asha nu ajavadu in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | આશાનું અજવાળું

Featured Books
  • પેનીવાઈસ - ભાગ 7

    🩸 પેનીવાઇઝ – ભાગ 7 (The Mirror’s Curse)રૂમમાં અંધકાર ઘેરાઈ ગ...

  • ખોવાયેલ રાજકુમાર - 26

    "ઈનોલા હોમ્સ," મેં વિચાર્યા વિના કહ્યું.તરત જ હું મને એટલી મ...

  • મારું જુનુ ઘર....

    આજના સમયમાં આ જે જુની ઈમારતો જેવા ઘર ઊભા છે ને એ પોતાનામાં ક...

  • The Glory of Life - 1

    જીવનનો મહિમા ખરેખર છે શું ?મસ્તી માં જીવન જીવવું ?સિરિયસ થઈ...

  • ભાનગઢ કિલ્લો

    ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- ભાનગઢ કિલ્લોલેખિકા:- શ્રીમત...

Categories
Share

આશાનું અજવાળું

આશાનું અજવાળું
ચાર વૃદ્ધ માતાજીઓ એક ગામના ઝાડ નીચે બેઠી હતી. તેમની વચ્ચે એક જ ચર્ચા ચાલતી હતી: "અમારામાં સૌથી બળવાન કોણ?" દરેક પોતાને મોટી ગણાવતી હતી, અને દલીલોનો અંત ન આવતો. ઘણી ચર્ચા પછી, જ્યારે તેઓ થાકી ગયાં, ત્યારે નક્કી થયું કે ગામમાં નવી આવેલી હોશિયાર દક્ષા વહુ પાસે જઈને ન્યાય માંગીએ. કહેવાય છે ને, "સત્યની સામે સૌ કોઈ નમે છે."

તેઓ દક્ષા વહુના ઘરે પહોંચ્યાં.
"દક્ષા વહુ, અમારો નિર્ણય કરી દે, અમારામાં સૌથી શક્તિશાળી કોણ?" ચારેવ વૃદ્ધા એ  એકસૂરમાં પૂછ્યું.

દક્ષા વહુએ શાંતિથી સ્મિત કરીને કહ્યું, "માતાજીઓ, પહેલા તમે તમારો પરિચય આપો, પછી હું નિર્ણય કરીશ."

પહેલી માતાજી આગળ આવી અને બોલી, "હું ભૂખ માતા છું. "अन्नं परमो धर्मः।" મારી સામે કોઈ ટકી શકે નહીં. હું જ સૌથી મોટી છું, નહીં કે? શાસ્ત્રોમાં પણ કહ્યું છે માણસ ભૂખ્યો હોય તો તેની સામે તત્વજ્ઞાન પીરસવું નકામું છે. પ્રથમ તેને હવાનું આપો પછી તત્વજ્ઞાન કહો.”


દક્ષા વહુએ નમ્રતાથી જવાબ આપ્યો, "માતાજી, ભૂખ તો શક્તિશાળી છે, પણ તેનો ઉપાય છે. રસોઈના સ્વાદિષ્ટ વ્યંજનોથી પણ ભૂખ મટે છે, અને વાસી રોટલીના ટુકડાથી પણ. ભૂખનો વિકલ્પ છે. લોકો દિવસો સુધી ભૂખ્યા રહીને પણ તપસ્ચર્યા કરે છે"

"क्षुत्पिपासां जयेद्यस्तु, सः वीरः।"

આ સુભાષિત તે વ્યક્તિને વીર માને છે જે ભૂખ અને તરસ પર વિજય મેળવે છે।

 

બીજી માતાજીએ કહ્યું, "હું તરસ માતા છું. મારી તાકાતથી બધા ઝૂકી જાય છે. હું જ સૌથી મોટી છું, નહીં કે? માણસ ના સરીર માં ૬૦ ટકા પાણી રહેલું છે તેમાં થોડું પણ ઓછુ થઇ જાય તો મૃત્યુ નિશ્ચિત છે. શાસ્ત્રો એ જળ ઉપર સુકતો લખ્યા છે એટલું તેનું મહત્વ છે.”
દક્ષા વહુએ કહ્યું, "તરસ પણ શક્તિશાળી છે, પણ તેનો ઉકેલ છે. ગંગાજળની શુદ્ધતાથી કે શીતળ શરબતથી તરસ શાંત થાય છે. અને જરૂર પડે તો તળાવનું ઝેરી પાણી પણ તરસ બુઝાવે છે. તરસનો પણ વિકલ્પ છે."

ત્રીજી માતાજીએ ગર્વથી કહ્યું, "હું નીંદર માતા છું. મારા વિના કોઈ ચાલે નહીં. હું જ સૌથી મોટી છું, નહીં કે? માણસ ને ઊંઘ એ એક ભગવાનનું વરદાન છે. તેના દ્વારા તે દિવસનો અખો થાક ઉતારી શકે છે. ઋષિઓએ રાત્રી શુકતો લખ્યા છે. એટલે શયન ઉપર, એટલે કે પથારીમાં સૂતા પહેલાં, "રાત્રિ સૂક્ત" (Ratri Suktam) નું પાઠન કરવું એ એક લોકપ્રિય પ્રથા છે. રાત્રિ સૂક્ત ઋગ્વેદનો એક ભાગ છે, જે રાત અને નિદ્રા દેવીને સમર્પિત છે. તેનું પાઠન કરવાથી શાંતિપૂર્ણ નિંદરા આવે છે અને ખરાબ સપનાંથી મુક્તિ મળે છે."

દક્ષા વહુએ જવાબ આપ્યો, "નીંદર તો આરામ આપે છે, પણ તેનો પણ ઉપાય છે. નરમ ગાદી પર ઊંઘ આવે છે, પણ જરૂર પડે તો પથ્થરની ધરતી પર પણ માણસ ઊંઘી જાય છે. નીંદરનો પણ વિકલ્પ છે."

છેલ્લે ચોથી માતાજી શાંતિથી આગળ આવી. "હું આશા માતા છું," તેમણે કહ્યું. "મારી સામે કોઈ ટકે છે? હું જ સૌથી મોટી છું, નહીં કે? પેન્ડોરા માંથી જે અલગ અલગ ચીજો નીકળી હતી તેમાંની હું છેલ્લી. આ એ વસ્તુ છુ જેના આધારે માણસો વર્ષો સુધી જીવી જાય છે.”

એટલે કહ્યું છે.

आशा नाम मनुष्याणां काश्चिदाश्चर्यशृङ्खला। यया बद्धा प्रधावन्ति मुक्तास्तिष्ठन्ति कुत्रचित्।।

આ સુભાષિત કહે છે કે આશા મનુષ્યો માટે એક અદ્ભુત સાંકળ છે. જે લોકો તેનાથી બંધાયેલા હોય છે, તેઓ અહીં-તહીં દોડતા રહે છે, અને જે તેનાથી મુક્ત થાય છે, તેઓ એક જગ્યાએ સ્થિર રહે છે.


દક્ષા વહુએ ઝૂકીને તેમના ચરણ સ્પર્શ્યા અને કહ્યું, "માતાજી, આશાનો કોઈ વિકલ્પ નથી. આશા એ જીવનનો આધાર છે. આશાના બળે માણસ સો વર્ષનું જીવન જીવે છે. પણ જો આશા તૂટે, તો ભલે ઘરમાં લાખોની સંપત્તિ હોય, માણસ જીવવાનું બળ ગુમાવે છે."

દક્ષા વહુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "આશા એ જીવનનો અજવાળું છે. તેના વિના અંધકાર જ છે. કહેવાય છે ને, 'આશા રાખે એ જીવે, નિરાશા એ મૃત્યુનો પહેલો પગથિયું.' આજે વિશ્વમાં સંકટ છે, રોગ છે, ડર છે. પણ આશાના દીવા સામે આ અંધકાર શું ટકે? આ ઝેરમાંથી જ અમૃત નીકળશે. માણસ જીતશે, માનવતા હંમેશાં વિજયી થશે."

आशा नाम मनुष्याणां काश्चिदाश्चर्यशृङ्खला। यया बद्धा प्रधावन्ति मुक्तास्तिष्ठन्ति कुत्रचित्।।

આશા મનુષ્યો માટે એક અદ્ભુત સાંકળ છે. જે લોકો તેનાથી બંધાયેલા હોય છે, તેઓ અહીં-તહીં દોડતા રહે છે, અને જે તેનાથી મુક્ત થાય છે, તેઓ એક જગ્યાએ સ્થિર રહે છે.

"આશા માતાની જય”