બૌધિક નિર્ણય
એક મહિલા બજારમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેને લાગ્યું કે એક પુરુષ તેનો પીછો કરી રહ્યો છે. મહિલાએ રોકાઈને, નમ્રતાથી પૂછ્યું, "તમને શું તકલીફ છે?"
પુરુષે રોમેન્ટિક અંદાજમાં જવાબ આપ્યો, "તમે એટલા સુંદર છો કે હું તો તમારા પર ફિદા થઈ ગયો!"
મહિલાએ ચપળતાથી કહ્યું, "અરે, હું તો કંઈ ખાસ નથી! મારી પાછળ મારી બહેન આવી રહી છે, એ તો મારા કરતાંય વધુ સુંદર છે!"
બસ, એટલું સાંભળતાં જ પુરુષે ઉત્સાહમાં પાછળ ફરીને જોવા માટે ગરદન ઘુમાવી. પણ તરત જ, મહિલાએ ઝડપથી એક જોરદાર થપ્પડ રસીદ કરી અને એવું ઐતિહાસિક વાક્ય બોલી કે બજારમાં બધાં હસવા લાગ્યાં.
"જે ખરેખર લટ્ટુ થાય છે, એ ક્યારેય પાછળ ફરીને નથી જોતા!"
આ સાંભળીને પુરુષનો ચહેરો લાલ થઈ ગયો, અને બજારમાં ઉભેલા લોકોના હાસ્યનો માહોલ બની ગયો.
હોશિયારી
ગામના ચોકમાં એક દિવસ લોકોની ભીડ ભેગી થઈ. ગામના બે બુદ્ધિશાળી છોકરાઓ, શાસ્ત્રીજીનો દીકરો શિવમ અને વેપારીનો દીકરો ધીરજ, વચ્ચે એક રસપ્રદ સ્પર્ધાનું આયોજન થયું. ગામના લોકોએ નિયમ બનાવ્યો: દૂર ખેતરમાં આવેલા ગોડાઉનમાં બિલાડીએ બચ્ચાં જન્મ્યાં છે. જે છોકરો સૌથી ઝડપથી દોડીને બચ્ચાંની સંખ્યા ગણીને પાછો આવી જણાવશે, એને ગામનો સૌથી હોંશિયાર ગણવામાં આવશે.
સ્પર્ધા શરૂ થઈ! ધીરજે ઝડપથી પગમાં પવન ભર્યું અને ગોડાઉન તરફ દોડ્યો. થોડી જ વારમાં હાંફતો-હાંફતો પાછો આવ્યો અને બોલ્યો, "કુલ 6 બચ્ચાં છે!" થોડીવાર પછી શિવમ પણ શાંતિથી પાછો ફર્યો અને બોલ્યો, "હા, 6 બચ્ચાં જ છે!" ગામલોકો ખુશ થયા, પણ તેમણે નક્કી કર્યું કે સ્પર્ધામાં થોડો ટ્વિસ્ટ ઉમેરવો જોઈએ!
તેમણે પૂછ્યું, "એમાંથી કેટલાં બચ્ચાં ધોળાં છે અને કેટલાં રાતા?" ધીરજ ફરી એકવાર રેસરની જેમ ગોડાઉન તરફ ભાગ્યો. પણ શિવમ? એ તો એમ જ ઊભો રહ્યો, શાંત ચિત્તે વિચાર્યું, અને બોલ્યો, "4 ધોળાં અને 2 રાતા!" થોડી વારમાં ધીરજ હાંફતો-ઝાંફતો પાછો આવ્યો અને એણે પણ એ જ જવાબ આપ્યો, "4 ધોળાં, 2 રાતા!"
ગામલોકોએ હવે એક આખરી સવાલ ફેંક્યો, "એમાંથી કેટલાં નર બચ્ચાં છે અને કેટલાં માદા?" ધીરજ ફરીથી પવનની જેમ દોડ્યો, પણ શિવમે શાંતિથી, બુદ્ધિનો દીવો પ્રગટાવીને જવાબ આપ્યો, "3 નર અને 3 માદા!" ધીરજ પાછો આવ્યો, થાકેલો, પરસેવે રેબઝેબ, અને એણે પણ એ જ જવાબ આપ્યો, "3 નર, 3 માદા!"
ગામલોકો હસવા લાગ્યા, પણ હવે સવાલ એ હતો કે વિજેતા કોને ગણવો? ધીરજ ઝડપી હતો, પણ શિવમની બુદ્ધિ અને યાદશક્તિ અજોડ હતી. શિવમે એક જ વાર ગોડાઉનમાં જઈને બધું યાદ રાખ્યું હતું, જ્યારે ધીરજે દરેક સવાલ માટે દોડવું પડ્યું. ગામલોકોએ શિવમને વિજેતા જાહેર કર્યો, કારણ કે એણે બતાવ્યું કે સાચી બુદ્ધિ એ છે જે એકવાર જોયેલું કાયમ માટે યાદ રાખે.
ભીંડા
સાલભરથી પથારીમાં પડેલી સાસુ માંએ પોતાની વહુને બોલાવી, "હીના ઓ હીના, અરે બેટી, અહીં તો આવ." ...
"ઉફ્ફ, આ બુઢ્ઢી જ્યારથી પથારી વશ છે, મારું જીવન નરક બનાવી દીધું છે, ચૂપચાપ પથારીમાં પડી પણ રહી શકતી નથી," સાસુ પર બડબડતી હીનાએ કડવી જીભે પૂછ્યું, "શું આફત આવી પડી માજી, જે તમે ગળું ફાડીને બૂમો પાડી રહ્યા છો?"
ડરી ગયેલી સાસુએ ગલી તરફ ઇશારો કર્યો. ત્યાં એક શાકવાળો પોતાનો ઠેલો સજાવીને ઊભો હતો. માં બાળકોની જેમ હઠ કરતાં બોલ્યા, "આજે મારું હિંગ-અજમોનો તડકો લગાવેલી ભીંડાનું શાક ખાવાનું ખૂબ મન છે, વહુ."
"હે ભગવાન! હાડકા સ્મસાન ભેગા થઇ રહ્યા છે, પણ જીભના ચટાકા ઓછા થતાં નથી આ ડોસીના," બડબડતી હીનાએ પૈસા ન હોવાનું બહાનું બનાવ્યું અને કહ્યું કે રાત્રે વટાણા-બટાકાની શાક બનશે તો તે જ ખાવું પડશે. એમ કહીને તે ચાલી ગઈ.
લારી પર રાખેલી તાજી લીલી લીલી ભીંડા જોઈને આજે માજી નું મન લલચાઈ રહ્યું હતું. તેમણે ઇશારાથી શાકવાળાને બોલાવ્યો અને પૂછ્યું, " ભીંડા ના કેટલા છે?" શાકવાળાએ કહ્યું, "ચાલીસ રૂપિયે એક કિલો છે." માંજીએ પોતાનું ખીસ્સું ટટોળ્યું તો તેમાં દસ રૂપિયાની નોટ મળી. થોડા નિરાશ થઈને બોલ્યા, "દસ રૂપિયે કેટલા ભીંડા મળશે?" શાકવાળાએ કહ્યું, "માજી, પંદર તો આવી જ જશે."
"અચ્છા, તું મને દસ રૂપિયાના ભીંડા આપી દે," માજી ખુશ થતાં બોલ્યા. કાચી કાચી ભીંડા ની થેલી પોતાના ઓશીકા પાસે રાખીને માજી શાકના સ્વાદમાં જાણે ડૂબકી લગાવવા લાગ્યા.
રાત્રે હીનાએ ખાવા માટે જ્યારે માજીને બોલાવ્યા તો જોયું કે તેઓ આ સંસારમાંથી વિદાય લઈ ચૂક્યા હતા. સવારે બધા સગાં-સંબંધીઓની સામે હીના નકલી આંસુ વહાવીને માજીના જવાનો શોક વ્યક્ત કરી રહી હતી. અને તે જ સમયે, એક ખૂણામાં થેલીમાં પડેલી તે ભીંડા કોઈના પગ નીચે આવી જવાથી કચડાઈને પડી હતી.
ખરેખર તો માનવતા કચડાઈ ગઈ હતી.
તેરમાના શ્રાધ કરવાનું થયું. હીનાએ પોતાના વરને કહ્યું, ‘ મારાજને કિલો ભીંડા જરૂર આપજો.’
માજી મૃત્યુ પછી નડવા ન જોઈએ. બસ એટલુજ હતું. એને માટે.
ભીંડા હવે ખરેખર કચડાઈ ગયા હતા.