College campus - 135 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 135

Featured Books
  • The Glory of Life - 5

    પ્રકરણ 5 : એક વખત એક માણસ પોતે પોતાના જીવન માં સર્વસ્વ ત્યાગ...

  • તલાશ 3 - ભાગ 56

    ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

  • જીવન પથ - ભાગ 29

    જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૨૯         એક ભાઈ પૂછે છે,‘માણસ જીવનમ...

  • એકાંત - 26

    હાર્દિકની પત્ની રિંકલની જોબ પાટણ ટ્રાન્સફર થઈ ગઈ. હાર્દિકે પ...

  • તણાવમુક્ત પરીક્ષા

    પુસ્તક પરિચય : મારી વહાલી પરીક્ષાલેખક : ડૉ. નિમિત ઓઝાપ્રકાશક...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 135

પ્રાપ્તિ તો જાણે ઉછળી રહી હતી, "અરે તે સાંભળ્યું નહીં? આ તો ડાન્સ ક્લાસ ચલાવે છે.. ડાન્સ ક્લાસ.‌‌. એટલે એને કેટલો જોરદાર ડાન્સ આવડતો હોય.‌. હું તો તેની પાસેથી જ શીખીશ.. અને પછી તો આપણું પર્ફોર્મન્સ જોરદાર હશે‌.‌."

"શું આમ ગમે તેની વાતોમાં આવી જાય છે?"બંને જણાં પ્રેક્ટિસ હોલમાં પહોંચી ગયા..સૌનું ધ્યાન તેમની તરફ જ હતું.કારણ કે તેમની પાછળ પાછળ કોલેજના મ્યુઝિક ટીચર ક્રીષ્ના શ્રીવાસ્તવ આવી રહ્યા હતા.

ક્રીષ્ના શ્રીવાસ્તવ કલાના પ્રશંસક હતા અને કલા પ્રત્યેના પોતાના અભિગમ બાબતે થોડા સ્ટ્રીક્ટ પણ હતા..

છોકરાઓએ જાતે બનાવેલા પ્રોગ્રામના લિસ્ટ ઉપર અને ડાન્સ તેમજ ડ્રામાના પાર્ટીશિપેટ્સના લિસ્ટ ઉપર તેમણે પોતાની નજર સ્થિર કરી અને કહ્યું કે, "ડ્રામામાં કોને કયો રોલ આપવો અને ડાન્સમાં કોની સાથે કોને પેરમાં રાખવા તે હું નક્કી કરીશ તેમ જ થશે.."અને તેમની આ વાત સાંભળીને આખાયે હોલમાં સોપો પડી ગયો...

ગરદન સુધીના લાંબા ભૂરા રંગના વાળ, પીસતાળીસ વર્ષની ઉંમર, વીસ વર્ષના યુવાનને પણ શરમાવે તેવો ગજબનો મજબૂત બાંધો, લાંબી વધારેલી આછી સફેદ દાઢી તેમની તગતગતી ગોરી ત્વચાને ઓર નિખાર આપતી હતી.. આજે પણ કોલેજની કેટલીય યુવતીઓ તેમને એકીટશે જોઈ રહેતી હતી...રેડ કલરનો કુર્તો અને વ્હાઈટ પાયજામો તેમજ પગમાં પ્યોર લેધરની મોજડી, એક આકર્ષક પર્સનાલિટી ધરાવતા... મિ‌. ક્રીષ્ના શ્રીવાસ્તવ જે નક્કી કરવાના હતા તે વિશે સૌના મનમાં મૂંઝવણ અને અટકળો ચાલી રહી હતી...તે કલાના સાધક હતા અને ડાન્સ પર્ફોર્મન્સમાં પણ તેમનો હંમેશા પહેલો નંબર જ આવતો હતો..

દરેક સ્ટુડન્ટના ધબકારા વધી ગયા હતા અને દરેકના મનમાં ઈશ્વરના નામનું રટણ જ ચાલતું હતું કે, હે પ્રભુ મારે જેને મારો પાર્ટનર બનાવવો છે એ જ મારો પાર્ટનર બને..મારી લાજ રાખજે પ્રભુ..!

કવિશા અને ઋષિલ મલ્હોત્રા, પ્રાપ્તિ અને દેવાંશ, મયંકની સાથે મેઘનાનું નામ ગોઠવાઈ ગયું હતું...

એક પછી એક જોડીના નામ બોલાતા ગયા થોડી થોડી ગરબડને કારણે ઘણાં બધાં વિધ્યાર્થીઓના જાણે પ્રાણ પંખેરું ઉડી ગયા હતા..

કેટલીક છોકરીઓ તો રડું રડું થઈ ગઈ હતી..

મિ. ક્રીષ્ના શ્રીવાસ્તવનું ઉદ્બબોધન ચાલુ જ હતું... તે સમજાવી રહ્યા હતા કે, ઈશ્વરે આપણને સૌને આ પૃથ્વી ઉપર એક ડ્રામા પ્લે કરવા માટે જ મોકલ્યા છે અને આપણે એ રોલમાં કેવા ઓતપ્રોત થઈ ગયા છીએ... તો બસ એમ જ આ ડ્રામામાં પણ આપણે એવા તો ઓતપ્રોત થઈ જવાનું છે કે આપણે સાચે જ એ કેરેક્ટરની જિંદગી જીવવાની છે...ડાન્સ અને ડ્રામા બંને એક કલા છે માટે તેમાં તમને જે રોલ પ્લે કરવા મળે તે ખૂબજ સુંદર રીતે પ્લે કરવાનો છે.

મિ. ક્રીષ્ના શ્રીવાસ્તવનું ઉદ્બબોધન પૂરું થયું એટલે તેમણે ડાન્સ પર્ફોર્મન્સ માટેની જોડીઓ બનાવવાનું ચાલુ કર્યું.

એક પછી એક જોડીની તે જાહેરાત કરતા ગયા....

નીખીલ સાથે હેત્વી મયંક સાથે મેઘનામિહિર સાથે અનુશ્રી ઋષિલ સાથે કવિશા દેવાંશ સાથે પ્રાપ્તિ આર્યન સાથે માહી

મિ. શ્રીવાસ્તવની આ ગોઠવણીથી દેવાંશ અને પ્રાપ્તિ બંને નાખુશ હતા ઋષિલને તો ભાવતું હતું અને વૈદે કીધું એવું હતું, જ્યારે કવિશાને તો જાણે આ બધામાં કંઈ રસ જ નહોતો એટલે તેની સાથે પેરમાં કોઈપણ આવે તેને કોઈ જ ફરક પડતો ન હતો એટલે તે ચૂપચાપ બેઠી હતી...

જેને જેને વિરોધ હતો તેમણે આંગળી ઉંચી કરીને સરને કહ્યું કે, "સર અમારે તમને કંઈક કહેવું છે.."

જેના હાથ નીચેથી દર વર્ષે આવા કેટલાય યુવાન હૈયા પાસ આઉટ થઇને નીકળતા જ હોય તેમને સ્ટુડન્ટ્સના મનનો ઉચાટ અને અસંતોષનું કારણ અને તેમના મનમાં ચાલી રહેલી અટકળોનો  અંદાજ સારી રીતે હોય જ...!!એટલે તેમણે બધા જ સ્ટુડન્ટ્સની સામે જોયું અને કહ્યું કે, "તમને દરેકને તમારી વાત રજૂ કરવાનો ચાન્સ આપવામાં આવશે પહેલા મારી બધી જ વાત પૂરી થઈ જવા દો.."

વિશાળ હોલમાં ચૂપકીદી છવાઈ ગઈ...

હવે મિ. શ્રીવાસ્તવે ડ્રામાનું નામ "હાથના કર્યા હૈયે વાગ્યા" જાહેર કર્યું... અને તેને માટે કેરેક્ટર સિલેક્ટ કર્યા...જેમાં કવિશા, દેવાંશ, ઉત્કર્ષ, નીકીતા, આસવ અને રુહીની પસંદગી થઈ....

બીજા જે સ્ટુડન્ટ્સ બાકી રહ્યા તેમના પણ એક પછી એક અલગ અલગ પ્રોગ્રામમાં નામ જાહેર કરી દેવામાં આવ્યા.

અચાનક હોલમાં ગુસપુસ ગુસપુસ વાતો ચાલુ થઈ ગઈ એટલે મિ. શ્રીવાસ્તવે વાંચવાના ચશ્મા સહેજ નીચે ઉતાર્યા અને આંખો કાઢતા હોય તેમ દરેકની સામે જોઈને પોતાની નારાજગી દર્શાવી અને શાંતિ રાખવા ઈશારો કર્યો...

ફરીથી હોલમાં શાંતિ છવાઈ ગઈ....

"હવે જેને જે કહેવું હોય તે કહી શકે છે.." શ્રીવાસ્તવે જાહેર કર્યું....

પાછું બધાએ એકસાથે બોલવાનું શરૂ કરી દીધું.."એક પછી એક પોતાની રજૂઆત કરશો તો સારું રહેશે..." શ્રીવાસ્તવે જરા કડક અને મોટા અવાજે કહ્યું.

હવે જેને જેને ફરિયાદ હતી તેમણે ફરીથી આંગળી ઉંચી કરી.

શ્રીવાસ્તવે એક પછી એક બધાને તેમની તકલીફ પૂછી અને તેનું સોલ્યુશન કરતા ગયા.

પરંતુ દેવાંશની કવિશા સાથે ડાન્સ કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ.

ફાઈનલ લિસ્ટ તૈયાર થઈ ગયું અને તે પ્રમાણે બીજે દિવસથી પ્રેક્ટિસ પણ શરૂ થઈ જશે તેમ મિ. શ્રીવાસ્તવે જણાવ્યું.

સમય ઘણો થઈ ગયો હતો. એક પછી એક દરેક સ્ટુડન્ટ અંદર અંદર વાતો કરતાં કરતાં હોલની બહાર નીકળવા લાગ્યા.

દેવાંશ કવિશાને બૂમો પાડતો પાડતો તેની પાછળ પાછળ દોડી રહ્યો હતો.

**************

ધાર્યા કરતાં શિવાંગની મિટિંગ થોડી વહેલી જ પૂરી થઈ ગઈ હતી તેની નજર સમક્ષ પોતાની લાડકી દીકરી પરીનો માસૂમ દયામણો ચહેરો આવી ગયો અને તેણે પોતાની કાર પરીના ક્લિનિક તરફ હંકારી મૂકી...

રસ્તામાંથી તેણે પરીને ફોન કર્યો કે તે ક્લિનિક ઉપર આવી રહ્યો છે પરંતુ અનફોર્ચ્યુનેટલી પરીને ડૉક્ટર નિકેત સાથે આઉટસાઈડ એક પેશન્ટ ચેક કરવા માટે જવાનું થયું હતું.

શિવાંગ હોસ્પિટલ ઉપર પહોંચી ગયો અને પોતાની માધુરીના રૂમમાં દાખલ થયો.

માધુરી પાસે જઈને બેઠો અને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને પંપાળવા લાગ્યો..

આજે જાણે તે માધુરીને ભાનમાં લાવવાનું નક્કી જ કરીને આવ્યો હોય તેમ તે માધુરીને વળગી પડ્યો...

આજે આ રૂમમાં તેની માધુરી અને તેના સિવાય બીજું કોઈ જ નહોતું.

ઘણાં બધા સમયથી જાણે આ એકાંતને તે ઝંખતો હતો.. તરસતો હતો... તે પોતાની માધુરીને એવી રીતે વળગી પડ્યો હતો કે જાણે આજે તેનાથી જરાપણ અળગો થવા ન ઈચ્છતો હોય...

માધુરીનો કોમળ સ્પર્શ થતાં જ તેને પોતાના જૂના દિવસો યાદ આવી ગયા અને તે પોતાની માધુરીને વધારે ને વધારે પોતાના આલિંગનમાં જકડતો ગયો અને જાણે એક વેલ પોતાના મજબુત ઝાડને વીંટળાઈ વળે તેમ કોમામાં સ્થિર થયેલી પોતાની માધુરીને વીંટળાઈ વળ્યો..

અને એક નાના બાળકની માફક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો....

તેને પોતાને પણ ખબર નહોતી કે તે શું કરી રહ્યો છે..?

છેલ્લા બે દશકાથી આ રૂદન તેણે પોતાના હ્રદયમાં દફનાવીને રાખ્યું હતું...

આજે તેને આમ છૂટ્ટા મોં એ રડતાં રોકવા વાળું અહીંયા કોઈ હાજર નહોતું...

આજે તેને ભૂતકાળનો એક એક દિવસ અને એક એક ક્ષણ પિક્ચરના રિલની માફક તેની નજર સામેથી પસાર થઈ રહ્યા હતા અને એ બધાએ તેના હ્રદયને હચમચાવી મૂક્યું હતું... વલોવી નાખ્યું હતું...

આજે તેની નજર સમક્ષ પહેલા દિવસે કોલેજના ગેટમાંથી એન્ટર થતી માધુરી આવીને ઉભી હતી..

અને તેને શેકહેન્ડ કરતાં કરતાં તેનો હાથ પકડીને તે સ્થિર થઈ ગયો હતો અને તેની આંખોમાં ખોવાઈ ગયો હતો...

ત્યારે તેને તેની ફ્રેન્ડ આરતીએ જોરથી ઠૂંહો માર્યો હતો અને તેને ભાનમાં લાવવાની કોશિશ કરી હતી કે, "એ બુદ્ધુ માધુરીનો હાથ છોડ" અને ત્યારે તે ભાનમાં આવ્યો હતો...

આજે તેની નજર સમક્ષ એક પછી એક તમામ ઘટનાઓ પસાર થઈ રહી હતી અને તે ભૂતકાળમાં ને ભૂતકાળમાં સરી રહ્યો હતો....વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ     8/6/25