએ પોતાનો નાજુક નમણો હાથ લવના મજબૂત, ભરાવદાર હાથમાં મૂક્યો..બંનેને આજે એક સારો મિત્ર મળ્યાંની અનહદ ખુશી હતી...
આજે જૂહી અને લવ બંને મનમાં એકબીજાને માટે માન પ્રેમ અને લાગણી અનુભવી રહ્યા હતા...કદાચ એકબીજાને સમજવા માટે અને જજ કરવા માટે આટલું કાફી હતું...
બંનેની મસ્તીભરી સફર આગળ ચાલી રહી હતી અને એટલામાં લવની ગાડીએ ગાંધી આશ્રમ ક્રોશ કર્યું એટલે જૂહીએ તેને ત્યાં થોભી જવા કહ્યું...
લવે પોતાની ગાડી પાર્ક કરી અને બંને જણાં ગાંધી આશ્રમની મુલાકાત લેવા માટે અંદર પ્રવેશ લીધો...
લવ જૂહીને પૂછી રહ્યો હતો, "તમે અહીંયા પહેલાં આવેલા છો?"
"ના, ક્યારેય નહીં હં... અમદાવાદમાં શું શું જોવાનું છે તેની મને ખબર છે પણ ક્યારેય એવો ટાઈમ પણ નથી મળ્યો કે એવી કોઈ કંપની પણ નથી મળી કે જેની સાથે હું આ રીતે આવી શકું.. પણ હા હવે તમારી કંપની છે એટલે આપણે બંને સાથે ક્યાંય પણ જઈ શકીશું..." અને જૂહીએ લવની સામે જોયું અને બંનેએ હસીને આ વાતને એક્સેપ્ટ કરી.
બંને હારોહાર આગળ વધી રહ્યા હતા અને લવ જીણવટ પૂર્વક એકે એક વસ્તુ નોટિસ કરી રહ્યો હતો અને તેની ઉપર લખેલું લખાણ પણ વાંચી રહ્યો હતો...જૂહી મનમાં ને મનમાં વિચારી રહી હતી કે જો લવ આ રીતે ગોકળગાયની ગતિએ ચાલશે તો આજની તારીખમાં આ બધું પૂરું થાય તેમ છે નહીં...
રસપૂર્વક ગાંધી આશ્રમની મુલાકાત પૂરી કર્યા બાદ લવને લાગ્યું કે હવે ભૂખ લાગી છે.. જમવું પડશે..."તને જમવામાં શું ફાવશે?" લવે જૂહીને પૂછ્યું."કંઈ પણ ચાલશે.""પંજાબી, ચાઈનીઝ, ગુજરાતી કે પછી સાઉથ ઇન્ડિયન...?""મને એવું કંઈ નથી.. તમને જે ફાવે તે મને તો બધું જ ભાવે છે.. પણ હા તમે જો સંકલ્પ રેસ્ટોરન્ટનો ઢોંસો ટેસ્ટ ન કર્યો હોય તો તે કરવા જેવો ખરો..""તો પછી સંકલ્પ માં જ જઈએ ને..?"અને લવે પોતાની કાર સંકલ્પ રેસ્ટોરન્ટ તરફ હંકારી મૂકી..
બંનેએ પોત પોતાની પસંદ મંગાવી લીધી..લવે રવા મસાલા ઢોંસા મંગાવ્યા અને જૂહીએ પોતાનો હોટ ફેવરિટ મૈસુર મસાલા ઢોંસા મંગાવ્યો અને એકબીજાનો ઢોંસો ટેસ્ટ પણ કર્યો...અને છેલ્લે લવે ફ્રૂટ પંચ કોલ્ડ ડ્રીંક મંગાવ્યું અને જૂહીએ કોલ્ડ ડ્રીંક પીવાની ના પાડી ત્યારે લવે પોતાના ગ્લાસમાં બે સ્ટ્રો મૂકી દીધી અને જૂહીને તેમાંથી પીવાનો ઈશારો કર્યો...લવના પ્રેમભર્યા આગ્રહને જૂહી નકારી ન શકી...બંનેએ એકબીજાની કંપનીને ખૂબ માણી...અને પોતાની સફર આગળ ચલાવી...
એક પછી એક જોવાલાયક સ્થળો ઉપર બંને પહોંચતાં ગયા અને લવ તે એકે એક જગ્યાને વખાણતો ગયો..."વોવ વેરી નાઈસ...વેરી બ્યુટીફુલ..."અને આમ ને આમ સાંજના સાડા સાત વાગી ગયા, અંધારું થઈ ચૂક્યું હતું...હજી એક બે સ્થળની મુલાકાત લેવાની બાકી રહી ગઈ હતી પરંતુ જૂહીએ હવે અંધારામાં નહીં મજા આવે તેમ કહીને પાછા વળવા માટે સૂચન કર્યું હતું એટલે લવે પોતાની કારને જૂહીની હોસ્ટેલ તરફ હંકારી મૂકી...
હોસ્ટેલથી થોડે દૂર લવે પોતાની કારને થોભાવી અને જૂહી સામે પોતાનો હાથ લંબાવ્યો... જૂહીએ પોતાનો નાજુક નમણો હાથ ફરીથી લવના હાથમાં મૂક્યો અને લવના પ્રેમભર્યા હૂંફાળા સ્પર્શનો અનુભવ કર્યો અને લવ તેને કહેવા લાગ્યો કે, "આઈ લાઈક યોર કંપની વેરીમચ.. શું હું તમને એક કીસ કરી શકું છું..?"
લવના આ શબ્દો સાંભળતાં જ જૂહીએ લવના હાથમાં મૂકેલો પોતાનો હાથ પાછો ખેંચી લીધો.અને હસીને નકારમાં પોતાનું માથું ધુણાવ્યું અને તે બોલી, "મિસ્ટર આ તમારું લંડન નથી આ ઈન્ડિયા છે અહીંયા કોઈને કીસ કરવા દેવાનો મતલબ તમે સમજો છો..?"
"ના મેડમ પણ હું એટલું સમજું છું કે, તમે અને તમારી કંપની બંને મને ખૂબ ગમ્યાં છે અને માટે હું તમારી સમક્ષ એ રજૂ કરવા માંગુ છું.." લવે નિર્દોષ ભાવે ખુલાસો કર્યો.
"ઈટ્સ નોટ પોસીબલ.." અને જૂહી એટલું બોલીને કારમાંથી નીચે ઉતરવા લાગી..."અરે બેસી જા હું તને ગેટ પાસે છોડી દઉં છું.."અને જૂહી પાછી સીટ ઉપર ગોઠવાઈ ગઈ...
લવ તેની સામે જોઈને મનમાં બોલ્યો, "કીસ તો તમારે કરવા જ દેવી પડશે, આજે નહીં તો કાલે..."જૂહીએ લવની સામે જોયું અને તેને પૂછવા લાગી કે, "તમે મને કંઈ કહ્યું..?"લવ જે મનમાં ને મનમાં મુશ્કુરાઈ રહ્યો હતો તે બોલ્યો, "ના ના કંઈ નહીં કંઈ નહીં..બસ એ તો ખાલી કીસ કરવાનું જ કહ્યું..."
જૂહી પણ મનમાં ને મનમાં હસી રહી હતી અને હોસ્ટેલનો ગેટ આવતાં જ લવની સામે જોયા વગર, "બાય, સી યુ લેટર.." કહીને નીચે ઉતરી ગઈ..
લવ તેને હોસ્ટેલમાં અંદર જતી જોઈ રહ્યો અને મનમાં બોલ્યો, "પલટ..પલટ..."અને જૂહીએ પણ કૂતુહલવશ પાછું વળીને જોયું કે, લવ ઉભો છે કે ગયો...?
લવે પોતાનો હાથ કારના સ્ટીયરીંગ ઉપર પછાડ્યો અને તે બોલ્યો, "યસ.. ગોટ ઈટ.."અને તેનું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું..અને આવેગમાં આવીને ખૂબ જ સ્પીડ માં પોતાની કારને પોતાના દાદૂના ઘર તરફ હંકારી મૂકી...
હસતાં હસતાં ખુશખુશાલ ચહેરે તે પોતાના દાદૂના ઘરમાં પ્રવેશ્યો....
જ્યાં દાદા અને દાદી બંને તેની રાહ જોતાં બેઠા હતા. બંને એક સાથે બોલી ઉઠ્યાં કે, "આવી ગયો બેટા."લવ પોતાની દાદીની બાજુમાં સોફા ઉપર ગોઠવાઈ ગયો.
"કેવી રહી તારી આજની સફર દીકરા?" દાદૂએ લવને પૂછ્યું."ખૂબ સરસ રહી લાગે છે એ તો એનો ચહેરો જ કહી બતાવે છે."
"તને જૂહીની કંપની ફાવી ને બેટા..?""હા હા, બહુ ફાવી, ખૂબ મજા આવી ગઈ..""શું તમે પણ પૂછો છો, એનો ખુશ ખુશાલ ચહેરો જ કહી આપે છે કે, એને જૂહી સાથે ખૂબ મજા આવી લાગે છે અને ચાલ હવે હાથ પગ મોં ધોઈ કાઢ આજે તારા માટે મેં તારી ફેવરિટ દાળ ઢોકળી બનાવી છે, ચાલો આપણે જમી લઈએ.."લવ હાથ પગ મોં ધોવા માટે વોશરૂમમાં ગયો અને વોશબેઝિનમાં હાથ ધોતાં ધોતાં દર્પણમાં પોતાનો ચહેરો જોઈને પોતાની સામે જ તેણે સ્માઈલ આપી દીધું...
ત્રણેય જણાં ડિનર માટે ડાઈનીંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયા.
લવે પોતાના દાદૂ સામે જોયું અને તે બોલ્યો"પણ દાદૂ તમને એક વાત પૂછું?""હા, પૂછ ને બેટા?""આ ઈન્ડિયાની છોકરીઓ આટલી બધી શરમાળ કેમ હોય છે..?"
દાદૂ લવનો કહેવાનો મતલબ બિલકુલ સમજી ગયા હતા..."એ શરમાળ નથી હોતી બેટા પણ એની એ લજ્જા આપણી સંસ્કૃતિ બતાવે છે, એ આપણાં સંસ્કાર છે, આપણી મર્યાદા છે...એ જ્યાં સુધી પોતાનું દિલ કોઈને નથી સોંપતી ત્યાં સુધી તેના શરીરને અડકવાનો કોઈને અધિકાર પણ નથી આપતી... જ્યારે તે મનથી કોઈને પોતાના માની લે છે ત્યારે જ તે પોતાનો સ્પર્શ પણ કોઈને સોંપે છે.. નહીં તો તે અડપલું કરવા વાળાને થપ્પડ પણ મારી દે છે.""ઑહ આઈ સી..." અને હવે લવને લાગ્યું કે જૂહી ઈઝ રાઈટ..
લવ પોતાની દાદીના હાથની બનેલી પોતાની ફેવરિટ દાળ ઢોકળીના વખાણ કરતાં કરતાં જમી રહ્યો હતો અને પોતાના દાદૂની વાતને મનમાં ને મનમાં વાગોળી રહ્યો હતો..
બધા એકસાથે જમીને ઉભા થયા અને લવે વોશ બેઝિનમાં પોતાના હાથ ધોતાં ધોતાં કહ્યું કે, "મજા આવી ગઈ આજે જમવાની, દાદી થેન્કયુ સો મચ." અને પછી બોલ્યો કે, "આઈ એમ ટાયર્ડ નાઉ એન્ડ ગોઈંગ ટુ માય રૂમ.."
લવ પોતાના બેડ ઉપર સ્હેજ જોરથી મસ્તી સાથે પછડાયો અને પછીથી પોતાનો કેમેરા ખોલીને આજે લીધેલા ફોટોઝ જોવા લાગ્યો અને હસવા લાગ્યો....અને બોલ્યો, "પાગલ..."વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ
16/7/25