વિશ્વમાં ભારતને સૌથી રહસ્યમય દેશ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સદીઓથી રહસ્યોની પરંપરાઓ જોવા મળે છે.અહી અનેકાનેક રહસ્યમય કથાઓ પરંપરાથી સાંભળવા મળે છે અને અનેક રહસ્યમય વ્યક્તિઓ અંગે પણ અનેક કથાઓ પ્રચલિત છે.
કેરલના આંતરિયાળ વિસ્તારમાં આવેલ કોધિની નામનું એક ગામ છે આમ તો તે ભારતના અન્ય ગામડાઓ જેવું છે પણ આ ગામ તેના રહસ્યને કારણે વિશિષ્ટ બની રહ્યું છે.આ ગામમાં ભારતના સૌથી વધારે જોડકા સંતાનો જોવા મળે છે.આ ગામની વસ્તી બે હજાર કરતા વધારે નથી પણ અહી જોડકા સંતાનોની સંખ્યા અઢીસો કરતા વધારે છે.જોકે તે ગામમાં ૩૫૦ કરતા વધારે જોડકા સંતાનો છે.મજાની વાત તો એ છે કે આ વિસ્તારમાં જ જોડકા સંતાનો સૌથી વધારે જોવા મળેે છે અને દરવર્ષે તેની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળે છે.આ વિશિષ્ટ અને વિચિત્ર એટલા માટે છેકે ભારતમાં જોડકા સંતાનો પેદા થવાનો દર આમ તો દર એક હજારે ચારનો છે.જ્યારે કોધિનીમાં આ દર પ્રતિ હજારે ૪૫નો છે.આ બાબતમાં તબીબોને તો કોઇ ગડ જ પડતી નથી તેમના માટે આ આખી વાત જ ભાર અચરજભરેલી છે.આ મામલે સંશોધનો ચાલે છે પણ કોઇ ઉકેલ મળ્યો નથી.
૧૮ ડિસેમ્બર ૨૦૧૨માં જોધપુરના આકાશમાં ભારે ધડાકાના અવાજે લોકોને ચોંકાવી દીધા હતા લોકોને લાગ્યું કે આ ધડાકો કોઇ વિમાન તુટી પડવાનો હશે અને તેમણે આ અંગે પુછપરછ શરૂ કરી ત્યારે કોકડુ વધારે ગુંચવાયું હતું કારણકે તે સમયે જોધપુરના આકાશમાં કોઇ વિમાન જ ન હતું.જેના કારણે આ ગર્જના શેની હતી તે એક રહસ્ય જ બની રહી હતી.જો કે વિચિત્ર વાત તો એ છે કે આ આખા મહિના દરમિયાન માત્ર જોધપુર જ નહી પણ આખા વિશ્વમાં આ પ્રકારના રહસ્યમય ધડાકાઓ સંભળાતા રહ્યાં હતા.ક્યાંક તો આ ધડાકાઓની સાથે લીલો પ્રકાશ પણ જોવા મળ્યો હતો.કેટલાક માને છે કે એલિયનો દ્વારા કોઇ નવા શસ્ત્રનો ઉપયોગ કરાયો હતો જો કે આજે પણ જોધપુરના એ ધડાકા ભડાકા એક રહસ્ય જ છે.
નવ રહસ્યાત્મક વ્યક્તિઓ અંગેની વાયકા બહુ જાણીતી છે જેણે માત્ર ભારત જ નહી પાશ્ચાત્ય દેશોને પણ પ્રભાવિત કર્યા હોવાનું મનાય છે.આ શક્તિશાળી રહસ્યમય સમાજનું નિર્માણ સમ્રાટ અશોકે લોહિયાળ યુદ્ધ બાદ કર્યુ હોવાનું મનાય છે.તેમનું કાર્ય એ દરેક રહસ્યમય બાબતોનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું હતું જે અયોગ્ય હાથમાં જવાથી સમાજને ભારે નુકસાન જાય તેમ હતું.આ નવ વ્યક્તિઓમાં દરેક વ્યક્તિ કોઇને કોઇ વિષયનો તજજ્ઞ હતો જેમાં પ્રોપેગન્ડાથી માંડીને માઇક્રોબાયોલોજી જેવા વિષયો સામેલ હતા.જેમાંના કેટલાક તો એન્ટી ગ્રેવિટી અને ટાઇમ ટ્રાવેલ જેવા વિષયના પણ જાણકાર હોવાનું કહેવાય છે.તેમણે આ અંગે પુસ્તકો લખ્યા હતા પણ તે જાહેર કરાયા ન હતા અને તેમાંથી ઘણી વખત માહિતી લીક થયાનું પણ કહેવાય છે કહેવાય છેકે જ્યુડો જેવી વિદ્યા આ પુસ્તકની લીક થયેલી માહિતી પર રચાઇ હતી.આ નવ વ્યક્તિઓ તેમના ઉત્તરાધિકારીને આ જ્ઞાન આપીને જતા હતા અને હાલમાં પણ તે સમાજ અસ્તિત્વમાં હોવાનું કહેવાય છે.જો કે હવે તેઓ માત્ર ભારત પુરતા સિમીત રહ્યાં નથી તેઓ આખા વિશ્વમાં ફેલાઇ ગયા છે.જેમાંથી ઘણા તો શક્તિશાળી પદો પર રહ્યાં હોવાની વાયકા છેઆ વ્યક્તિઓએ દસમી સદીમાં પોતાનો પ્રભાવ દર્શાવ્યો હતો અને આ રહસ્યમય સમાજના સભ્યોમાં પોપ સિલ્વેસ્ટ બીજા અને ભારતના અવકાશ કાર્યક્રમના પિતામહ વિક્રમ સારાભાઇ હોવાનું કહેવાય છે.
તાજ મહાલને ભારતનાં સૌથી પ્રખ્યાત અને સુંદર સ્થાપત્યનું બિરૂદ મળેલું છે.વિદેશી જ્યારે પણ ભારત આવે છે ત્યારે તેઓ તાજની અવશ્ય મુલાકાત લેતા હોય છે.આ સ્થાપત્યને આધુનિક કાળમાં પણ એક વન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે.આ સફેદ સંગેમરમરની ઇમારતનું સર્જન મુઘલ શહેનશાહ શાહજહાએ કર્યુ હતું.જો કે આ ઇમારત પણ અનેક વિવાદો ધરાવે છે દિલ્હીના પ્રોફેસર પી.એન.ઓક તેને મુસ્લિમ સ્થાપત્ય માનવાનો ઇન્કાર કરતા કહે છે કે આ ઇમારત વાસ્તવમાં હિન્દુ મંદિર હતી અને તે તેજો મહાલય તરીકે જાણીતી હતી અને તે શિવમંદિર હતું. જો આ દાવો સાચો હોય તો તાજના આખા ઇતિહાસને બદલવો પડે તેમ છે.જો કે ભારતની સરકાર આ પ્રકારના વિવાદોમાં પડવા માંગતી નથી આથી ત્યાંના કેટલાક ગુપ્ત ઓરડાઓમાં આજે પણ કોઇને પ્રવેશ આપવામાં આવતો નથી દાવો કરાય છેકે આ ઓરડાઓની તપાસ કરવામાં આવે તો રહસ્ય પરથી પરદો ઉઠે તેમ છે પણ તેમ કરવામાં આવ્યું નથી.
પાંચસો વર્ષ પહેલા જેસલમેરનું કુલધારા ગામ લગભગ ૧૫૦૦ની વસ્તી ધરાવતું હતું પણ રાતોરાત આ ગામ વેરાન થઇ ગયું હતું અને ત્યાંથી લોકો ગાયબ થઇ ગયા હતા જે અંગે અનેક પ્રકારની વાયકાઓ સાંભળવા માળે છે કોઇ કહે છે કે ત્યાંના જુલ્મી શાસક દ્વારા લોકો પર આકાર કરવેરા નાંખવામાં આવતા લોકોએ આ વિસ્તાર છોડી દીધો હતો તો કોઇ આ માટે પ્રેમકથાને કારણરૂપ માને છે.જો કે તેના કારણો વિશે મતમતાંતર છે પણ એક વાત સૌ સ્વીકારે છેકે જ્યારે લોકોએ આ ગામ છોડ્યું ત્યારે તેમણે શાપ આપ્યો હતો કે અહી કોઇ જ રહી શકશે નહી અને ત્યારબાદ જેણે પણ આ ગામની ધરતી પર રહેવાનો પ્રયાસ કર્યો તે બહુ બુરી રીતે મોતને ઘાટ ઉતર્યો છે.આ અંગે સંશોધન કરવાનો જ્યારે નિર્ણય લેવાયો ત્યારે અહી એ સંશોધકોને પણ વિચિત્ર અનુભવો થયા હતા અને આ ગામ આજે પણ વેરાન છે અને ત્યાં વસ્તીનો વસવાટ થશે તે તો હાલ લાગતું નથી.
હિમાલયની નજીક લદ્દાખ આમ તો સમૃદ્ધ પરંપરા ધરાવે છે પણ અહી એક પહાડી રહસ્યમય છે આ પહાડી એવી છે કે જ્યાં એક સ્થળે ગાડીને રોકી દેવામાં આવે તો તે ગાડી આપોઆપ ઉપર ચઢવા માંડે છે.આ અનોખા અનુભવ અંગે અનેક સહેલાણીઓ જાણે છે અને ટ્રાવેલ ગાઇડ પણ આ અંગે વાતકરતા હોય છે.તેને હિમાલયના ચમત્કાર તરીકે ઓળખવામાં આવે છે.આ આખી ઘટના અંગે સંશોધકો માથુ જ ખંજવાળે છે. જો કે આ અંગે કહેવાય છે કે તે દૃષ્ટિભ્રમને આભારી છે કારણકે રોડ લાગે છે ઉપર ચઢાણવાળો છે પણ તે ખરેખર તો નીચે જતો રોડ છે અને તેના કારણે જ ગાડીઓ આપોઆપ સરકવા લાગે છે.જો કે હિમાલય આવા તો અનેક ચમત્કારો ધરાવતો પર્વત છે.અહી પવિત્ર અને અમર આત્માઓનો વસવાટ હોવાની વાત તો જુની છે.આ આત્માઓ અન્ય વિશ્વથી અલગ હોય છે અને તેમનો સંપર્ક તેનાથી કપાયેલો હોય છે. જો કે આ આત્માઓ ક્યાં વસવાટ કરે છે તેની બહુ ઓછાને જાણ છે કેટલાક તિબેટિયનો કે સાધુઓ આ રહસ્યને જાણે છે પણ ક્યારેય તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી.
પુણે ખાતે એક રહસ્યમય બિલાડીએ ભારે ઉત્પાત મચાવી દીધો હતો અને આ બિલાડીથી ત્યાંના રહીશો ત્રાસી ગયા હતા અને તેને ભૂત બિલ્લી તરીકે ઓળખ મળી હતી. આ બિલાડીનો જેને અનુભવ થયો હતો તેમના જણાવ્યાનુસાર આ બિલાડી રંગે કાળી અને ભારે શરીરવાળી હતી અને આ બિલાડીનો ચહેરો કુતરા જેવો હતો.જ્યારે આ બિલાડીને પકડવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તેની છલાંગ ઝાડ જેટલી ઉંચી હતી.આ બિલાડીનો આકાર સિંહ કરતા નાનો અને હાયના કરતા વધારે હતો.
હિમાલયનો લદ્દાખ વિસ્તાર વિશ્વના દુર્ગમ વિસ્તારોમાંનો એક છે જ્યાં આજે પણ પહોંચવું મુશ્કેલ છે.આ વિસ્તાર આમ તો ભારત અને ચીનની સરહદનો વિવાદાસ્પદ વિસ્તાર છે પરિણામે બંને દેશો તેની નિગરાની કરતા હોય છે.ત્યાના કોંગકા લા પાસ પર અનેક યુએફઓ ગતિવિધિઓ નોંધાઇ છે.કહેવાય છે કે આ વિસ્તારમાં અનેક ગુપ્ત પ્રવૃત્તિઓ ચાલતી રહે છે અને આ વિસ્તારનો ઉપયોગ ઉડતી રકાબીઓના ઉડ્ડયન માટે થતો હોવાનું કહેવાય છે.અહી રહેતા લોકો અને પ્રવાસીઓને પણ યુએફઓ નજરે ચઢ્યા છે.કહેવાય છે કે આ પ્રવૃત્તિઓ વિશે ચીન અને ભારતની સરકારને ખબર છે પણ તેઓ આ બાબતે આંખ આડા કાન કરે છે.ગુગલ અર્થે પણ ત્યાં ગુપ્ત લશ્કરી સુવિધાઓ હોવાનું જણાવ્યું છે.
શાંતિદેવીનો જન્મ ૧૯૩૦માં દિલ્હીના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો જોકે શાંતિ માટે શાંતિ લભ્ય બની ન હતી તે જ્યારે ચાર વર્ષની થઇ ત્યારે તેણે કહેવા માંડ્યું કે તેના આ માતાપિતા તેના અસલ માતા પિતા નથી અને તેનું નામ શાંતિ નહી પણ લુડગી હતું તેણે એ પણ જણાવ્યું હતું કે સંતાનના જ્ન્મ સમયે તેનું મોત થયું હતું અને તેણે પોતાના પતિ અને ત્યારના પરિવાર વિશે ઝીણવટભરી માહિતી આપી હતી.જ્યારે આ અંગે તપાસ કરવામાં આવી તો જણાયું કે ખરેખર લુડગીદેવી તેના સંતાનને જન્મ આપતા સમયે મોતને ભેટી હતી.શાતિએ આપેલ અન્ય વિગતો પણ સાચી પુરવાર થઇ હતી.તેણે પોતાના આગલા જન્મના પતિને પણ ઓળખ્યો હતો.ત્યારબાદ શાંતિએ અભ્યાસ કર્યો હતો અને તે શિક્ષિકા પણ બની હતી.મજાની વાત એ છે કે શાંતિ દેવીનું પરિક્ષણ અનેક સંશોધકોએ કર્યુ હતું અને તેઓ તેને અસત્ય પુરવાર કરી શક્યા ન હતા.