એક નાનકડા શહેરમાં રમેશભાઈ નામના જાણીતા અને આદરપાત્ર કાપડ વેપારી રહેતા હતા. વર્ષોનો અનુભવ અને શ્રમથી તૈયાર થયેલી તેમની દુકાન શહેરમાં જાણીતી ગણાતી . જીવનમાં ઘણી બધી મજૂરી અને સંઘર્ષ કર્યો હતો તેમણે, એટલે હવે ઈચ્છતા કે કોઈ યુવાન છોકરો નોકરી પર રાખી દઈને દુકાનની કેટલીક જવાબદારીઓ સોંપે.
કેટલાક દિવસોની શોધખોળ પછી તેમને એક યુવાન મળ્યો. લગભગ વીસેક વર્ષનો, શાંત સ્વભાવનો, લાગણીઓથી ભરેલો. બોલવામાં બહુ ઓછું, પણ આંખોમાં ઘણી ઊંડાઈ. શેઠે પહેલા જ દ્રષ્ટિએ જોઈ લીધું કે એ છોકરો જુદો છે—અન્ય નોકરી માંગતા છોકરાઓથી. જયારે વાતચીત થઇ ત્યારે ખબર પડી કે એ છોકરો અનાથ છે. માતા-પિતાનો કઈંક અકસ્માતમાં અવસાન થયો હતો. પોતાનું કોઈ નહીં.
રમેશભાઈનું હ્રદય દ્રવી ગયું. તેમનાં પોતાના પુત્ર એ વર્ષો પહેલા વિદેશ જતાં સંબંધ ઓછા થયા હતા. આ યુવકમાં એમણે કોઈ પોતાના પુત્રનો પ્રતિબિંબ જોયો. એમણે તરત જ તેને દુકાન પર રાખી લીધો—ફક્ત એક કામદાર તરીકે નહીં, પણ ઘરના સભ્ય તરીકે.
યુવક દિન પ્રતિદિન પોતાનું સમર્પણ સાબિત કરતો ગયો. સવારે વહેલી સવારે દુકાન આવે, સૌપ્રથમ સાફસફાઈ કરે, પછી ગોઠવણી અને બાદમાં ગ્રાહકો માટે હંમેશાં તૈયાર. સંભાળથી વાત કરવી, ધીરજથી દરેકને સમજાવવું એના સ્વભાવનો ભાગ બની ગયેલું.
શેઠની માતાએ પણ એને પોતાનો દીકરો માની લીધો. બપોરે ઘરમાંથીજ એની માટે ભોજન આવતું.
સમય વીતતો ગયો. દુકાન હવે યુવકના હાથે સચવાઈ રહી હતી. રજિસ્ટર લખવાનું હોય, માલ ઓર્ડર કરવાનો હોય કે મોટા ગ્રાહકો સાથે વાત કરવી હોય—શેઠએ હંમેશાં તેને આગળ રાખ્યો. લોકોને પણ લાગવા લાગ્યું કે એ બંને ફક્ત શેઠ-નોકરીયાત નથી, પણ એક પાક્કા સંબંધમાં જોડાયેલા છે – જે સંબંધ લોહી કરતાં વધુ ગાઢ હોય.
એટલું બધું થયા પછી, એક દિવસ શેઠએ નક્કી કર્યું કે હવે એ યુવકના લગ્ન કરાવી દેવાં જોઈએ. ઘણાં શોધ્યા પછી એક સદ્ગૃહસ્થ પરિવારની સુંદર અને સસ્કારવાળી દીકરી મળેલી. લગ્ન ધૂમધામથી થયા. ઘર આખું ખુશીથી ભરાઈ ગયું. એવું લાગતું કે નસીબે યુવક માટે વર્ષો સુધી જે લીધું હતું, હવે એ બધું પરત આપે છે.
બધું સરસ ચાલતું હતું… ત્યાં સુધી કે એક દિવસ એ યુવક અચાનક દુકાન પર ન આવ્યો.
શેઠે વિચાર્યું—કદાચ ક્યાંક કામમાં છે. પણ બીજો અને ત્રીજો દિવસ પણ વીતી ગયા પણ એ ન આવ્યો,ફોન પણ બંધ મળતો. આખા સાત દિવસ વીતી ગયા, પણ યુવકનો પત્તો નહિ.
ચિંતામાં ગરકાવ શેઠએ છેલ્લે નક્કી કર્યું કે એના ગામ જઈને જોવું જોઈએ. ગામમાં પહોંચ્યા ત્યારે તેમને જે જાણ્યું એ સાંભળીને તેઓ થરથરી ઉઠ્યા. એ યુવકએ ત્યાં પોતાની કાપડની દુકાન શરૂ કરી હતી. લોકોએ કહ્યું કે “શેઠના કહ્યાથી શરૂ કરી છે.” પણ એ વાત શેઠ માટે નવી હતી. “મેં તો કદી આવું કહ્યું નહોતું!”
શેઠ ત્યાં ગયા . દુરથી જોતા જોયું—દુકાન બરાબર તેમની જેવી ગોઠવેલી. એજ પ્રકારનો માલ. એજ ગ્રાહકસેવા. એજ વ્યવહાર.
અંદર પ્રવેશ કરતાં, યુવક આંખે આંખ મળાવતો નહોતો. શેઠે કંઈ ન પૂછ્યું, કંઈ ન કહ્યું. એક મૌન વાતચીત, એક ભાવનાત્મક આઘાત. વાત કરતા કરતા શેઠનું હાથ હળવું ઊંચકાયું અને એક થપ્પડ પાડ્યો.
એ થપ્પડ ગુસ્સો ન હતો, એ એક લાગણીઓથી ભરેલું પ્રતિસાદ હતો —એક એવી કોઈ ક્રિયા કે જેના શબ્દો નહોતાં.
થપ્પડ પછી મૌન છવાયેલું હતું. આંખો નીચે કરી એ ઊભો હતો . કદાચ એ ક્ષણમાં એને સમજાઈ ગયું હતું કે વેપાર કરવો ગુનો નથી. પોતાનું જીવન ઊભું કરવું પણ ગુનો નથી.
પણ કોઈએ જો ભરોસો કર્યો હોય, એને પીઠ પાછળથી તોડવો એ પાપ છે.
શેઠ પાછા ફર્યા. આંખોમાં ભીનાશ હતી. પણ મન – નિઃશબ્દ. જ્યાં પ્રેમ હોય ત્યાં વિશ્વાસ જન્મે છે. પણ જ્યાં વિશ્વાસ તૂટે, ત્યાં સંબંધો જીવતા હોવા છતાં મૃત્યુ પામે છે.