યુદ્ધની કથાને રમ્ય માનવામાં આવે છે અને તેના ભયંકર દુષ્પરિણામો છતા એ હકીકત છે કે જગતના કોઇને કોઇ ખુણે યુદ્ધો ચાલતા જ રહે છે.પણ આ યુદ્ધમાં જે પરોવાયેલા હોય છે તેમના માટે તો તે જીવન મરણનો સવાલ હોય છે અને તેઓ આ યુદ્ધને કેવી રીતે સફળતામાં પલટી શકાય તે માટે દિન રાત વિચારણા કર્યા કરતા હોય છે અને તે માટે અવનવી રીતોને અજમાવતા હોય છે જેમાં ક્યારેક કોઇને સફળતા હાથ લાગે છે તો ક્યારેક તેમને નિષ્ફળતાનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક આ પ્રકારની ટેકટીકએ સફળતાના માપદંડ રચે છે જેમાં સાહસિકતા અને ત્વરિત નિર્ણયશક્તિનો સમાવેશ થયો હોય છે.ક્યારેક તે પોતાના દળ માટે ઘાતક નિવડતી હોય છે તો ક્યારેક સામા પક્ષ માટે તે ઘાતક બની રહેતી હોય છે.
યુદ્દોમાં પ્રાણીઓનો ઉપયોગ તો પ્રાચીનકાળથી થતો આવ્યો છે જેમાં એક સમયે તો યુદ્ધમાં ઘોડા અને હાથીઓની ભૂમિકા મહત્વપુર્ણ બની રહેતી હતી અને અશ્વદળ અને હસ્તીદળની પલટનો સૈન્ય માટે ફરજિયાત બની રહેતી હતી.પણ આ સિવાયના પ્રાણીઓનો ઉપયોગ ઓછો થાય છે પણ પર્સિયાના કેમ્બિસેસ બીજાએ યુદ્ધમાં બિલાડીઓનો અદ્ભુત અને અભૂતપુર્વ પ્રયોગ કર્યો હતો.ઇ.પુ.૫૨૫માં તે ઇજિપ્તની સામે પેલુસિયમમાં યુદ્ધ કરતો હતો અને તેને ખબર હતી કે ઇજિપ્તના સમાજમાં બિલાડીને મહત્વનું સ્થાન અપાય છેતેણે ઇજિપ્તમાં ઘુસવા માટે બિલાડીઓનો ઉપયોગ કરવાનો અખતરો કર્યો હતો.તેણે બખ્તર પર બિલાડીના મહોરા ચિતરવાનો ઓર્ડર આપ્યો હતો અને આ ઉપરાંત આગળના મોરચા પર બિલાડીઓની ફોજ ઉતારી હતી.આ યોજના કારગત નિવડી હતી અને ઇજિપ્તના સૈનિકોએ બિલાડીઓ પર હુમલો કરવાનો ઇન્કાર કર્યો હતો.જેના કારણે નવમો ફેરો પકડાયો હતો.
ભારતના આધુનિક યુદ્ધોના ઇતિહાસમાં શીખોનું પ્રદાન અગ્રગણ્ય છે.કારણકે તેમની બહાદુરીનો જોટો જડે તેમ નથી.તેમાંય જ્યારે તે ખરેખરા મરવા મારવાના મુડમાં હોય ત્યારે તો એક શિખનો બચ્ચો હજ્રારોને ભારે પડે છે અને ઇતિહાસ ગવાહ છે કે માત્ર ૪૮ શીખ લડવૈયાઓએ દસ હજારના સૈન્યને રોક્યું હતું.આનંદપુર સાહિબને ગુમાવ્યા બાદ તેઓનો એક જથ્થો એક કિલ્લામાં સંતાયો હતો અને ત્યાં પણ મુગલોનું સૈન્ય પહોચ્યું હતુ ત્યારે તેમના ગુરૂના બચાવની જવાબદારી માત્ર ૪૮ લડવૈયાઓ પર આવી પડી હતી જેમણે એવું શુરાતન દાખવ્યુ હતું કે મુગલોનું સૈન્ય પણ છક્ક થઇ ગયું હતુ.આ લડવૈયાઓએ ત્રણ હજારને મોતને ઘાટ ઉતાર્યા હતા અને ધર્મની રક્ષા કરતા શહીદ થયા હતા.
ઇ.પુ. ૫૨માં એલેસિયામાં વિદ્રોહ ફાટી નિકળ્યો ત્યારે જુલિયસ સીઝરે તાત્કાલિક ૬૦૦૦૦ સૈનિકો તેને દાબવા માટે મોકલી આપ્યા હતા.ત્યારે તેમને ત્યાં એંસી હજારના લશ્કરનો સામનો કરવોપડ્યો હતો આ વાત જ્યારે જુલિયસ સીઝરને જાણવા મળી ત્યારે તેણે એકલાખ વીસ હજાર સૈનિકોને મોકલ્યા હતા.ત્યારે સીઝરને વિદ્રોહીઓ અને સૈન્યનોસામનો કરવો પડ્યો હતો.તેની જો કે એકની સામે એક જથ્થાની ટેકટીક કામ લાગી ગઇ હતી.
પ્રથમ વિશ્વયુદ્ધના સમયે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનને જર્મનીની યુ બોટ્સ ભારે પડી ગઇ હતી.ક્રેશ્ચનરે એકલાએ જ તેમના અનેક જહાજોને ડુબાડ્યા હતા.ત્યારે બ્રિટને આ નૌકાઓને નિરૂપયોગી બનાવવા માટે અનોખી રીત અજમાવી હતી તેમણે બ્લેકસ્મિથની સાથે સૈનિકોની એક ટુકડી રાફ્ટમાં મોકલી હતી જે રાત્રિના સમયે યુ બોટનું પેરિસ્કોપ જોવા મળે છે કે નહી તે કામ કર્યુ હતુ અને જ્યારે તેમને આ પેરિસ્કોપ દેખાતું ત્યારે તેઓ આ પેરિસ્કોપને તોડી નાંખતા હતા પરિણામે પાણીમાં રહેલ યુ બોટના કેપ્ટનને સપાટી પર આવ્યા વિના છુટકો રહેતો ન હતો તેમણે આ રીતે કુલ સોળ જેટલી યુ બોટને નકામી કરી નાંખી હતી અને તે અખતરો કામ લાગી ગયો હતો.આમ તો યુદ્ધમાં હંમેશા આધુનિક રીત રસમોને કારગર માનવામાં આવે છે પણ ક્યારેક જુની પુરાણી પદ્ધતિ પણ કામે લાગી જાય છે.બીજા વિશ્વયુદ્ધમાં પુર્વ મોરચે રશિયાએ બાયપ્લેનનો ઉપયોગ કર્યો હતો.આ વિમાનોનો ઉપયોગ ત્યારે નાઇટ વિચીઝ તરીકે ઓળખાતી મહિલા બોમ્બરો દ્વારા કરાયો હતો.ત્યારે તેમને ઉતરતી કક્ષાની ટેકનોલોજી અપાઇ હતી કારણકે તે મહિલાઓ હતી.પણ તેમણે પોતાની જાતને ટુંક સમયમાં જ પુરવાર કરી હતી અને યુદ્ધના અંત સુધીમાં તેમણે આ વિમાનો વડે એક હજાર જેટલા ફેરા કર્યા હતા.તેમની સફળતાનું રહસ્ય એ હતું કે જર્મનીના એમઇ-૧૦૯ આ એકદમ ધીમી રીતે ચાલતા પ્લેનને પકડી શકતા ન હતા તેમની ફ્રેમ લાકડાની હતી અને તે માત્ર બે બોમ્બ લઇ જઇ શકતા અને તે રડારમાં ક્યારેય પકડાતા ન હતા.તેમાંય આ પ્લેનને ચલાવવા માટે તેમને વધારે જફાની જરૂર પડતી ન હતી એક સ્કુલગર્લને પણ ચાર કલાકની તાલીમ આપવામાં આવે તો તે આ પ્લેનને ચલાવવા માટે કુશળ બની જતી હતી.આમ તો યુદ્ધમાં પહેલો ઘા રાણાનો માનીને મોટાભાગે સેનાપતિઓ આક્રમણનો માર્ગ જ અપનાવતા હોય છે પણ ક્યારેક પારોઠના પગલા ભરીને ધૈર્ય રાખવાની રણનીતિ પણ કારગર નિવડતી હોય છે. રિચાર્ડને જ્યારે ૧૧૯૧માં આર્સુફમાં સલાડીનની સેનાનો સામનો કરવો પડ્યો ત્યારે આ રણનીતિ કામ લાગી હતી જેના સૈનિકો મોટાભાગે પહાડી સૈનિકો હતા જેમને મેદાની લડાઇ ઓછી ફાવતી હતી આથી રિચાર્ડે મિસાઇલના હુમલાઓથી બચવા માટે તેના સૈનિકોને નદીના કિનારા પર જઇને રાહ જોવાની રણનીતિ અપનાવવા જણાવ્યું હતું તે માનતા હતા કે તેમને સલાડીનની સેના તક આપશે અને તેમની રણનીતિ સચોટ નિવડી હતી.સતત ફાયરિંગ કર્યા બાદ સલાડીનની સેનાને લાગ્યું કે ક્રુસેડરની સેના હવે છટકી શકવાની નથી અને તેમણે તેમના સૈનિકોને જણાવ્યું હતું કે હવે તે ફાયરિંગ ન કરે અને તેમની નજીક જવાનો પ્રયાસ કરો આ તક રિચાર્ડ માટે સોનેરી હતી અને તેણે તાત્કાલિક ફાયરિંગ કરવા જણાવ્યું હતું અને આ યુદ્ધમાં તેનો વિજય થયો હતો.યુદ્ધમાં હંમેશા નાસી છુટવાનો પ્લાન તૈયાર રાખવો પડે છે અને તેમાં તેના સાધનોની જાળવણી પણ મહત્વપુર્ણ છે પણ તૈમુર જેવા બાહોશ સેનાપતિએ તેનાથી ઉલ્ટુ કર્યુ હતું.જ્યારે તેણે દિલ્હીને જીતવા માટે મોરચો માંડ્યો ત્યારે ત્યાના સુલતાનના પ્રશિક્ષિત હસ્તીદળનો સામનો કરવો પડ્યો હતો.તેમણે મરણિયા થયેલા આ હસ્તીદળનો સામનો કરવા માટે તેના સૈનિકોને જણાવ્યું હતું કે તેઓ તેમના ઉંટને આ હસ્તીદળ સામે ધસી જવા અને બને તેટલી બુમરાણ અને કીકીયારીઓ પાડવા જણાવ્યું હતું.તેમના સૈનિકોેએ પોતાના ઉંટોને આગની જવાળાઓમાં લપેટીને હસ્તીદળની સામે મોકલ્યા હતાપરિણામ એ આવ્યું હતું કે હાથીઓના દળે પાછીપાની કરી અને તેના કારણે ભારતીય સૈનિકોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું.આ રણનીતિએ તૈમુરને વિજય અપાવ્યો હતો.તેને તો આ યુદ્ધમાં એ હાથીઓની સેના પણ મળી ગઇ હતી જેની સામે તેણે પોતાના ઉંટ કુરબાન કર્યા હતા.બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૫ મે ૧૯૪૫નો દિવસ સૌથી વિચિત્ર રહ્યો હતો.આ એ દિવસ હતો જેના ત્રણ દિવસ બાદ જર્મનીએ સત્તાવાર રીતે શરણાગતિ સ્વીકારી હતી.ત્યારે તેમણે ઇત્તારનો કિલ્લો અને ફ્રાન્સના કેદીઓ ચૌદ અમેરિકન સૈનિકોને સોંપી દીધા હતા.જ્યારે અમેરિકન સૈનિકો અહી આવ્યા ત્યારે જર્મનીના મેજર જોસેફ ગેંગલને ખ્યાલ આવ્યો હતો કે કેદીઓના હાથમાં શસ્ત્રો આવી ગયા છે.આથી તેમણે ત્યાં આવેલા અમેરિકનોને સહાય આપવાની ઓફર કરી હતી.ત્યારે યુદ્ધમાં એકબીજાના લોહીના પ્યાસા એવા અમેરિકન અને જર્મનીના સૈનિકો એકબીજાની પડખે રહીને લડ્યા હતા.જે આ યુદ્ધની એકમાત્ર અભૂતપુર્વ એવી ઘટના હતી.થોડા સમય બાદ અમેરિકાની રિલીફસેના આવી હતી અને તેણે એસએસ૧૭નો કબજો મેળવ્યો હતો પણ ત્યારે ગેંગલ એક સ્નાઇપરની ગોળીનો શિકાર બન્યો હતો.રશિયામાં શિયાળા દરમિયાન ઘુસણખોરી એ જાનની બાજી લગાવવા સમાન છે જે વાત રશિયનોના હાથે માત ખાધા બાદ ટ્યુટોનિક નાઇટ્સને સમજાઇ હતી.ક્રુસેડરો પાસે ત્યારે રશિયનોની તુલનાએ ગંજાવર સાધન સામગ્રી હતી અને જો સીધુ યુદ્ધ થયું હોત તો રશિયનોને બચવા માટે કોઇ તક જ ન હતી પણ રશિયનોનો પીછો કરનાર નાઇટસની સેના ઓગળતા જતા સરોવરોની વાતની ગંભીરતાને સમજી શક્યા ન હતા અને ત્યાં ફસાઇ ગયા હતા.તેમની પાસે આધુૂનિક યુદ્ધ સામગ્રી હતી પણ ઓગળતા બરફને કારણે ત્યારે માત્ર ધનુષધારી રશિયનોના હાથે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.