santoshi pandya in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | સંતોષી પંડ્યાની કથા

Featured Books
Categories
Share

સંતોષી પંડ્યાની કથા

સંતોષી પંડ્યાની કથા

सन्तोषः परमो लाभः सत्सङ्गः पराम गतिः।

विचारः हि परमं ज्ञानं शमं हि परमं सुखम्॥

·  સંતોષઃ પરમો લાભઃ - સંતોષ એટલે જે છે તેનાથી સંતુષ્ટ રહેવું, આ જ જીવનનો સૌથી મોટો લાભ છે.

·  સત્સઙ્ગઃ પરામ ગતિઃ - સાચા અને સારા લોકોનો સંગ (સત્સંગ) એ જીવનને ઉચ્ચ ગતિ (મોક્ષ કે આધ્યાત્મિક ઉન્નતિ) તરફ લઈ જાય છે.

·  વિચારઃ હિ પરમં જ્ઞાનમ્ - ઊંડો વિચાર અને ચિંતન એ સૌથી શ્રેષ્ઠ જ્ઞાન છે.

·  શમં હિ પરમં સુખમ્ - મનની શાંતિ (શમ) એ જીવનનું સૌથી મોટું સુખ છે.

પ્રાચીન સમયની આ વાત છે, દૂર રાજનગર નામના એક શાંત અને સમૃદ્ધ નગરમાં શાંતિદાસ નામનો એક ધર્મવીર રહેતો હતો. શાંતિદાસનું જીવન ધર્મ, સત્ય અને સાદગીના સિદ્ધાંતો પર ટકેલું હતું. તેનું હૃદય શુદ્ધ હતું, અને તેની યાત્રાઓ દરમિયાન તે હંમેશાં લોકોની મદદ કરવા અને ધર્મનો પ્રચાર કરવા માટે તત્પર રહેતો. એક દિવસ, શાંતિદાસે યમુના નદીના પવિત્ર તટે જવાનું નક્કી કર્યું. તેનું મન શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલું હતું, અને તે યમુનાના ઘાટ પર પૂજા-અર્ચના કરવા માટે ઉત્સુક હતો.

શાંતિદાસે પોતાની નાની ઝોળીમાં થોડી જરૂરી વસ્તુઓ ભરી અને યાત્રા શરૂ કરી. રસ્તામાં, તે ગામડાઓ, નદીઓ અને જંગલોમાંથી પસાર થયો. તેની યાત્રાઓનો અનુભવ ઘણો હતો, અને તે જાણતો હતો કે યાત્રા દરમિયાન ઘણી વખત લોકોના સ્વભાવની કસોટી થતી હોય છે. તે હંમેશાં શાંત રહીને, ધીરજપૂર્વક દરેક પરિસ્થિતિનો સામનો કરતો. ઘણા દિવસોની મુસાફરી પછી, આખરે શાંતિદાસ યમુના નદીના ઘાટે પહોંચ્યો.

યમુનાના પવિત્ર ઘાટ પર પહોંચીને શાંતિદાસે નદીના નીરમાં સ્નાન કર્યું અને પૂજા માટે તૈયારી શરૂ કરી. ત્યાં એક પંડિત, જેનું નામ ગોવિંદ પંડ્યા હતું, પૂજા કરાવવા માટે બેઠો હતો. ગોવિંદ પંડ્યા પોતાને "સંતોષી પંડ્યા" તરીકે ઓળખાવતો હતો, કારણ કે તે હંમેશાં કહેતો, "હું સંતોષી છું, જે મળે તે સ્વીકારું છું." શાંતિદાસે તેની પાસે જઈને વિનમ્રતાથી પૂજા કરાવવા માટે વિનંતી કરી.

શાંતિદાસે ગોવિંદ પંડ્યાને પૂછ્યું, "પંડિતજી, આપની દક્ષિણા કેટલી થશે?"
ગોવિંદે હસીને જવાબ આપ્યો, "શેઠ, હું તો સંતોષી પંડ્યા છું. તમે જે આપશો, તે મને સ્વીકાર્ય છે."
શાંતિદાસે ફરી બે વખત આ જ પ્રશ્ન પૂછ્યો, પણ ગોવિંદે દર વખતે એ જ જવાબ આપ્યો, "હું સંતોષી છું, જે આપો તે લઈશ."

પૂજા શાંતિપૂર્વક પૂર્ણ થઈ. શાંતિદાસે પોતાની ખાસ થેલીમાંથી ત્રણ પિત્તળ જેવા દેખાતા  સિક્કા કાઢ્યા અને ગોવિંદ પંડ્યાના હાથમાં મૂક્યા. આ જોઈને ગોવિંદ પંડ્યાનો ચહેરો બદલાઈ ગયો. તેના મનમાં અસંતોષનો ભાવ જાગ્યો. તેણે પોતાના "સંતોષી" શબ્દો ભૂલી જઈને ગુસ્સામાં રોદણાં શરૂ કર્યાં. "અરે, આટલી મોટી પૂજા માટે માત્ર ત્રણ આવા સિક્કા ? આ તો અન્યાય છે!" તેણે લોકોને એકઠા કરીને શાંતિદાસની ટીકા કરવા માંડી.

શાંતિદાસે શાંતિથી સાંભળ્યું અને પછી નમ્રતાથી કહ્યું, "પંડિતજી, જો તમને આ ત્રણ સિક્કા થી  યોગ્ય ન લાગે, તો એ સિક્કા મને પાછા આપો. તમે તમારી દક્ષિણા જેટલી ઈચ્છો તેટલી લઈ લો."

ગોવિંદ પંડ્યાએ થોડો વિચાર કર્યો અને પછી 25 રૂપિયાની માંગણી કરી. શાંતિદાસે શાંત ચિત્તે 25 રૂપિયા આપી દીધા. લોકોનું ટોળું ધીમે ધીમે વિખેરાઈ ગયું, અને ઘાટ પર ફરી શાંતિ છવાઈ.

જતાં જતાં શાંતિદાસે ગોવિંદ પંડ્યા તરફ નજર નાખી અને શાંત સ્વરે કહ્યું, "ગોવિંદજી, મેં તમને જે ત્રણ પીતળ ના  સિક્કા આપ્યા હતા, તે સામાન્ય સિક્કા નહોતા. તે સોનાના સિક્કા હતા, જેની કિંમત હજારો રૂપિયાથી પણ વધુ હતી. પરંતુ તમારા અસંતોષી સ્વભાવને કારણે તમે તેનું મૂલ્ય સમજી શક્યા નહીં. સંતોષ એટલે ફક્ત શબ્દો નથી, એ તો હૃદયની ભાવના છે."

ગોવિંદ પંડ્યા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાં પસ્તાવો ઝળક્યો. તેણે સમજી લીધું કે તેના લોભ અને અસંતોષે તેને એક અમૂલ્ય તક ગુમાવવા દીધી. તેના મનમાં વિચાર આવ્યો કે જીવનમાં તેણે હંમેશાં પોતાની જાતને જ દગો આપ્યો છે.

હવે તેને પસ્તાવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો.

अन्तो नास्ति पिपासायाः सन्तोषः परमं सुखम्।
મનુષ્યના મનમાં તૃષ્ણા (વધુ મેળવવાની અને ક્યારેય સંતુષ્ટ ન થવાની વૃત્તિ) નો કોઈ અંત જ નથી. (બધા પ્રયાસો પછી) જે કંઈ પ્રાપ્ત થાય તેના પર સંતોષ કરવો એ જ પરમ સુખની સ્થિતિ છે. આ જ કારણે વિદ્વાન વ્યક્તિ આ સંસારમાં સંતોષને જ સાચું ધન માને છે.

સાચો સંતોષ એ હૃદયની શાંતિ અને સાદગીમાં રહેલો છે. લોભ અને અસંતોષ આપણને જીવનની સૌથી મૂલ્યવાન વસ્તુઓથી વંચિત કરી શકે છે. શાંતિદાસની જેમ, આપણે પણ ધીરજ અને શાંતિ સાથે જીવનનો સામનો કરવો જોઈએ, જેથી આપણે સાચા સુખ અને સંતોષને પામી શકીએ.

તુલસીદાસજી લખે છે:

"गोधन, गजधन, बाजिधन और रतन धन खान।

जब आवत संतोष धन सब धन धूरि समान।"

 

ગાયોનું ધન, હાથીઓનું ધન, ઘોડાઓનું ધન અને રત્નોનું ધન—આ બધાં જ્યારે સંતોષના ધન સામે આવે છે, ત્યારે તે ધૂળની જેમ નગણ્ય બની જાય છે. એટલે કે, સંતોષ એ સૌથી મોટું ધન છે, જેની સામે બીજા બધા ભૌતિક ધનનું કોઈ મૂલ્ય નથી.

પાતંજલ યોગસૂત્ર મુજબ, સંતોષ એ યોગનો એક આવશ્યક અંગ છે અને તે નિયમનો ભાગ છે. સંતોષની ઉત્પત્તિ સાત્વિક વૃત્તિમાંથી થાય છે. જ્યારે મનુષ્ય સંતોષનો અભ્યાસ કરે છે, ત્યારે તેને અનંત અને અખંડ સુખની પ્રાપ્તિ થાય છે.

પુરાણોમાં કહેવાયું છે કે ધર્મનું પાલન કરતી વખતે હંમેશાં પ્રસન્ન રહેવું અને દુઃખના સમયે પણ અધીર ન થવું એ જ સંતોષ છે. આનો અર્થ એ છે કે વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં શાંતિ અને સંતુષ્ટિ જાળવી રાખવી, જેનાથી મનને અપાર સુખની પ્રાપ્તિ થાય છે. એટલે ગભરાવું નહીં, ધીરજ રાખવી અને સંતોષ સાથે આગળ વધવું, બધું ઠીક થઈ જશે.